રચવો એવો દિવ્ય સમાજ

પુષ્પ ૧

સ્વામિનારાયણ ભગવાનની સાક્ષાત્‌ પ્રાપ્તિ અને અનાદિમુક્તની સ્થિતિના આશીર્વાદ પ્રાપ્ત થયા પછી મહારાજ પછીથી આપણો નંબર બીજો કર્યો. કારણ કે અનાદિમુક્તની પદવી એ શ્રીજીમહારાજ પછીની પદવી છે.

મોટાપુરુષે સહેજે જ કૃપા કરીને વર્તમાન ધરાવીને જીવમાંથી શિવ કહેતાં અનાદિમુક્તની પંક્તિમાં લઈ લીધા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર પોતાના સર્વે સંતો અને હરિભક્તો માટે પોતાનો સંકલ્પ જણાવતા હોય છે કે, “ગઢડા મધ્યના ૪૫મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું તે મુજબ અમારે એક તલમાત્ર કસર ન હોય એવા દિવ્ય સમાજની રચના કરવી છે. તે માટે જેવી રીતે રાજા કોઈ દાતણ વેચનારીને રાણી કરી દે, તેમાં રાજાએ પોતાનું કર્તવ્ય બજાવી દાતણ વેચનારીમાંથી રાણી કરી દીધી. હવે તે દાતણ વેચનારીએ રાણી બનવું પડે. તેણે પહેલાંનાં સ્વભાવ, રીતભાત, સંગ, ખાવું, પીવું, સૂવું, ઊઠવું, બેસવું, હરવું, ફરવું, પહેરવું, ઓઢવું, બોલવું, ચાલવું વગેરે તમામ બાબતોમાં બદલાવ લાવવો જોઈએ તો રાણીનું પદ શોભાડી શકે અને તો જ રાણી તરીકેનું સુખ ભોગવી શકે. એવી જ રીતે આપણને અનાદિમુક્તની પદવી આપી અનાદિમુક્તની સ્થિતિના કોલ આપ્યા. હવે તે પદવીને લાયક આપણે થવું પડે તો જ અનાદિમુક્તની પદવીને શોભાડી કહેવાય.”

કારણ સત્સંગનો સમાજ એટલે અનાદિમુક્તોનો સમાજ. અનાદિમુક્તોનું જીવન દિવ્ય હોય. એની નજર મહારાજ અને મોટાપુરુષના રાજીપા તરફ જ મંડાયેલી હોય.

અલ્પ વચનમાં ફેર પડે તો મહદ્‌ વચનમાં ફેર પડે તેવી રીતે વર્તનારા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી નિયમ-ધર્મની દૃઢતા બાબતે ખૂબ જ કડક વલણ અપનાવે. ગુરુવર્ય પ.પૂ. બાપજીની રોજિંદી કથામૃતમાં વારંવાર નિષ્ઠા અને નિયમ-ધર્મની દૃઢતા કરાવવાનો સર્વોપરી ઇશક પણ જોવા મળે.

તેથી SMVSનો સમાજ નિષ્ઠા અને નિયમે કરીને શૂરોપૂરો છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એવો અનાદિમુક્તોનો દિવ્ય સમાજ રચીને સંપ્રદાયમાં અનોખી ભાત પાડી છે.

પુષ્પ ૨

SMVSના સંતો પંચવર્તમાને શૂરાપૂરા છે અને નિયમ-ધર્મની દૃઢતાવાળો છે.

સંતો એક વાર વિચરણમાં જતા હતા ને રસ્તામાં એક પૅલેસ (દરબારગઢ) આવ્યો. આ દરબારગઢમાં રહેતાં રાજમાતાએ સંતોને દૂરથી જોયા એટલે પધરામણી કરાવવા અંગે ભલામણ કરાવી.

સંતો પધારતાં રાજમાતા પોતાના કક્ષ(ઓરડા)માં જતા રહ્યા. પછી સંતો જીવનું રૂડું થાય ને મહારાજનો મહિમા થાય એ માટે પધરામણી કરવા ગયા.

સંતોએ પધરામણી કર્યા બાદ ત્યાં બેસીને રાજમાતાના પરિવારના પુરુષ સભ્યોને થોડી સત્સંગની વાર્તા માંડી.

એટલામાં સંતોની સાથે રહેલ કાર્યકરને રાજમાતાએ બોલાવ્યા ને જણાવ્યું કે, “મારે સંતોના ચરણસ્પર્શ કરવા છે.”

કાર્યકરે આવી સંતોને વાત કરી ત્યારે સંતોએ કહ્યું, “એમને કહો કે, ‘અમે સ્ત્રી-ધનના ત્યાગી સંતો છીએ. અષ્ટ પ્રકારના બ્રહ્મચર્ય વ્રતનો લોપ થાય તેવી ક્રિયાનો વિચારે ન કરવો તો પછી ક્રિયા તો થાય જ કેમ ?’ માટે એમને આ રીતે જણાવો.”

કાર્યકર દ્વારા સંતોની વાત સાંભળવા છતાંય રાજમાતા એ વાતને સ્વીકારી ન શક્યાં ને પોતાનો આગ્રહ બતાવ્યો. એટલે સંતો વિનયવચન કહેવડાવી ત્યાંથી તત્કાળ નીકળી ગયા.

પુષ્પ ૩

સંતો તો પંચવર્તમાનના અણીશુદ્ધ નિયમ શિર સાટે રાખે છે તેમ હરિભક્તો પણ ગૃહસ્થના પંચવર્તમાનના નિયમ શિર સાટે પાળે છે.

૨૫ વર્ષની ઉંમરના શ્યામબરન રામજગ યાદવ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી, પણ અમદાવાદમાં CRPમાં નોકરી કરે.

હિન્દીભાષી તેથી કથાવાર્તામાં સમજણ ઓછી, પણ મહિમાવંત ઘણા.

એક વાર તેમની નોકરીની બદલી અરુણાચલ પ્રદેશમાં થવાથી ત્યાં પહોંચી ગયા.

૩-૪ મહિના થયા હશે અને તબિયત બગડવા લાગી. ત્યાંનું પાણી માફક ન આવવાથી ઝાડા થઈ ગયા.

કાયમની બીમારી લાગુ પડી ગઈ. ડૉક્ટરને બતાવ્યું, દવાઓ લીધી છતાં કોઈ પ્રકારે રાહત ન રહે.

શરીર ધીરે ધીરે ઓગળવા માંડ્યું અને સુકાતું ગયું.

સાથીમિત્રો સલાહ આપવા લાગ્યા કે, “તું પણ અમારી જેમ દારૂ પી અને માંસ, મટન ખા તો હટ્ટો-કટ્ટો બની જઈશ.”

મિત્રોએ તેને ખૂબ સમજાવ્યો કે, “અહીં રહેવું હોય અને શરીર સારું રાખવું હોય તો આ રીતે જ જીવન જિવાય. અમારો તો એવો અનુભવ છે.”

ત્યારે શ્યામબરન મનોમન વિચારી રહ્યા, “હું તો એસ.એમ.વી.એસ. સંસ્થાનો કિશોર સભાનો સભ્ય છું. મારાથી આવું કદાપિ ન થાય.”

પોતાના સાથીમિત્રોને તેઓએ પ્રેમથી સમજાવ્યું કે, “મારા શરીરનું જે થવું હોય તે થાય; તેની મને ચિંતા નથી. આ દેહ રહે કે ના રહે. પરંતુ મારે તો મારા ભગવાનની આજ્ઞા નથી જ લોપવી. દારૂ-માંસ-મટન જેવા અભક્ષ્ય પદાર્થો ખાવા-પીવાની તો ક્યાં વાત છે પરંતુ હું તો તેનો સ્પર્શ પણ નહિ કરું.”

પંચવર્તમાનસંબંધી નિયમ-ધર્મનો કેવો દૃઢાવ !!

પુષ્પ ૪

SMVSનો હરિભક્ત સમાજ ચાને વ્યસન ગણે છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આજ્ઞાંકિત હરિભક્તોમાં ચાનું વ્યસન પણ રહેવા દીધું નથી.

એટલું જ નહિ, હરિભક્તોના ઘરે પણ ચા બનતી જ નથી. એમના ઘરે આવેલા મહેમાનોને પણ ચા બનાવીને પિવડાવવામાં આવતી નથી.

નિયમ-ધર્મની આટલી સૂક્ષ્મ બાબતે પણ અહીં ખૂબ કડકાઈ છે.

SMVSના કોઈ પણ સમૈયા પ્રસંગે કે ઉત્સવ-મહોત્સવ પ્રસંગે કદી ચા બનાવવામાં આવતી નથી. આજે કેટલાય હરિભક્તોના બાળમુક્તો છે કે જેમને ચા શું કહેવાય ? ચા કેવી હોય ? તેનો સ્વાદ કેવો હોય ? તેની ખબર જ નથી. એમણે ચા ભાળી જ નથી.

વર્તમાન સમયે આટલી નાની આજ્ઞાનું પણ હરિભક્તો ચુસ્તપણે પાલન કરે છે અને તેમની પાસે પાલન કરાવવામાં આવે છે.

પુષ્પ ૫

મુંબઈના હરિભક્ત શ્રી રાજેન્દ્રભાઈ પાલા સ્વામિનારાયણ સંપ્રદાયના ખ્યાતનામ ગાયક કલાકાર છે.

તેઓ કીર્તનભક્તિના વિવિધ પ્રોગ્રામ કરવા સંપ્રદાયમાં અનેક જગ્યાએ જાય છે.

તેઓ વર્ષોથી સત્સંગી છે પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીના યોગમાં આવતા, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા સમજાણી અને ચુસ્ત નિષ્ઠાવાન હરિભક્ત બન્યા.

તેઓ ગાયક કલાકાર રહ્યા એટલે સ્વાભાવિક ચા પીવાની ટેવ હતી.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું, “તમને કાંઈ વ્યસન છે ? તમાકુ, માવા-ગુટકા, દારૂ વગેરે.”

રાજેન્દ્રભાઈએ કહ્યું, “ના બાપજી, મારે આ પ્રકારનું કોઈ વ્યસન નથી.”

પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ચા પીવો છો ? ચાનું વ્યસન હશે, નહીં ?”

રાજેન્દ્રભાઈને ચા વ્યસન કહેવાય તેનું આશ્ચર્ય લાગ્યું કેમ કે ચાને તો કોઈ વ્યસન ગણતું નથી.

રાજેન્દ્રભાઈએ કહ્યું, “હા બાપજી, ચા પીવાની ટેવ તો ઘણી છે. અમારે કલાકારોને ચા વગર ચાલે નહીં”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આપણે તો મહારાજ વગર ન ચાલે; બાકી બધા વગર ચાલે.”

એમ કહી ચા છોડવા કહ્યું કે, “મહારાજને રાજી કરવા હોય તો ચાને છોડો. અમે તમારી કીર્તનભક્તિથી નહિ, પણ ચા છોડશો એનાથી વધુ રાજી થઈશું.”

રાજેન્દ્રભાઈ માટે આ ઘણું કઠણ હતું, પણ અશક્ય ન હતું. તેમણે કહ્યું, “ચા છોડવા જરૂર પ્રયત્ન કરીશ.”

ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પૂ. સંતોએ છ માસ સુધી એમની પાછળ પડીને એમને ચા છોડાવી.

એમણે જ્યારે ચા છોડી ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીને હાશ થઈ ને ખૂબ રાજીપો દેખાડ્યો.

આજે રાજેન્દ્રભાઈ ખુદ કહેતા હોય છે કે, “મને ચાનું વ્યસન છૂટે એમ હતું નહીં. અમે સત્સંગ શિબિરોમાં જતા તો બપોરે ત્રણ વાગે અમને ‘ટી ટ્યૂમર’ ઊપડતું હતું ને અમે શિબિરમાંથી છટકીને હોટલ શોધી કાઢીને ચા પી લેતા હતા. આજે હું તો ચા પીતો નથી પણ અમારા ઘરમાંથી સમૂળગી ચાને કાઢી.”

આવી છે દિવ્યપુરુષની દિવ્યતા ને આવો રચ્યો છે દિવ્ય સમાજ !!

પુષ્પ ૬

પંચમહાલના આદિવાસીના ડુંગરા પર ઝૂંપડા જેવા કાચા મકાનમાં રહેણાક હોય છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીને પધરામણીએ જવું હોય તો ગાડી ત્યાં સુધી પહોંચે નહીં. એના ઘર સુધી ચાલીને જવું પડે.

ગુરુવર્ય પ.પૂ. બાપજી એક આદિવાસી માટે ડુંગરા ચઢવાનું કષ્ટ સહી એના કાચા મકાનમાં પધરામણી કરે ત્યાં સુધીમાં થાકી ગયા હોય પણ તેઓ જ્યાં ઘરમાં પ્રવેશ કરે તો ઘરમાં કે દીવાલ ઉપર શ્રીજીમહારાજ અને મુક્તો સિવાય કોઈની ઉપાસના જોવા ન મળે.

ચુસ્ત સર્વોપરી નિષ્ઠાવાળા આદિવાસી હૈયામાં નિર્દોષ સ્નેહ ને હરખાતા હૈયે બાપજીને આવકારે ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી તેની નિષ્ઠા તથા નિયમ-ધર્મની ટેક જોઈને તુરત બોલે, “આવા મુક્તોને ઘેર પધરામણી થાય તો અમને થાક ન લાગે, થાક લાગ્યો હોય તો ઊતરી જાય.”

આવા ભક્ત ઉપર એમની ખૂબ પ્રસન્નતા ફરી વળે ત્યારે દર્શન થાય કે, કરોડપતિના બંગલામાં પધરામણી વખતે રાજીપો ન બતાવે તેના કરતાં અત્યંત રાજીપો આ ઝૂંપડાનિવાસી આદિવાસી પર વરસાવે.

આ આદિવાસી ભક્તો પ્રથમ વહેમ-અંધશ્રદ્ધામાં પીડાતા હતા. દેવ-માતા-ભૂવા-ડાકલા વગેરેમાં અટવાતા હતા. દારૂ-માંસનો આહાર કરતા હતા. તે જ આદિવાસી સમાજમાં બાળકો બાળપણથી આજે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા ને નિયમની ટેકને લઈને દિવ્યજીવન જીવતા જોવા મળે છે.

પુષ્પ ૭

દાહોદ જિલ્લાના એક અંતરિયાળ ગામમાં રહેતા એક બાળમુક્તને ભારે અછબડા નીકળ્યા હતા.

જેથી ખૂબ તાવ આવી ગયો.

તેનાં દાદા-દાદી અને સગાંસંબંધીઓએ તેને રીતિ-રિવાજ પ્રમાણે બળિયાદેવને પગે લાગવાનું કહ્યું.

પરંતુ આ એસ.એમ.વી.એસ.નો બાળમુક્ત માને ખરો...! તેણે ઘસીને ના પાડી દીધી.

બળજબરી અને દબાણ કરવામાં આવ્યું તો ઘરમાં જઈ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ પાંચ દંડવત કર્યા અને કહ્યું, “મારા સ્વામિનારાયણ ભગવાન જ મારું સર્વસ્વ છે. એમના સિવાય આ માથું બીજે ક્યાંય નહિ નમે.”