પુષ્પ ૧
એક સમયે મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને હરિભક્તો લાભ લેતા હતા.
કોઈકે પૂછ્યું, “સ્વામી, તમે બહુ દાખડો કરો છો. મંદિરમાં ઘણા સાધુ છે પણ આપ તો રાત્રિ-દિવસ કષ્ટો વેઠો છો. સ્વામી, આ દાખડા શા માટે ?”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા : “આ ફેરે શ્રીજીમહારાજની અજોડ સર્વોપરી ઉપાસનાનું સુવર્ણ સ્થાપન કરવું જ છે. તેથી અમે આ નેમ લઈને મંડ્યા છીએ. એટલે તો અમે જોગમાં આવનારને એક શ્રીજીમહારાજની શુદ્ધ સર્વોપરી ઓળખાણ કરાવીએ છીએ...”
“સ્વામી, તમને કોઈનો સાથ-સહકાર કે સથવારો પણ નથી.” કોઈક હરિભક્ત બોલ્યા.
“મહારાજની જેમ ઇચ્છા હશે તેમ થશે. વળી અમે એકલા નથી. અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ અમારી ભેળા છે. મહારાજનો જ સંકલ્પ છે ને એ જ પૂર્ણ કરશે...”
ગુરુવર્ય પ.પૂ. બાપજીની મહારાજ પ્રત્યે નિષ્ઠા જોઈ તે હરિભક્ત દિગ્મૂઢ બની ગયા. અને બાપજીની ‘સર્વોપરી ઉપાસનાના સુવર્ણ સ્થાપન’ કરવાના સંકલ્પ માટેની કષ્ટદાયી ગાથા મનોમન વાગોળી રહ્યા.
પુષ્પ ૨
અજોડ સર્વોપરી ઉપાસનાનું સુવર્ણ સ્થાપન કરવાની પહેલ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ઘનશ્યામનગરથી કરી હતી. ઈ.સ. ૧૯૭૦માં ઘનશ્યામનગર મંદિર માટે લેવાયેલી જમીન પર શિલારોપણ કર્યું.
શિલાન્યાસ તો થઈ ગયો પરંતુ નાણાં, માણા, પાણા ને દાણાની તંગીના વિકટ સમયમાં મંદિરનું કાર્ય કેવી રીતે આગળ વધારવું એ એક જટીલ પ્રશ્ન હતો. એ વખતે સિમેન્ટની થેલી ૧૦ રૂપિયાની, ઈંટની ગાડીના ૭૦ રૂપિયા તથા ઘનફૂટ લાકડાંના ૩૫ રૂપિયા હતા. આટલી સોંઘવારી હોવા છતાં બાંધકામ કરવા માટે કેવી રીતે આ બધું લાવવું એ પ્રશ્ન મૂંઝવતો.
કારણ, તેને લાવવા ૧ રૂપિયાની પણ સેવા આવી નહોતી અને સામે ત્રણ માળનું ગગનચુંબી મંદિર કરવાનું હતું. તેથી મંદિરનું બાંધકામ આગળ વધારવા ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તો સાથે સેવા ઉઘરાવવા જતા. એક એક, બે બે, પાંચ-પચ્ચીસ રૂપિયાની સેવાની પહોંચો ફાડી સેવા ઉઘરાવતા.
ઘનશ્યામનગર મંદિરની બાંધકામની સેવામાં સૌથી વધારે સેવા શાંતિલાલ ભગવાનભાઈ પટેલની ૫૦૦ રૂપિયા હતી. કોઈ સુખી હરિભક્તો પાસેથી ૨૫૦ રૂપિયા તો કોઈ પાસેથી ૧૦૦ રૂપિયા મળતા. બાકી બહુધા પહોંચો તો ૨૫, ૧૦, ૫, ૨ રૂપિયાની જ હતી.
મંદિરની સેવાના ખરડા માટે ગુરુવર્ય પ.પૂ. બાપજી ટ્રકમાં બેસી છેક હૈદરાબાદ-સિંકદરાબાદ પધાર્યા હતા. ત્યાં ૧૦-૧૨ દિવસ વિચરણ કરી ૧,૩૬૮ રૂપિયાની સેવા મંદિર માટે લાવ્યા હતા. એવી નાણાંની ભીડમાં પણ શ્રીજીમહારાજના સંકલ્પે અને ગુરુવર્ય પ.પૂ. બાપજીના જોમ-જુસ્સાથી મંદિરનું કામ આગળ વધતું હતું.
તેમાં ૧ રૂપિયો પણ વ્યર્થ વેડફાઈ ન જાય તેનો ખટકો ગુરુવર્ય પ.પૂ. બાપજી ખુદ પોતે રાખતા. મંદિરના પાયા ખોદાયા ત્યારથી તેના નિર્માણકાર્યને વિસ્તારવામાં એમનું યોગદાન અનન્ય રહ્યું હતું. આ મંદિરનો એક એક કણ એમની સેવાભાવનાનો સાક્ષી બની રહ્યો હતો.
એ અરસામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બહુધા મોટા મંદિરે બિરાજતા પરંતુ મંદિરની દેખરેખ માટે તથા હરિભક્તોને બળિયા કરવા માટે ઘનશ્યામનગર પધારતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી છેક કાલુપુરથી ઘનશ્યામનગર મંદિર લગભગ સાડા સાત કિ.મી. ચાલતા જ પધારતા.
એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું કે, “સ્વામી, તમે છેક કાલુપુરથી ચાલતા આવો છો તો તેના કરતાં રિક્ષામાં આવતા હોય તો ! રિક્ષાનું ભાડું માત્ર ૨ રૂપિયા જ છે. તો શા માટે આટલા પગ દુખાડો છો ?”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત કહ્યું, “હરિભક્તોએ રૂપિયાની સેવા મંદિરના બાંધકામ માટે કરી છે; રિક્ષાના ભાડા માટે સેવા નથી કરી. આ ઠાકોરજીનું નાણું કહેવાય. એ આપણા માટે ન વપરાય. મહારાજ એમાં રાજી ન થાય.”
“સ્વામી, તમે આટલું બધું ચાલીને આવો છો. પછી જરીયે આરામ ન કરતાં મંદિરના બાંધકામની સેવા પણ દેહની પરવા કર્યા વગર કરો છો. અને ફરી ચાલતા કાલુપુર મંદિર પાછા પધારો છો અને વળી આટલાં કષ્ટો પછી જમો છો માત્ર હળદર વગરની ખીચડી...! માટે અમારી વાત આપ સ્વીકારો...”
“અમને તો મહારાજે કહ્યું છે : જે સહન કરે તે સાધુ. માટે અમારે એમની આજ્ઞા ન લોપાય ને !”
હરિભક્તોએ દિવ્યપુરુષની અપાર કષ્ટોની અસહ્યતા જોઈ હતી એટલે સૌ એમને પ્રાર્થના કરતા.
મંદિરના બાંધકામને પોતે જાતે પાણી છાંટતા, રેતી ચાળતા, કપચી વીણતા, ઈંટો ચડાવતા કારણ એટલા તો મજૂરીના પૈસા ઓછા આપવા પડે.
આવી રીતે અનેક કષ્ટો વેઠીને તથા માન-અપમાન સહી સેવા ઉઘરાવી. કેટલાક અજ્ઞાનીઓ અપમાન કરતા : “હાલતીના થાવ... ઉઘરાણા કરવા નીકળ્યા છો... સ્વામિનારાયણના ઘરે ક્યાં ખોટ છે... તે માગતા શરમ નથી આવતી... નકટાઓ...”
અનેક ધુત્કાર ને ફિટકાર મળવા છતાંય એ દિવ્યપુરુષે એની છાંટરૂપી ઓટ હૈયામાં ક્યારેય આણી નથી.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અજોડ ઉપાસનાનું સ્થાપન કરવા મંદિર તૈયાર કર્યું. તેના પાયામાં અનેક કષ્ટોનું પુરાણ અને પરસેવાના પાણીનું સિંચન કર્યું હતું.
શ્રીજીમહારાજના સંકલ્પે અને સદ્. મુનિસ્વામીના આશીર્વાદે જોતજોતામાં ચાર વર્ષમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ ગયું અને શુદ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત સૌપ્રથમ મંદિરમાં ઘનશ્યામ મહારાજ મુક્તમંડળે સહિત બિરાજમાન થયા.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વાર અજોડ ઉપાસનાનું સુવર્ણ સ્થાપન ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કરી શુદ્ધ ઉપાસના પ્રવર્તનનો ક્રાંતિકારી નવો ઉઠાવ આપ્યો હતો.
આવી રીતે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મંદિરના પાયામાં અનેક કષ્ટોનું પુરાણ અને પરસેવાના પાણીનું સિંચન કરી અજોડ ઉપાસનાનું સુવર્ણ સ્થાપન કરતાં ચહુદિશે જયજયકાર થઈ ગયો હતો.