પ્રસાદી ની વાતો

વાર્તા 11 થી 20

(૧૧) સભામાં હરિભક્તોએ સ્વામીશ્રીને પૂછ્યું જે, તન, મન, ધન અર્પણ કરે એટલે પોતાનું કાંઈ રહે નહીં. પછી તેમાંથી કોઈ પાછું લે તેનું પાપ કે નહીં ? ત્યારે સ્વામી કહે જે, જેને મહારાજ અથવા મોટા મળે અને વર્તમાન ધરાવી અનાદિમુક્તની પંક્તિમાં રાખે, તે તન, મન, ધન અર્પણ કર્યા પછી કયા હાથે વસ્તુ લઈ શકે ? કેમ કે તન અર્પણ કર્યું તે ભેળા હાથ પણ અર્પણ થઈ ગયા માટે લઈ શકાય જ નહિ, અને લે તો તેણે કાંઈ અર્પણ કર્યું જ નથી. અને એકાંતિક હોય તેણે તન, મન, ધન અર્પણ કર્યાં કેમ કહેવાય ? તો કોઈ વંદે, નિંદે, પૂજા કરે તેનો સમભાવ થઈ જાય અને કામાદિક દોષ વ્યાપે નહિ ત્યારે તન અર્પણ કર્યું કહેવાય. મન અર્પણ કર્યું ક્યારે કહેવાય ? તો પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ ધૂળ તથા કાંકરા નાખે તો જેવું વસમું લાગે તેવું મૂર્તિ વિના બીજું મનન થાય તો વસમું લાગે ત્યારે મન અર્પણ કર્યું કહેવાય. ધન અર્પણ કર્યું ક્યારે કહેવાય ? તો દશાંશ-વિશાંશ શ્રી ઠાકોરજીને અર્પણ કરે અને પોતાના ઘરનું દ્રવ્ય હોય તે પણ કુમાર્ગે ન વાપરે તો ગૃહસ્થે ધન અર્પણ કર્યું કહેવાય. અને ત્યાગી તો પોતાનું કાંઈ છે જ નહિ એમ વર્તે અને કોઈ વસ્ત્રાદિકે સેવા કરે તે પણ ધર્મામૃત પ્રમાણે રાખે અને તેથી અધિક જણાય તો જે મંદિરમાં પોતે રહેતા હોય ત્યાં ઠાકોરજીના કોઠારે આપી દે. એવી રીતે પોતાપણું ન રાખે તો ત્યાગીએ ધન અર્પણ કર્યું કહેવાય.

(૧૨) શ્રીજીમહારાજ તેજને મધ્યે બિરાજે છે એમ કહ્યું છે. એ તેજ તે શું ? એમ કહીને સ્વામીશ્રી બોલ્યા જે, મહારાજની મૂર્તિનું તેજ જેને અક્ષરધામ કહે છે તે. અનાદિમુક્તને તો મૂર્તિ એ જ અક્ષરધામ છે. માટે મૂર્તિ આવી એટલે સર્વ આવ્યું. એમ જાણી મૂર્તિને મૂકી તેજને ઇચ્છવું નહીં. આ જીવ આદિ સૃષ્ટિથી ભક્તિ કરતા આવે છે અને ધોવાતા જાય છે એમ અનંતવાર ભક્તિ કરતાં કરતાં ચોખ્ખા થાય છે. એટલે જન્મમરણરૂપી મેલ જાય છે પછી એ મૂર્તિને પામે છે.

(૧૩) સત્સંગ તો સૌ કરે છે પણ મૂર્તિની અને મૂર્તિમાં રહેલા મુક્તની ઓળખાણ પડી એ પૂરો સત્સંગ કહેવાય. તે જ્યારે મુક્ત થઈ મૂર્તિમાં પહોંચે ત્યારે મૂર્તિમાં રહેલા મુક્તની ઓળખાણ પડે. એ વિના ઓળખાણ ન પડે તેમ પૂરો સત્સંગ પણ કહેવાય નહીં.

(૧૪) શ્રીજીમહારાજનો મહિમા જાણવાથી એ મૂર્તિનું અખંડ ચિંતવન થાય. ચાલોચાલ, એકાંતિક, પરમએકાંતિક તથા અનાદિ એ સર્વે મૂર્તિના સંબંધે સુખિયા છે. તેમાં જેટલો જેને સંબંધ તેટલું તેને સુખ. પૃથ્વીથી લઈને અક્ષર પર્યંત એકબીજાના ઉપરી છે તે સર્વને શ્રીજીમહારાજના અન્વય સ્વરૂપનો સંબંધ છે, પણ વ્યતિરેક મૂર્તિનો સંબંધ નથી. વ્યતિરેક મૂર્તિનો સંબંધ તો મુક્તને જ છે. એવી રીતે શ્રીજીમહારાજના અન્વય અને વ્યતિરેક સ્વરૂપના સંબંધની રીત સમજી સમજણ દૃઢ કરવી.

શ્રીજીમહારાજની સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિની પ્રાપ્તિ થયા વિના સુખ ન મળે. તે તો મોટા મુક્ત મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેતા હોય તેને સેવા-સમાગમે રાજી કરે અને તે કહે તેમ કરે તો સાક્ષાત્ મૂર્તિનું સુખ મળે. મોટા સંત વાત કરતા કે લાખ કરોડ જન્મ ધરે પણ સમજણ દ્રઢ કર્યા વિના અને મોટાનો અભિપ્રાય જાણ્યા વિના સુખ લેતા ન આવડે.

(૧૫) કેટલાક કહે છે કે, આ ચિત્ર પ્રતિમા સારી છે, આમાં ભાવ સારો આવ્યો છે. એમ કેવળ બોલવાથી સુખ શું મળે ? પણ જો મહિમા જાણી તેમાંથી પ્રતિમાભાવ ટાળે, મૂર્તિના સુખમાં ઊંડો ઊતરે તો મૂર્તિમાંથી ફરર ફરર સુખ છૂટે છે તેમાં લુબ્ધ થવાય એટલે સુખનો પાર રહે નહિ; કેમ કે સુખનું કારણ તો મૂર્તિ છે અને તે સાથે જ છે. તેથી મૂર્તિના સુખમાં ટકાય તો લાભ મળે. એ અવિનાશી સુખને કોઈની ઉપમા દેવાય નહીં. એ સુખમાં જોડાવાય તે જ ભક્તિ છે. મોટા તો એ સુખમાં જોડાઈ જાય તો પાછા આવે જ નહિ એવું એ સુખ છે. સ્વામી શ્રી નિર્ગુણદાસજીએ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે, સ્વામી ! તમે બીજાને સમાધિ કરાવો છો તેમ મને પણ સમાધિ કરાવો તો ઠીક. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે તમોને ઓરી સમાધિ કરાવાય નહિ; અને જો ઠેઠની સમાધિ કરાવીએ તો તમે પાછા આવો નહીં. તેથી અહીં ઘણા જીવોને તમારાથી સમાસ છે તે બંધ થઈ જાય. માટે તમોને સમાધિ કરાવતા નથી. એમ મોટા મુક્ત સુખમાં જોડાય તો પાછા આવે જ નહીં.

(૧૬) જીવને વાસના ટાળવી એ બહુ કઠણ કામ છે પણ મહારાજ સાથે જીવ જોડે તો વાસના તૂટે. પછી એમ જાણે જે મહારાજ વિના કાંઈ છે જ નહિ, ત્યારે વાસના નિર્મૂળ થઈ જાણવી. મહારાજ વિના બીજે જેટલી જેટલી સારપ્ય રહે છે અને મૂર્તિ વિના બીજું કાંઈક છે અથવા બીજે પણ સુખ છે એવું મનાય છે એ જ વાસના છે. અને જેને જેટલો મૂર્તિના સુખનો અનુભવ થયો તેને તેટલી બીજેથી સારપ્ય ટળે પણ તે વિના ઉપરથી જોગ કરે તો સારપ્ય ન જાય. જેમ ચિતારા મૂર્તિઓ કરે છે તે મૂર્તિ તદાકાર દેખે છે, વર્ણન કરે છે પણ વાસના ટળતી નથી. એ તો જ્યારે મૂર્તિના સુખમાં જોડાય ત્યારે વાસના ટળે, પણ મૂર્તિનું ચિંતવન કર્યા વિના તથા મોટાને રાજી કર્યા વિના કલ્યાણ થતું નથી. પછી એક ચિતારાની વાત કરી જે તેણે મૂર્તિઓ ચીતરીને પૈસા ભેગા કર્યા, પછી એ પૈસાની વાસનાએ ધામમાં જવાણું નહિ; માટે જાળવવું. ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા પણ મૃગલા સાથે હેત થયું તેણે કરીને તેમને ત્રણ જન્મ ધરવા પડ્યા. માટે મૂર્તિ વિના બીજે હેત ન રાખવું. નિર્વાસનિક થઈ જવું. સમુદ્ર રત્નાકર કહેવાય છે, પણ વહાણના ખેવટિયા લોકો પાસે ખાવા માગે છે – એ ભિખારી મટતા નથી. તેનું કારણ ઉપર ઉપર ફરે છે. જો ઊંડા ઊતરે તો રત્ન મળે અને લાખોપતિ-કરોડપતિ થાય. તેમ મૂર્તિઓ બહુ સારી કરે પણ મૂર્તિના સુખમાં ઊંડા ન ઊતરે તો ભિખારીપણું ન મટે; એવા ને એવા રહે, માટે બહુ જ વિચારવું. એક બાવાને અડધા રૂપિયામાં વાસના રહેલ તે પાપે સર્પ થયો હતો. તે વાત કરીને કહ્યું જે, ભૂત, પ્રેત અને વૈતાળ, ગરબડિયામાં ગડબડે માટે વાસનાથી બહુ જ બીવું. વાસના ટાળવી છે, ટાળવી છે એમ વિચાર કરતાં કરતાં મરી જાય તોય ભૂત થવું પડે છે, જેમ ભરતજીને મૃગનું ચિંતવન કરતાં કરતાં દેહ પડ્યો તો મૃગરૂપ થઈ ગયા, તેમ જેનું ચિંતવન રહે તે રૂપ થવાય; માટે મૂર્તિ વિના બીજું ચિંતવન ન કરવું, નહિ તો જન્મ ધરવા પડે.

(૧૭) ભગવાન તો બહુ જ મોટા નાણાવટીને ઠેકાણે છે. તેમની સાથે ભાગ રાખે તો ન્યાલ કરે, પણ જ્યાં ત્યાં ફરતો ફરે તો કાંઈ ન મળે. માટે મૂર્તિનો રાજીપો લેવો એટલે કામ થઈ જાય. એ વિના કાંઈ ન થાય. મહારાજની મૂર્તિ ચિંતામણિ તુલ્ય છે, માટે જે ચિંતવે તે પ્રાપ્ત થાય. ચિંતામણિની ઉપમા મહારાજને દેવાય છે, તેનું કારણ પણ સર્વના કર્તા, નિયંતા મહારાજ છે તેથી એ દૃષ્ટાંતે સમજાવાય છે, પણ તે વિના ભગવાનને કોઈ દૃષ્ટાંત કે ઉપમા આપી શકાય એવું નથી. અનાદિમુક્ત તો એમની સાથે જ છે, એટલે અનાદિ રૂપે પણ કામ કરનાર મહારાજ પોતે છે. માટે એ જેમ અનંત જીવોને સમાસ થાય તેમ દેખાય છે અને કલ્યાણ કરે છે. એટલું તો જાણી રાખવું જે મુક્ત હોય ત્યાં ભગવાન હોય અને ભગવાન હોય ત્યાં મુક્ત હોય; કેમ કે એ તો સદાય ભેળા જ છે.

(૧૮) કોઈ સમુદ્રમાં નહાવા ઊતરે તે વહાણ સાથે દોરડું બાંધીને ઊતરે તો નહાઈને પાછો આવે, પણ જો દોરડું છૂટી જાય તો તણાઈ જાય અને મોટા મગરમચ્છ ખાઈ જાય. તેમ ભવસાગર પાર ઊતરવા ખરા ખબડદાર થઈ શ્રીજીમહારાજની મૂર્તિરૂપ દોરડું ઝાલી રાખવું. નહિતર કામ, ક્રોધ, લોભ, માન આદિ મગરમચ્છ ખાઈ જાય. માટે મૂર્તિના સુખમાં જોડાવું. અને ધ્યાન કરતાં ઉપશમ થાય તો મૂર્તિ ભૂલાય નહિ ને સુખ આવે. માટે બરાબર સુખભોક્તા થવું; તે જ આપણે કરવાનું છે.

મહારાજનો મહિમા જેમ જેમ સમજાતો જાય તેમ તેમ મૂર્તિ વધુ સાંભરે. એ મહિમા પ્રાપ્ત થવા મૂર્તિમાં આપોપું કરવું. મૂર્તિમાં નિમગ્ન થવાથી સર્વે પ્રાપ્તિ થઈ જાય; કાંઈ બાકી ન રહે. જેમ ચંદ્રમાથી સર્વે ઔષધીનું પોષણ થાય છે - બાજરી, ઘઉં આદિમાં રસ ચડે છે, અને સૂર્ય તેને પકવે છે. પણ જો વાદળાં આડાં આવે તો તેવો દાણો ન પાકે, તેમ મહારાજની કૃપા વડે જીવમાં મુક્તતા આવે છે; પણ વચમાં છળકપટ, દગા, પ્રપંચરૂપ વાદળાં ન હોય તો મુક્તતા આવે, નહિ તો ન આવે. આ સિદ્ધાંત વાત છે.

(૧૯) મંદિરમાં મૂર્તિ પધરાવવી હોય ત્યારે પ્રથમ સિંહાસન સામી મૂર્તિ હોય, પછી પધરાવીએ એટલે સિંહાસનના મુખેમુખ થઈ જાય. તેમ મૂર્તિ વિષે આપોપું થાય એટલે દેહભાવ ટળી જાય, પછી કામ-ક્રોધાદિક દોષ રહે જ નહિ; ત્યારે જાણવું જે મૂર્તિના સુખરૂપ રસનો ભોક્તા થયો - તેને અનાદિ કહેવાય. જ્યાં સુધી મહારાજ સન્મુખ હોય ત્યાં સુધી વિધિ કરવાનો બાકી જાણવો, પણ પ્રતિલોમપણે હસ્તે હસ્ત, મુખે મુખ, ચરણે ચરણ થયાં એટલે વિધિ પૂરો થયો જાણવો. જ્યાં સુધી એવું ન થયું હોય ત્યાં સુધી સત્સંગ અધૂરો જાણવો. માટે મોટાના જોગે કરીને સત્સંગ પૂરો કરી લેવો. મૂર્તિ દેખાય એટલે સુખિયા થયા એમ નહીં. એમ તો ચિતારા મૂર્તિને દેખે છે પણ તેણે કરીને સુખિયા થતા નથી; એ તો જ્યારે મૂર્તિરૂપ થઈ મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે સુખિયા થાય. એક ચકલી મેરુ પર્વત ઉપર બેઠી હતી, તેને પાણી પાવા સારુ ભગવાને બ્રહ્માંડ બોળી નાખ્યું; તેમ જે મૂર્તિમાં જોડાણો તેને અનંતકોટિ બ્રહ્માંડ બોળાઈ ગયાં અને મહારાજની મૂર્તિના સુખરૂપ પાણી પીધું. માટે ભગવદ્ભાવ આવ્યો એટલે મૂર્તિના સુખમાં જોડાઈ ગયો જાણવો.

(૨૦) અધોઊર્ધ્વ પ્રમાણેરહિત તેજના સમૂહને મધ્યે મહારાજની મૂર્તિ છે તે મૂર્તિમાં મહારાજે મને કૃપા કરીને રાખ્યો છે, એમ જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે જ સુખિયો કહેવાય. મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત છે તેને મૂર્તિના જેવું જ જાણપણું હોય છે. તે જાણપણું શું તો એક સુખ જ. તેને તો એક મહારાજ જ દાતા અને પોતે સુખના ભોક્તા એટલું સ્વામી-સેવકપણું થયું. એક મહારાજ વિના બીજો કોઈ ધણી ન મળે. કલ્યાણ કરવું તે પણ એ ધણીનું જ કામ. પોતાને તો એ દિવ્ય સુખમાં પૂર્ણ થવાતું જ નથી. આમ સમજાય તો કાંઈ બાકી રહે નહીં. આ તો ઉપર ઉપરનો સત્સંગ કરે, પણ મોટા મુક્તને રાજી કરવાનું તાન નહિ તેને શું હાથ આવે ? જો મોટા મુક્ત સાથે હેત રાખે તો તુરત કામ થાય; માટે વિચારીને સમાગમ કરવો. મહારાજે બુદ્ધિવાળાને વખાણ્યા છે કેમ કે તે આવી વાત સમજી શકે. જેમ પાકશાસ્ત્રના પટારા ભર્યા હોય તે જમવા ટાણે આગળ મૂકે અને તેમાંથી પુસ્તકો કાઢી કાઢીને વાંચ્યા કરે તોપણ પેટ ભરાય નહીં. એ તો જ્યારે રસોઈ કરીને જમે ત્યારે જ ભૂખ ભાગે. તેમ સમજ્યા વિના કથાવાર્તા પાંચ વખત કરે ને આખો દિવસ વાંચ્યા કરે તે નવરો જ ન રહે, પણ જો મૂર્તિના સુખમાં ન ઊતરે તો કથાની કાંઈ પણ અસર તેનામાં આવી ન કહેવાય. તે તો પાકશાસ્ત્રના પટારા ભરી રાખ્યા જેવું થયું. પણ જમ્યા વિના એ શું કામમાં આવ્યા !