ગુરુ મળ્યા છે ગુણવાળા, મળ્યા જી મુને

પુષ્પ ૧

એક વખત આપણા ઘરના હરિભક્ત જી.ડી. બારોટના વેપારીમિત્ર બિપિનભાઈ ગોડા કે જેઓ મુંબઈ રહે છે.

તેમને જી.ડી. બારોટ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવાં લઈ ગયા.

રસ્તામાં તેમણે બિપિનભાઈને ગુરુવર્ય પ.પૂ. બાપજીનો ખૂબ મહિમા વર્ણવતાં કહ્યું, “અમારા ગુરુવર્ય પ.પૂ. બાપજી સમર્થ દિવ્ય સત્પુરુષ છે. એમનાં દર્શનમાત્રથી મુમુક્ષુઓનાં પાપમાત્ર બળી જાય છે. મુમુક્ષુને ભગવાન મળ્યાની દિવ્ય અનુભૂતિ સહેજે સહેજે થાય છે...”

બિપિનભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીના મહિમાની વાત સાંભળી ખૂબ ભાવવિભોર બન્યા. એમને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શનની તાલાવેલી જાગી.

તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં આસને પધાર્યા. બિપિનભાઈએ તો પ.પૂ. બાપજીનાં દર્શન ખૂબ ભાવથી કર્યાં. પછી ઘણી વાર સુધી પ.પૂ. બાપજીની સૌમ્ય મૂર્તિ નીરખી રહ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીને જી.ડી. બારોટે તેમની ઓળખાણ કરાવી : “બાપજી, આ ‘બિપિનભાઈ ગોડા’ છે. મારા મિત્ર છે. તેઓ જૈન ધર્મના ચુસ્ત અનુયાયી છતાં ખૂબ મુમુક્ષુ છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કેવળ કૃપા કરી તેમની પર રાજી થઈ વર્તમાન ધરાવી કોલ આપ્યા કે, “બિપિનભાઈ, જાવ આજથી તમારા અનંત જન્મનાં કર્મ માફ અને આજે છેલ્લા જન્મના કોલ. કારણ, આજે તમે અમારી પાસે આવ્યા છો ત્યારે અમે ભગવાન સ્વામિનારાયણને તમારા વતી ખૂબ પ્રાર્થના કરીશું. પણ હવે તમે એટલો નક્કી વિશ્વાસ રાખજો કે તમારો મોક્ષ હવે થઈ ચૂક્યો છે.”

આ સાંભળતાં જ બિપિનભાઈની આંખમાં આંસુ આવી ગયાં.

એમને અહોભાવ થઈ ગયો : “અહોહો... મારાં કર્મોને બાળી દીધાં, માફ કરી દીધાં.”

તેઓ તો આનંદમાં આવી ગયા. હરખાઈ ઊઠ્યા ને બોલ્યા, “બાપજી, અમારા સંપ્રદાયના ધર્મગ્રંથો - ગુરુ મહારાજ સાહેબો એમ કહે છે કે કરેલાં કર્મનાં ફળ જન્માંતરો સુધી ભોગવવાં જ પડે. કર્મનાં બંધનમાંથી કોઈ મુક્ત થયા નથી, થઈ શકે જ નહીં. પરંતુ આપ, ભગવાનના સંબંધવાળા ને આપે ભગવાનની સાક્ષીએ મારાં સર્વે કર્મો બાળવાના આશીર્વાદ આપી દીધા !!! આહાહા... કેવી આપની કરુણા ! આ ક્ષણે મને અનુભૂતિ થાય છે કે તમે મારાં સઘળાં કર્મો બાળી નાખ્યાં છે. બાપજી, આવું તમે જ બોલી શકો અને આવું તમે જ કરી શકો એવી મને આત્મસત્તાએ પ્રતીતિ થઈ રહી છે. મારી પર ખૂબ કરુણા કરી. જે અનંત જન્મે ન થાય તે આજે તમે મને સાવ સહજમાં કરી આપ્યું. જે મારા માટે અશક્ય જ હતું પણ આપે શક્ય કર્યું.”

આમ બોલતાં બોલતાં તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સમક્ષ હરખભેર નાચવા-કૂદવા લાગ્યા. એમના અતિ આનંદની સીમા ન રહી.

“જી.ડી. બારોટ તમે સાચું જ કહેતા હતા. તમારા ગુરુ... બહુ સમર્થ છે. એમણે પ્રથમ મિલને જ મારાં કર્મમાત્ર બાળી નાખ્યાં. જેની અનુભૂતિએ મને મહીંથી ટાઢો ટાઢો કરી દીધો છે.” આમ બોલતાં બોલતાં તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચરણોમાં આવી બેસી ગયા.

પુષ્પ ૨

છબીલભાઈ આદેશરા બહુ જૂના સત્સંગી ગણાય. સંપ્રદાયમાં ઘણા મોટેરા સંતોના યોગમાં આવેલા. તેમનું જીવન પરગજુ અને સાત્ત્વિક.

ભગવાન ભજવાના ખૂબ ભૂખ્યા-ગરજુ અને જ્ઞાન પ્રાપ્તિની ખૂબ મુમુક્ષુતા એમના જીવનમાં જોવા મળતી.

નિરાભિમાની અને સાવ સરળ એમનું વ્યક્તિત્વ. સત્સંગમાં સેવા કરવી, ભજનભક્તિ કરવી અને સુખેથી ભગવાનનાં સ્વરૂપમાં જોડાવું એ જ એમનાં જીવનનું લક્ષ્ય.

વહેવારની કોઈ ઝાઝી લપનછપન કરવાની ટેવ નહીં. એટલે તમામ સંતો-હરિભક્તોનો એ સહેજે રાજીપો પ્રાપ્ત કરી શકે.

તેઓ પ્રથમ સત્સંગમાં અન્ય સારા સંતોના યોગમાં હતા. એમણે ખૂબ નિઃસ્વાર્થભાવે તન-મન-ધનથી સેવા કરીને રાજીપો પ્રાપ્ત કરેલો. અને સંતોએ એમનું ઘડતર પણ ખૂબ સારું કરેલું.

એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીના યોગમાં તેઓ આવ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિખાલસતા, સ્પષ્ટ વક્તાપણું અને દિવ્ય સાધુતા જોઈને છબીલભાઈનો અંતરાત્મા વીંધાઈ ગયો.

ગુરુવર્ય પ.પૂ. બાપજીનું એટલું બધું પ્રચંડ આકર્ષણ થયું કે તેઓ ત્યાંથી ખસી શક્યા નહીં. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ છબીલભાઈને સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી સ્વરૂપ ઓળખાવ્યું, સર્વોપરી નિષ્ઠા દૃઢ કરાવી તેમજ અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન આપ્યું. તેમજ છતે દેહે મોક્ષની જીવમાંથી હા પડાવી દીધી.

છબીલભાઈની અત્યાર સુધીની સત્સંગની તથા સંતોની સેવાનું ફળ જાણે શ્રીજીમહારાજ ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા આપી રહ્યા હોય એવી અનુભૂતિ થઈ.

તેઓ આજે ખૂબ કૃતાર્થપણું અનુભવે છે. તેમને તમામ સંતો પ્રત્યે સમત્વભાવ છે. એમને કોઈ પ્રત્યે કશો રાગ-દ્વેષ નથી.

તેઓ કહે છે, “સંપ્રદાયના સંતોએ મને ઘણું જ્ઞાન આપ્યું છે, મારું ઘણું ઘડતર કર્યું છે પણ જે મને ઊણપ વર્તતી હતી, મોક્ષની હા પડતી નહોતી. આ વાતની ખામી હતી તે ગુરુવર્ય પ.પૂ. બાપજીના યોગમાં આવતાં જ ટળી ગઈ. મને અદ્‌ભુત દિવ્ય આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ અહીંથી લાધ્યો છે. આજે મને સંપૂર્ણપણે પૂર્ણકામપણું વર્તે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રચંડ સિદ્ધાંતવાદિતા અને દિવ્ય સાધુતાનું મને એવું તો ઘેલું લાગ્યું છે કે હું એમને છોડી શકતો નથી. અને એટલે જ જ્યારથી ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવ્યો ત્યારથી આજદિન સુધી સતત એમની સાથે જ છું. એમની સાથે જ વિચરણનો અલભ્ય લાભ મળે છે. હું ખૂબ કૃતાર્થ છું કે આવા દિવ્યપુરુષનું સાંનિધ્ય મને સતત મળ્યું છે. આવા ગુરુ મને મળે જ ક્યાંથી !!”

થોડા સમય પહેલાં છબીલભાઈના ભાઈ ધામમાં ગયા હતા તેથી તેઓ વડોદરા મુકામે ગયા હતા.

ત્યાં તેમને કાર્ય સત્સંગના જૂના સત્સંગીઓ મળવા આવ્યા હતા.

ઔપચારિક વાતો થઈ પછી તરત જ એ બધા એકીસાથે બોલ્યા કે, “આવી શ્રેષ્ઠ પ્રાપ્તિ (કાર્ય સત્સંગ), અનેક સંતો - ગુરુનિષ્ઠાવાળા અનેક હરિભક્તોનો સમુદાય એ છોડીને આપ એસ.એમ.વી.એસ.માં ગયા એ તમારી ભયંકર ભૂલ તમને નથી લાગતી !”

પછી છબીલભાઈએ તરત જ પ્રત્યુત્તર આપ્યો કે, “મને દિવ્ય કારણ સત્સંગની પ્રાપ્તિ થઈ. શ્રેષ્ઠતમ અને અજોડ ગુરુવર્ય પ.પૂ. બાપજી મળ્યા છે. તેમને લઈ મને મહીંથી કલ્યાણની હા પડી છે. કારણ સત્સંગમાં આવતાંની સાથે જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વર્તમાન ધરાવી મારા અનંત જન્મની ખોટ ટાળીને મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં મૂકી દીધો. ઉપરાંત અનંત જન્મનાં ખાતાં બાળીને મને ચોખ્ખો કરી દીધો. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અથાક દાખડો કરી દેહની ચિંતા કર્યા વગર મને શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવ્યું કહેતાં સ્વરૂપનિષ્ઠાની દૃઢતા કરાવી દીધી અને અનાદિની સ્થિતિની અને બીજા નંબરની પ્રાપ્તિની હા પડાવી દીધી અને કોઈનો ભાર, પ્રતીતિ, સારપ, મહત્તા રહેવા ન દીધાં. ગુરુવર્ય પ.પૂ. બાપજી અખંડ મૂર્તિના સુખમાં રાચતા હોય છે. અને તે સુખ મને કેમેય કરીને મળે એ માટે સતત પ્રયત્ન કરી અખંડ કથાવાર્તાનો લાભ આપે છે.

મેં નિષ્કપટ થઈને નડતા દેહાદિક દોષો, કામાદિક દોષ કહ્યા હશે તો તેમાંથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મને રહિત કરીને, ચોખ્ખો કરીને મહારાજની મૂર્તિમાં હેત કરાવ્યું છે કહેતાં એ માર્ગે ચાલતો કર્યો જ છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મારા પર અનંત ઉપકાર કર્યા છે. એમણે મને ન્યાલ કર્યો છે.”