પુષ્પ ૧ : પ્રત્યક્ષમાં પ્રીતિ
સદ્ગુરુશ્રી મૂળીમાં પધારેલા ત્યારનો એક પ્રસંગ છે. બે હરિભક્તો સદ્ગુરુશ્રીની પાસે બેઠા હતા. તેઓ સદ્ગુરુશ્રીના મુખે મહારાજ અને મુક્તના મહિમાની વાતો સાંભળી રહ્યા હતા. ત્યારે સદ્ગુરુશ્રી બોલ્યા, “જેવી જીવાત્માને પરોક્ષને વિષે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષને વિષે પ્રતીતિ થાય તો એને કલ્યાણના માર્ગમાં કાંઈ કરવું બાકી જ નથી. જીવને પરોક્ષનો મહિમા સમજાય, પરંતુ પ્રત્યક્ષનો સમજાતો નથી. અને એનું કારણ છે મનુષ્યભાવ. ભગવાન અને સત્પુરુષને જ્યાં સુધી પોતાના જેવા જાણે ત્યાં સુધી એની (જીવાત્માની) મૂળ માયા ટળતી નથી. ભલે પોતાના જેવા દેખાય, પરંતુ સમજવા નહીં. દિવ્યભાવનો દૃઢાવ કરવો અને જે શ્રીજીમહારાજ, સદ્. ગોપાળાનંદ સ્વામી આદિ સંતો અને દાદાખાચર આદિ હરિભક્તોને મળ્યા હતા, એ જ આપણને વર્તમાનકાળે, પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. તેમજ મળેલા મોટાપુરુષ, શ્રીજીસમકાલીન સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. મુક્તાનંદ સ્વામી આદિ મુક્તો જેવા જ સમર્થ છે. એ વાતનો જ્યારે દૃઢાવ થાય ત્યારે સદાય સુખિયા રહેવાય, સર્વ સાધનની પણ સમાપ્તિ થઈ જાય. તેને કલ્યાણના માર્ગમાં પણ કાંઈ કરવું રહેતું નથી.’’
સદ્ગુરુશ્રીની દિવ્યવાણીનો લાભ લઈ રહેલા બળોલ ગામના હરિભાઈ અને શેદલા ગામના કાનજીભાઈએ સદ્ગુરુશ્રીને પૂછ્યું, “આપ કહો છો તે વાત સાચી છે, પરંતુ વર્તમાનકાળે પૂર્વે થઈ ગયેલા શુકદેવજી જેવા કોઈ સિદ્ધદશાવાળા ખરા કે પોતાને જ્યાં જેવું દેખાવું હોય ત્યાં સંકલ્પથી દેખાય ?”
ત્યારે સદ્ગુરુશ્રી બોલ્યા જે, “મુક્તો, મળેલા મોટાપુરુષ એથીય સમર્થ છે, વિશ્વાસ રાખજો, કામ થઈ જશે.” ત્યારે હરિભાઈ કહે, “બાપજી ! આપની કૃપાથી વિશ્વાસ તો છે જ કે, આપ એવા જ સમર્થ છો... પણ દયાળુ ! પ્રાર્થના છે કે, જો આપની મરજી હોય અને એવાં દર્શન કરાવો તો આપની કૃપા! ”
ત્યાં તો મર્માળું સ્મિત કરતાં સદ્ગુરુશ્રીએ પોતાના જેવું જ નાના પરમહંસનું એક સ્વરૂપ સંકલ્પથી પ્રગટ કર્યું. પછી તે સ્વરૂપને સદ્ગુરુશ્રીએ બાળકૃષ્ણદાસજી સ્વામીને બોલાવવા મોકલ્યું. સદ્ગુરુશ્રીના સંકલ્પનો સંદેશો સાંભળી તેમને વળતો જવાબ આપવા સદ્. શ્રી બાળકૃષ્ણદાસજી સ્વામીએ પણ પોતાનો સંકલ્પ નાના પરમહંસ રૂપે પ્રગટ કર્યો અને સદ્ગુરુશ્રીને કહેવરાવ્યું કે, “સ્વામી હમણાં આવે છે.” પછી થોડી જ વારમાં સદ્. બાળકૃષ્ણદાસજી સ્વામી આવ્યા અને બેય સદ્ગુરુશ્રી મર્મમાં હસ્યા.
બંને હરિભક્તો તો સદ્ગુરુની આવી દિવ્ય પ્રતિભા જોઈ મહિમાના અતિરેકમાં ગરકાવ થઈ ગયા અને આ અલૌકિક આશ્ચર્યને વાગોળવા લાગ્યા કે, “આજે આપણને પ્રત્યક્ષ મળેલા ભગવાન શ્રીહરિ અને સત્પુરુષ એવા જ છે.”
પુષ્પ ૨ : સરળ ભાષામાં ઉપદેશ
સદ્ગુરુશ્રી જ્યારે નાના હતા ત્યારનો, પોતાનો બાળપણનો પ્રસંગ ઘણી વખત કહેતા કે, “અમે જ્યારે નાના હતા ત્યારે ગામ બહાર એક દેરી હતી, ત્યાં અમે રમવા જતા અને બોરડી પરથી બોર વીણી, ભેગાં કરી, દેવ પાસે મૂકતા. પણ ડાબા હાથે મૂકતા અને જમણા હાથે લઈ લેતા (જોડેના બાળસખાઓ આવી રમત કરતા) ત્યારે અમે કહેતા કે, “એક વખત દેવને અર્પણ કર્યું પછી આપણે લેવાય કેમ ?” ત્યારે છોકરાઓ કહેતા કે, “એ તો ડાબા હાથે મૂક્યું અને જમણા હાથે લીધું એમાં ખોટું શું ?”
પોતાની સ્વજીવનની નાનકડી વાતને સૌની આગળ હળવાશથી - નિખાલસભાવે રજૂ કરી, સદ્ગુરુશ્રી સિદ્ધાંત સમજાવતા કે, “મહારાજ અને મોટાપુરુષે જ્યારે હાથ ઝાલ્યો અને તન, મન, ધન, તથા અનેક જન્મનાં કર્મ અર્પણ કર્યાં ને વર્તમાન ધરાવ્યા પછી આપણું ક્યાં કંઈ રહ્યું ? કોઈ વસ્તુ એક વખત ભગવાનને અર્પણ કર્યા પછી, પાછી કેમ લેવાય ? કર્મ અર્પણ કરવા છે અને તન, મન, ધન અર્પણ કરવા છતાં (જમણા હાથે) પાછું લઈ લેવું છે.. એનાથી મહારાજ રાજી ન થાય. એકલાં કર્મ કોણ લે ?”
આવી હતી સદ્ગુરુશ્રીના ઉપદેશની સરળ છતાં સૈદ્ધાંતિક શૈલી.