વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૨

સંવત ૧૮૮૪ના ભાદરવા વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પાઘને વિષે ધોળાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠને વિષે ધોળાં પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ-સરોદા લેઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજીમહારાજ અંતર સન્મુખ દૃષ્ટિ કરીને વિરાજમાન હતા.

  પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૧) જેવું પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવાં અંગ હતાં, માટે અમે અંતર સન્મુખ દૃષ્ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્સંગમાં એવાં અંગવાળા હશે, અને જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. (૧)

  પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) નરસિંહ મહેતો તો સખીભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નરસિંહ મહેતા, ગોપીઓ અને નારદ-સનકાદિકની ભક્તિમાં બે પ્રકાર નથી; એ તો એક પ્રકાર જ છે. અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી; એ તો સત્તામાત્ર ચૈતન્ય છે. (૨) તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર  ધરીને ભગવાનની સેવા કરે છે. (૩) અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન-સ્ત્રીઆદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહિ, અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુવાસના બાંધે છે તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાણું હોય તેને તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ, શા માટે જે સત્સંગી હરિજન છે તે તો જેવાં પોતાનાં મા-બોન-દીકરી હોય તેવાં છે. અને આ સંસારને વિષે અતિશે જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશે પાપી છે, ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ, માટે જેને રસિક ભક્ત થાવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થાવું. (૪) અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દોષબુદ્ધિ થાય ને તે દોષબુદ્ધિએ કરીને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય માટે કોટિ ગૌહત્યા કરી હોય તથા મદ્ય-માંસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તે એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય ને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. પછી તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થાતો નથી. (૫) અને જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહી ન થયો હોય તેની તો દ્રોહબુદ્ધિ મોટાપુરુષને સંગે કરીને ટળે છે, પણ જેની પરિપક્વ દ્રોહબુદ્ધિ થઈ હોય તેની તો કોઈ યોગે કરીને દ્રોહબુદ્ધિ ટળે નહિ, અને દ્રોહ કર્યાની સાધનદશામાં હોય ને એમ જાણે જે ભગવાન ને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશે નીચ છું અને ભગવાન ને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે એવી રીતે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાને વિષે દોષ જુએ, તો ગમે તેવાં મોટાં પાપ કર્યાં હોય તોપણ તે નાશ પામે છે અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુઃખાય છે તેવા કોઈ પાપે કરીને દુઃખાતા નથી. અને જ્યારે વૈકુંઠલોકમાં જય-વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા ને સનકાદિક પ્રત્યે એમ બોલ્યા જે, તમ જેવા જે સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે, માટે તમે જય-વિજયને શાપ દીધો એ બહુ સારું કર્યું અને તમ જેવા ભગવદી બ્રાહ્મણ તેનો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું તો બીજાની શી વાત કહેવી ! એવી રીતે વૈકુંઠનાથ ભગવાન સનકાદિક પ્રત્યે બોલ્યા ને જય-વિજય હતા, તે ભગવદીના અપરાધરૂપી જે પાપ તેણે કરીને દૈત્ય થયા. એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે તે શાસ્ત્રમાં વાત પ્રસિદ્ધ છે. માટે જેને પોતાનું રૂડું ઇચ્છવું તેને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ ને જો જાણે-અજાણે કાંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું. (૬) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૨।। (૨૫૬)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે, તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષેથી પ્રીતિ ટળી જાય છે ને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. (૧) ને બીજામાં સખીભાવે અથવા દાસભાવે અમને ભજે તે બેયની ભક્તિ એક જ છે. (૨) અને અમારો ભક્ત દેહ મૂકીને ધામમાં જાય છે ત્યારે અમારી કાં ભક્તની મરજી હોય તેવો આકાર બંધાય છે. (૩) અને સત્સંગી બાઈ ઉપર કુદૃષ્ટિએ જુએ તે અતિશે પાપી છે. (૪) અને અમારા ભક્તનો દ્રોહ કરે તે રાક્ષસ થઈ જાય છે. (૫) અને પરિપક્વ દ્રોહી ન થયો હોય તેની દ્રોહબુદ્ધિ મોટાપુરુષને સંગે ટળે છે, અને પરિપક્વ દ્રોહીની કોઈ યોગે દ્રોહબુદ્ધિ ટળતી નથી ને અમારા ભક્તના દ્રોહ કરનારા ઉપર અમારો અતિશે કુરાજીપો થાય છે, ને તેણે અમને અતિશે વશ કર્યા હોય ને અમારે વિષે અતિશે એકતા થઈ હોય ને જેમ હાથ સેવા કરે તેમ હાથની પેઠે સેવા કરતો હોય તોપણ તેનો ત્યાગ કરી દઈએ અને જેનો દ્રોહ થયો હોય તે રાજી થાય તેમ કરવું. (૬) બાબતો છે.

         પ્ર (૨/૩ બીજા પ્રશ્નમાં) અમારી વા ભક્તની મરજી પ્રમાણે આકાર ધરીને અમારી સેવામાં રહે છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજની મરજીથી કેવો આકાર બંધાતો હશે ? ને પોતે કેવો આકાર ધરતો હશે ? ને ધામમાં સેવા શી હશે ?

       જેને વિશ્વાસનું અંગ હોય તે જ્ઞાનમાર્ગ સમજતો ન હોય જે ભગવાનના ધામમાં કેવી રીતે રહેવાતું હશે તેને ભગવાન પોતાના જેવો મૂર્તિમાન કરે છે તે ભગવાનની ઇચ્છાએ આકાર બંધાયો કહેવાય અને જેને જ્ઞાનનું અંગ હોય તે એમ જાણે જે ભગવાનના ધામમાં ભગવાનના સરખા આકારવાળા મુક્ત રહ્યા છે તેવા મૂર્તિમાન આપણ થઈશું એમ જાણે તેને પણ ભગવાન પોતા જેવો મૂર્તિમાન કરે એ ભક્તની ઇચ્છાથી બંધાયો કહેવાય, ને શ્રીજીમહારાજને વિષે દાસપણું રાખવું તે સેવા કહી છે. ।।૨૨।।