અમદાવાદમાં બેચરભાઈ શંકરભાઈ ગજજર નામના મુમુક્ષુ રહે. વૈષ્ણવમાર્ગી ને આર્થિક રીતે સુખી હતા. પિતા શંકરભાઈને અમદાવાદમાં પ્રેમદરવાજા પાસેના મંદિરમાં રહેતા સરયૂદાસજી મહારાજને વિષે હેત હતું, તેથી બેચરભાઈ પણ તેમનો સમાગમ કરતા. બેચરભાઈ બુદ્ધિશાળી ને જિજ્ઞાસુ હતા તેથી ધાર્મિક - આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કર્યા કરે. કિશોર અવસ્થામાં વહેલાળ ક્રિકેટની મેચ રમવા ગયેલા, ત્યાં જાણેલું કે જેસંગભાઈની માઢ મેડી નીચેથી પસાર થાય તેનું શ્રી સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કરવાનું કહ્યું છે, તેથી હાથની અદબ વાળીને તે માઢ મેડી નીચેથી નીકળ્યા, ને કહેતા કે મારું કલ્યાણ થઈ ગયું ! અમદાવાદમાંના બાળમિત્રોમાંના સત્સંગી મિત્રો નટવરલાલ વૈદ્ય ને નારાયણભાઈ પટેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીપણાની વાતો કરે, તેનાથી બેચરભાઈ મુગ્ધ થાય, પણ પૂછે : "હાલ કોઈ એવા છે ?" પછી જાણ થઈ કે કચ્છમાં અબજીબાપાશ્રી મહા અનાદિમુક્ત છે. તેમના શિષ્ય સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીનું નામ જાણવામાં આવ્યું. જિજ્ઞાસાથી સદ્દગુરુશ્રીને મળવા મંદિરમાં તેમના આસને આવ્યા. કથા પત્યા પછી વાતો થઈ. બેચરભાઈએ કહ્યું : "કોઈ પણ સંશય પ્રમાણગત રીતે - શાસ્ત્રોમાંથી પ્રમાણો આપીને સમાવાય કે પ્રમેયગત રીતે પ્રત્યક્ષ અનુભવથી સમાવાય, અમારા વિજ્ઞાનમાં કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે. ને શાસ્ત્રો કહે છે પૃથ્વી છાણા જેવી છે ને પાણીમાં તરી રહી છે. પ્રમેયગત રીતે આને વિષે કેમ જણાય ?" સદ્દગુરુશ્રીએ કહ્યું : “શાસ્ત્રો કહે છે તે સાચું છે, વિજ્ઞાન એ જ છે. તારું વિજ્ઞાન ખોટું છે !” બેચરભાઈને સંતોષ ન થયો. બીજે દિવસે સરયૂદાસજી મહારાજની સંનિધિમાં ધ્યાન-ભજન કરવા ધોળકા પાસેના ધોળી – ભુમલી ગામે જવા નીકળ્યા. ધોળકા સુધી ટ્રેનમાં જઈ, ત્યાંથી ગાડામાં બેઠા. બપોરના બાર વાગેલા, ધોળે દિવસે ને જાગૃત અવસ્થામાં બેચરભાઈ ગાડામાં બેઠા હતા, ત્યાં તેમને સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનાં દર્શન થયાં. સ્વામીશ્રીએ ધોતી પહેરેલી, ને ઉઘાડું ડીલ ને શરીરમાંથી હજારો ચંદ્રમા જેવું તેજ છૂટી રહેલું, બીજું બધું દેખાતું બંધ થઈ ગયું. સદ્દગુરુશ્રીએ કહ્યું : "બેચર, જો !" તે સાથે ચૌદ માળની હવેલી ચૌદ લોક સહિત દેખાઈ ! આકાશી આકાર, અપાર ઊંચાઈ ને અપાર પહોળાઈ ! બ્રહ્માંડની રચના જેવી છે તેવી બેચરભાઈએ જાતે નિહાળી. પ્રમેયગત જ્ઞાન થયું ! બેચરભાઈને મનમાં તરત ત્રિરાશી વાગી : “સ્વામી આવા જબરા, તો તેમના ગુરુ અબજીબાપાશ્રી કેવા ? અબજીબાપાશ્રી અનાદિમુક્ત તો તેમના સ્વામી શ્રીહરિ પરમાત્મા કેવા ?” અમદાવાદ પાછા આવી મંદિરમાં સદ્દગુરુશ્રી પાસે ગયા. સદ્દગુરુશ્રી એક શબ્દ પણ બોલ્યા વિના પોતાના આસનેથી ઊભા થયા, ખીંટીએ લટકતી પોતાની ઝોળીમાંથી કંઠી કાઢી પોતાના હાથે બેચરભાઈને પહેરાવી, ને વર્તમાન ધરાવ્યા બેચરભાઈ અનુભવજ્ઞાનના મહાસાગરમાં ડૂબી ગયા ! તેમના પિતાશ્રી શંકરભાઈ પણ સદ્દગુરુશ્રીના અનન્ય સેવક બની રહ્યા.