પુષ્પ ૧
ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ કહેતા હોય છે કે, “નિશ્ચય તો નવડા જેવો કરવો.”
તેઓ શ્રીજીમહારાજના આશ્રિતે ઇષ્ટદેવના સ્વરૂપનો નિશ્ચય કેવો કરવો જોઈએ તેની અદ્ભુત ગાણિતિક રૂપક દ્વારા સરખામણી કરી સ્પષ્ટ રીતે સમજૂતી આપતાં કહેતા હોય છે કે, “નવના ઘડિયામાં ૯ x ૧ = ૦૯; જ્યાં ૦ + ૯ = ૯, ૯ x ૨ = ૧૮; જ્યાં ૧ + ૮ = ૯, ૯ x ૩ = ૨૭; જ્યાં ૨ + ૭ = ૯, ૯ x ૪ = ૩૬; જ્યાં ૩ + ૬ = ૯... જેમ ૯ના આખા ઘડિયામાં ૯નો અંક કોઈ પણ સંજોગોમાં પોતાનું સ્થાન છોડતો નથી તેમ ગમે તેવા દેશ, કાળ, ક્રિયા, સંગનો યોગ થાય, ગમે તેની વાત સાંભળીને કે શાસ્ત્રના ગમે તેવા હલકા શબ્દો વાંચી-સાંભળીને પણ મહારાજના નિશ્ચયમાં રંચમાત્ર ફેર ન પડવો જોઈએ.”
આમ સમજાવતાં સમજાવતાં તેઓ સભામાં બધા સમજ્યા છે કે નહિ તેની પાછી ખાતરી કરી લેતા હોય છે; એમાં વળી કોઈને ન સમજાય તો તેઓ ફરી સમજાવતા હોય છે.
તેઓ આ વાતને વધુ સમજાવતાં ફરી જણાવતા હોય છે,
“ગમે તેવી વિપરીત પરિસ્થિતિ અને સંજોગોનું શ્રીજીમહારાજ આપણા ઘડતર માટે નિર્માણ કરે તોપણ નિશ્ચયમાં કદી અનિશ્ચયનો ઘાટ ન થવો જોઈએ. શ્રીજીમહારાજની નિષ્ઠા, એકમાત્ર શ્રીજીનું જ કર્તાપણું, તેમનો જ અતિ દૃઢ આશરો અને પતિવ્રતાની ભક્તિ તેમાં અલ્પ પણ ફેર ન પડવો જોઈએ. બસ !
‘મેરે તો તુમ એક હી આધારા...’
દેશમાં હોઈએ કે વિદેશમાં, દુનિયાના છેડે જઈએ કે પછી પર્વતની ટોચ ઉપર હોઈએ તોપણ શ્રીજીમહારાજની નિષ્ઠામાં સહેજ પણ ફેરફાર ન થવો જોઈએ. સ્થળાંતર થાય કે સ્થળનું પરિવર્તન ભલે થાય પણ શ્રીજીમહારાજના નિશ્ચય અને સમજણનું પરિવર્તન કદી ન થવું જોઈએ. જ્યારે આપણને આવું વર્તશે ત્યારે સમજવું કે શ્રીજીમહારાજનો નિશ્ચય નવડા જેવો દૃઢ થયો છે.”
આવા શ્રીજીમહારાજના સ્વરૂપના નવડા સમાન દૃઢ નિશ્ચયવાળા હજારો હરિભક્તોનું ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અપાર દાખડા, કષ્ટો ને દુઃખો વેઠીને, લોહીનાં પાણી કરીને સર્જન કર્યું છે.
તેઓનું આ ક્રાંતિકારી કાર્ય તેઓના અથાક અને અવર્ણનીય દાખડા તથા સહેલાં અનેક કષ્ટોનું પરિણામ છે.
તેઓએ સહજાનંદી સિંહ સમાં એવાં નિષ્ઠાવાન પાત્રોની રચના કરી છે કે, જેમણે જીવનમાં ગમે તેવાં તન, મન કે જનનાં દુઃખો આવી પડે તોપણ શ્રીજીમહારાજ વિના અન્યનો આશ્રય કદી કર્યો નથી કે લગીરેય અન્યનું કર્તાપણું સમજ્યા નથી.
ગુરુવર્ય પ.પૂ. બાપજીનો એસ.એમ.વી.એસ. સમાજ એટલે શ્રીજીમહારાજના રાજીપાવાળું જીવન જીવતો વ્હાલો સમાજ - શ્રીજીમહારાજનો વ્હાલો સમાજ.
તેની એ ખાસિયત રહી છે કે સંતો-હરિભક્તોમાં તેમજ નાના બાળકમાં પણ સિદ્ધાંતની એકસૂત્રતા અકબંધ જળવાઈ રહી છે. જેમ દીવા વડે દીવો પ્રગટે તેમ નિષ્ઠા વડે નિષ્ઠા જન્મે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘણી વાર કહેતા હોય છે કે, “સમજણવાળો એકાદ હરિભક્ત કે સંત અનંતનાં બંધનો તોડી શકે છે અને સમજણ વગરનો પોતાનોય ઉદ્ધાર ન કરી શકે. તો બીજાનો તો શું કરશે ?”
આમ, એ દિવ્યપુરુષે શ્રીહરિના નવડા જેવા નિશ્ચયવાળો એસ.એમ.વી.એસ.નો સમાજ રચ્યો છે.
જેમાંના એક પાત્રનું દર્શન આપણે કરીએ.
અમદાવાદના વાસણા વિસ્તારમાં પ.ભ. શ્રી હરીશભાઈ ભગવાનભાઈ દેસાઈ રહેતા હતા. તેઓને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની સર્વોપરી ઉપાસનાની દૃઢતા હતી.
તેઓના પિતાશ્રી ભગવાનભાઈને ગંભીર માંદગીને કારણે અમદાવાદની કર્ણાવતી હૉસ્પિટલમાં દાખલ કરેલા. આથી તેમનાં સગાંવ્હાલાં મળવા આવી ગયાં. તેઓને એક જ ચિંતા હતી : “ભગવાનભાઈની ઉંમર તો હજુ ૫૨ વર્ષની જ છે. શરીરે તંદુરસ્ત છે. મજબૂત બાંધો છે. છતાં આ બીમારી શેને લઈ આવી હશે ? કંઈ સમજાતું નથી.”
તેથી તેઓ બધા ભેગા થઈ ચર્ચા કરવા લાગ્યા : “આ હરીશે જૂની માનીનતાઓ મૂકી દીધી છે; દોરા-ધાગા-ભૂવા-મૂઠ-ચોટ-બાધા બધું મૂકી દીધું છે. એટલે દુઃખી થાય છે. એને આપણે બધાં સમજાવો.”
“પણ તમે બધા ધૂળ ખાવ છો. આ હરીશને જ્યારથી બાપજીનો ભેટો થયો છે ત્યારથી બીજા બધા આશરા એણે મૂકી દીધા. એને સ્વામિનારાયણ ‘મેરે તો તુમ એક હી આધારા’ છે. માટે એ ભૂવા-ભરાડીઓની વાત નહિ માને.”
“ના માને તો પછી ભલે દુઃખી થાય...”
એક વડવા બોલ્યા : “એ તો નાનો કહેવાય. પણ આપણે એને સમજાવીએ.”
“સારું, ભા ! તમે જ એને સમજાવો.”
“હરીશ, તારા બાપાને સારું થાય તે માટે આપણે એમને દોરો બંધાવવો પડશે અને બાધા રાખવી પડશે.”
“ભા, એ તો અનાશ્રય થયો કહેવાય. મારે તો એક સ્વામિનારાયણનો જ આશ્રય છે. માટે એ શક્ય નથી.”
“હરીશ, તું સ્વામિનારાયણને પણ રાખ અને બીજાને પણ રાખ એમાં કંઈ વાંધો નથી.”
ત્યારે એકમાત્ર શ્રીજીનો જ જેમને આશરો દૃઢ હતો એવા હરીશભાઈએ સિંહગર્જના કરી ઉત્તર આપ્યો કે, “ભલે કદાચ સ્વામિનારાયણ ભગવાન આજે જ મારા પિતાને ધામમાં લઈ જાય. અરે, આખા પરિવારને ને મને પણ ધામમાં લઈ જાય પણ શ્રીજીમહારાજને મૂકીને અન્યનો આશરો કદાપિ શક્ય નહિ બને.” આ બાજુ ડૉક્ટરો છૂટી પડ્યા પણ તેમના પિતાની માંદગી કોઈ રીતે ટળે નહીં. એથી ભગવાનભાઈને ઘેર લાવવામાં આવ્યા.
હરીશભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને ગયા. ને આખી વીતક કહી સંભળાવી. તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી એમના પર રાજી થયા.
હરીશભાઈએ કહ્યું, “બાપજી, આપ જેમ રાજી હોવ એમ કરો. અમારી આપને અરજ છે; પછી મહારાજ ને આપની જેમ ઇચ્છા હોય તેમ કરજો.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને આશીર્વાદ આપ્યા કે, “ત્રણ દિવસમાં શ્રીજીમહારાજ તારા પિતાને ધામમાં તેડી જશે.”
અને એ જ રીતે શ્રીજીમહારાજ તેમના પિતાને ધામમાં તેડી ગયા તેમ છતાં તેમને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ નથી થયો.
એમના પિતા ધામમાં ગયા કેડે આખો પરિવાર રોકકળ કરતો હતો. છતાં હરીશભાઈ તથા તેમના નાના ભાઈ ચેતનભાઈ પણ રોયા નહીં.
એમને આનંદ હતો કે, ‘અમારા પિતાશ્રીને મહારાજે મૂર્તિના સુખે સુખિયા કર્યા.’
જ્યારે અજ્ઞાની કુટુંબીઓએ તેમના પર વાંધો ઉઠાવ્યો કે, “આ ભગવાનભાઈના છોકરા કેવા છે ? તેઓને પોતાના બાપા ગયાનું દુઃખ નથી પણ આનંદ છે. મારા હારા બેમાંથી એકેય આંસુનું ટીપું પણ નથી પાડતા.”
છતાં હરીશભાઈ ને ચેતનભાઈ કોઈના શબ્દો ન ગણતાં મહારાજ પરત્વેની નિષ્ઠામાં અડગ રહ્યા.
સગાંસંબંધીઓ, કુટુંબ, સમાજની સામે મહાપ્રભુની પતિવ્રતાની ટેક રાખવા માટે ઝઝૂમ્યા પણ જેમ નવડો કદાપિ પોતાનું સ્થાન નથી છોડતો તેમ તેમણે શ્રીજીમહારાજના નિશ્ચયમાં અલ્પ સરીખો ફેર ન પડવા દીધો.
તેમની નિષ્ઠાની આવી દૃઢતા જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી ખૂબ રાજી થયા.