અમથા ભગતનો મંદવાડ

અમથા ભગતને પગની બીમારી હતી. એમાંય વળી અશક્તિ એટલે હરવા-ફરવાનું થાય નહીં. ને મંદવાડ વધતો ચાલ્યો.

પિતાજીનો મંદવાડ જોઈ મુક્તરાજ બહેચરભાઈ પણ ચિંતિત રહેતા પરંતુ તેમ છતાં મંદિરમાં સવાર-સાંજ કથાવાર્તા અને સંતો-હરિભક્તોની સેવાની સાથે સાથે ઘરનું ખેતીનું કામકાજ પણ સંભાળવાનું; તો વળી પિતાજીની પણ ટાણે ટાણે સેવા કરવાની. પરંતુ સેવાનો પાઠ શિખવાડનાર મુક્તરાજને ક્યારેય ભાર, ભીડો કે તકલીફ તો લાગે જ નહીં. વર્તન વાતો કરે.

એક દિવસ મુક્તરાજ મંદિરે ગયા અને ખબર પડી કે સમર્થ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પોતાના મંડળે સહિત પધાર્યા છે અને પોતે ઉતાવળા પહોંચ્યા મંદિરે.

મુક્તરાજ બહેચરભાઈએ સાંભળેલું કે, “સદ્‌. ગોપાળાનંદ સ્વામી એટલે શ્રીજીમહારાજના આધ્યાત્મિક વારસદાર અને આ સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી, સદ્‌. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય છે. એવા જ સમર્થ છે. દિવ્યપુરુષ છે. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને શ્રીજીમહારાજે દર્શન દઈ સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીનો મહિમા કરી રખાવ્યા છે અને. સર્વોપરી ઉપાસનાના પ્રવર્તન માટે શ્રીજીમહારાજના સંકલ્પથી  દર્શન આપે છે.”

આવા સમર્થ સદ્‌ગુરુશ્રીનાં દર્શનની બહેચરભાઈને ઇચ્છા ઘણી જ રહેતી પરંતુ એ સંકલ્પ પૂરો નહિ થયેલો અને ઘેર બેઠા જ્યારે સદ્‌ગુરુ દર્શન દેવા પધાર્યા છે તે જાણી આનંદ આનંદ થઈ ગયો. મંદિરમાં ગયા અને ઠાકોરજીનાં દર્શન કરી સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને દંડવત કરી બેઠા અને પ્રથમ દર્શને જ દિવ્યાનંદ રેલાવા લાગ્યો. “આ પુરુષ... આ લોકના તો નથી જ, કોઈ દિવ્ય વ્યક્તિત્વ છે.” એ ભાવ થઈ ગયો ને દેહભાવ ભૂલી ગયા !

પરંતુ સદ્‌ગુરુશ્રીએ નામ-ઠામ પૂછતાં પોતાના પિતાજીના મંદવાડની વાત કરી અને કૃપા કરી ઘેર દર્શન દેવા માટે પધારવા પ્રાર્થના કરી. સદ્‌ગુરુશ્રીએ પ્રાર્થના સ્વીકારી અને બીજા દિવસે પધારવા વચન આપ્યું.

બીજો દિવસ થયો.

પિતાજી અમથા ભગત તો પોતાના આ મંદવાડમાં સદ્‌ગુરુશ્રી સ્વયં ખબર લેવા પધારતાં ગદ્‌ગદ થઈ ગયા. સજળ નેત્રે સદ્‌ગુરુશ્રીનું પૂજન-દર્શન કર્યું અને રાજી રહેવા પ્રાર્થના કરતાં બોલ્યા, “બાપજી ! મંદવાડ વધારે છે અને ખમાતું નથી. બીજી તો કાંઈ ઇચ્છા નથી. પણ આ બેય દીકરા આપના છે અને આપ જ સાચવજો. આપને સોંપ્યા.”

અને સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના મુખારવિંદમાંથી શબ્દો સરી પડ્યા, “અમથા ભગત ! અમથાભાઈ ! તૈયારી કરો. મહારાજ તો તમારી રાહ જોઈને બેઠા છે. અને બહેચર તો અમારો છે. મહારાજનો સંકલ્પ છે ને મહારાજ એના દ્વારા ઘણાં મોટાં કામ કરશે.”

દર્શન-આશીર્વાદનું સુખ આપી સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પધાર્યા અને એ જ રાત્રે શ્રીજીમહારાજે અમથા ભગતને મૂર્તિના સુખમાં  લઈ લીધા.

સદ્‌ગુરુશ્રીનાં પ્રથમ દર્શને મુક્તરાજ બહેચરભાઈને આગવી પ્રીતિનો નાતો બંધાઈ ગયો. પિતાશ્રીની વિદાયથી પોતે પણ સાંસારિક બંધનોથી મુક્ત થવાના વિચારમાં લાગી ગયા.