સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત

પુષ્પ ૧

ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા દિવ્ય સત્પુરુષ મુમુક્ષુમાત્રના પરમહિતેચ્છુ છે.

તેઓને પોતાના જોગમાં આવનાર માટે સાચી વાત કડવી લાગે તોપણ તેમનું હિત કરવા અને વર્તનશીલ જીવન બનાવવા સ્પષ્ટ વાત દુઃખ લગાડીને પણ કહેવી જ એવો આગ્રહ અહોનિશ રહે છે.

ઈ.સ. ૧૯૭૫માં સાગરદાનભાઈના મામાજી શીઘ્ર કવિ જબરદાનજી તેમના ઘરે આવ્યા હતા. તેઓ મહાન ભક્ત કવિ ઈસરદાનજીના પુત્ર હતા.

ઈસરદાનજી ભગવાન પ્રત્યેના અનન્ય ભક્તિભાવને કારણે ‘ઈસરા પરમેશ્વરા’ તરીકે ઓળખાતા હતા. તેમના તરફથી મળેલા સંસ્કાર અને ૫૫ વર્ષના અનુભવના તારણે તેઓ શીઘ્રતાથી કાવ્ય બનાવી શકતા હતા.

સાગરદાનભાઈ તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સાચા સંત તરીકે ખૂબ મહિમા કહી, નૂતન ઘનશ્યામનગર મંદિરે દર્શન કરવા લઈ ગયા.

તેઓ મંદિરે આવ્યા ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌને કથાવાર્તાનો લાભ આપી રહ્યા હોવાથી સભામાં બેઠા. વાતો સાંભળી ખૂબ અહોભાવ થયો.

તેઓ ઘણા સંતોનો જોગ-સમાગમ કરતા ત્યારે તે સંતના ગુણ જોઈ તેઓ શીઘ્ર કાવ્ય બનાવી રાજી કરતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી મૂર્તિમાં નિમગ્ન રહીને કથા કરતા હતા. આ દર્શન કરી તેમણે શીઘ્રતાથી કાવ્ય બનાવી ગાયું :

“શ્રી દેવનંદનદાસજીના દિલમાં દિવ્ય મૂર્તિ દીસતી;

અવિરત ભજન-સ્મરણમાં વળગી રહી જેની વૃત્તિ.”

કાવ્ય ગાયા બાદ તેઓ વિચારવા લાગ્યા : “સ્વામી બહુ મોટા છે. મહારાજના સંબંધવાળા છે, મૂડીવાળા છે. નક્કી મારી કાવ્યરચના સાંભળી મને શરપાવમાં સન્માન આપશે.”

એટલે તેઓ મનમાં ને મનમાં હરખાતા હતા. પણ તેમની ધારણા તદ્દન ખોટી હતી.

સ્પષ્ટવક્તા ‘મા’ સમાન ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને માન-સન્માન ને વાહવાહ કરી દેહાભિમાનની પુષ્ટિ કરવારૂપ ઝેર ન પાયું.

ઉંમરમાં મોટા અને મોટા કવિ હોવા છતાં તેમના રોગને ટાળવાની કડવી દવા આપતાં કહ્યું, “કવિરાજ, તમારા આ કાવ્યથી હું રાજી થયો નથી. પણ તમારે જે તમાકુનું વ્યસન છે તેને છોડી દો તો અમે તમારા ઉપર ખૂબ રાજી થઈએ.” જબરદાનજી ખૂબ હોશિયાર અને વિચક્ષણ બુદ્ધિવાળા હતા.

તેઓને તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો ગુણ આવ્યો કે, “અત્યાર સુધી હું કેટકેટલાય સંતો પાસે ગયો. બધાએ તો મારી વાહવાહ જ કરી. પણ કોઈએ મારી કસરને ઓળખાવી નહીં. બધા મારી કવિત્વશક્તિની મોબતમાં લેવાઈને કશું કહેતા ન હતા; જ્યારે આ સાચા સંત છે જેમણે સીધો મારા વ્યસન પર ઘા કર્યો. ખરેખર સાચા સંત વિના સાચા સુખની વાત કોઈ ન કરી શકે.”

તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીની તમાકુ છોડવાની ટકોર ગળી મધ જેવી લાગી. તે જ ક્ષણે તેમણે તમાકુનું વ્યસન છોડવાનો દૃઢ સંકલ્પ કરી દીધો.

જબરદાનજીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખે ભગવાનની સાચા સુખની વાત સાંભળી અપરંપાર મહિમા થતાં વ્યસન છોડી તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીના મહિમાનાં ચાર પદ બનાવ્યાં.

પુષ્પ ૨

“મુક્તો, આપણામાં એક વાલ જેટલો આજ્ઞાલોપ ન જોઈએ; શ્રીજીમહારાજના આપેલા ‘દારૂ’, ‘માટી’, ‘ચોરી’, ‘અવેરી’, ‘વટલવું નહિ ને વટલાવવું નહીં’ એ પંચવર્તમાન અતિ દૃઢપણે પાળવાં. તેમાં સરતચૂક ન આવવા દેવી. આપણે સત્સંગી થઈ દારૂ કહેતાં કોઈ જ પ્રકારનું વ્યસન ન રાખવું. ચા સરખું પણ વ્યસન ન રાખવું તો બીજું તો રખાય જ કેમ ? બહારનું ગાળ્યા-ચાળ્યા વિનાનું તથા અભક્ષ્ય પણ આપણાથી ન જમાય. વળી, જે કરવું તે નીતિથી અને પ્રામાણિકતાથી કરવું. ભગવાનની બીક રાખવી... પ્રગટપણું રાખવું. વળી, તેમાંય શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે આવકમાંથી ૧૦% ચોખ્ખો ધર્માદો પૂરેપૂરો અચૂક કાઢવો જ... તો જ મહારાજ રાજી થાય. મહારાજને સૌથી વધુ રાજી કરવા પરસ્ત્રીનો કોઈ પ્રકારે સંગ ન રાખવો...  ભગવાનનો કોપ થાય.”

ગુરુવર્ય પ.પૂ. બાપજી ફક્ત મંદિરે આવે તેને જ આવી હિતની વાત કરે તેમ નહિ, વિચરણમાં હોય ત્યારે પણ હિતની વાત કરે. આમ, સાચી વાત કરે અને સંતો-ભક્તોને પાછા વાળી તેમનું જીવન વર્તનશીલ બનાવે.

પુષ્પ ૩

એક વાર બાળ સંચાલક તાલીમ હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી આશીર્વાદ આપવા પધાર્યા. સંચાલકોએ પ્રવચન તથા સંવાદ રજૂ કરી બાપજીને વધાવ્યા.

ત્યારબાદ રાજીપાદર્શનનો કાર્યક્રમ ચાલુ થયો. ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બે વેણ વાલપનાં જણાવવાની ઇચ્છા વ્યક્ત કરી. તેઓએ કહ્યું, “તમે બાળમંડળના સંચાલક છો. તમારું જીવન વર્તનશીલ જોઈએ. તમે બાળકોને જે ગુણ શીખવો તે ગુણ તમારામાં ઉપદેશ આપવા પૂરતા સીમિત ન હોવા જોઈએ. અમને આવા હિલોળિયા ગમે જ નહીં. જેની વાત ને વર્તન બે જુદાં હોય એવા અમને ગમે જ નહીં. માટે વર્તનવાળા થજો...”

આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કાયમ પોતાના સંતો-ભક્તોના વાસ્તવિક જીવન માટે સદાય કડવેરા ક્વાથ પિવડાવીને પરમહિત જ ઇચ્છ્યું છે.