એક વખત એક ભક્તે આવી સદ્. ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી જે, “મિશ્રીલાલ કાયસ્થ બહુ માંદા છે. માટે આપ કૃપા કરીને દર્શન દેવા પધારો તો સારું.” તેથી સદ્ગુરુશ્રી તેમને દર્શન આપવા પધાર્યા. ત્યાં જઈને કહ્યું કે, “મહારાજ બે દિવસમાં દયા કરીને ધામમાં તેડી જશે.”
ત્યાંથી પાછા વાડી-ચબૂતરા પાસે આવ્યા. સંતો કીર્તન બોલતા હતા. તે અવાજ સાંભળી જેલમાં રહેલા કેદીઓ પ્રાર્થના કરવા લાગ્યા, “ઓ સ્વામીજી ! દયા કરીને અમને કેદમાંથી છોડાવો.” ત્યારે અતિ દયાળુ મૂર્તિ સ્વામીશ્રી કહે, “આ નાથ ભક્ત પણ આવતીકાલે તમારી સાથે કેદી બનશે. અને તમને સર્વેને આ લોકની તથા પરલોકની એમ બંને જેલમાંથી છોડાવશે.” એમ કહી ઉતારે પધાર્યા.
બીજે દિવસે દીવાનની ઉશ્કેરણીથી સરકારશ્રીએ બધા જ વિસ્તારમાં ઑર્ડર લખાવી મોકલાવ્યો કે સ્વામિનારાયણના સાધુને આપણી હદમાં રાખવા નહીં. ગોપાળાનંદ સ્વામી બધાને ઇન્દ્રજાળ પાથરી ભરમાવે છે. તેથી તેમને પણ કાઢી મૂકવા.
સ્વામીશ્રી નાથ ભક્તના ચોકમાં સભા કરીને બિરાજ્યા હતા. ત્યારે સરકારી અમલદારે આવી સ્વામીશ્રીને સરકારનું ફરમાન જણાવી ત્યાંથી નીકળી જવા જણાવ્યું. ત્યારે સ્વામીશ્રીએ મંદ હાસ્ય કરતાં કરતાં કહ્યું, “ભાઈ ! અમને તો આ નાથ ભક્ત તેડી લાવે છે તેથી આવીએ છીએ. તે નાથ ભક્તને તમે પકડી લ્યો તો અમે પણ નહિ આવીએ.” તે વખતે સભામાં કરાળીના ભક્તો હતા.
તેમણે સ્વામીશ્રીને કરાળી પધારવા પ્રાર્થના કરી. તેથી સ્વામીશ્રી તો કરાળી જવા તૈયાર થયા. અને કોટવાળે નાથ ભક્તને કેદ કર્યા. ત્યારે સદાશિવભાઈએ કહ્યું, “સ્વામી, દયાળુ ! આપ પણ પધારો છો ને નાથ ભક્ત જેલમાં જાય છે. તેથી અમને કથાવાર્તાનું સુખ કોણ આપશે ? ત્યારે સ્વામીશ્રીએ તેમને ધીરજ પ્રેરી કહ્યું, “ચિંતા ન કરો. નાથ ભક્ત તો અનેકને આ લોક ને પરલોકની કેદમાંથી મુક્ત કરવા માટે જઈ રહ્યા છે.”
નાથ ભક્તને જે કેદમાં પૂર્યા હતા તેમાં સાઠ કેદીઓ હતા. તેમને નાથ ભક્તે સ્વામિનારાયણ ભગવાનના અતિ મહિમાની સર્વોપરી વાતો કરી. તેથી સર્વે કેદીઓની બુદ્ધિ નિર્મળ અને પવિત્ર થઈ. પછી અખંડ ધૂન ચાલુ કરી. આમ, બે દિવસ ને બે રાત્રિ પસાર થઈ. તેમણે કોઈએ અન્નજળ પણ લીધું નહોતું.
ત્રીજે દિવસે સવારે સ્વામિનારાયણ ભગવાને નાથ ભક્તને દિવ્ય તેજોમય દર્શન આપ્યાં અને કહ્યું, “હે ભક્તરાજ ! તમે બે દિવસના ઉપવાસી છો. તેથી તમારા માટે પ્રસાદીનો થાળ આ મૂળજી બ્રહ્મચારી લાવ્યા છે. તે જમી લ્યો.” ત્યારે હાથ જોડીને નાથ ભક્તે કહ્યું, “પણ દયાળુ ! મારે બે દિવસથી પૂજા પણ બાકી છે.” ત્યારે શ્રીહરિએ કહ્યું, “લ્યો ! અમારી પ્રત્યક્ષ પૂજા કરી લ્યો.” ત્યારે નાથ ભક્તે કહ્યું, “પણ દયાળુ ! હજી મારે સ્નાન બાકી છે.” ત્યારે મહાપ્રભુએ જમણા ચરણના અંગૂઠામાંથી પાણીનો પ્રવાહ છોડ્યો. તેમાં સહુએ સ્નાન કર્યું અને બ્રહ્મચારી પાસેથી પુષ્પ તથા હાર વગેરે દ્વારા મહાપ્રભુની પૂજા પણ કરી.
પછી મહાપ્રભુએ કહ્યું, “હે ભક્તરાજ, હવે જમી લો.” ત્યારે નાથ ભક્તે કહ્યું, “દયાળુ ! પણ હજી મારે આપની આપેલી મૂર્તિની પૂજા તો બાકી જ છે.” ત્યારે મહારાજે બ્રહ્મચારીને દિવ્ય રૂપે મોકલીને તેમની તે પૂજા પણ મગાવી લીધી. અંદરથી મૂર્તિઓ કાઢી તો તેને પણ ષોડશોપચારે પૂજા થયેલી જોઈ. ત્યારે મહારાજે કહ્યું, “જુઓ, નાથ ભક્ત ! તમે અમારી પ્રત્યક્ષ પૂજા કરી તેમાં સર્વે પૂજા આવી ગઈ.”
પછી મહારાજે નાથ ભક્તને ધન્યવાદ આપ્યા કે, “વાહ ભક્તરાજ ! તમારી ટેકને ધન્યવાદ છે ! લ્યો જમી લો.” ત્યારે નાથ ભક્તે કહ્યું, “આ સાઠેય કેદીઓ બે દિવસથી મારી સાથે જ ભૂખ્યા છે અને આપનું અખંડ ભજન કર્યું છે. માટે તેમને પણ કૃપા કરી, દર્શન આપી વર્તમાન ધરાવી સુખિયા કરો.” પછી શ્રીહરિએ સર્વેને વર્તમાન ધરાવી પોતાના કંઠમાંથી સર્વને એક એક હાર પહેરાવ્યો. તે પુષ્પમાંથી એવી તો ખુશ્બૂ છૂટવા લાગી કે સર્વ વાતાવરણ દિવ્ય થઈ ગયું. ત્યારપછી સર્વેએ પ્રસાદી પણ લીધી. તેમાં પણ મહારાજે એવો સ્વાદ મૂક્યો કે સૌ પ્રેમથી ખૂબ જમ્યા. છેલ્લે મહાપ્રભુ સર્વેને વ્હાલથી ભેટીને બ્રહ્મચારી સહિત ત્યાંથી અદૃશ્ય થઈ ગયા.
પછી સર્વે કેદીઓ આનંદમાં આવી ધૂન કરવા લાગ્યા. તે સાંભળી ચોકીદાર ત્યાં જોવા આવ્યા. તેમણે સર્વેના કપાળમાં ચાંદલા તથા સુગંધીમાન હાર જોયા. તેથી આશ્ચર્ય પામી કોટવાળને જાણ કરી. તેમણે દીવાનને વાત કરી. ત્યારે દીવાનને કહ્યું, “નાથ ભક્તની પૂજા જેલમાં કેવી રીતે આવી તે તપાસ કરો. વળી, તેમના ઘેર પૂજા છે કે નહિ તે પણ તપાસ કરો.”
આવો હુકમ થવાથી માણસો નાથ ભક્તને ઘેર ઘોડો દોડાવતા ગયા. પણ આ શું ? ત્યાં તો બહાર ચોકમાં જ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. વળી, નાથ ભક્ત તથા સાઠેય કેદીઓ ત્યાં સભામાં જ બેઠેલા દીઠા. તેથી તુરત કેદખાનામાં જોવા ગયા. ત્યાં પણ નાથ ભક્ત તથા કેદીઓને જોયા. આવું આશ્ચર્ય જોઈ સર્વે ખૂબ નવાઈ પામ્યા અને સરકાર પાસે ગયા. સરકારને સર્વ વાત કરી. ત્યારે ત્યાં દીવાન વચ્ચે બોલ્યો કે, “આ ગોપાળબાવા તો કરાળી ગયા હતા ને ? અહીં ક્યાંથી ? માટે જાવ જલદી કરાળી ગામે તપાસ કરો.”
જ્યારે માણસો ઘોડા દોડાવી કરાળી પહોંચ્યા અને જોયું તો ત્યાં પણ સદ્ગુરુશ્રી નાથ ભક્ત તથા કેદીઓ સહિત સભા કરીને બિરાજ્યા હતા. આ જોઈ તે ઘોડેસવાર ખૂબ જ નવાઈ પામ્યા અને સરકાર પાસે આવીને સર્વે વાત કરી. તેથી દીવાન તો નિંદાના શબ્દો જ બોલવા લાગ્યો. પરંતુ સરકારશ્રીને સાચી વસ્તુની ખાતરી થઈ. તેથી નાથ ભક્ત સહિત સર્વે કેદીઓને પોતાની પાસે બોલાવી સન્માન કર્યું. અને નાથ ભક્તે પણ દીવાનજીના કહેવાથી અભણ અને ગાંડા બ્રાહ્મણના મોઢે વેદ બોલાવી આશ્ચર્ય બતાવ્યું. તેથી તે ચૂપ થઈ ગયો. અને સરકારે નાથ ભક્તને દસ હજાર રૂપિયા તથા શાલ-દુશાલા ભેટ આપ્યાં.