પુષ્પ ૧
‘કેસરી સિંહ સો લાંઘણ પડે તોપણ ખડ ન ખાય’ તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજી ગમે તેવી સ્થિતિ-પરિસ્થિતિમાં પણ નિષ્ઠામાં અડગ રહ્યા છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીના પૂર્વાશ્રમના બાલ્યાવસ્થાના જીવનમાં અજોડ નિષ્ઠાની ખુમારીનાં દર્શન થતાં. ગામમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની અડગ નિષ્ઠાની ધાક જણાતી.
ગામમાં પણ કેટલાક પરોક્ષના નારાયણનું નામ પરાણે તેમને બોલાવવાનો પ્રયત્ન કરતા તેમ છતાં તેમને તેઓ સદાય વિનમ્રભાવે કહેતા : “જય સ્વામિનારાયણ... જય સ્વામિનારાયણ.”
એક વાર કોઈ સગાં એમના ઘરે આવ્યાં. તેઓ જાણતા હતા દેવુભાઈને (ગુરુવર્ય પ.પૂ. બાપજીને) સ્વામિનારાયણની અડગ નિષ્ઠા છે.
એટલે તેમણે કહ્યું : “દેવુભાઈ, જય શ્રી નારાયણ...”
દેવુભાઈએ કંઈ પ્રત્યુત્તર ન આપ્યો.
એટલે તેમણે ફરી આગ્રહપૂર્વક કહ્યું : “જય શ્રી નારાયણ...”
દેવુભાઈ બોલવાને બદલે મૌન ઊભા રહ્યા. પેલા થોડા અકળાયા એટલે પાછો ‘જય શ્રી નારાયણ’ બોલવા આગ્રહ કર્યો.
ત્યાં તેમને દેવુભાઈએ સિંહગર્જના કરતાં કહ્યું, “તમે જ નહિ, તમારી સાત પેઢીના બાપદાદા આવીને કહેશે તોપણ હું ‘જય સ્વામિનારાયણ’ સિવાય કાંઈ જ નહિ બોલું. તમે કદાચ માથું ફોડી નાખશો તોપણ આ મુખે ‘સ્વામિનારાયણ’ સિવાય બીજું કોઈ નામ નહિ બોલું.”
પેલાં સગાં તો બોલતા જ બંધ થઈ ગયાં અને વિચારી રહ્યાં : “આ તો પાકો ભગત છે.”
આમ, ઘણાં સગાંસંબંધી એમના ઘરે આવતા ત્યારે તેઓ દેવુભાઈને પરોક્ષનાં ‘નારાયણ’ નામ બોલવા આગ્રહ કરતા. પણ દેવુભાઈનો એકધારો સણસણતો ઉત્તર સૌને એમની અચળ અડગ નિષ્ઠાનાં દર્શન કરાવી દેતો.
પુષ્પ ૨
શ્રીજીમહારાજની એક પતિવ્રતાની ભક્તિના પ્રખર હિમાયતી એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂર્વાશ્રમની બાલ્યાવસ્થામાં પણ કોઈની શેહ-શરમ રાખી નથી તો ત્યાગાશ્રમ સ્વીકાર્યા પછી તો તેઓ ભૂલે પણ બીજું નામ ક્યાંથી બોલે ?
કદી ‘સ્વામિનારાયણ’ મહામંત્ર સિવાય અન્ય કોઈ મંત્ર મુખે બોલ્યા નથી કે સ્વામિનારાયણ ભગવાન સિવાય અન્ય કોઈ અવતારનો મહિમા પણ ગાયો નથી કે શાસ્ત્રોની કથા પણ કરી નથી.
એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરમગામના મોટેરા હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને આવ્યા.
દર્શન-દંડવત કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી કરતાં કહ્યું કે, “મેં વિરમગામમાં પરોક્ષના શાસ્ત્રની સાત દિવસની પારાયણ બેસાડી છે માટે એમાં તમારે કથા સાંભળવા પધારવાનું છે.”
તેમનો આમંત્રણીય પ્રસ્તાવ સાંભળતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કંઈ જ બોલ્યા નહીં.
એટલે તેઓ સમજી ગયા કે, “દેવસ્વામીને આ ગમ્યું નથી લાગતું. તેઓના મુખના ભાવ કહે છે - તેઓ મને ‘ના’ જ પાડશે. પણ તેઓ સાચા સાધુ છે. તેઓ પારાયણમાં પધારે તો બહુ સારું. મારા પર એમને સારું હેત છે.”
એટલે તેમણે હેતના કારણે ફરી કહ્યું, “ના ન પાડતા હોં ! તમારે ગમે તેમ કરી આવવાનું જ છે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને સ્પષ્ટ તથા વિનમ્ર શબ્દોમાં કહ્યું કે,
“ ‘હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે,
હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે.’
આ મુખે કરીને અમે એક સ્વામિનારાયણ ભગવાનનો જ મહિમા ગાયો છે અને કાને કરીને સાંભળ્યો છે. માટે અમારું આવવું અશક્ય છે...”
પેલા મોટેરા હરિભક્ત જાણે ઘડી બે ઘડી સ્તબ્ધ થઈ ગયા.
ત્યાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને પોતાનો અભિપ્રાય-સિદ્ધાંત જણાવતાં કહ્યું, “તમે એટલો તો વિચાર કરો કે તમને અનંતકોટિ બ્રહ્માંડના ધણી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને તમે કોની પારાયણ રાખી છે ?! શ્રીજીમહારાજનાં શ્રીમુખ વચન જેમાં લખાયાં છે એવા સર્વોપરી ગ્રંથ વચનામૃતની પારાયણ રાખો તો ૭ નહિ ૧૭ દિવસની પારાયણમાં જરૂર આવીશ પણ જે મુખે એક સ્વામિનારાયણ ભગવાનની જ વાતું થાય છે તે મુખે કરીને પરોક્ષની પારાયણ તો નહિ જ કરું, પરંતુ એવી કથાનું શ્રવણ પણ નહિ કરું.”
સત્સંગના મોટેરા હરિભક્ત કહેવાતા હોવા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમની કોઈ મોબત રાખી નહિ કે તેમની શેહ-શરમમાં પણ ન આવ્યા.