પુષ્પ ૧ : ધોળકાના મહંત શ્રી બળદેવચરણદાસજીને મૂર્તિ આપી
બળદેવચરણદાસજી સ્વામી સદ્ગુરુઓ સાથે બાપાશ્રીનો સમાગમ કરવા એક વખત કચ્છમાં બળદિયા ખાતે આવ્યા હતા. આ દરમ્યાન રોજ સવાર-સાંજ જુદા જુદા સદ્ગુરુઓ પાસે બાપાશ્રી વાતોનો લાભ અપાવતા. એમાં એક દિવસ બાપાશ્રીએ આ વયોવૃદ્ધ સંત બળદેવચરણદાસજી સ્વામીને વાતો કરવાની આજ્ઞા કરી.
બળદેવચરણદાસજી સ્વામી સરળ અને નિર્દોષ હતા. તેથી તેમણે બાપાશ્રીને કહ્યું, “બાપા ! મને તો વાતો સાંભળતાં આવડે છે, પણ મેં જીવનમાં ક્યારેય વાતો કરી નથી. તેથી મને કેવી રીતે વાતો કરતા આવડે ? માટે બાપા, આપ રાજી રહેજો.” પરંતુ બાપાશ્રીની આજે મરજી કંઈક જુદી હતી. મોટાપુરુષની સર્વે ક્રિયા દિવ્ય અને કલ્યાણકારી હોય. શું બાપાને આવી બધી ખબર નહિ પડતી હોય ? તે તો બધું જાણતા જ હતા અને એટલે સ્વામી આટલું બોલ્યા એટલામાં તો બાપાશ્રીએ પોતાના કંઠમાં પહેરેલો હાર કાઢીને સ્વામીના કંઠમાં પહેરાવ્યો અને કહ્યું, “બસ, હવે વાતું કરો.”
બળદેવચરણદાસજી સ્વામીને તત્કાળ વિશ્વાસ આવી ગયો અને તેમના સંકલ્પો-વિકલ્પો શાંત થઈ ગયા. તેઓ હવે નિઃસંશય બની ચૂક્યા હતા. પછી તો સ્વામીના બોલનારા સ્વયં શ્રીજીમહારાજ બની ગયા. અને પરિણામે જેમ નદીનો પ્રવાહ વહે તેમ સ્વામીનો અસ્ખલિત વાક્ પ્રવાહ ચાલુ થઈ ગયો. તેમણે ત્રણ કલાક સુધી મૂર્તિ ધારી ભારે-ભારે વાતો પીરસી હતી.
સૌ શ્રોતાજનો તેમની વાતોનું શ્રવણ કરી ખૂબ રાજી રાજી થઈ ગયા. સૌ બળદેવચરણદાસજી સ્વામીને કહેવા લાગ્યા, “સ્વામી ! તમે તો આજે ભારે વાતો કરી ! આજ દિન સુધી તમે અમને તો ખબર જ ન પડવા દીધી કે તમે આવી સરસ વાતો કરી શકો છો ? એ અમને વહેલી ખબર પડી હોત તો આપનો લાભ લેવાની માંગણી બાપા પાસે કરત ને !” બળદેવચરણદાસજી સ્વામી શું બોલે ? એ તો જે વાતો કરતા હોય તે જાણે ને જેના દ્વારા વાતો થઈ રહી હોય તે જાણે. બીજાને શું ખબર પડે ? સ્વામી કહે, “એ બધો બાપાનો જ પ્રતાપ છે ભાઈસા’બ. બાકી મને વાતો કરતાં શું આવડે ?”
પછી તો તેઓ ૧૮ દિવસ રોકાયા. તે અઢારેય દિવસોમાં રોજ બળદેવચરણદાસજી સ્વામી મૂર્તિ ધારી બે-બે કલાક ખૂબ વાતો કરતા.
તેમને ધોળકા પરત જવા બાપાશ્રીની રજા લેવાનો સમય આવી ગયો હતો. નીકળતી વખતે બાપા કહે, “સ્વામી ! હવેથી તમે ધ્યાન કરજો.” ત્યારે ફરીથી સ્વામીનો મૂળ પ્રશ્ન ઉપસ્થિત થયો. સ્વામી બોલ્યા, “બાપા ! ધ્યાન તો મેં ક્યાં કદી કર્યું જ છે ? તેથી ધ્યાન કરતાં પણ મને નથી આવડતું; તો આપ રાજી રહેજો.” ત્યારે બાપાશ્રી બોલ્યા, “સ્વામી ! વાતો કરતાં પણ ફાવતું ન હતું એવું તમે કહેતા હતા પરંતુ તે તમને કેવું ફાવી ગયું ! માટે એવો જ વિશ્વાસ રાખીને શ્રીજીમહારાજની મૂર્તિ ધારજો તથા ધ્યાન શરૂ કરજો. તેમાં પણ ફાવટ આવી જશે.”
સ્વામી ધોળકા પહોંચ્યા. બાપાશ્રીના વચને ધ્યાન કરવા બેઠા અને મૂર્તિમાં પેઠા. અખંડ મૂર્તિ સાથે એકતા થઈ ગઈ !! વાહ ! બાપા વાહ ! બસ, સહજમાં મૂર્તિ આપી દીધી અને સહજમાં સાક્ષાત્કાર કરાવ્યો. આમ, બાપાશ્રી તો મૂર્તિના ખરા તલસી હતા.
પુષ્પ ૨ : મૂળીના કરુણાનંદ બ્રહ્મચારીને મૂર્તિ આપી
મૂળીના કરુણાનંદ બ્રહ્મચારી કે જેઓ નંદપંક્તિના ખૂબ મોટા સંત તરીકે સંપ્રદાયમાં જાણીતા હતા; વળી, શ્રીજીમહારાજના મળેલા હતા. તેથી તેમને પોતાને પણ મનમાં ગૌરવ રહેતું. મૂળીના સંતો જેવા કે, શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી, શ્રી શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, શ્રી ભગવત્સ્વરૂપદાસજી સ્વામી, શ્રી દેવજીવનદાસજી સ્વામી, શ્રી ગોપીવલ્લભદાસજી સ્વામી, શ્રી ગુણાતીતદાસજી સ્વામી વગેરે સંતો દર વર્ષે બાપાશ્રીનો સમાગમ કરવા માટે વૃષપુર જતા. તેની ખબર કરુણાનંદ બ્રહ્મચારીને પડતી તેથી તેઓ સૌ સંતોને વઢતા અને કહેતા, “આવા સદ્ગુરુ હરિનારાયણદાસજી જેવા અને અમારા જેવા મોટેરા સંતોને મૂકીને ત્યાં કચ્છમાં શું છે તે તમે સંતોને મૂકીને ગૃહસ્થનો સમાગમ કરવા જાવ છો ? જરા વિવેક તો રાખતા શીખો.”
સંતો બધું જ મનમાં જાણે. તેઓ જાણતા કે બાપા પાસે જઈએ છીએ અને બાપાશ્રીની વાતો સાંભળીએ છીએ ત્યારે મૂર્તિસુખની અનુભૂતિ થાય છે. તેવી અનુભૂતિ અહીં થતી નથી માટે ત્યાં તો ગયા વિના ચાલે જ નહીં. પરિણામે બ્રહ્મચારીને મોટા સંત જાણી તેમની આમન્યા રાખતા. સામો કોઈ પ્રતિઉત્તર આપતા નહીં. તેમની વાત સાંભળી લે અને ટકોરાના શબ્દો સહન પણ કરી લે, પરંતુ પોતાને મળતું જે સુખ તેને મૂકી ન શકે.
એક વખત પૂ.સંતોએ ધીમે રહીને કહ્યું, “બ્રહ્મચારી મહારાજ ! આપ તો સત્સંગમાં મોટેરા ને વડીલ સંત છો. એટલે તમારા આજ સુધીના અનુભવોને આધારે આપ જે કહેતા હશો તે બરાબર જ કહેતા હશો. કદાચ, અમને લાગે છે કે અમો દર વર્ષે કચ્છમાં જઈએ છીએ તેમાં અમારી પણ કંઈક ભૂલ થતી હોય તેવું પણ બને. અમને ક્યારેક આવા વિચારો પણ આવે છે. પરંતુ આજે આપની આગળ અમારા હૈયાની વાત જણાવી. હવે અમને લાગે છે કે જો આપ એક વખત અમારી સાથે આવીને બાપાશ્રીની કસોટી કરી જુઓ તો સારું - એવી અમારી સૌની ઇચ્છા છે.” બ્રહ્મચારી મહારાજને સંતોની વાતમાં તથ્ય જણાયું. વાત બરાબર જણાતા તેમણે બાપાશ્રીની કસોટી કરવા વૃષપુર જવા નક્કી કર્યું.
સંવત ૧૯૭૧ની સાલ હતી. બાપાશ્રીએ વૃષપુરમાં મોટો યજ્ઞ આરંભેલો. તેમાં ગામોગામ સૌને આ યજ્ઞમાં આવવા આમંત્રણ પાઠવ્યું હતું. અને મૂળીના સંતો દ્વારા અપાયેલ આમંત્રણથી કરુણાનંદ બ્રહ્મચારી પણ રાત્રે મોડા આવી પહોંચ્યા. તેથી રાત્રે તો બાપાશ્રીનાં દર્શનનો લાભ ન મળ્યો. લાંબી મુસાફરીથી થાકેલા સંતો તેમજ બ્રહ્મચારી મહારાજ વહેલા પોઢી ગયા.
કરુણાનંદ બ્રહ્મચારીને તો આખી રાત શ્રીજીમહારાજના તેજ તેજના અંબારમાં તેજોમય દર્શન થયાં. એટલું જ નહિ. એવા જ તેજોમય બાપાશ્રીનાં પણ દર્શન થયાં ને એમાં જ સવાર પડી ગઈ. બ્રહ્મચારીને શાંતિ શાંતિ થઈ ગઈ. સાધુ થયા પછી શ્રીજીમહારાજની સાથે રહેવા છતાં પણ કદી આવાં તેજોમય દર્શન થયાં ન હતાં. અંતરમાં કદી આવી શાંતિ ને સુખ અનુભવ્યાં ન હતાં. તેવો દિવ્ય અને અલૌકિક અનુભવ આજે પ્રથમ વાર થયો. મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જતાં ઓગળી જ ગઈ. એમ બાપાશ્રીની કસોટી કરવા આવેલ બ્રહ્મચારી કસોટી કરતાં પહેલાં જ પીગળી ગયા.
સવારે બાપાશ્રી સભામાં પધાર્યા અને બિરાજ્યા. બ્રહ્મચારીએ દંડવત કરી બાપાના ખોળામાં માથું મૂક્યું. ગદ્ગદભાવે પ્રાર્થના કરી, “બાપા... બાપા... મેં તમને ઓળખ્યા નહોતા. અહોહો, તમે આવા છો ? બાપા ! હવે મારું પૂરું કરો.”
બાપાશ્રી તો એ માટે જ પધાર્યા હતા. બાપાશ્રીએ બ્રહ્મચારીની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. તેમના માથે હાથ મૂક્યો ને આશીર્વાદ આપ્યા, “જાઓ તમારું પૂરું, પૂરું ને પૂરું.” અને ત્યારથી બ્રહ્મચારી મહારાજને અખંડ મૂર્તિ દેખાવા માંડી. આમ બાપાએ બ્રહ્મચારીને સહજમાં ન્યાલ કરી દીધા.
પુષ્પ ૩ : માથકના કલ્યાણસંગજીભાઈને મૂર્તિ આપી
એક વખત મુક્તરાજ ધનબાની પારાયણનો પ્રસંગ હતો. બાપાશ્રી આ પ્રસંગે રામપર-વેકરા ગામે પધાર્યા હતા. જેમાં બાપાશ્રીનો ઉતારો વેકરા મંદિરમાં હતો.
પ્રાતઃકાળનો બ્રાહ્મમુહૂર્તનો સમય હતો. એ વખતે બાપાશ્રી ગામના મંદિરે હરિભક્તોને કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરવા માટે પધાર્યા.
માથકના કલ્યાણસંગજી બાપુ આ પ્રસંગે આવેલા. તેઓને ધ્યાનનું અંગ સારું હતું. કલાકો સુધી ધ્યાનમાં બેસતા. કલ્યાણસંગજી તરફ બાપાશ્રીની દૃષ્ટિ કરાવતા હરિભક્તોએ બાપાશ્રીને વાત કરી, “બાપા ! માથકથી કલ્યાણસંગજીભાઈ આવ્યા છે. તેઓ બહુ ધ્યાની છે. વળી તેઓને મહારાજની મૂર્તિ મેળવવાનો ખપ અને ખટકો ઘણો છે. રોજના ૧૦-૧૦ કલાક સળંગ ધ્યાન કરે છે. જો આપ તેમના ઉપર કૃપાદૃષ્ટિ કરો અને કૃપા વરસાવો તો તેમના સાધનની પળવારમાં સમાપ્તિ થઈ જાય.”
હરિભક્તોની પ્રાર્થના સાંભળી બાપાશ્રી બોલ્યા, “કલ્યાણસંગજી ! આ ખૂણામાં બેસી કોને શોધો છો ? જેને તમે શોધો છો તેને અમે પ્રત્યક્ષ પ્રમાણ આ સભામાં દેખીએ છીએ. અને તમારે પણ તેમને જોવા હોય તો આવજો કાલે સવારે સભામાં.”
કલ્યાણસંગજીએ બાપાશ્રીનું નામ અને મહિમા સાંભળ્યાં હતાં કે તેઓ માટાપુરુષ છે અને અનંતને સહજવારમાં મૂર્તિનું સુખ આપી દે છે. પરંતુ બાપાશ્રીના પ્રતાપને અનુભવ્યો ન હતો. બાપાશ્રીનાં વચનો સાંભળી તેમને એ અનુભૂતિ થઈ કે બાપાશ્રી મોટાપુરુષ છે. હરિભક્તો ભલે એમ જાણે છે કે કલ્યાણસંગજી ૧૦ કલાક ધ્યાન કરે છે અને સુખ લે છે. પરંતુ, મારા અંતરની વાત તો આ દિવ્યપુરુષે વગર પરિચયે અને વગર ઓળખાણે તત્કાળ કરી દીધી !! વાસ્તવમાં હું ૧૦ કલાક ધ્યાન કરું છું. પરંતુ આજ દિન સુધી મને તો દેખાણી જ નથી. હું તો મૂર્તિ દેખવા ફાંફાં જ મારું છું.
કલ્યાણસંગજી ધ્યાનમાંથી ઊભા થઈ ગયા. જે તરફ બાપાશ્રી જઈ રહ્યા હતા તે તરફ દોટ મૂકી. બાપાશ્રીના ચરણ પકડી લીધા. બે હાથ જોડી તેઓ બાપાશ્રીને પ્રાર્થના કરવા લાગ્યા, “હે બાપા ! હું વર્ષોથી ધ્યાનમાં મૂર્તિ દેખવા ફાંફાં માર્યા કરું છું પણ મૂર્તિ તો દેખાતી નથી. માટે આપ દયા કરી મૂર્તિ આપો.
કલ્યાણસંગજીની નિર્દોષ પ્રાર્થનાથી બાપાશ્રી રાજી થઈ ગયા અને આશીર્વાદ આપતાં કહ્યું, “કાલે સવારે આરતીના સમયે મંદિરમાં આવી જજો.”
કલ્યાણસંગજીના આનંદની અવધિ ન રહી. હવે તેમને મૂર્તિ મેળવવાની અજબની ચટપટી જાગી. ક્યારે સવાર પડે અને ક્યારે આરતીનો સમય થાય અને ક્યારે બાપાશ્રીની પાસે પહોંચી જાઉં અને ક્યારે મૂર્તિ મળે !! આ રટણ ચાલુ થઈ ગયું.
સવાર પડી. કલ્યાણસંગજી બાપુ મંદિરમાં બાપાશ્રી પાસે આવી પહોંચ્યા. બાપાશ્રીને દંડવત-દર્શન કર્યાં. તે વખતે બાપાશ્રી કલ્યાણસંગજીને મૂર્તિ આગળ લઈ ગયા અને મૂર્તિ તરફ હાથ લાંબો કરીને કહ્યું, “આમ જુઓ, આ કોણ છે ?” જ્યાં કોણ છે એમ કહ્યું તે સાથે જ કલ્યાણસંગજી મૂર્તિના સુખમાં ઊંડા ઉતરી ગયા. અને ઝળળળ ઝળળળ તેજના સમૂહમાં મૂર્તિ દેખાવા લાગી. કીર્તનની કડી તાદૃશ્ય થઈ...
“તેજના સમૂહમાં, શ્રીજી દર્શન નવલાં દે છે રે,
કૃપાથી જીવને મૂર્તિમાં રાખી, તું મુક્ત અનાદિ એમ કહે છે રે.”
બસ, આટલી જ વાર. બાપાશ્રીની કેવળ કૃપાથી વર્ષોથી ધ્યાન કરતા કલ્યાણસંગજીને મૂર્તિ આપી ન્યાલ કરી દીધા.
પુષ્પ ૪ : મૂળીના સદ્.બાલકૃષ્ણદાસજી સ્વામીને મૂર્તિ આપી
સદ્ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી સદ્ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય હતા. તેઓ તેમનો સમાગમ ખૂબ કરતા હતા. તેમને સ્વામી પ્રત્યે સાચું હેત અને મમત્વ હતાં.
એક વાર સદ્ગુરુશ્રીને અંતર્ધ્યાન થવાનો સમય આવ્યો ત્યારે બાલકૃષ્ણદાસજી સ્વામી ખૂબ ઉદાસ થઈ ગયા. તેમણે સદ્ગુરુજીને પ્રાર્થના કરી, “દયાળુ ! આપ મને મૂર્તિ જ આપી દો જેથી તમારા ગયા પછી મારે કોઈનો સમાગમ કરવાની જરૂર જ ન પડે.”
બાળકૃષ્ણ સ્વામીને એમ વિચાર આવતો કે, સદ્ગુરુશ્રી જેવો સમાગમ મને હવે કોણ કરાવી શકશે ? એ વખતે તો એમના જેવા સમર્થ અન્ય કોઈ નજરમાં હતા જ નહીં. પણ સદ્ગુરુશ્રી તો બધું જ જાણતા હતા તેથી જેમને પોતાના ગણેલા તેવા બાલકૃષ્ણ સ્વામીને સાચી વાત કહ્યા વિના રહી જ કેમ શકે ?
સદ્ગુરુશ્રીએ સ્વામીને વાત કરી, “સ્વામી ! અત્યારે જેમના દ્વારા શ્રીજીમહારાજ સત્સંગમાં કાર્ય કરે છે તેવા શ્રીજીમહારાજના સંકલ્પમૂર્તિ અબજીભાઈનો સમાગમ કરજો અને તે તમને મૂર્તિ આપશે. માટે ચિંતા કરશો નહીં. તમારો સંકલ્પ તેમના દ્વારા પરિપૂર્ણ થશે તે નિશ્ચિંત માનજો.”
સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા તે પછી સદ્ગુરુશ્રીના કહેવા પ્રમાણે તેઓ બાપાશ્રી પાસે આવી પહોંચ્યા. આવીને દંડવત દર્શન કરીને બાપાશ્રીને વાત કરી કે, “મને સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ આપનાં દર્શન-સમાગમની તેમજ મૂર્તિ આપવાની વાત કરી છે.”
બાપાશ્રી કહે, “અહોહો! સ્વામી ! તમે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય છો અને તમને મૂર્તિ ન દેખાય એવું બનતું હશે ?! આવો, આપણે મળીએ.” એમ કહીને બાપાશ્રી તેમને બાથમાં ઘાલીને મળ્યા. ત્યાં તો સ્વામીને અખંડ શ્રીજીમહારાજની તેજોમય મૂર્તિ દેખાવા માંડી ! આમ, સહજમાં મૂર્તિ બક્ષિસ આપી દીધી. મૂર્તિ પધરાવવાની બાપાશ્રીની કેવી અજબ કળા !
પુષ્પ ૫ : ઉંદરનો પણ મોક્ષ કરી મૂર્તિના સુખમાં રાખ્યો
આપણા જીવનપ્રાણ એટલે બાપાશ્રી. તેમને ઓળખાવનાર હતા - સમર્થ સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી. બાપાશ્રી અને સદ્ગુરુશ્રીની જાણે જોડ ન હોય ! જ્યાં કાયા ત્યાં છાયા. કાયા કહેતા બાપાશ્રી અને છાયા કહેતાં સદ્ગુરુશ્રી. એટલે જ્યાં બાપાશ્રી હોય ત્યાં સદ્ગુરુશ્રી હોય જ. સદ્ગુરુશ્રી એટલે બાપાશ્રીની જમણી ભુજા.
એક વખતની વાત છે. બાપાશ્રી અને સદ્ગુરુશ્રી તથા અન્ય સંતો-ભક્તો ગામ સિનોગરાથી કુંભારિયા જઈ રહ્યા હતા. બાપાશ્રી અને સદ્ગુરુશ્રીનું વિચરણ અનંત જીવોના કલ્યાણ માટે જ હતું. માત્ર મનુષ્યો જ નહિ, પશુ-પક્ષી, જીવજંતુ સૌનાં કલ્યાણ સામે જ તેમની નજર હતી. બાપાશ્રી ઘણી વાર કહેતા કે, “અમને બીજું તો બહુ નથી આવડતું પરંતુ કલ્યાણ તો ચપટીમાં કરી દઈએ એટલે ચપટી વગાડીએ એટલામાં કલ્યાણની હા પડાવી દઈએ.” વાહ ! બાપા, વાહ !
બાપાશ્રી ચાલતા જઈ રહ્યા છે ત્યાં અચાનક ઝાડની બખોલમાંથી એક ઉંદર નીકળ્યો. એ જ વખતે નભમાંથી પોતાના ખોરાક માટે આંટા મારતી સમડીની નજરમાં ઉંદર પડ્યો. ને સરરર.. કરતી સમડી નીચે ઊતરી અને ઉંદરને લઈ આકાશ તરફ ઊડી ગઈ. સદ્ગુરુશ્રી એટલે દયાનો દરિયો. તેઓ આ દૃશ્ય જોઈ ન શક્યા. તેમને ઉંદર માટે દયા ઊપજી.
તેથી તેમણે નીચે ઊભા રહી સમડીને હાંકોટો માર્યો. સમડીએ તરત જ ઉંદરને છોડી દીધો. ઉંદર પૃથ્વી ઉપર પડ્યો અને તરફડવા લાગ્યો. સદ્ગુરુશ્રીએ આ દૃશ્ય જોયું અને તરત જ બાપાશ્રીને પ્રાર્થના કરી, “બાપા ! આ ઉંદરનો મોક્ષ કરો.” ત્યારે બાપા કહે, “સ્વામી ! પાણી લાવો. વર્તમાન ધરાવીએ.” પરંતુ એ વખતે વગડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેથી ત્યાં પાણી તો ક્યાંથી મળે ? એટલે સદ્ગુરુશ્રી બોલ્યા, “બાપા ! અત્યારે પાણી ક્યાંથી લાવવું ? આપ તો સમર્થ છો. જેમ ઇચ્છો તેમ વર્તમાન ધરાવી શકો.”
બાપા એટલે દયાનો દરિયો. બાપાશ્રીએ ધૂળની ચપટી ભરી ઉંદર ઉપર નાખી. ઉંદરને વર્તમાન ધરાવ્યા. થોડી જ વારમાં ઉંદરનો દેહ પડી ગયો. સદ્ગુરુશ્રી કહે, “બાપા, ઉંદરના ચૈતન્યને ક્યાં રાખ્યો ?” ત્યારે બાપાશ્રી બોલ્યા, “મહારાજની મૂર્તિમાં.” કેટલી ઊંચી વાત કહેવાય ! કીર્તનમાં કહ્યું છે કે,
“નથી સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ,
રાખો પાકો વિશ્વાસ જે આ ઠામ, જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે.”
આમ, મોટાપુરુષની દૃષ્ટિ આગળ જેનો દેહ પડે તે જીવ ગમે તેવો હોય તોપણ તેને છેલ્લી પ્રાપ્તિ થાય છે. આ છે કારણ સત્સંગની અસ્મિતા ! આ છે કારણ સત્સંગના સત્પુરુષની અસ્મિતા !!
ઉંદર ઉપર બાપાશ્રીએ અનહદ કૃપા વાપરી. ફક્ત બાપાશ્રીની દૃષ્ટિ પડી એટલે છેલ્લો જન્મ થઈ ગયો. આપણા બાપા એટલે બાપા. સત્પુરુષનાં દર્શનથી, સ્પર્શથી, સંકલ્પથી તેમજ દૃષ્ટિથી જીવોનાં કલ્યાણ થઈ જતાં હોય છે અને એટલે જ કીર્તનમાં કહ્યું છે, “શ્રીજીને મુક્તોનો મહિમા, તેની આવે નહિ કોઈ સીમા,
તેમાંથી મનુષ્યભાવ તજવાને વાંચો બાપાશ્રીની”