ત્યાગાશ્રમ અને સંતદીક્ષા

પિતાજીના મુર્તિનિવાસ પછી ઘરની બધી જ જવાબદારીઓ મુક્તરાજને માથે આવી ગઈ. છતાં વૈરાગ્યવંત એવા આ યુવાન બહેચરભાઈએ શ્રીજીમહારાજના બળે બધી જ જવાબદારીઓ સ્વીકારી લીધી અને વ્યવહારની, સમાજની તેમજ ખેતરની સર્વે ચિંતા રાખે અને માતા જીવીબા તથા નાના ભાઈ  કસીભાઈનું જતન કરે.

અનંતનું જતન કરવાની જેમને ચિંતા હોય એવા આ દિવ્યપુરુષને નાનકડા પરિવારની શી ગણતી ?

“વ્યવહારને ગૌણ કરવો, ભગવાનને મુખ્ય કરવા” એ સૂત્ર અનુસાર પોતે શ્રીહરિમાં વૃત્તિ રાખતા થકા સૌને આ લોક-પરલોકમાં દિવ્યજીવન જીવવાની પ્રેરણા આપે અને ગામના કિશોરો તથા યુવાનોને તો, “જગત ખોટું છે, સંસાર ખોટો છે... જગતમાં તો સૌ સ્વાર્થનાં સગાં છે. એકમાત્ર ભગવાન અને સત્પુરુષ જ સાચાં સગાં છે... અનંત જન્મો ધર્યા ને અનંત માબાપ કર્યાં. પરંતુ એકેય દેહનાં સગાંસંબંધી નથી રહ્યાં. તો આ દેહનાં પણ નહિ રહે. હથેવાળો તો હરિ સંગાથે જ કરવો. આપણે માયાના ગુલામ નથી.” ઇત્યાદિક વાતો કરી સંસાર અસાર કરાવે ને તપ, ત્યાગ, વૈરાગ્યની અવનવી રીત શિખવાડે.

જગતની પ્રત્યેક માતા પોતાના પુત્રની અવસ્થા થતાં પરણાવવાના કોડ સેવતી જ હોય, પરંતુ માતા જીવીબા પોતાના દિવ્ય પુત્રને ઓળખતાં હતાં. અને કદાચ ક્યારેક કોઈ સગાંસંબંધી વાત કાઢે તો પોતે કહેતાં કે, “અમારાં તો સર્વોપરી ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યાં છે.”

મોટા ભાઈનો બૃહદ્‌ વૈરાગ્ય જોઈ નાના ભાઈને પણ જગત ખોટું થઈ ગયું હતું અને વ્યવહારમાં સદાય અરુચિ રહેતી. માતા જીવીબા જાણતાં હતાં કે પોતાના આ બંને સેવકો શ્રીહરિના જ છે. અને એમની સેવામાં જ રહેશે. તેથી પોતે પણ સુખેથી ભગવાન ભજાય ને મહારાજને રાજી કરાય તેવા વિચારોમાં રહેતાં. પણ કોઈ કોઈને કાંઈ કહે નહીં. છતાં ત્રણેય સભ્યો રાહ જોઈ રહ્યાં હતા સદ્‌ગુરુશ્રીની આજ્ઞાની ! ક્યારે આજ્ઞા થાય અને પહોંચી જઈએ ?”

મુક્તરાજ બહેચરભાઈ તો અવારનવાર જ્યારે જ્યારે સદ્‌ગુરુશ્રી પાસે દર્શન-સમાગમ માટે જતા ત્યારે તેઓશ્રી કહેતા કે, “બહેચર, તું સાધુ ખરો પણ હજી વાર છે. સમય આવે બોલાવી લઈશું.”

અને આખરે એ ધન્ય ઘડી આવી પહોંચી.

સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી જેતલપુરથી અમદાવાદ જતા હતા ને રસ્તામાં અશ્લાલી આવતાં પોતે ગામમાં પધાર્યા. આજે સદ્‌ગુરુશ્રી જેતલપુરથી જાણે સંકલ્પ કરીને જ ન નીકળ્યા હોય !

સદ્‌ગુરુશ્રીનાં દર્શન થતાં બહેચરભાઈ તો રાજી રાજી થઈ ગયા અને સદ્‌ગુરુશ્રીએ પૂછી નાખ્યું : “બહેચર, આવવું છે ને ?” અને મુક્તરાજે કહ્યું, “બાપજી ! રાહ જોઈને જ બેઠા છીએ... બસ આજ્ઞા કરો...”

મંદ મંદ હાસ્ય કરતાં સદ્‌ગુરુશ્રીએ કહ્યું, “સમય પાકી ગયો છે. મહારાજ બોલાવી રહ્યા છે. અનંત જીવો રાહ જોઈ રહ્યા છે.”

અને સદ્‌ગુરુશ્રીની આજ્ઞા થતાં અમથા ભગતનું આ નાનકડું કુટુંબ શ્રીજીચરણે સમર્પિત થઈ ગયું.

સદ્‌ગુરુશ્રીની આજ્ઞાથી કસીભાઈ જેતલપુરમાં પાર્ષદ થઈને રહ્યા, માતા જીવીબાએ સાંખ્યયોગ લીધો ને મુક્તરાજ બહેચરભાઈને સદ્‌ગુરુશ્રીએ પોતાની સાથે લીધા.

પોતે જે હેતુ માટે આ બ્રહ્માંડમાં પધાર્યા હતા તેનો પ્રારંભ થઈ ચૂક્યો હતો... ત્યાગાશ્રમ સ્વીકાર્યો અને આ મુક્તરાજ બહેચરભાઈ ‘ઈશ્વરચરણદાસજી સ્વામી’ ના નામથી પ્રસિદ્ધ થયા.

સાલ હતી વિ.સં. ૧૯૪૨.