સિદ્ધાંતમાં સમાધાન નહિ અને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં

ઈ.સ. ૨૦૦૭ના નવેમ્બર માસમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને અવરભાવમાં છાતીમાં અસહ્ય દુખાવો થયો. સામાન્ય દુખાવો હોય તો તો કોઈને ખબર જ ન પડવા દે; સહી લે.

છાતીમાં સખત દુખાવો હોવાથી એન્જ્યોગ્રાફી કરાવી. ડૉક્ટર્સની સલાહ મુજબ હૃદયની બાયપાસ સર્જરી સત્વરે કરાવવી અનિવાર્ય હતી.

પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોએ ઑપરેશન કરાવવા માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીને ખૂબ પ્રાર્થના કરતાં તેમણે માંડ સંમતિ આપી.

તા. ૨૯-૧૧-૨૦૦૭ના રોજ અમદાવાદ ખાતે ક્રિષ્ના હાર્ટ હૉસ્પિટલમાં તાત્કાલિક ઑપરેશન કરાવવાનું નક્કી થયું. પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો તેની તજવીજમાં હતા.

તેમ છતાં અવરભાવમાં એ દિવ્યપુરુષ સતત એક ચિંતા જણાવતા હતા કે, “રખે ને ઑપરેશન કરાવતાં શ્રીજીમહારાજની નિષ્કામ ધર્મની અણીશુદ્ધ આજ્ઞાનો ભૂલેચૂકે પણ ક્યાંય લોપ થશે નહિ ને !! અમારી સાધુતામાં લગારેય આંચ આવશે તો નહિ ને !”

સામાન્ય રીતે હૉસ્પિટલમાં ઑપરેશન વખતે ઑપરેશન થિયેટરમાં ડૉક્ટર્સના મદદનીશ તરીકે મહિલા નર્સ જ હોય. તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ઑપરેશન વખતે મને બેભાન કરે ત્યારે કોણ ઑપરેશન થિયેટરમાં આવ્યું તેની કોને ખબર પડે ?” ડૉક્ટરો જો નર્સને જોડે રાખે તો બેશુદ્ધ અવસ્થામાં પણ શ્રીજીમહારાજની આજ્ઞા લોપાઈ જાય. એ તો સાધુની સાધુતામાં ફેર પડ્યો કહેવાય.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને તાત્કાલિક બોલાવ્યા. પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મૂંઝવણ રજૂ કરતાં કહ્યું, “સ્વામી, આપણે ઑપરેશન નથી કરાવવું; માંડી વાળો.”

પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “પણ કેમ ? શા માટે નથી કરાવવું ?”

“સ્વામી, મહારાજની આજ્ઞા એટલે આજ્ઞા. ધર્મામૃતની કોઈ આજ્ઞા લોપીને આપણે ઑપરેશન કરાવવું નથી.”

પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું કે, “બાપજી, આપ કઈ આજ્ઞા લોપાવાની વાત કરો છો ?”

ત્યારે તેમણે કહ્યું કે, “ઑપરેશનમાં ડૉક્ટર જોડે મહિલા નર્સ તો હોય જ ને ! તેથી ઑપરેશન માંડી વાળીએ. મહારાજની મરજી હશે તેમ થશે.”

છાતીમાં અસહ્ય દુખાવો થતો હોવા છતાં દેહના દુઃખને અવગણીને તેઓ નિયમ-ધર્મમાં અલ્પ છૂટછાટ મૂકવા માગતા નહોતા. તેથી તેઓ પોતાના નિર્ણયમાં અફર જ રહેશે તે વાતની પ્રતીતિ પ.પૂ. સ્વામીશ્રીને હતી જ તેથી પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “બાપજી, ઑપરેશન વખતે ઑપરેશન થિયેટરમાં ફક્ત ડૉક્ટર જ હાજર હશે અને જો કાંઈ જરૂર હોય તો નર્સને બદલે બ્રધર્સ (પુરુષ)ને જ અંદર લેશે એવી બધી જ શરત કરીને વ્યવસ્થા કરી છે. માટે અલ્પ આજ્ઞા પણ લોપાશે નહીં. આપ હવે એની કોઈ ચિંતા ન કરો.” આટલું સાંભળતાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજીને હાશ થઈ. તેઓ હળવા થયા.

ડૉ. રાજેશભાઈ સાથે ઑપરેશન દરમ્યાન સંતોના બધા જ નિયમ-ધર્મ સચવાશે જ તેવું નક્કી થઈ ગયું ને ત્યાં તો સેવામાં રહેલ ‘બ્રધર્સ’ (પુરુષ)ની એક વાત ગુરુવર્ય પ.પૂ. બાપજીના કર્ણપટ પર પડી હતી. “ઑપરેશન વખતે તો હૉસ્પિટલનો સ્ટરિલાઇઝ કરેલો ડ્રેસ ફરજિયાત છે.”

જે વાત તેમને મૂંઝવતી હતી. કારણ, સંતોને ભગવું લૂગડું એ પણ રામપુર ગામની માટીથી રંગેલું જ શરીર પર ધારણ કરાય, બીજું નહીં.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “સ્વામી, જો ઑપરેશન કરાવવું હોય તો ડૉક્ટરોને જે સેટિંગ કરવું પડે તે કરે પણ અમારા શરીરે તો ભગવું વસ્ત્ર જ રહેશે. આપણું કપડું ઓઢાડે તો આગળ વધો. આપણે બીજા રંગનું એમનું કપડું ન ચાલે. જો એમ ન થાય તો આપણે આજ્ઞા લોપીને ઑપરેશન કરાવવું નથી.”

જ્યાં અલ્પ સાધુતામાં ફેર પડે તેવું આવે કે તુરત ગુરુવર્ય પ.પૂ. બાપજી એક નિર્ણય પર આવી જાય કે, “આપણે ઑપરેશન કરાવવું નથી.”

પ.પૂ. સ્વામીશ્રીએ આ વાત ડૉક્ટરોને કહી. સંતોના નિયમ-ધર્મ વિષે સમજાવ્યું.

ડૉક્ટરો તો ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતા અને નિયમ-ધર્મની દૃઢતા જોઈ અચંબિત થઈ ગયા અને સ્વતઃ બોલ્યા કે, “અમે આ ક્રિષ્ના હૉસ્પિટલમાં આજ સુધી ઘણા સંતોનાં ઑપરેશન કર્યાં છે. પણ કોઈનામાં આવી સાધુતા કે નિયમ-ધર્મની દૃઢતા જોઈ નથી.

ખરેખર ગુરુવર્ય પ.પૂ. બાપજી અસલ સાચા સાધુ છે.” ડૉક્ટરોને સાધુતા જોઈ ગુણ આવ્યો અને ભગવાં વસ્ત્રોને જ સ્ટીમ સ્ટરિલાઇઝ કરાવ્યા.

તે ધારણ કરાવી ઑપરેશન થિયેટરમાં ઑપરેશન માટે લઈ ગયા.

ત્યાં વળી નવી મૂંઝવણ ઊભી થઈ.

ઑપરેશન વખતે ગળામાંથી કંઠી તથા જનોઈ કાઢી નાખવા ડૉક્ટરોએ કહ્યું ત્યારે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની દૃઢતામાં અડગ રહ્યા અને કહ્યું, “શ્રીજીમહારાજની આજ્ઞાના ભોગે સ્વામી આપણે કશું નથી કરવું.”

છેવટે ડૉક્ટરોને મનાવ્યા ને કંઠી-જનોઈ હસ્ત ઉપર એક બાજુ ટેપથી લગાવી દીધી પણ શરીર પરથી ઉતારવા તો ન જ દીધી. ભગવાં વસ્ત્રે જ ઑપરેશન થયું.

ઑપરેશન બાદ નેત્રો ખોલ્યાં ત્યારે પ્રથમ પ્રશ્ન પૂછ્યો, “મારી કંઠી અને જનોઈ ક્યાં ?”

શ્રીજીમહારાજની અલ્પ આજ્ઞા ન લોપાઈ જાય તેવી સાધુતા રાખવાનો અદ્‌ભુત આગ્રહ સમગ્ર સંત સમાજને સાધુતાની પ્રેરણા આપે છે.