પુષ્પ ૧
“બા૫જી, રાજી રહેજો. એક પ્રશ્ન છે. જો આપ રજા આપો તો પૂછું.”
“બોલો, શું પ્રશ્ન છે ?”
“બાપજી, આપ ઘણી વાર એમ કહો છો : મહારાજનું જ્ઞાન તો ફિલૉસૉફી છે. એ સમજાતું નથી.”
“ફિલૉસૉફીને ગુજરાતીમાં ‘તત્ત્વજ્ઞાન’ જ કહેવાય ને !”
“હા બાપજી...” સભામાં બેઠેલા સંતો-ભક્તોએ સંમતિ આપી.
“જો સમજો, શ્રીજીમહારાજે વચનામૃતમાં જેવી સભા અને તેમાં બેઠેલા સભાજનોમાં કેવી અને કેટલી પાત્રતા છે તે અંતર્યામીપણે જાણીને વાતો કરી છે. જ્યારે સામાન્ય પાત્રતાવાળા મુમુક્ષુ સભામાં બેઠા હોય ત્યારે સામાન્ય વાતો કરી હોય અને જો ઊંચી પાત્રતાવાળા બેઠા હોય ત્યારે ભારે ભારે ઊંચી વાતો કરી હોય તેવું જોવા મળે છે. હવે જો સામાન્ય વાતોનું પ્રમાણ લઈને ઉપલક રીતે સમજીએ તો મહારાજનો યથાર્થ સિદ્ધાંત હાથમાં ન આવે. હજારો સામાન્ય શબ્દો હોય પણ જો એક ભારે શબ્દ મૂકવામાં આવે તો હજારો સામાન્ય શબ્દો ઊડી જાય. જેમ કે ઉછવણી વખતે કોઈ ૫૦, ૧૦૦, ૨૦૦, ૨૫૧, ૩૦૦, ૪૦૦ રૂપિયા સુધીની બોલી બોલ્યું હોય ને પછી કોઈ જો ૫૦૦ની ઉછવણી બોલે તો આગળની બધી ઉછવણી ઊડી જાય.
પાંચ પકવાન જમ્યા હોય ને સાથે મૂળો જમ્યા હોય તો જ્યારે ઓડકાર આવે ત્યારે પાંચ પકવાનને દબાવીને મૂળાનો જ ઓડકાર આવે છે. આવી રીતે વચનામૃતમાં રોચક, ભેદક, ભયાનક અને વાસ્તવિક શબ્દ જો સમજાય તો જ મહારાજનો કહેવાનો યથાર્થ સિદ્ધાંત હાથમાં આવે. માટે શ્રીજીમહારાજ કયા સમયે, કોના માટે, શું કામ બોલ્યા તે સમજવું તેનું નામ ફિલૉસૉફી જ્ઞાન કહેવાય.”
“ઓહોહો...બાપજી, આ તો તમે જબરી વાત કરી. આવું તો કારણ સત્સંગમાં આવ્યા પછી જ ખબર પડી. બાપજી, આવું મને કોઈએ સમજાવ્યું જ નહોતું. આપ જો ન મળ્યા હોત તો હું તો કાચો ને કાચો રહી જાત.”
“ભગત, હજુ સાંભળો તો ખરા. મહારાજના જ્ઞાનની ફિલૉસૉફી આપણે દાખલા સાથે સમજીએ.”
“વચનામૃતમાં ઘણી વાર પરોક્ષાર્થ વાતથી જ શરૂઆત થાય. જેમ કે, ‘પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે...’ લ્યો અહીં પેલા કોળિયે માંખ આવી. કેમ કે મહારાજે વચનામૃતની શરૂઆત જ પરોક્ષ શાસ્ત્રથી કરી. શ્રીજીમહારાજે પરોક્ષ શાસ્ત્રનો આધાર લઈને વાત કરી એટલે લોકોને તો શ્રીજીમહારાજના વચન કરતાં પરોક્ષ શાસ્ત્રનાં વચન જ અધિક લાગે. હવે શું તે પરોક્ષ શાસ્ત્ર મહારાજનો યથાર્થ મહિમા કહી શકશે ?”
પેલા હરિભક્ત બોલ્યા : “ના બાપજી, એમાં મહારાજનો મહિમા ન જ હોય ને !”
“પરોક્ષ શાસ્ત્રમાં પરોક્ષ અવતારની જ વાત હોય એટલે એણે કરીને મહારાજનો મહિમા જરાય સમજાય નહીં. તેથી તે પેલા કોળિયે માંખ આવી એમ કહેવાય. સમજ્યા કંઈ ભગત ?”
“હા, બાપજી, મહારાજની દયાથી સમજાય છે.”
પુષ્પ ૨
તા. ૨-૬-૧૭ના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં પધાર્યા હતા.
તેઓએ સભામાં લોયા પ્રકરણના ૧૩મા વચનામૃત પર લાભ આપવાની શરૂઆત કરી.
“‘હે મહારાજ ! જ્યાં સુધી એ મુમુક્ષુને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યપણું થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે એ તો ઠીક...’ અહીં મહારાજનું કહેવું છે જ્યાં સુધી મુમુક્ષુ એટલે સાધનદશામાં રહેલા સાધનિકને ગુણનો સંબંધ એટલે દેહભાવ છે ત્યાં સુધી દેહના દોષો કામ, ક્રોધ, લોભ, માન આદિ પરાભવ કરાવશે. ને આવું વિઘ્ન આવે તે વિષમપણું છે. એટલે કે ભગવાનના ભક્તને જ્યાં સુધી દેહભાવ ન ટળે ત્યાં સુધી તેને વિઘ્ન કહેવાય.”
આટલું સમજાવ્યા પછી તેમણે એક ફિલૉસૉફી પ્રશ્ન પૂછ્યો છે : “આ વચનામૃતમાં અહીં ‘નારાયણ’ કહ્યા તે કયા નારાયણ સમજવા ?”
પૂ. સંતોએ કહ્યું, “નારાયણ એટલે આપણે તો સ્વામિનારાયણ જ સમજવા.’’
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “એમ નહીં. એવું ચોખ્ખું ક્યાં અહીં લખ્યું છે ? નારાયણ તો ઘણા છે. સ્વામિનારાયણને જ ‘નારાયણ’ કહ્યા છે એવું તમે કહ્યું તો તે વાત પુરવાર કરી બતાવો; એનો સચોટ પુરાવો આપો.”
એટલે પૂ. સંતે ઉત્તર કરતાં જણાવ્યું કે, “બાપા, આ વચનામૃતમાં જ આગળ ‘નારાયણ’ એટલે સ્વામિનારાયણ તે વાતની ચોખવટ થઈ જાય છે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “કેવી રીતે ? શું ચોખવટ છે ?”
પૂ. સંતે ચોખવટ કરવા તે વચનામૃત વાંચી જણાવ્યું કે, “ ‘પણ જ્યારે સર્વે મુક્તને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય.’ અર્થાત્ બાપજી, અહીં ‘અક્ષરધામ’ને વિષે નારાયણ રહ્યા હોય એમ આવ્યું તો સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે, ‘અક્ષરધામ કોનું છે ?’ તો અક્ષરધામ સ્વામિનારાયણ ભગવાનનું છે ! એવી રીતે અક્ષરધામના નારાયણ કહ્યા તે સ્વામિનારાયણ ભગવાન ઠર્યા એટલે અહીં કોઈ પરોક્ષ નારાયણને કહ્યા જ નથી.”
આવો સચોટ ઉત્તર સાંભળી ગુરુવર્ય પ.પૂ. બાપજી ખૂબ પ્રસન્ન થયા ને રાજીપો વ્યક્ત કરતાં કહ્યું, “વગાડો તાળી. આ સ્વામી દ્વારા મહારાજ બોલ્યા.”
પછી વળી ફરી પ્રસન્નતાપૂર્વક બોલ્યા, “આ ફિલૉસૉફી જ્ઞાન કહેવાય ! મહારાજે પ્રથમ ભલે ‘નારાયણ’ મોઘમ કહ્યા પણ ‘અક્ષરધામ’ની વાત મૂકી દીધી એટલે આપોઆપ તે ‘નારાયણ’ એટલે સ્વામિનારાયણ જ ઠરે. એમ ‘અક્ષરધામ’ શબ્દથી વાત વળાંક લઈ લે છે. અને તે શ્રીજીમહારાજને જ લાગુ પડે છે. અહીં વળાંક ન લેવો હોય તોપણ મહારાજની બાજુ જ ઍરો આવે છે. બસ, આ જ શ્રીજીમહારાજના જ્ઞાનની ફિલૉસૉફી ! આ ફિલૉસૉફી સમજતાં આવડવી જોઈએ. શ્રીજીમહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના સાતમા વચનામૃતમાં પણ આવી જ ફિલૉસૉફીની વાત કરી છે ! તે કોઈને આવડે છે ?”
એમ કહી પ્રશ્નની વધુ સ્પષ્ટતા કરતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું કે, “આ વચનામૃતમાં આવે છે કે, ‘અક્ષરબ્રહ્મ ને ઈશ્વર ને જીવ ને માયાનાં કાર્ય જે બ્રહ્માંડ એમને વિષે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા ને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનો વાચ્યાર્થ છે. તો અહીં શું ફિલૉસૉફી જ્ઞાન છે તે કહો !”
ત્યારે પૂ. સંતે કહ્યું, “અહીં અક્ષરધામ પછી શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા એટલે પ્રશ્ન થાય કે ‘અક્ષરબ્રહ્મ’ મોટા કે ‘શ્રીકૃષ્ણ’ મોટા ?? તો શ્રીકૃષ્ણથી પર ને મોટા અક્ષરબ્રહ્મ કહેવાય. તો પછી અહીં અક્ષરબ્રહ્મથી પર ને મોટા જો શ્રીકૃષ્ણ કહ્યા હોય તો તે કયા શ્રીકૃષ્ણ કહ્યા હોય ? વાસ્તવમાં અક્ષરબ્રહ્મથી પર શ્રીજીમહારાજ છે. એટલે અહીં અક્ષરબ્રહ્મથી પર શ્રીકૃષ્ણ કહ્યા એટલે તે શ્રીજીમહારાજ જ ઠરે છે. જે અનાદિ શ્રીકૃષ્ણ તે શ્રીજીમહારાજ છે ને આ વાત એમને જ લાગુ પડે છે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખ પર ફરી પ્રસન્નતા ઝળકી ઊઠી ને પછી ઘણી વાર સુધી બોલી રહ્યા : “શ્રીજીમહારાજે લોયાના ૧૩મા જેવી જ ફિલૉસૉફી અહીં પણ જણાવી. મહારાજનું કેવું ફિલૉસૉફી જ્ઞાન છે ! વચનામૃત જ્ઞાન એટલે ફિલૉસૉફી જ્ઞાન ! એમની આ ફિલૉસૉફી પણ એકદમ ચોખ્ખી છે. બધાને સુખ આવે છે ને ! વાહ મહારાજ ! તમારું ફિલૉસૉફી જ્ઞાન અદ્ભુત છે !”