પ્રેમીજનને વશ પાતળિયો

પુષ્પ ૧

શ્રીજીમહારાજનો આ બ્રહ્માંડમાં પ્રગટ થવાનો પ્રથમ હેતુ હતો - "પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરી તેને લાડ લડાવવા." ભગવાન ભક્તના પ્રેમના ભૂખ્યા છે. ભક્ત ભગવાનને બાંધવા ઇચ્છે તો એકમાત્ર પ્રેમ બંધનથી બાંધી શકે છે. એટલે તો કીર્તનમાં કહ્યું કે,

"પ્રેમીજનનો વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે..."

આવા તો અનેક પ્રસંગો જોવા મળતા કે મહારાજે પોતાના ભક્તોને વશ થઈ તેના મનોરથો પૂર્ણ કર્યા હોય.

સોરઠ દેશનું ભાડેર નામનું નાનકડું ગામ. ગામના પાતરભાઈ દરબારને ત્યાં મહારાજ પધાર્યા. હરખઘેલા ભક્તો મહારાજને જોઈ ગાંડા-ઘેલા થઈ ગયા. પાતરભાઈએ મહારાજને ઢોલિયો-ગાદલાં પાથરી દીધાં. સવારનો દિવસ ઊગતાંનો સમય હતો જેથી ઘરમાં ઓશરીમાં હજુ અંધારું હતું. પાતરભાઈનાં ધર્મપત્ની તો મહારાજનાં દર્શને અડધાં અડધાં થઈ ગયાં. તે મહારાજનું સ્વાગત કરવા દોડ્યાં. ઘરમાં કોઢલામાંથી દૂધનું બોઘરણું કાઢી, આવ્યા મહારાજ પાસે.  "લ્યો મારા નાથ, જમો આ દૂધ જમો." મહારાજે તો બોઘરણું જ મોઢે માંડ્યું ને માંડ્યું પીવા. "અહાહા ભારે મીઠું દૂધ છે, આમાં તેં સાકર નાખી છે કે પછી પારઠ ભેંસનું દૂધ છે ?" "ના રે ના... મહારાજ આ તો આપણી ઘરની ભેંસનું જ દૂધ છે. જમો મારા પ્રીતમ ઘણું જમો." કહી બાઈ તો દૂધ પીતા મહારાજના સ્વરૂપમાં મગ્ન બન્યાં. જ્યાં પૂરું થવા આવ્યું ત્યાં તો બીજી વખત, ત્રીજી વખત એમ ત્રણ ત્રણ વખત તાણ કરી કરીને ખૂબ પાયું. મહારાજે તૃપ્ત થયાનો ઓડકાર ખાધો.

હવે જ્યાં આ બાઈ બીજા હરિભક્તો માટે માંહી છાશ લેવા ગયાં ત્યાં તો અરે આ શું.?... ભારે કરી... બહાર આવી પોક મૂકી... "અરે મહારાજ... મેં ગાંડીએ તમને દૂધને બદલે ખાટી છાશ પાઈ દીધી... મને માફ કરો દયાળુ, માફ કરો. મેં ભારે અપરાધ કરી નાખ્યો.." મહારાજે કહ્યું, "બાઈ, તમારા પ્રેમે કરી એ છાશમાં પણ અમને દૂધ કરતાંય અધિક સ્વાદ આવ્યો છે માટે મૂંઝાશો નહીં. અમને એમાં ખૂબ સુખ આવ્યું છે." એમ કહી આશ્વાસન આપ્યું.

પુષ્પ ૨

મેઘપુરના એક પ્રેમીભક્ત લાડકીબાઈ ને તેમની દીકરીએ આજે જારનું ધાન રાંધ્યું. માંહી મરી-મસાલા નાખ્યા ને સંકલ્પ કર્યો કે આજે તો મહારાજ સ્વયં આવીને સાથે જમે તો જમવું છે; નહિ તો આપણે જમવું નથી. એવો સંકલ્પ કરી એ તો ભગવાનના ભજન-કીર્તનમાં મગ્ન બન્યા. શ્રીજીમહારાજ એવે વખતે પંચાળા બિરાજતા હતા. મહારાજે સાંજનો સમય હતો. અંતર્યામી પ્રભુએ ભક્તોના પ્રેમને જાણ્યો. ભક્તના લાડકોડ પૂરા કરવા તો તેમનું પ્રાગટ્ય હતું. ને તેથી તેમણે તો ભગુજી-મિયાંજી આદિ પાર્ષદોને કહ્યું કે, અમારે જંગલ જવું છે. માટે લોટો લઈ અમારી સાથે ચાલો. મહારાજ તો ગામ બહાર ગયા પણ ક્યાંય બેસે એવી ઘાટી ઝાડી ન આવે. તેથી મહારાજે પાર્ષદોને કહ્યું, ‘તમે એક લાંબો ખેસ બે છેડે પકડી રાખો ને અવળું જોઈ ઊભા રહો; અમે ઓઠે બેસી જઈએ છીએ. પણ જ્યાં સુધી ખોંખારો ન ખાઈએ ત્યાં સુધી આ બાજુ જોવાનું નહીં.

પાર્ષદો તો કપડું પકડી ઊભા રહ્યા. પાંચ મિનિટને અડધો કલાક થયો પણ મહારાજનો ખોંખારો તો સંભળાયો નહીં. અંતે પાર્ષદોની ધીરજ ખૂટી. હવે કેમ કરવું ? ધીમે રહી પાછળ જોયું તો લોટો ભરેલો પડેલો ને મહારાજ તો ન મળે. મહાપ્રભુ પહોંચી ગયેલા મેઘપુર, ભક્તોના મનોરથ પૂરા કરવા. ત્યાં જઈ મા-દીકરી પાસેથી માગીને ધાન જમ્યા. આવા છે આપણા ભક્તવત્સલ ભગવાન.

પુષ્પ ૩

જૂનાગઢમાં મહારાજની ભવ્ય સવારી નીકળી. શણગારેલ હાથી પર સોનાની અંબાડીમાં મહારાજ બિરાજેલા. હજારો-લાખો જન ચારેબાજુ દર્શને ઊમટેલા. જૂનાગઢની તમામ શેરીઓ-ચોક-છાપરા-ધાબા દર્શનાર્થીઓથી ઊમટ્યાં હતાં. સવારી આગળ વધી રહી હતી. કોઈ નીચે ઊભા રહી તો કોઈ છાપરા પરથી મહારાજને મેવા-મીઠાઈ-પકવાનની ભેટ અર્પણ કરતા. મહારાજ પ્રેમથી તેનો સ્વીકાર કરતાં સૌને સુખ આપતા હતા. એવામાં એક નાનકડો ગરીબ બાળક સ્વામિનારાયણ ભગવાનને મારે કાકડી અર્પણ કરવી છે તેવા સંકલ્પથી છેટે રસ્તાની એક બાજુ એક કાકડી લઈ ઊભો હતો. લાખોની મેદનીની વચ્ચે આ નાનકડા બાળકને કોણ જુવે ? પણ ભાવના ભૂખ્યા ભગવાને સવારી રોકાવી. નાનકડા બાળકને પોતાની પાસે બોલાવ્યો ને તેના હાથમાંથી પોતાનો હાથ લાંબો કરી કાકડી સ્વીકારી લીધી. બાળકને એ વખતે કેવો આનંદ હશે તે કલ્પના કરવી જ અકલ્પ્ય છે. એટલું જ નહિ, પણ તે કાકડીને ચાલુ સવારીએ સમર્થ ધણી ભગવાને જમવા માંડી.

સવારી નવાબના મહેલ આગળથી પસાર થઈ રહી હતી. ઝરૂખામાં નવાબ અને દીવાનજી દર્શન માટે ઊભેલા. છતાં ‘મસ્ત જાતિ મહારાજની’ ન્યાયે મહાપ્રભુ પ્રેમી ભક્તના લાડકોડ પૂરા કરવા કાકડી જમ્યે જ રાખતા હતા. કેવી અદભુત લીલા ! કેવી મહાનતા છતાં ભક્ત સાથે કેવી લઘુતા !