અદ્ભુત સામર્થી

 

પુષ્પ ૧ : કલ્યાણ કર્યું કાળા નાગનું

ટોરડા ગામની ભાગોળે એક મોટા પીપળાના પોલાણમાં ઘણાં વર્ષોથી એક ભયંકર કાળો નાગ રહેતો હતો. રાત્રે તળાવના કાંઠે ખોરાકની શોધમાં તે ફર્યા કરતો. એક વખત કોઈ એક બ્રાહ્મણ ફરતો ફરતો અંધારી રાત્રે ત્યાં જઈ ચડ્યો. ધીમે ધીમે આગળ વધતાં તે બ્રાહ્મણનો પગ તે નાગ ઉપર પડ્યો કે તરત જ તે નાગ બ્રાહ્મણને કરડ્યો. નાગનું ઝેર ખૂબ જ ભયંકર હતું. તેથી બ્રાહ્મણ બૂમ પાડીને તરત જ નીચે ઢળી પડ્યો. એનું શરીર લીલુંછમ થઈ ગયું. અને થોડી જ વારમાં તે નિષ્પ્રાણ થઈ ગયો. તેની બૂમો સાંભળી ગામના લોકો તરત જ દોડી આવ્યા. ગામલોકો તેને ઝોળીમાં નાખી તરત જ ખુશાલ ભટ્ટ પાસે લાવ્યા. તેને જોઈને ખુશાલ ભટ્ટે કપડાંને જરા વળ દીધો કે તરત જ મૃત્યુ પામેલો બ્રાહ્મણ મોટેથી બૂમો પાડવા લાગ્યો : “એ બળી ગયો.. બળી ગયો..” એમ બોલતાં ખુશાલ ભટ્ટને ચરણે લોટી પડ્યો. ત્યારે ખુશાલ ભટ્ટે પૂછ્યું કે, “તું કોણ છે ?” ત્યારે તે કહે, “હું કાળો નાગ છું.” પછી ખુશાલ ભટ્ટે તેના પર પાણીની અંજલિ ભરીને નાખી. તેથી તેને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. અને પછી પૂછ્યું, “બોલ તું કોણ હતો ? અને શા કારણથી આ દેહ મળ્યો છે ?” ત્યારે તે બોલ્યો, “હું અધર્મી અને પાપી છું. આપ તો અંતર્યામી છો. તેથી જાણો છો. પરંતુ હું પૂર્વજન્મમાં વાણિયાનો દીકરો હતો. હું ચોરી, હિંસા, વ્યભિચાર ખૂબ જ કરતો. મેં અણહક્કનું ખૂબ દ્રવ્ય ભેગું કર્યું હતું; જે મેં આ તળાવ પાસે દાટ્યું છે. પછી મંદવાડમાં હું કેટલાક મહિના સુધી રિબાણો. અંત સમય આવ્યો ત્યારે ભયંકર મોટા યમદૂતો મને ખૂબ મારતાં મારતાં યમપુરીમાં લઈ ગયા. ત્યાં મારા પાપના અનુસારે કેટલાંક વર્ષો સુધી નરકમાં મહાકષ્ટ ભોગવ્યાં. પછી કાળા નાગનો જન્મ આવ્યો. અને નાગના દેહમાં પણ ઘણા નિર્દોષ માણસો તથા પશુઓને કરડીને કેટલાંયના પ્રાણ લીધા છે. તમે દિવ્ય પ્રસાદીભૂત જળની અંજલિ છાંટી, જેના સ્પર્શથી મને પૂર્વની સ્મૃતિ થઈ છે. માટે તમે ભગવાન જેવા જ છો. હું હવે આપને શરણે છું. મારાં સર્વે પાપ માફ કરો અને મારી પર દયા કરીને મારો મોક્ષ કરો.”

પછી ખુશાલ ભટ્ટે નાગને કહ્યું જે, “તારું ઝેર પાછું ખેંચી લે. હવેથી તું સાત્ત્વિક વૃત્તિ રાખજે. કોઈને પણ કરડીશ નહીં. જીવજંતુને પણ ખાઈશ નહીં. અમે તને પાણી છાંટી વર્તમાન ધરાવ્યા છે. માટે રાત્રે કોઈ ન દેખે એમ તું અમારાં દર્શન કરજે અને આ પીપળાના પોલાણમાં રહેજે. અને તે પોલાણમાં બ્રાહ્મણો જે અન્ન નાખે, તે ખાઈને તારો જીવનનિર્વાહ ચલાવજે. આમ, એક વર્ષ તપ કરજે. તો તારાં સમગ્ર પાપ નાશ થઈ જશે. પછી આ સર્પના દેહને મૂકીને મનુષ્યજન્મમાં ભાટના દેહને પામીશ. ત્યાં પ્રગટ ભગવાનનો જોગ કરી તેમનું શરણું સ્વીકારીશ એટલે તારો મોક્ષ થશે.” આમ, આવા આશીર્વાદ સ્વીકારી સર્પ ત્યાંથી વિદાય થયો.

ઝેર ઊતરી જવાથી પેલો બ્રાહ્મણ આળસ મરડી બેઠો થયો અને ખુશાલ ભટ્ટને ચરણે પડી પ્રાર્થના કરવા લાગ્યો કે, “આજે તમે મને ખરેખર ઉગાર્યો. માટે હવેથી આપ જે આજ્ઞા કરો તે મુજબ જ કરીશ.” પછી ખુશાલ ભટ્ટે તેને સત્સંગી કર્યો. તથા એક વર્ષ સુધી પીપળાના પોલાણ પાસે નાગને જમવાનું આપી આવવાની સેવા બતાવી.

 

પુષ્પ ૨ : વારો આવ્યો વાઘનો

એક સમયે ઈડરના પહાડોમાંથી એક મોટો વાઘ નીકળીને ફરતો ફરતો ટોરડા ગામની ભાગોળે નદીકાંઠે આવી ગર્જના કરવા લાગ્યો. તેના ભયથી ગામના સર્વે લોકો ઘરમાં પેસી ગયા. પરંતુ ગાયોને પાણી પિવડાવવા જતો એક ૧૦ વર્ષનો બ્રાહ્મણનો દીકરો તેની ઝપટમાં આવી ગયો. તેથી વાઘે બે ગાયો અને તે છોકરાના પ્રાણ લીધા. તેના પિતાને આ સમાચાર મળ્યા તેથી ખૂબ જ રુદન કરવા લાગ્યા, “અરેરે ! મારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો ! હવે મારે જીવીને શું કરવું છે ?” એમ વિચારી તે બ્રાહ્મણ પણ વાઘની પાસે જવા લાગ્યો, “લે વાઘ, તું મને પણ મારી નાખ.” ત્યારે ખુશાલ ભટ્ટ ત્યાં આવી પહોંચ્યા. અને તેમને વાર્યા અને પોતે સીધા જ વાઘ પાસે પહોંચી ગયા. વાઘને મોઢા પર એક લપડાક મારી. તેથી વાઘ ચકરી ખાઈને નીચે પડ્યો. થોડી વાર પછી તે વાઘ ઊભો થયો ત્યારે ખુશાલ ભટ્ટની સામે જોઈને તેમની પાંચ પ્રદક્ષિણા કરી, માથું નમાવી નમસ્કાર કર્યા. પછી ખુશાલ ભટ્ટે તેનો કાન પકડીને કહ્યું કે, “તેં એક બ્રહ્મહત્યા તથા બે ગૌહત્યા કરી છે. તે પાપમાંથી હું તને મુક્ત કરું છું. પણ હવેથી તું માંસનું ભક્ષણ કરીશ નહીં. ઝાડીનાં ફળફૂલ ખાજે અને ગામમાં આવી લોકોને પેટ બતાવજે એટલે લોકો જે જમવાનું આપે તે જમજે. આમ, ત્રણ વર્ષનું આયુષ્ય ભોગવી તું મૃત્યુ પામીશ. પછી તને ઘોડાનો અવતાર આવશે. પ્રગટ ભગવાનનાં તને રોજ દર્શન થશે.” આમ કહી ખુશાલ ભટ્ટે તેને છોડી દીધો.

ત્યારબાદ ખુશાલ ભટ્ટે તે છોકરાને તથા બે ગાયોને મંત્ર ભણી સજીવન કર્યાં.

 

પુષ્પ ૩ : આગમાંથી ઉગાર્યા

ખુશાલ ભટ્ટ જ્યારે ગામની નિશાળ ચલાવતા ત્યારની આ વાત છે. ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં ઘાસ ભરેલું. તે એકાએક સળગી ઊઠ્યું. તથા જોડેનું બીજા બ્રાહ્મણનું ઘર પણ સળગવા લાગ્યું. ઘરના બધા માણસો તો ઘરની બહાર નીકળી ગયા. પણ ૧૫ વર્ષનો એક છોકરો આગથી લપેટાઈ ગયો. તેથી તે બહાર નીકળી શક્યો નહિ અને બૂમો પાડવા લાગ્યો. થોડી વાર પછી તે બૂમો પાડતો પણ બંધ થઈ ગયો. તેથી તેનાં માબાપે જાણ્યું કે છોકરો આગમાં બળીને જરૂરથી ખાખ થઈ ગયો. આમ સમજીને તેઓ પોક મૂકીને રડવા લાગ્યાં. તેમનું રડવું સાંભળીને છોકરો નિશાળ તરફથી દોડતો ઘેર આવ્યો અને બોલ્યો કે, “મને બળતા ઘરમાંથી નીકળવાનો માર્ગ જડ્યો નહીં. તેથી મેં ગભરાઈને બૂમો પાડી. આ બૂમો ખુશાલ ભટ્ટે નિશાળમાં સાંભળી અને નિશાળમાંથી પોતાના હાથ લાંબા કરી, મને બળતા ઘરમાંથી પોતાની પાસે ઊંચકી લીધો.” આમ, ખુશાલ ભટ્ટ સૌ દુઃખીનાં દુઃખ દૂર કરી, સૌને સુખિયા કરતા.

 

પુષ્પ ૪ : મૂકં કરોતિ વાચાલમ્‌

ઈડર પાસેના બડોલી ગામે ભિક્ષાવૃત્તિ પર નિર્ભર એવો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને એક જ છોકરો હતો. તે પણ જન્મથી જ મૂંગો. તેમાંય તે એક વાર ત્રીજે માળથી પડી ગયો. તેના બે પગ ભાંગી ગયા. તેથી તે ઊભો પણ થઈ શકતો ન હતો. તેથી તે ઘરના એક ખૂણામાં પડી રહેતો. તેના બાપ ભિક્ષા માગીને નિર્વાહ કરતા અને તેને જિવાડતા હતા. આમ, તે ૧૫ વર્ષનો થયો. ત્યારે અધૂરામાં પૂરું તેના બાપા મૃત્યુ પામ્યા. વળી, તેને બીજા કોઈ સગાંસંબંધી પણ હતા નહીં. તેથી આડોશીપાડોશી સમય મળે ટાઢું-ઊનું જે કાંઈક મળે તે ખવડાવી જતા. આમ, તેણે બે વર્ષ તો મહાપરાણે દુઃખમાં કાઢ્યાં. પછી ગામલોકોને દયા આવી. તેથી તેને ગાડામાં નાખી ટોરડા ખુશાલ ભટ્ટ પાસે લાવ્યા. તેની સર્વે વિગત કહી સંભળાવી.

પછી ખુશાલ ભટ્ટે તે છોકરાને હાથ ઝાલી ઊભો કર્યો અને ઘરની સામે તુલસીક્યારો હતો તેને ફરતી પ્રદક્ષિણા કરાવી. પછી તો તે જાતે જ ૨૦૦થી ૩૦૦ પ્રદક્ષિણા ફર્યો. તેથી તે સર્વે લોકો અતિ વિસ્મય પામ્યા. પછી ખુશાલ ભટ્ટે તેને બોલવાનું કહ્યું. પણ તે મૂંગો હતો તેથી બોલી શક્યો નહીં. અસ્પષ્ટ થોડું બોલ્યો. પછી ખુશાલ ભટ્ટે તેને “તારું ગોત્ર, વેદ વગેરે શું છે ?” તે પૂછ્યું. તેનો પણ તે સ્પષ્ટ જવાબ આપી શકયો નહીં. તેથી ખુશાલ ભટ્ટે કહ્યું કે, “આ તો સાવ મૂઢ અને જડ જેવો છે.” ત્યારે સૌએ ખુશાલ ભટ્ટને પ્રાર્થના કરી કે, “તમે જ દયા કરીને તેને ચાલતો કર્યો છે, તો બોલતો પણ કરો તો ઘણું સારું.” ત્યારે ખુશાલ ભટ્ટ રાજી થઈને બોલ્યા કે, “આ તો મનુષ્યની હરોળમાં નહિ પણ મુક્તની હરોળમાં ગણાય.” ખુશાલ ભટ્ટે કહ્યું કે, “તું ધીરે ધીરે બોલ જોઈએ.” પછી ખુશાલ ભટ્ટ પ્રથમ મંત્ર બોલ્યા અને તેમની સાથે છોકરો પણ બોલવા લાગ્યો. એમ તે ૪૦ અધ્યાય બોલી ગયો. ત્યારબાદ ખુશાલ ભટ્ટે તેને આશીર્વાદ આપ્યા કે, “તને નિત્ય મિષ્ટાન્ન અને પુષ્કળ દક્ષિણા મળશે.”

ખુશાલ ભટ્ટના આશીર્વાદથી છોકરો ઈડર, અમદાવાદ વગેરે સ્થળે ચાલીને જતો. અને લોકોને ત્યાં તે સારા-નરસા પ્રસંગે વેદ બોલતો. તેથી ખૂબ પૈસા અને પ્રતિષ્ઠા પણ પામ્યો. તે ગૌરીશંકર ધનપાઠી તરીકે સુપ્રસિદ્ધ થયા. જે સ્વામિનારાયણ સંપ્રદાયનાં ઘણાંબધાં મંદિરોની પ્રતિષ્ઠામાં મુખ્ય વરુણી તરીકે સ્થાન શોભાવતા હતા. અને પછી સત્સંગી પણ થયેલા.

શ્રીજીમહારાજે અમદાવાદ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે ગૌરીશંકરની ઓળખાણ આપતાં સ્વયં કહેલું કે, “મોટાપુરુષ તો જડને ચેતન કરે છે તે જુઓ આ બેઠા.” ત્યારે તે ગૌરીશંકર ધનપાઠી ઊભા થઈ, હાથ જોડીને નમસ્કાર કરી બોલ્યા કે, “મને ગોપાળાનંદ સ્વામીએ શારીરિક દુઃખથી પણ મુક્ત કર્યો અને વિના અભ્યાસે વિદ્વાન પણ કર્યો. તેથી હું તો તેમને ભગવાન જેવા માનું છું.” આ સાંભળી સૌ ખૂબ આશ્ચર્ય પામ્યા અને સદ્‌. ગોપાળાનંદ સ્વામીનો વિશેષ મહિમા સમજવા લાગ્યા.

આમ, તે મૂઢ અને જડને ખુશાલ ભટ્ટે વેદ પંડિત કર્યા અને પોતાનું અલૌકિક ઐશ્વર્ય બતાવ્યું. અને એવી રીતે “મૂકં કરોતિ વાચાલમ્‌, પંગુમ્‌ લંઘયતે ગિરિમ્‌” (એટલે કે મૂંગાને બોલતો કરવો ને અપંગને પર્વત ઓળંગે તેવો કરવો) તે બિરુદ સાર્થક કર્યું.

 

પુષ્પ ૫ : નાસ્તિકને આસ્તિક બનાવ્યો

ટોરડા પાસે બડોલી ગામ છે. ત્યાં કરસન નામે સોની હતો. તે તેમની સમગ્ર નાતમાં મોટો નાસ્તિક હતો. તેથી ભગવાનની મૂર્તિઓનું ખંડન કરતો અને બધા દેવની નિંદા કરતો. સોનાની ચોરી પણ ખૂબ જ કરતો. આ બધા પાપના પરિપાક રૂપે દેહાંત સમયે તેને મહાભયંકર યમદૂતો લેવા માટે આવ્યા. તે જોઈ સોનીને ઝાડા-પેશાબ છૂટી ગયા અને કારમી ચીસો પાડવા લાગ્યો : “બચાવો... બચાવો; મરી ગયો રે...” આ સાંભળી ગામના માણસો ત્યાં દોડી આવ્યા અને પૂછવા લાગ્યા જે, “અલ્યા કરસન, કેમ રાડ્યો પાડે છે ?” ત્યારે તે કહે, “જુઓ ને, મને આ મોટા કાળા પહાડ જેવા યમદૂતો બાંધીને મારતા મારતા લઈ જવા કરે છે અને કહે છે, તેં બધાને શુષ્ક જ્ઞાનથી ખૂબ ભરમાવ્યા છે. ભગવાનના આકારનું તું જ ખંડન કરતો હતો ને ? શાસ્ત્રને તું જ મિથ્યા કહે છે ને ? ચોરી, દગા, પ્રપંચ પણ ખૂબ કર્યાં છે તેથી હવે તને યમપુરીમાં લઈ જઈ હજારો યુગ પર્યંત નરકના કુંડમાં નાખી ખૂબ જ દુઃખ આપીશું.”

તેમ કહીને યમદૂતો તેને સદેહે ઢસડીને લઈ ગયા તે ગામલોકોએ નજરે જોયું. યમદૂતો તેને લઈને ગામની સીમમાંથી નીકળ્યા. તેવામાં યમદૂતોએ દૂરથી ખુશાલ ભટ્ટને જોયા. દિવ્ય તેજોમય દર્શન થતાં જ યમદૂતોએ વિચાર્યું, “આ કોઈ માણસ નથી. જરૂર સાક્ષાત્‌ ભગવાન હોય તેમ લાગે છે.” તેથી હાથ જોડી નમસ્કાર કર્યા. તે જોઈ કરસન સોનીને પણ પસ્તાવો થયો ને તેણે હાથ જોડ્યા ને પ્રાર્થના કરી, “હે દયાળુ ! હું તમારે શરણે છું. આપ મને આ જમના પાશથી છોડાવો.” તેની પ્રાર્થના સાંભળી દયાળુમૂર્તિ ખુશાલ ભટ્ટે તેની સામે અમૃતદૃષ્ટિ કરી. તેથી યમદૂતોએ બાંધેલાં સર્વે પાશ (બંધનો)  ખૂલી ગયાં. અને ચપટી વગાડી યમદૂતોને પાછા જવા માટે આજ્ઞા આપી.

બંધનોથી મુક્ત થયા પછી ધ્રૂજતો ધ્રૂજતો કરસન સોની એકદમ ખુશાલ ભટ્ટના ચરણે લોટી પડયો અને પ્રાર્થના કરવા લાગ્યો, “હે મારા ભગવાન ! તમે આજે મારી પર અઢળક દયા કરી. નહિતર હું જમપુરીના મહાભયંકર દુઃખને પામત. હું ખરેખર અધમ, પાપી ને નીચ છું. મને સર્વે પાપથી મુક્ત કરી, તમારે શરણે લ્યો.” ત્યારે ખુશાલ ભટ્ટે દિવ્ય દૃષ્ટિ કરી અમૃતવચનો કહી તેને શાંત કર્યો, “તું ચિંતા ન કર. શાંત થા. હવે તું અહીંથી બારોબાર કાઠિયાવાડના ગઢપુર ગામે જા. ત્યાં અમારા ઇષ્ટદેવ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, એવા સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. તું તેમને રાજી કરી લેજે. હવેથી તેમનું ભજન કરજે.”

પછી કરસન સોની ગઢપુર મહારાજ પાસે ગયો. ત્યાં તે પાર્ષદ થઈ નિરંતર સેવા, સમાગમ ને ભજન કરવા લાગ્યા. જ્યારે ખુશાલ ભટ્ટ મહારાજ પાસે આવ્યા ત્યારે કરસન સોનીએ સૌને સાંભળતાં કહ્યું કે, “આ દિવ્યપુરુષે મને મહાકષ્ટમાંથી ઉગારી, નવો જન્મ આપ્યો છે.” આ સાંભળી સર્વે સંતો તથા હરિભક્તો સદ્. ગોપાળાનંદ સ્વામીનો ખૂબ મહિમા સમજવા લાગ્યા..