પુષ્પ ૧
૪૦ વર્ષ પહેલાં શ્રીજીમહારાજ અને બાપાશ્રીના સિદ્ધાંતોના વિશ્વવ્યાપી પ્રચારનો પ્રારંભ કરવા માટે ઘનશ્યામનગર (ઓઢવ), અમદાવાદ ખાતે ૧૫૦૦ વાર જગ્યા મંદિર માટે લીધી હતી.
ત્યારે હરિભક્તોએ કહ્યું, “સ્વામી, આવડી મોટી જગ્યા લઈને તમે શું કરશો ? હરિમંદિર માટે તો આ જગ્યા બહુ મોટી પડશે.”
ત્યારે દીર્ઘદ્રષ્ટા સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક જ શબ્દમાં ભવિષ્યની આગાહી કરતાં ઉત્તર કર્યો કે, “હજુ જોજો તો ખરા... આ ૧૫૦૦ વાર જગ્યા પણ નાની પડશે.”
ત્યારબાદ ત્રણ માળના મંદિરનું આયોજન કરીને મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું. એ સમયે મંદિર કરવા માટે નહોતા માણા, નહોતા પાણા કે નહોતાં નાણાં.
ત્યારે ફરીથી હરિભક્તોએ કહ્યું, “સ્વામી, તમારી જોડે એક સરખો સાધુય નથી ને આવડું મોટું ત્રણ માળનું તોતિંગ મંદિર કરીને કરશો શું ?”
ત્યારે પણ તેઓનો આ એક જ જવાબ હતો : “હજુ જોજો તો ખરા... એક નહિ, ઢગલાબંધ સાધુઓ થશે.”
અને ગુરુવર્ય પ.પૂ. બાપજીના એ શબ્દો આજે સાકાર થતા જણાય છે. આજે ૪૦ વર્ષમાં એ ૧૫૦૦ વાર જગ્યા નાની પડે છે. એ ત્રણ માળનું હરિમંદિર નાનું પડતાં તેનો જીર્ણોદ્ધાર કરી શિખરબદ્ધ મંદિર તૈયાર કરવું પડ્યું.
અને એ નૂતન શિખરબદ્ધ મંદિર પણ આજે નાનું પડે છે.
પુષ્પ ૨
ગુરુવર્ય પ.પૂ. બાપજી જ્યારે મોટા મંદિરે બિરાજતા ત્યારે એક વાર હેતવાળા હરિભક્ત જશુભાઈ ભાવસાર ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવેલા. તે વેળા જ્યોતીન્દ્રભાઈ આદેશરા ત્યાં હાજર હતા.
જશુભાઈએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું, “દયાળુ, રજા આપો તો એક પ્રશ્ન પૂછું.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંમતિ આપી. જશુભાઈ બોલ્યા, “આપ તો મહાપ્રભુના જ્ઞાનનો અખૂટ ખજાનો ધરાવો છો પરંતુ અમે રહ્યા ગૃહસ્થ. સાધુ થવાની તો અમારી શક્તિ નથી. પરંતુ એક સંકલ્પ થાય છે કે, આપ આપના જ્ઞાનનો ખજાનો પીરસશો કોને ?”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “શું વાત કરો છો ? જોજો તો ખરા. કેટલાય યુવાનિયા સાધુ અને હરિભક્તોની મોટી વણઝાર ઊભી થશે. સમય આવ્યે વાત.”
બસ, ‘જોજો તો ખરા’નો મૂળભૂત શબ્દ એસ.એમ.વી.એસ. સંસ્થાની સ્થાપના (પ્રાદુર્ભાવ) પહેલાંનો છે.
પુષ્પ ૩
ઈ.સ. ૧૯૮૬માં વાસણા ખાતે સૌપ્રથમ શિખરબદ્ધ મંદિર માટે જગ્યા લીધી ત્યારે પણ હરિભક્તો કહેતા હતા કે, “આવડું મોટું મંદિર કેમ કરો છો ?”
ત્યારબાદ ઈ.સ. ૧૯૯૯માં સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરની ૬૦ વીઘા જમીન લીધી ત્યારે તો હરિભક્તો કહેતા, “આવડી મોટી જગ્યાને કોણ સાચવશે ? અહીં તમે શું કરશો ?”
એ વખતે પણ તેઓનો ટૂંકો ને ટચ જવાબ હતો કે, “હજુ જોજો તો ખરા...”
ને આજે વાસણા મંદિરની જગ્યા તથા સ્વામિનારાયણ ધામ સંકુલ બંને નાનાં પડે છે.
અરે, આજે એ સ્વામિનારાયણ ધામ આખી સંસ્થાનું સંચાલન કરતું ઇન્ટરનૅશનલ હેડક્વાર્ટર (વડુંમથક) બની ગયું અને અનંતને મુમુક્ષુ કરી મુક્ત સ્થિતિ પમાડવા માટેનું આધ્યાત્મિક ઇન્ટરનૅશનલ હેડક્વાર્ટર બની ગયું છે. આ સ્વામિનારાયણ ધામ આજે શ્રીજીમહારાજના સિદ્ધાંતો ને સંકલ્પોના વિશ્વવ્યાપી પ્રવર્તનનું કેન્દ્રસ્થાન બની રહ્યું છે.
વિદેશની ભૂમિ પર પણ તેઓએ મોટાં મોટાં સંકુલો રચ્યાં છે. જ્યારે વિદેશમાં એક પણ હરિભક્ત નહોતા ત્યારે પણ તેઓ કહેતા કે, “હજુ જોજો તો ખરા...”
જ્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે એક પણ સાધુ નહોતા ત્યારે હરિભક્તો તેઓને એવું કહેતા કે, “તમારી જોડે એકેય સાધુ નહિ ટકે.”
ત્યારે પણ તેઓએ આ જ શબ્દો ઉચ્ચાર્યા હતા કે, “હજુ જોજો તો ખરા...”
અને આજે સાધુ થવા માટે મુમુક્ષુઓની કતાર ખડી રહે છે.
તેમને સામેથી એવું કહેવું પડે છે કે, “હજુ થોડી ધીરજ રાખી રાહ જુઓ. સમય આવ્યે તમને બોલાવી લઈશું. અમારે કોઈને સાધુ કરવામાં ઉતાવળ કરવી નથી. અમારે તો ક્વૉલિટીવાળા ખરેખરા સાધુ તૈયાર કરવા છે.”
અને આજે માત્ર ત્રીસ વર્ષના ટૂંકા સમયગાળામાં SMVSની પ્રગતિ જેટ ગતિએ થઈ રહી છે તેવું સમગ્ર સંપ્રદાય કહે છે તેનું કારણ શું ?
કેવળ એ દિવ્યપુરુષના દિવ્ય સંકલ્પો જ કે, “હજુ જોજો તો ખરા...”
પુષ્પ ૪
ઈ.સ. ૨૦૧૩માં ગુરુવર્ય પ.પૂ. બાપજી ગાડી લઈ વિચરણમાં પધાર્યા હતા. સાથે વિદેશથી લાભ લેવા આવેલા એક હરિભક્તને સત્સંગ માટે લીધેલા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી પરોક્ષના શ્રદ્ધાળુ લોકો પૂનમે ચાલતા જતા હોય તેવા રસ્તે ગાડી લેવડાવી મુમુક્ષુઓને સામેથી દર્શન આપે.
તેઓ તેમને કંઠી પહેરાવે, પ્રસાદી આપે, આશીર્વાદ વહાવે ને પોતાની દિવ્યદૃષ્ટિથી સૌનું સેવન કરી સંકલ્પોનું વાવેતર કરે.
સાથે આવેલા સંતો-હરિભક્તોને તેઓએ કહ્યું, “અરે તમે પણ મહારાજને પ્રાર્થના કરીને આ મુમુક્ષુઓના આત્યંતિક કલ્યાણના સંકલ્પો કરો.
તેઓની આ અલૌકિક રીત દેખી પેલા વિદેશના હરિભક્તે તેમને પૂછ્યું કે, “બાપજી, આપ આ સંકલ્પો કરો છો અને અમારી પાસે કરાવો છો તે શાના માટે ?”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા કે, “અનંતકોટિ બ્રહ્માંડોમાં કારણ સત્સંગ ફેલાવવાનો મહારાજનો સંકલ્પ પ્રબળ છે. હજુ જોજો તો ખરા... અમે જે આ સંકલ્પો કરીએ છીએ તે બધાય મુમુક્ષુઓ ભવિષ્યમાં કારણ સત્સંગમાં આવશે અને શ્રીજીમહારાજનું સર્વોપરી સ્વરૂપ ઓળખી અનાદિમુક્તની સ્થિતિ પામશે. મહારાજના આ સંકલ્પો ભવિષ્યમાં જરૂર ફળીભૂત થશે.”
પુષ્પ ૫
એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી ગોધરા વિચરણમાં પધારતા હતા.
સાથે એક સમર્પિત મુક્ત પણ હતા. ગાડીમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બેઠા એટલે તરત જ પેલા મુક્તને કહ્યું કે, “હેઠા ઊતરો.”
આ સાંભળી તેમને આશ્ચર્ય થયું; કાંઈ સમજાયું નહીં.
તેથી બાજુમાં રહેલા સેવક સંતે કહ્યું કે, “ગાડીમાં બેઠા પછી રસ્તામાં જે દેખાય તેના કલ્યાણના સંકલ્પો ચાલુ કરી દેવા. પણ અમથા બેસી ન રહેવું એવી ગુરુવર્ય પ.પૂ. બાપજીની રુચિ છે.”
પછી તો તેમણે એ મુજબ સંકલ્પો કરવાના ચાલુ કરી દીધા. પછી તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું કે, “બાપજી ! આ સંકલ્પો કેમ કરવાના ?”
ત્યારે તેઓ બોલ્યા કે, “અનંતકોટિ બ્રહ્માંડોમાં કારણ સત્સંગના વિજયધ્વજો ફરકાવી દિગંતમાં ડંકા દેવાનો શ્રીજીમહારાજનો સંકલ્પ છે. તેથી અમે આ સંકલ્પોનું વાવેતર કરીએ છીએ. હજુ જોજો તો ખરા... મનુષ્ય, પશુ-પક્ષી, કૂતરાં, બિલાડાં, ગાય, ભેંસ જેના જેના પર અમારી દૃષ્ટિ પડી છે એ બધાંયને મહારાજ જરૂરથી કારણ સત્સંગમાં લાવશે અને તેમનું આત્યંતિક કલ્યાણ કરશે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીના શબ્દો ‘હજુ જોજો તો ખરા...’ એ મુજબ વર્તમાનકાળે SMVSનાં મંદિરોમાં જ્યાં જુઓ ત્યાં મુમુક્ષુઓનાં ટોળેટોળાં ઊમટી પડે છે તે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મુમુક્ષુઓ માટે કરેલા સંકલ્પોનું જ પરિણામ છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીની સર્વે ક્રિયાના કર્તા સ્વયં શ્રીજીમહારાજ છે. તેઓના મુખે સંકલ્પોને વહાવનાર સ્વયં શ્રીજીમહારાજ છે. તેઓ SMVS સંસ્થાના વિકાસલક્ષી દૂરગામી સંકલ્પો ભવિષ્ય ભાખીને અવારનવાર વહાવતા હોય છે કે, “હજુ જોજો તો ખરા...”
“૫૦૦-૫૦૦ એકરનાં સ્વામિનારાયણ ધામ દેશ-પરદેશમાં રચાશે...”
“એક એક હરિભક્ત આખાં આખાં મંદિરો બનાવે એવા હરિભક્તોને મહારાજ મોકલશે.”
“હજુ અનેક સંતો અને હરિભક્તોનો વિશાળ સમાજ મહારાજ મોકલશે.”
વાસણા મંદિરનો મૂર્તિધામ સભાહૉલ જોઈને બોલ્યા કે, “સંતોથી આ આખો હૉલ ભરાઈ જશે...”
“સંતો-હરિભક્તો, બાઈઓ-ભાઈઓનો અદ્ભુત નિર્વાસનિક સમાજ મહારાજ મોકલશે...”
“કારણ સત્સંગ વિશ્વવ્યાપી બનીને વિશ્વધર્મ બનશે...”
“શ્રીજીમહારાજ કાળિયા, ધોળિયા, ભૂરિયા, પીળિયા આ બધાયને ખેંચશે ને પોતાના સર્વોપરી સ્વરૂપની ઓળખાણ કરાવશે...”
“સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારણ સત્સંગના ડંકા વાગશે...”