(બાપાશ્રીની વાતો ભાગ-૨, વાર્તા-૧૫૨ના આધારે)
સંવત ૧૯૮૪ના અષાડ સુદ ૨ સુધી બાપાશ્રીએ પોતાના જોગમાં જે જે સંત-હરિભક્તો આવેલા તેમને શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા કર્યા. મોટા મોટા સંતો તથા સ્થિતિવાળા હરિભક્તો બાપાશ્રીના અદ્ભુત પ્રતાપને જાણી, દેહનાં કષ્ટને ન ગણીને મહિનો મહિનો, કોઈ પંદર દિવસ, તો કોઈ પાંચ-આઠ દિવસ પોતપોતાનાં કામકાજ છોડીને, કેવળ બાપાશ્રીની પ્રસન્નતાને અર્થે વૃષપુરમાં આવતા. સૌને એમ જે, અત્યારે શ્રીજીમહારાજના સંકલ્પથી બાપાશ્રી દૃષ્ટિગોચર વર્તે છે અને અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે, એવી સ્થિતિ કૃપાએ કરીને કરાવે છે. એમ સૌ જાણતા હોવાથી હજારો સંત-હરિભક્તો નાના-મોટા, બાઈ-ભાઈ દર્શને આવી કૃતાર્થ થતાં. બાપાશ્રીએ મહામોટા યજ્ઞ કર્યા, તેમાં પણ એવો જ સંકલ્પ જે આ યજ્ઞમાં જે કોઈ આવે, તેનો અમારે આત્યંતિક મોક્ષ કરવો. શ્રી પુરુષોત્તમ નારાયણના અનાદિમુક્ત પુરુષોત્તમરૂપ છે. તેથી એ દ્વારે સર્વે ક્રિયા શ્રીજીમહારાજ કરે છે. એ મુક્ત તો મૂર્તિમાં રસબસ રહ્યા થકા અનંતકોટિ કલ્પ સુધી મૂર્તિના સુખમાંથી તૃપ્ત થતા નથી. શ્રીજીમહારાજે સંકલ્પ કરી આ સમયમાં અ.મુ. બાપાશ્રી દ્વારે અનંત જીવોને મૂર્તિમાં ખેંચી લીધા. બાપાશ્રી કહે, “અમે તો ખંપાળી નાખી છે.” ખંપાળી એટલે કૃપાસાધ્ય. સાધને કરીને આ સ્થિતિ થાય તેમ ન હોવાથી મહારાજે નિજ આશ્રિત ઉપર કરુણા કરી તેથી આવા અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી દ્વારે અનેક જીવો મૂર્તિના સુખમાં પહોંચ્યા. શ્રીજીમહારાજની મૂર્તિમાં અનાદિમુક્તો રસબસભાવે અનાદિકાળના છે જ. જેમ શ્રીજીમહારાજ અખંડ, તેમ અનાદિની સભા પણ અખંડ. એ વાત બાપાશ્રીએ બહુ સુગમપણે સમજાવી, આશીર્વાદ આપી કંઈકને ન્યાલ કર્યા. જે જે શહેરમાં અથવા જે જે ગામોમાં ગયા, ત્યાં એ એક જ વાત. મોટાં મોટાં ધામ (મંદિરો)માં ગયા હોય ત્યાં પણ બાપાશ્રી તો પ્રસિદ્ધ થયા વિના રહે જ નહીં. સભામાં જ્યારે વાતો કરવા માંડે ત્યારે સૌ સંત-હરિભક્તોને સહેજે આકર્ષણ થતું. જે જે વાતો થાય તેમાં મુખ્યપણું તો મૂર્તિનું જ હોય. તેમાં પણ કેટલાંક મુખ્ય વચનો આ પ્રમાણે બોલતાં :
૧. “આપણે સંવત ૧૮૩૭થી મહારાજ ને મુક્ત પ્રગટ થયા છે ત્યારથી શરદઋતુ બેઠી છે, આજ હજૂરી પધાર્યા છે તે ઠેઠ મહારાજની મૂર્તિના સુખમાં લઈ જશે.
૨. શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્ત રમે છે ને કિલ્લોલ કરે છે. મોટા રાજી થઈને કહે જે, માગો ! ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ માગવી. શ્રીજીમહારાજની મૂર્તિનો રસરૂપી મહાપ્રસાદ લેવો. આજ શ્રીજીમહારાજ મુક્ત દ્વારે સત્સંગમાં સુખ આપે છે. આ મુક્તને દર્શને મોટા મોટા અવતારાદિક આવે છે, આ તો સાક્ષાત્ પુરુષોત્તમ તુલ્ય એવા અનાદિમુક્ત તમને મળ્યા છે.
૩. આ મુક્ત તો પુરુષોત્તમ ભગવાન આગળ હજૂરી છે, મૂર્તિધામ ને મુક્ત સાથે રાખવાં મહારાજ ને મુક્ત પૂરું કરી દેશે. ડંકો દઈને જઈશું તે અનંત મુક્ત દેખશે. શ્રીજીમહારાજનું સુખ છે તે મોટા ચાલતાં આપી દે છે.
૪. મોટાની સેવા ને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. આપણે શ્રી સ્વામિનારાયણના દીકરા છીએ માટે મૂર્તિસુખને લાયક થાવું, મૂર્તિને ભૂલી જવાય તો રાંડીને ખૂણે બેઠી એવું કહેવાય. શ્રીજીમહારાજના સુખની અવધિ નથી. મુક્તના જોગ વિના અંતર ખુલ્લાં કરી શકે એવું કોઈ સાધન કે વિધિ નથી, સાધન માત્રનું ફળ મહારાજની મૂર્તિ છે, અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ તો જળ-તરંગવત્ એક જ છે. પુરુષોત્તમના ઉપાસક છે તે તો મહાપ્રભુની સભાના છે.
૫. મોટા અનાદિમુક્તને સંભારવા તો મૂર્તિથી બહાર નીકળાય નહીં.
૬. મહાપ્રભુના અનાદિ મળ્યા એટલે આપણાં દારિદ્ર કપાઈ ગયાં.
૭. આજ અક્ષરધામમાંથી જાન આવી છે તેમાં પતિ મહારાજ છે ને મુક્ત જાનૈયા છે તેની ખુમારી રાખવી. અક્ષરધામના ધામી શ્રી પ્રગટ પુરુષોત્તમનો ચાંદલો આવ્યો તે વાત કેવડી મોટી ! બીજું બધું મળે પણ આ વસ્તુ જે શ્રીજીમહારાજ તથા મુક્ત તે ન મળે. આજ તો શ્વાંત વરસે છે, મહારાજને તથા મુક્તને ઉપમા દેવાય એવું કાંઈ છે જ નહીં. મહારાજની મૂર્તિ વિના બીજું વર્ણન છે તે તો નાવ વિના સમુદ્રમાં પડ્યા જેવું છે. શ્રીજીમહારાજની મૂર્તિરૂપી મોટી વસ્તુ હાથ આવે તો બીજું બધું ખોટું થઈ જાય. શ્રીજીની મૂર્તિ વિના સર્વે ખોટું કરી નાખવું. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવજ્ઞાન કહીએ. શ્રીજીમહારાજના ગુણનો કે સુખનો કે મહિમાનો કે સ્વરૂપના જ્ઞાનનો પાર પમાય તેમ નથી; એ તો અપાર છે.
૮. આ વસ્તુ બહુ મોંઘી છે. જેના ભેળા મહારાજ હોય તેની વાતમાં શાંતિ, સુખ અને આનંદના ફુવારા આવે છે. લાખ જન્મ ધરે તોપણ કલ્યાણ ન થાય તે આજ દેહ છતાં જ કલ્યાણ થાય છે, આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો મળ્યો છે. કારણ મૂર્તિના પધરાવનારા તો મુક્ત છે; માટે આ જોગ કરી લેવો.
૯. મુક્ત તો એકલા હોતા જ નથી, અનાદિ સાથે હેત થયું તે તો છેડો હાથ આવ્યો. આજ તો અવતારી જે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત તે કરોડો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરે છે. આ મુક્ત શ્રીજીમહારાજના અવતાર છે. તે અનંત જીવોનાં કલ્યાણ સારુ મનુષ્ય રૂપે દેખાય છે. આ સત્સંગમાં શ્રીજીમહારાજના સંત છે તે ફૂલવાડી છે તેમાંથી સુગંધરૂપી ગુણ લેવા. મહારાજને સંભારે તો મહારાજ ભેળા આવી જાય ને અનાદિમુક્તને સંભારે તે મહારાજ ભેળા આવી જાય. આવા મુક્ત આ સત્સંગમાં છે તે જ તમને મળ્યા છે.
૧૦. મહારાજની મૂર્તિ વિના અન્ય પદાર્થમાં રુચિ એ જ મંદવાડ છે.
૧૧. સ્વામિનારાયણ આ સભામાં આ ઊભા ! જેને જોઈએ તે લો. જેના બેલી મહારાજ ને મુક્ત છે તેને કાંઈ બાકી રહેતું જ નથી. મોટાના સંકલ્પ તો કરોડો બ્રહ્માંડોને ધામમાં લઈ જાય એવા બળવાન છે. આજ સનાતન મહારાજ ને સનાતન મુક્ત મળ્યા છે તેમની બરાબર બીજું કોઈ છે જ નહિ, આજ તો મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે.
૧૨. શ્રીજીમહારાજને મૂકીને બીજો સંકલ્પ કરવો નહીં. આજ અમૃતનું નોતરું આવ્યું છે તે શું ? તો સર્વે જીવોને મુક્ત કરીને મહારાજની મૂર્તિનું સુખ જેવું છે તેવું જ આપવું છે. અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિમાં જોડાવું, સત્સંગની સર્વે ક્રિયામાં મહારાજને ધણી રાખવા, પણ પોતે ધણી થાવું નહીં. મહારાજને જે વખતે ભૂલી જવાય તે વખતે તે વાંઝિયો કહેવાય.
૧૩. મૂર્તિને સાથે ન રાખે તો તેને સુખ ન આવે. મોટા તો ધક્કો મારે તોય સર્વે આવરણ ટાળીને શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખમાં લઈ જાય. મહારાજની ને મોટાની સાથે રસબસ થઈ રહેવું, કલ્યાણમાં ફેર પડે તેના જોખમદાર અમે છીએ.
૧૪. શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો નાદ થાય છે તે નાદ જેને મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તે સાંભળે. શ્રીજીમહારાજ તો આ દ્વિભુજવાળા બેઠા. ક્યાં અનાદિમુક્ત ને ક્યાં મહારાજ ! તેમનું પ્રમાણ અવરભાવવાળા શું કરી શકે ! મૂર્તિ તો આ રહી. મૂર્તિનો વાંક નથી પણ મૂર્તિ લેનારાની ખોટ છે. મૂર્તિમાંથી તેજ ઝળક ઝળક કરે છે ત્યાં આ સભા બેઠી છે. રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય.
૧૫. આ તો શ્રીજીમહારાજની ચૂંદડી ઓઢી છે તે ધન્યભાગ્ય છે. લાખો-કરોડો જન્મનાં કર્મ તે પણ દર્શનમાત્રમાં નાશ કરી નાખે એવો મોટાનો પ્રતાપ છે. આપણે તો કારણ મૂર્તિનું જ કામ છે. મૂર્તિ વિના બીજું સર્વે વિષ જેવું છે. શ્રીજીમહારાજ જેવા ભગવાન ને આવા મુક્ત તે અનંતકોટિ બ્રહ્માંડમાં ક્યાંયે નથી.
૧૬. આ વર્તમાનકાળમાં લાખો કરોડો જીવને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જઈએ છીએ. અનંતકાળનાં સુકૃત ઉદય થયાં હોય ને છેલ્લી પ્રાપ્તિ થવાની હોય તેને આવા મોટા ઓળખાય છે. મહારાજની મૂર્તિમાં જ સુખ છે, બીજે બધે તો રોગી વાની ઊડે છે. શ્રીજીમહારાજ ને મુક્ત સાક્ષાત્ બિરાજે છે એવું જણાતું નથી ત્યાં સુધી મહિમા સમજાય નહીં. મહારાજનું સુખ તો બહુ જ જબરું છે, આજ તો શ્રીજીમહારાજે ચીંથરામાં રત્ન વીંટીને રાખી મૂક્યા છે. શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત પાસેથી જેટલું ચિંતવીએ તેટલું દિવ્ય સુખ મળે, આ સભા દિવ્ય છે એવું સમજાય તો શ્રીજીમહારાજ હડેડાટ તેડી જાય છે. તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે. મહાપ્રભુજી અક્ષરધામનું જેટલું સુખ છે, તેટલું બધુંય આપણા સારુ લાવ્યા છે.
૧૭. મૂર્તિથી ઓરું જે જે સુખ છે તે ગૂંદાના ઠળિયા જેવું છે. અંત વખતે મહારાજનું સુખ જેવું છે તેવું તમને બતાવી દેશું. મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે, ગરીબનિવાજ છે. સત્સંગમાં જે મુદ્દો છે તે આપણને મળ્યો છે, તે મુદ્દો શું ? તો મહારાજની મૂર્તિ. અમારો વેપાર તો જીવને કારણ મૂર્તિમાં પહોંચાડવા એ જ છે. મહારાજ વિના જો ખોટો ઘાટ થાશે તો જન્મ ધરવો પડશે. મહારાજ અને આ મુક્તનાં દર્શન-સ્પર્શાદિકનાં ફળનું માપ થાય નહિ; એ તો અપાર ને અવિનાશી છે. અનાદિમુક્ત અનાદિકાળથી મૂર્તિમાં સળંગ રહીને નવીન નવીન સુખ લે છે. એમને પણ મૂર્તિનો કે સુખનો પાર આવતો નથી.
૧૮. વચનામૃતમાં શ્રીજીમહારાજનો એકલો રસ ભર્યો છે.
૧૯. શ્રીજીમહારાજ અને તેમના મુક્તને મુકરદમ રાખવા. શ્રીજીમહારાજ ને એમના મુક્તની સેવાથી, એમને જમાડવાથી મૂર્તિનું સુખ મળે છે. શ્રીજીમહારાજ અને મોટામુક્તને સાથે રખવાળા રાખવા. એક મૂર્તિ ને મુક્ત તેમને બાઝવું.
૨૦. શ્રીજીના ભક્તની તો મોટા મોટા અક્ષરકોટિ પણ પ્રાર્થના કરે છે.
૨૧. આજ સંવત ૧૮૩૭થી મોક્ષનો માર્ગ શ્રીજીમહારાજે ચલાવ્યો છે માટે બીજે ભટકાવું નહીં. શ્રીજીમહારાજનો મહિમા તો અનાદિમુક્તોથી પણ પૂરો કહેવાય તેમ નથી, માટે મોટાનાં વચનમાં શાસ્ત્રની સાખ ન લેવી.
૨૨. સુખ તો મૂર્તિમાં જ છે પણ બીજે નથી. પુરુષોત્તમ ભગવાન ને મુક્ત તો જુદા પડતા જ નથી. મૂર્તિની સભાના કહેનારાનું ન માનીએ તો આપણે કઈ જગ્યામાં રહેવું ? મોક્ષનો દરવાજો બંધ કરવો નહિ, આથી પછી બીજા કિયા કહેનારા આવશે. આજ અભયદાન આપે છે તે સર્વે આવરણ ટાળીને મહારાજની મૂર્તિમાં બેસારી દે છે, આજ મહારાજ ને મુક્ત ખરેખરો શ્વાંત વરસાવે છે તેને જો અધરથી ઝીલે તો મૂર્તિના સુખે સુખિયા થવાય.
૨૩. આ સભાનો અક્ષરધામની સભા જેટલો મહિમા સમજાય તો દેહ મૂકીને છેટે જાવું નથી, માયાનો પડદો ટળે તો આ સભા દિવ્ય તેજોમય ઝળઝળાટ તેજમાં મૂર્તિ ને મુક્ત દેખાય.
૨૪. જીવ ઝીણો તે મહારાજ ને મુક્ત મોટા, તેનો પાર ક્યાંથી પમાય ! આ સભાને શ્રીજીમહારાજે મોકલી છે - મહારાજ પણ ભેળા બિરાજે છે ને સુખ આપે છે. જેમાં શ્રીજીમહારાજના જેવા ગુણ હોય તેને કલ્યાણની કૂંચી આપે છે ને તેને જ કલ્યાણની સોંપણી કરે છે. શ્રીજીમહારાજે પોતાના જે લાડીલા ને ખાનગી હજૂરી છે તેને કલ્યાણની કૂંચી સોંપી છે. આ જીવને લેવા શ્રીજીમહારાજ ને એમના મુક્ત આવ્યા છે. આજ ન્યાલકરણ પધાર્યા છે, જે લેવું હોય તે લો, ખોટ બધી આ સભાના જોગથી નીકળે છે ને જાત-કુજાત જોતા નથી, સર્વેને ન્યાલ કરે છે.
૨૫. અનાદિ તો મૂર્તિમાં જ રહ્યા છે એ તો બહુ સુખિયા છે. આ સભામાં દિવ્યભાવ આવે તો છતે દેહે ધામમાં બેઠા છીએ એવું થઈ જાય.
૨૬. શ્રીજીમહારાજ જેને પ્રત્યક્ષ મળ્યા તેને વૈભવ ઘણા મળ્યા છે, માટે અયોગ્ય ક્રિયા ન કરવી. શ્રીજીના આશ્રિત બીજે માથાં ભટકાવવા જાય તે બહુ જ અજ્ઞાન છે, આપણે તો શ્રીજીની સભામાં જ બેઠા છીએ પણ મરીનું જાવું નથી.
૨૭. આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધિ નહિ કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થાશો. ધ્યાનની વાત કરીએ ત્યારે જાણે વજ્ર કમાડ દીધાં, પણ એ તો જરૂરાજરૂર કરવું જોશે. ધ્યાનનો આગ્રહ કરે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય. દેહ રાખવાનું જેટલું તાન છે તેટલું જો મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત્ દેખાય.
૨૮. આજ મહારાજ ને મોટા સભામાં બિરાજે છે તે આગ્રહ કરો તો સાક્ષાત્કાર કરાવી દે; એની આ સભા સાક્ષી છે. આ વખતે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય તેવું છે. આ ટાણે સાક્ષાત્કાર નહિ કરો તો પછી કોણ કરાવશે ? આવી વાત પછી કોણ કરશે ? માટે આ કરો, આ કરો, બીજું સર્વે પડ્યું મૂકો. મૂર્તિ રાખો તો બધુંય આવ્યું. આ લાભ આ ટાણે મળ્યો છે તે લેવો ને જરૂર મૂર્તિ સિદ્ધ કરવી. એક શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ માનવું ને હેત કરવું. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહીં... એને કાંઈ જોઈએ જ નહીં. અનુભવજ્ઞાનમાંથી ખુશ્બો આવે છે તે મૂર્તિમાં લઈ જાય છે ત્યારે એ પુરુષોત્તમ જ રહે છે.
૨૯. આ સભાનો મહિમા તો અતિશય મોટો છે, જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્ય રૂપે અને પ્રતિમા રૂપે દર્શન આપે છે એમ સમજાય તો કામ નીકળી જાય. અક્ષરધામની મૂર્તિ છે તે જ પ્રતિમા છે પણ એક રોમનો ફેર નથી, જો ફેર જાણે તો દ્વેષ કર્યો કહેવાય.
૩૦. એક શ્રીજીમહારાજનો જ આધાર હારલની લકડીની પેઠે રાખવો.
૩૧. મૂળઅક્ષરકોટિને પણ આ મુક્તોનાં દર્શન નથી તે તમને મળ્યાં છે.
૩૨. જો મહારાજ અને અનાદિમુક્તોને સાથે ને સાથે રાખે તો સત્સંગ દિવ્ય જણાય. તમને બધાંયને મૂર્તિમાં મૂક્યા છે. સુખમાત્ર બધું આ સભામાં છે પણ મફતનું અપૂર્ણપણું રાખે છે. આ મુક્ત તો શ્રીજીમહારાજના પડછંદા છે.
૩૩. શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તે દુષ્ટ વાસના જાણવી.
૩૪. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે તે મૂર્તિમાં લઈ જાય છે.
૩૫. અમે તો ધણીનો ને ધણીના લાડીલા મુક્તનો મહિમા કૃપા કરીને કહીએ છીએ.
૩૬. શ્રીજીમહારાજને જેવા છે તેવા સમજો ને આજ્ઞા પાળો તો અમે સહાય કરીને મૂર્તિના સુખમાં મૂકી દઈશું. આ શબ્દ નીકળે છે તે સ્વામિનારાયણની મૂર્તિમાંથી નાદ નીકળે છે. આ મહિમા સમજાય તો કાંઈ બાકી રહે જ નહીં.
૩૭. સાધને કરીને કલ્યાણ લેવું તે દહાડી કર્યા જેવું છે ને આશરે આવીને દેહ, મન ને જીવ સોંપી દે તો કલ્યાણ થાય તેમાં કાંઈ વાર લાગે નહીં.
૩૮. આ વખત ને આ દાવ જો ભૂલ્યા તો પૂરું થાય એમ નથી, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો.
૩૯. જેમ ચમક લોહને ખેંચે છે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં ખેંચી લે છે.
૪૦. મહારાજ મોંઘા બહુ છે તે તપે કરીને, સેવાએ કરીને, ભક્તિએ કરીને કે કોટિ સાધને કરીને પણ મળે તેમ નથી, જનું સુખ, મહિમા ને સામર્થી તેનો કોઈ પાર પામે તેમ નથી. જેવા છીએ એવા ઓળખો તો દરિયામાં દોટ દેવાનું કહીએ તોપણ દો. સ્વામિનારાયણને જેવા જાણશું તેવા કરશે. આવા મહારાજ ને આવા મુક્ત તે ક્યાંય નથી, અહીં જ છે માટે તેનો કેફ રાખવો. શ્રીજીમહારાજ ને મોટા તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ દિવ્ય છે. મૂર્તિના ઘરાક થાવું, જે એના ઘરાક નથી થાતા તે તો મૂર્તિ વિના વાંઝિયા પડ્યા છે.
૪૧. સત્સંગમાં આજ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. આજ મોટા મુક્ત મૂર્તિમાં રમ્યા કરે છે. આ તો દિવ્ય સભા છે, શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્તનો જોગ એકસરખો જ છે. શ્રીજીમહારાજ રોઝે ઘોડે સત્સંગમાં ફરે છે, મુક્તો ભેળા ફરે છે અને સત્સંગની રમત જુએ છે. આજ સત્સંગમાં ભગવાન બિરાજે છે પણ પાપી અને અધર્મી છે તેના મતે નથી. આ સભા તો અક્ષરધામનો દરવાજો છે.
૪૨. મહારાજને સંભારશો તો સદ્ગુરુ થાશો અને મહારાજને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે.
૪૩. આ સત્સંગમાં શ્રીજીમહારાજ ઘોડે ચડીને ફરે છે, આજ્ઞા લોપે તેને ચાબુક મારે છે.
૪૪. આ સભા દિવ્ય તેજોમય અક્ષરધામની સમજવી.
૪૫. આજ શ્રીજીમહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે તેમને પાપી, અસુર તે ન જાણે.
૪૬. શ્રીજીમહારાજની મૂર્તિનો સુખભોક્તા થયો તેને ઝળળ ઝળળ મૂર્તિનું તેજ છૂટે; પૂરું ન થવાય કે હવે જમી રહ્યા. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ ઝળેળાટ નીકળે છે તેનો ઘોષ થાય છે. તેને પ્રણવનાદ કહેવાય. અક્ષરથી પર આનંદઘન જે પોતાનું તેજ તેમાં શ્રીજીમહારાજ મુક્તે સહિત રહે છે, ત્યાં તેજના ફુવારા છૂટે છે તેમાંથી ખુશ્બો આવે છે.
૪૭. મહારાજે ધર્મધુર માર્ગ બાંધ્યો છે. આ સભા અક્ષરધામની જાણે તો સુખના સમુદ્રમાં ઝીલે. મૂર્તિમાં રસબસ થઈ જાય તો ત્રિવિધ તાપ ન નડે. આવા સ્વામિનારાયણ ભગવાન અને સંત અનંતકોટિ બ્રહ્માંડમાં ન મળે તે આજ મળ્યા છે. મહારાજે તો સુખ ઘણું આપ્યું છે પણ જીવથી ભોગવાય નહીં. અમે તો અનંત જીવનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ; શીતળ શાંત જે અક્ષરધામ તેમાં મહારાજ બેઠા છે તે આપણે નજરે દેખીએ છીએ. મહારાજની મૂર્તિથી જુદાં પડવું નહીં. અમે તો જીવને શ્રીજીમહારાજ પાસે લઈ જવા આવ્યા છીએ માટે અમારો દાખડો સુફળ કરજો.
૪૮. આજ તો કૃપાસાધ્ય ભગવાન છે તે કૃપા અપાર કરે છે.
૪૯. અમે ઠેઠ મૂર્તિમાંથી તમને સર્વેને ખણવા આવ્યા છીએ.
૫૦. આપણે તો એ કારણ મૂર્તિનું જ કામ છે.
૫૧. મૂર્તિમાંથી ઝળળળ ઝળળળ તેજ છૂટે છે તે તેજમાં મૂર્તિ રહી છે.
૫૨. મહારાજ તો કેવળ કૃપાસાધ્ય છે તે કૃપા કરીને આજ જીવના ઉદ્ધાર કરે છે. આ સભા મૂર્તિ પધરાવે છે.
૫૩. શ્રીજીમહારાજે પોતાની મૂર્તિ વિના બીજું કોઈ પ્રધાન રહે તેવું રાખ્યું નથી. બીજા અવતારમાં સ્વામિનારાયણ ભગવાન જેવો ભાવ બેસે તો પતિવ્રતાપણું જાય. આજ સાક્ષાત્ શ્રીજીમહારાજ મધ્યસ્થ બિરાજે છે અને મુક્ત ફરતા બેઠા છે, માટે સદાય પ્રત્યક્ષ છે.
૫૪. અમારે તો સર્વેને મહારાજની મૂર્તિમાં રાખવા છે, અક્ષરધામમાં બે ભુજાવાળા ભગવાન બિરાજે છે, આપણા પતિ બે ભુજાવાળા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા. આપણને તો મહારાજે ન્યાલ કર્યા છે, એ કારણ મૂર્તિના આધારે સૌ સુખિયા છે. સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજની મૂર્તિ છે.
૫૫. મહારાજની મૂર્તિમાં સુખ, સુખ ને સુખ જ છે. મૂર્તિમાંથી તેજની શેડો છૂટે છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાંથી અનંત અપાર સુખ ઉત્પન્ન થઈ મહા અનાદિમુક્ત દ્વારે સત્સંગમાં ફેલાય છે. મોટાની સેવા અને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે.
૫૬. અનંત પ્રકારનાં સુખમાત્ર શ્રીજીની મૂર્તિમાં રહ્યાં છે. મહારાજની મૂર્તિમાંથી તેજ ફરર ફરર છૂટે છે. આપણે તો એક ચિંતામણિરૂપ મહારાજની મૂર્તિ રાખવી ને અનાદિમુક્તનો જોગ રાખવો. વસમી વેળાએ સહાય કરનાર આ મુક્ત છે. મહારાજનો કે મોટાનો જોગ થયો એટલે સંપૂર્ણ માનવું; આપણને મહારાજ ને મોટા મળ્યા; હવે કોઈ વાતનો વાંધો રહે તેમ નથી. મહારાજના મહિમાનું બીજ સર્વે વાતમાં લાવવું. મહારાજના પ્રસંગ વિનાની લૂખી વાત ક્યારેય પણ કરવી નહીં. મહારાજ અને અનાદિમુક્તને જુદાપણું નથી.
૫૭. આ લોકમાંથી લૂખા થઈને મૂર્તિમાં જોડાઈ જાય તો અવયવ ફર્યા કહેવાય.
૫૮. આ સભા અક્ષરધામની છે, આપણે અક્ષરધામની મધ્યે જ બેઠા છીએ.
૫૯. આ જીવને ઉગારવા સંત ભાતાં બાંધી બાંધીને ફરે છે તેથી એમના થઈ રહેવું.
૬૦. કલ્યાણ સ્વામિનારાયણને ઘેર છે, બીજે ક્યાંય નથી. શ્રીજીમહારાજ સૌને અભયદાન આપે છે તેથી સત્સંગમાં સર્વે સુખિયા છે.
૬૧. આપણે સાચી વસ્તુ જે મહારાજની મૂર્તિ તે રાખવી.
૬૨. સાધુ તો અક્ષરધામનો દરવાજો છે, તે દ્વારા મહારાજ સુખ આપે છે.
૬૩. શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણવા એ તો બહુ ભારે વાત છે.
૬૪. મહારાજની મૂર્તિમાંથી નવીન નવીન ખુશ્બો છૂટે છે, અનાદિ તો રસબસ થકા રોમરોમનાં સુખ લે છે. મહાપ્રભુ ન્યાલકરણ પધાર્યા છે. મહારાજની મૂર્તિ આવી તો સર્વે વસ્તુ હાથ આવી. આપણે તો એક સ્વામિનારાયણ રાખવા. ધણી સત્સંગમાં અખંડ બિરાજે છે. મૂર્તિ વિના અમે બીજું જોતા નથી.
૬૫. આજ મોટા સોંઘા થઈને દર્શન દેવા આવ્યા છે. શ્રીજીમહારાજ ને આવા મોટા સંત હરકોઈ બ્રહ્માંડમાંથી ખોળી લાવે તો ઇનામ દઈએ, પણ મળે જ નહિ, તે તો સત્સંગમાં છે. આજ શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે. આવા મહારાજ ને તેમના અનાદિ આ સભામાં દર્શન દે તે કાંઈ થોડી-ઘણી વાત નથી. આ ટાણે તો અમૃત લૂંટાય છે, આવા જોગમાં કોણ રહી જાય ? આવી દિવ્ય સભાનાં સુખ કોણ મૂકી દે ? મૂર્તિમાંથી તેજના ફુવારા છૂટે છે. શ્રીજીમહારાજ તથા મોટાને લઈને આપણી મોટપ છે. મહારાજે અનંત મનવારો ભરવાનું ધાર્યું છે, એમના મુક્તનું પણ એ જ કામ છે, આ સમે મહારાજે કલ્યાણનું બહુ સુગમ કર્યું છે. શ્રીજીમહારાજનો પ્રતાપ તો બહુ જબરો, ગામોગામ મોક્ષના દરવાજા ઉઘાડા મેલ્યા છે. મહારાજનો સાક્ષાત્કાર થયો તેને બધુંય દિવ્ય થઈ ગયું. મહારાજનો સંકલ્પ છે કે અમારી નજરે ચડ્યો તેને મૂકવો નથી, એમના અનાદિને પણ એ એક જ કામ છે.
૬૬. ભગવાનના ભક્તને તો એક ભગવાન ખપે, એનો આનંદ ને એની ખુમારી જોઈએ. એક પુરુષોત્તમ ભગવાન ને તેમના અનાદિ રાખીએ તો બીજું કાંઈ ભાસે જ નહિ, આનંદ આનંદ થઈ જાય.
૬૭. મૂર્તિથી નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહીં.
૬૮. અનાદિમુક્ત તો મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને જીવને ઢસરડી લે છે.
૬૯. આપણે તો એક છોગલાવાળા સ્વામિનારાયણને રાખવા, જો એ આપણી ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એ જ વેપાર છે, બીજો વેપાર કોઈ કરશો નહીં.
૭૦. જેવી અક્ષરધામમાં સભા છે તેવી આ સભા છે કેમ જે આ સભામાં મોટા અનાદિ બેઠા છે, સત્સંગમાં હજારો-લાખો મુક્ત બધાય સહાયમાં છે, મહારાજ સત્સંગની વહારે ચડ્યા છે. આ તો અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાંથી ખુશ્બો ઊઠે છે તે ખુશ્બો મુક્તને ખેંચે છે અને મૂર્તિ સાથે રસબસ કરે છે તે અનુભવજ્ઞાન.
૭૧. સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે. મહારાજે આ સભાને અક્ષરધામનો દરવાજો કહ્યો છે. અનાદિ વસ્તુ ઓળખવી બહુ કઠણ છે. આ સભા અક્ષરધામની છે તેને ચૂંથી ન નાખવી. મહારાજ અને તેમના અનાદિ તો આ રહ્યા, પ્રત્યક્ષ છે. તેજોમય ફુવારા ઝળળ ઝળળ છૂટે છે. આપણે તો મહારાજને, મહારાજના મુક્તને વળગી રહેવું. અમારો સિદ્ધાંત તો એવો છે કે, મૂર્તિ અને મુક્ત વિના બીજી કોઈ વાત જ નથી. મૂર્તિ છે તે ચિંતામણિ છે, કલ્પતરુ છે, મહામોંઘી વસ્તુ છે તેને મોટા મુક્ત પારખે છે, જેવાતેવાનું આમાં કામ નથી. મહારાજ તથા મોટા મુક્ત અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે, ખરો ઝવેરી હોય તે આવા હીરાનું પારખું કરે.
૭૨. મહારાજનો ખરો મહિમા તો અનાદિમુક્ત જ જાણે, ભગવાન પાસે સુખના ઢગલે ઢગલા છે તેથી માગીએ તો મૂર્ખ કહેવાઈએ.
૭૩. મહારાજ અને મોટા અનાદિને ક્યારેય પણ છેટા ન જાણવા ને પોતાને પણ છેટે ન રહેવું. એક મહારાજની મૂર્તિ વિના બીજું જોવાનો ઠરાવ રાખવો નહિ, તેજના સમૂહ દેખાય તો તેમાં શ્રીજીમહારાજની મૂર્તિ જોવી ને તેમાં વળગી જાવું પણ તેજમાં સુખ માનીને મૂર્તિ વિના એને જોવું નહીં.
૭૪. આજ તો સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુક્ત અઢળક ઢળ્યા છે. આવી દિવ્ય સભામાં મોક્ષનું દાન માગવું. મહારાજની મૂર્તિમાંથી અલૌકિક સુખ આવે છે. મહારાજ અને અનાદિમુક્ત અરસપરસ છે. સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે શ્રીજીમહારાજ તથા મોટા અનાદિને લઈને છે, મોટા મુક્તને જોગે કરોડો સુખિયા થઈ ગયા. આપણે તો અક્ષરધામના પતિ પુરુષોત્તમનારાયણના રાજ્યમાં છીએ. આપણે પુરુષોત્તમનારાયણ જેવા પતિ એટલે અવિનાશી વર મળ્યા એમ જાણી, આનંદના સમુદ્રમાં ઝીલવું.
૭૫. મોટા મુક્ત મહારાજ વિના એક ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. મોટા તો પુરુષોત્તમ ભગવાનના લાડીલા મુક્ત છે.
૭૬. અમારે તો કોઈને મૂકવા નથી. ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવા છે. મહારાજ અને મોટાને આશરે સુખિયા રહેવું.
૭૭. તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજ છે. ચારે બાજુ મુક્તની સભાથી બધું બ્રહ્માંડ ઠસાઠસ ભરાઈ ગયું છે, તેજનાં કૂંડાળાં પડે છે. મહારાજની મૂર્તિ છે ત્યાં સર્વે મુક્ત બેઠા છે. આ તો દિવ્ય સભા છે, તેને મૂકીને એકલા ન રહેવું.
૭૮. મહારાજ અને મોટા અનાદિ મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. આપણે તો મહારાજ અને મોટાના ખોળામાં મસ્તક મૂકી દેવું. અનાદિના સંકલ્પે મૂર્તિ મળે છે. મહારાજ તો ચક્રવર્તી રાજાને ઠેકાણે છે. ખરી મોટપ એક મહારાજની મૂર્તિમાં છે. એક પારસથી પારસ બને, એવા મહારાજ છે. આ તો સુખનો સમુદ્ર છે. અમે તો એવો જ આશીર્વાદ દઈએ છીએ કે બધોય સત્સંગ સાજો આબાદ ભગવાન પાસે જાય અને બધાય અનાદિની પંક્તિમાં ભળી જાય. સ્વામિનારાયણને ત્યાં મડદું નહિ શોભે. મોટા અનાદિને તો અવતારાદિક પણ વંદે છે.
૭૯. જેટલા ભગવાનના અવયવ, એટલા અનાદિ મુક્તના અવયવ. તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે તેમાં મુક્ત સર્વે રહ્યા છે. આ સમે મહારાજ કહે અમારે પાત્ર-કુપાત્ર જોવા નથી, અમે તો અનંત જીવને અભયદાન આપવા આવ્યા છીએ. આપણને તો કારણ મૂર્તિ શ્રીજીમહારાજ મળ્યા છે, આ સભા સ્વામિનારાયણ ભગવાનની છે. આ સભામાં બહુ મોટું કામ થાય છે, અનાદિની તો વાત જ શી કહેવી ? તેમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં.
૮૦. આ સભામાં મહારાજ અખંડ બિરાજે છે, તે ભગવાન જેવા બીજા કોઈ અનંત બ્રહ્માંડમાં નથી. આ તો ન્યાલકરણ પધાર્યા છે. મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે. આપણું પૂરું કરવું તે મહારાજ અને મોટા મુક્તના હાથમાં છે. આ તો ખરો મુદ્દો હાથ આવ્યો છે, તે જો મૂકી દઈએ તો રખડી પડીએ. શ્રીજીમહારાજ પોતાનો દિવ્ય સાજ લઈ પધાર્યા છે. મહારાજની સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. આ બધા હરિભક્તો જમે છે તે બધું અક્ષરધામનું દિવ્ય સુખ છે, કોણ પીરસે છે ને કોણ સુખ આપે છે એ જોવું. આ તો મુક્ત-દિવ્ય મહારાજ સર્વે સાથે મળ્યું છે.
૮૧. શ્રીજીમહારાજે આ સમે આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામનાં બારણાં ઉઘાડાં મેલ્યાં છે.
૮૨. અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો, કેમ જે એમનું પ્રગટપણું અનંત જીવોનાં કલ્યાણને અર્થે છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ - એવા આ મોંઘા મુક્ત છે, તે શ્રીજીમહારાજે સોંઘા કર્યા છે. આ તો મહારાજના પડછંદા છે. મુક્ત તો હજૂરમાં રહેનારા છે, મહારસનું પાન કરનારા છે.
૮૩. મહારાજની દયાનું માપ થાય તેવું નથી. અમૃતના સિંધુ ઊલટ્યા છે, કોઈ આવો ! કોઈ આવો ! આ ટાણે મહારાજે મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે. આ વખતે મહારાજે ખંપાળી નાખી છે તેથી નજરે પડ્યો તેનું કામ થઈ જાય છે. મહારાજે તો એમ કહ્યું છે જે, અક્ષરધામમાં મૂર્તિ ને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી. સ્વામિનારાયણમાં ત્યાગ-ભાગ નથી. આ તો અચળ, સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે. આપણે કારણનું સુખ, કારણની સભા, કારણનું તેજ ને કારણની સામર્થી તેનું કામ છે. મહારાજ વિના બીજું સંભારવું તે તો ખોટી થવા જેવું છે, માટે આપણે તો એક મૂર્તિ જ રાખવી. મહારાજ તો ઝળઝળાટ તેજમાં દર્શન દે છે. દિવ્ય દૃષ્ટિ થાય એટલે આ રહ્યા. અપરીમ્ અપરીમ્ સુખનું સ્થાન એ મહાપ્રભુ છે.
૮૪. મહારાજ ને મુક્ત વિના આપણો ક્યાંય ભાગ નથી અને એ બે વિના બીજું ઠરવાનું ઠામ ક્યાંય નથી. મહારાજ કહે છે કે, અમારે અનંત જીવના ઉદ્ધાર કરવા છે તેથી મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે. કારણ મૂર્તિનું એ જ કામ છે, શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરવાનું આ ટાણું છે. મહાપ્રભુ દયાએ કરીને પધાર્યા છે, સુખનો સમુદ્ર તો એક શ્રીજીમહારાજ જ છે. મહારાજ તથા તેમના અનાદિમુક્ત સદાય સાથે જ છે. એ જેમ છે તેમ દેખાય તો દીવાના-મસ્તાના થઈ જવાય. શ્રીજીમહારાજ અને મોટા અનાદિ વર્તમાનકાળે સાવ સોંઘા છે. આ બધી સ્વામિનારાયણની ફૂલવાડી છે. આ સંત-હરિભક્તરૂપ દિવ્ય વિમાન અક્ષરધામ સુધી ઊડે છે, તે ઠેઠ મહારાજની મૂર્તિમાં ઠરીને બેસે છે. આપણે જોયા જેવું તો એક મહારાજનું રૂપ છે.
૮૫. મહારાજની મૂર્તિ વિના બીજે રોગી વાની ઊડે છે.
૮૬. ભગવાન તો એક પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જ છે, તે સિવાય બીજા કોઈ ભગવાન નથી.
૮૭. મહારાજ ને મહારાજના અનાદિમુક્ત તે તો એક સંકલ્પે અક્ષરધામમાં પહોંચાડી દે છે એવા સમર્થ છે. આવા અનાદિમુક્ત મૂર્તિમાં કિલ્લોલ કરનારા તેમનાં પગરખાંમાં પણ આ જીવને બેસવા ન મળે, તે આપણને દયા કરીને કહે : આવો, અહીં બેસો. આમ સર્વે અક્ષરધામના દરવાજા ઉઘાડા મૂક્યા છે.
૮૮. આજ ખરેખરી શરદઋતુ છે. આ વાતો ક્યાંથી આવે છે ? તો મહારાજની મૂર્તિમાંથી આવે છે. મોટા વાતો કરે તે ચકોર પક્ષીની પેઠે સાંભળવી. પુરુષોત્તમના અનાદિ ને લાડીલા કહેનારા ક્યાંથી મળે ? તે આ ટાણે છે.
૮૯. આપણે એક શ્રીજીમહારાજ સારુ ભેગા થયા છીએ. અમારે તો કોઈને બીજે જવા દેવા નથી, ઠેઠ અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં મૂકી દેવા છે. કેટલાકને મૂકી દીધા છે. સમર્થ ધણીએ હાથ ઝાલ્યો છે તે મૂકે એવા નથી, આ અભયદાન છે, એ છેલ્લો લેખ છે. આ તો કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે. સુખમાં સુખ તો શ્રીજીમહારાજની મૂર્તિ છે, તે કારણ મૂર્તિને બાઝવું. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાંથી ખુશ્બો છૂટે છે. મૂર્તિથી બહાર નીકળે તે સુખિયા ન થાય. મૂર્તિ વિનાનું બીજું જ્ઞાન તે પ્રકૃતિનું છે. મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે. સૌને માથે ઠેક દઈને પુરુષોત્તમનારાયણ પાસે પહોંચવું,
૯૦. સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં અખંડ બિરાજે છે, તેમની બીક ન લાગે એ કેવડું બધું અજ્ઞાન ! મહારાજની આજ્ઞા લોપાય તો અપમૃત્યુ થયું જાણવું.
૯૧. સુખ માત્ર શ્રીજીમહારાજની મૂર્તિ અને મોટા અનાદિમુક્તને આશરે રહ્યું છે. મહારાજના અનાદિમુક્ત તો કરોડોને મૂર્તિનું સુખ આપે એવા સમર્થ છે. મહારાજે તથા અનાદિમુક્તે હાથ ઝાલ્યો તે કોઈ દિવસ મૂકે નહીં. મહારાજ અને મોટામુક્ત મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે. આ સમયે મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે, લાખો-કરોડો જન્મે આવું થાય તેમ નથી. આપણે કૂદી કૂદીને દેહ પાડી નાખીએ એટલો આનંદ થાય, પણ સમજાતું નથી.
૯૨. શ્રીજીમહારાજનો ચમત્કાર બહુ મોટો છે. અક્ષરધામમાં મૂર્તિ ને સભા તેનું યથાર્થ જ્ઞાન થાય તેને અણુ જેટલું છેટું નથી. આ ટાણે ખરો મુદ્દો હાથ આવ્યો છે, આવા મુક્ત કોઈ બ્રહ્માંડમાં નથી. શ્રીજીમહારાજ ભેળા અનંતકોટિ મુક્ત છે. મહારાજ ને સભા બંને અનાદિ છે. મહારાજના મહિમાનો કોઈ પાર પામતા નથી. આ તો અનંત રાજાઓના રાજા માંહી બેઠા છે, તે ભગવાનને મૂકીને બીજે મન લોભાવા દેવું નહીં. અક્ષરધામમાં મહારાજ ને મુક્ત બે જ છે. શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ અપરંપાર છે. તેનો અનાદિ મહામુક્ત પણ પાર પામતા નથી.
૯૩. શ્રીજીમહારાજનો અવતાર કેવળ કૃપાસાધ્ય છે, તેમના અનાદિમુક્ત મળ્યા તે પણ કૃપાસાધ્ય છે. મહારાજને સર્વોપરી સમજવા. બીજા કોઈના હાથમાં હુકમ નથી.
૯૪. અમને તો એક સાચી જણસ સ્વામિનારાયણની મૂર્તિ લાગે છે. મૂર્તિમાં અપાર અલૌકિક અનહદ સુખ છે. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટે છે, તેજની છટાઓ છૂટે છે, તેજના અનંત બંબ છૂટે છે, મૂર્તિની ચારે તરફ તથા સર્વ ઠેકાણે તેજની ઠઠ છે, સામસામી તેજની શેડ્યું દોઢે વળે છે, અનંત તેજના ઢગલા છે તે અપાર છે, એવી અલૌકિક મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રસબસ રહ્યા થકા પુરુષોત્તમના સંકલ્પે અહીં દેખાય છે.
૯૫. પુરુષોત્તમનારાયણ તો અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. મૂર્તિ રાખ્યા વિના સાજો જન્મારો એમ ને એમ નીકળી જાય પણ કામ ન થાય. મહારાજની મૂર્તિ વિના ઘડી પણ રહેવું નહીં. મહારાજનો પ્રતાપ બહુ જબરો છે, એ પ્રતાપે શું ન થાય ? આજ મહારાજ ને મોટા સૌને સુખિયા કરે છે, આવું સુખ સ્વામિનારાયણ ભગવાનના ઘર વિના બીજે ક્યાંય નથી. આપણે તો એ અખંડ અવિનાશી વરને મુખ્ય રાખવા.
૯૬. મૂર્તિમાં સુખ, સુખ ને સુખ જ છે; તે સુખનો જે પારખું થયો હોય તેને ખબર પડે. આજ મહાપ્રભુનું સુખ બહુ જ સોંઘું છે. મહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન તેના ફુવારા છૂટે છે. મૂર્તિનું બીજ સર્વે વાતમાં વારે વારે લાવવું. મૂર્તિથી બહાર નીકળે તો માર ખાય છે, અનાદિમુક્તની કૃપાસાધ્યમાં પડ્યા રહે તો એ મૂર્તિના સુખમાં લઈ જાય.
૯૭. આ સભાની રજ લઈને કોઈ માથે ચડાવે તો અનંત જન્મનાં પાપ બળી જાય.
૯૮. મહારાજની મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે. મહારાજ ને મુક્ત તે આપણા આધાર છે. ઝળળ ઝળળ સુખના ધોધ છૂટે છે, અનાદિમુક્ત મૂર્તિનું સુખ લઈ સત્સંગમાં પ્રવર્તાવે છે અને સુખનો વરસાદ વરસાવે છે. આપણે તો મૂર્તિના સુખનાં પારણાં કરવાં, મૂર્તિના સુખનો જ આહાર કરવો.
૯૯. સર્વ સુખના ધામ શ્રીજીમહારાજ છે. મૂર્તિમાંથી તરેહ તરેહનાં નવાં નવાં સુખ આવે છે. આપણે સાજો સત્સંગ દિવ્ય જાણવો. આ સભા અક્ષરધામની છે અને અનાદિમુક્ત છે તે તો મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે, અમૃતમાં નહાય છે ને અમૃતના યજ્ઞ કરે છે - તે સુખ આપણે પામવું છે. મહારાજ અને આવી દિવ્ય સભાથી બહાર નીકળવું નહીં.
૧૦૦. શ્રીજીમહારાજ અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, સર્વના કારણ છે, સર્વના કર્તા હર્તા, સર્વના નિયંતા, સર્વોપરી અકળ મૂર્તિ છે. બીજા કોઈ ગમે તેવા જાણતા હશે પણ અમને તો એક ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ આવડે છે, એ મૂર્તિ વિનાનો અમારે બીજો એકે ઠરાવ નથી. સૌને મૂર્તિમાં રાખવા છે, જોજો તો ખરા, આમ ને આમ સાજી સભા અક્ષરધામમાં જઈને બેસશું. મહારાજ ને આ સભા એ બે જ કલ્યાણકારી છે. આ તો મહાપ્રભુ અઢળક ઢળ્યા છે, કેવડા મહારાજ ને કેવડા અનાદિમુક્ત ! આ તો ભારે વાત બની ગઈ છે, આવા મહારાજ અને અનાદિમુક્ત મળ્યા, એવા જોગમાં હારી જવું નહીં. અમે તો સદાય મહારાજની મૂર્તિમાં જ રસબસ છીએ તેના સ્વામિનારાયણ સાક્ષી છે. આ સભા સનાતન છે. આપણા ઉપર મહારાજની અમૃત નજર છે.
૧૦૧. દોયલી વેળાના દામ ને ખરી વેળાનો ખજાનો એક શ્રીજીમહારાજ છે. આ સમે મહારાજે કોઈ વાતે સુખ આપવામાં મણા રાખી નથી. અમે તો મહારાજની મૂર્તિ આપીએ છીએ. મહારાજે આ લોકમાં દર્શન આપી અક્ષરધામ તુલ્ય સુખ વર્તાવી દીધું છે. શ્રીજીમહારાજ ન્યાલકરણ છે તેથી જીવના વાંક ગુના સામું જોતા નથી એવા દયાળુ છે. આવી વાત જો ખરેખરી મનાય તો ટૂક ટૂક થઈ જવાય. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે તે મૂકે તેવા તો નથી, પણ આપણે અહં-મમત્વ કરીને મૂર્તિથી જરાય જુદું ન પડવું.
૧૦૨. મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે, અનંત બ્રહ્માંડમાં જે જે તેજોમય છે તે મહારાજના તેજ વડે છે. આપણને તો મૂર્તિની પ્રાપ્તિનો લાભ જબરો મળ્યો છે, પણ જો સમજણ ન હોય તો અફસોસ મટે નહીં.
૧૦૩. આપણે હવે મહારાજ તથા મોટા અનાદિને ખરેખરા જીવનરૂપ કરી રાખવા. આપણે તો બહુ ભારે ટાણું આવી ગયું છે. સર્વે સારનું સાર શ્રીજીમહારાજની મૂર્તિ છે. અમે તો અવતારી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના અવતાર જે અનાદિમુક્ત તે છીએ. અમારો ઠરાવ તો એક મૂર્તિ આપવાનો જ છે. આ સમે શ્રીજીમહારાજે કલ્યાણ બહુ સોંઘું કર્યું છે, પણ અભાગિયા જીવ ઓળખે નહિ એટલે કલ્યાણ થાય નહીં. જો ઓળખે તો મહારાજ અથવા મહારાજના મુક્ત એક ઘડીમાં મોક્ષ કરી દે એવા છે. અમારી દૃષ્ટિ તો એવી છે જે નજરે ચડે એટલામાં કલ્યાણ કરીને મૂર્તિમાં મૂકી દઈએ.
૧૦૪. મૂર્તિમાં અનંત મુક્ત કિલ્લોલ કરે છે, ફરતી સભા બેઠી છે. સર્વે તેજોમય છે, સભામાં મૂર્તિના સુખનાં ઘન વરસે છે. આ સભા દિવ્ય તેજોમય છે, આ દિવ્ય સભામાંથી તેજ ફરર ફરર નીકળે છે. અનંતકોટિ બ્રહ્માંડમાં આવા સંત ને આવી દિવ્ય સભા હોય તો શોધી લાવો. આ સભાના સંકલ્પ ચાલે છે. આ ટાણે કંઈક ન્યાલ થાય છે. ક્યાં અનંતકોટિ બ્રહ્માંડના પતિ ને ક્યાં પામર જેવા જીવ ! આવો અલૌકિકભાવ આવે તો દીવાના થઈ જવાય. મૂર્તિને ભૂલીને કાર્યમાં હણોહણ કરે તો શું કમાણા ?
૧૦૫. અનાદિ થકી અનાદિની સ્થિતિ થાય. પણ તે વિના શું થાય ? મહારાજ પોતાની મૂર્તિમાં કેવળ કૃપાએ કરીને રાખે છે. મહાપ્રભુના અનન્ય આશ્રિતને મૂર્તિના બળની ખુમારી રાખવી. અમને તો એમ છે જે કોઈ હાથ જોડે એટલામાં ન્યાલ કરી મૂકીએ એટલે મૂર્તિના સુખમાં પહોંચાડી દઈએ. જેનાં મોટાં ભાગ્ય હોય તેને શ્રીજીમહારાજનું ને આ સભાનું દર્શન થાય છે.
૧૦૬. આજ તો રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી.
૧૦૭. આપણે તો મૂર્તિ મુખ્ય રાખવી તો સુખિયું થવાય, એ વિના કોટિ સાધને આત્યંતિક મોક્ષરૂપ કામ થાય તેવું નથી.
૧૦૮. મહારાજ તથા મોટા મુક્તનું જ્ઞાન થાય તેને તો અખંડ સ્મૃતિ રહે, મૂર્તિ ભુલાય નહીં. આ તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. આપણે ઘરે ભારે સુખ છે. જેને મૂર્તિનું સુખ આવે તથા મોટા મુક્તનો મહિમા સમજાય તેને આનંદ આનંદ થઈ જાય. આવા સર્વોપરી મહારાજ મળ્યા, આવા અનાદિમુક્ત મળ્યા, આવા સંત મળ્યા તોય ઓળખાય નહિ તેવાને શું લાભ ? આપણે તો મૂર્તિના સુખરૂપ મહારસનું પાન કરવું, એ અમૃતરસ મેલીને પ્રકૃતિના કાર્યમાં કુટાવું નહીં. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે, આ સભા દિવ્ય છે તેમાં કોઈ મનુષ્યભાવ પરઠશો નહિ, આ તો બહુ અલૌકિક પ્રાપ્તિ છે, અમારે તો સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા છે.
૧૦૯. જેવડા શ્રીજીમહારાજને જાણી શકો તેવડા જાણો તોય મહારાજ તો સર્વેને અપાર ને અપાર રહે છે. મહિમા તો ઘણો સમજવાનો છે, પણ જો જેમ છે તેમ કહીએ તો ખમાય નહીં.
૧૧૦. મૂર્તિમાંથી સુખની ધારાઓ છૂટે છે. આ સભા પુરુષોત્તમ ભગવાનની છે, તેથી સર્વત્ર છે. આ મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહેવું ને સદાય એમ જ વર્તવું.
આવી રીતે બાપાશ્રી વાતોમાં પ્રસંગે પ્રસંગે શ્રીજીમહારાજની મૂર્તિનો અલૌકિક પ્રતાપ તથા અનાદિમુક્તની સ્થિતિનું તથા સુખનું વર્ણન કરતા. આવી દિવ્ય ચમત્કારી મૂર્તિના તદાકાર ભાવને પમાડે તેવી વાતોથી સત્સંગમાં ઘણા સંત-હરિભક્તો શ્રીજીમહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા છે ને થાય છે.