(ચલતી)
તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને, સુગમ કરીને કહેવા;
સદાય હરિનું પ્રગટપણું પણ, સ્પષ્ટપણે સમજાવવા.
સર્વોપરી ઉપાસના ને, પતિવ્રતાની ભક્તિ;
પોતાના ઘરની જે વાતો, તેની કોણ બતાવે જુક્તિ.
પોતે કાં પોતાના સંકલ્પ, ખરું રહસ્ય તો જાણે;
તેને જે જે જીવ મળે તે, મહા સુખડાં તો માણે.
પંદર વર્ષ પછીથી હરિએ, સંકલ્પ રૂડો કીધો;
બાપા દ્વારે દર્શન દઈને, લાભ અલૌકિક દીધો.
કેવી રીતે બાપા પ્રગટ્યા, તે સુણજો સહુ ભાઈ;
ટૂંકમાં તેનું વર્ણન સુણતાં, સહુ રહેશો હરખાઈ.
દેવબા ને પાંચાપિતા, હરિમાં પ્રીતિવાળાં;
પ્રેમે ભજન કરે છે હરિનું, પાળી ધર્મને સારા.
ચાર દીકરીયું હતી તેમને, પણ પુત્ર તે નહિ એક;
તેની ઇચ્છા રહે એમને, તે જાણે શ્રીજી એક.
ઘનશ્યામ પ્રભુની પ્રસાદી કેરું, કૃષ્ણ સરોવર કહાવે;
નિયમપૂર્વક સ્નાન કરવા, દેવબા તો આવે.
અનન્ય પતિવ્રતાની નિષ્ઠા, દૃઢ ભક્તિભાવ નિહાળી;
પ્રેમીભક્તને દર્શન દીધાં, રંગડાની હદ વાળી.
ભગવાન સ્વામિનારાયણે સંવત ૧૮૮૬માં મનુષ્યને મનુષ્ય રૂપે દેખાતો પોતાનો અવરભાવ અદૃશ્ય કર્યો, તેને પંદર-પંદર વર્ષનાં વહાણાં વીતી ગયાં. કચ્છના સર્વે ભક્તો શ્રીહરિના આપેલા આશીર્વાદનું સ્મરણ કરી, ચકોર પક્ષીની માફક મહાપ્રભુના સંકલ્પસ્વરૂપ અનાદિમુક્તના પ્રાગટ્યની રાહ જોઈ રહ્યા હતા. મહાપ્રભુ પણ કાંઈક નિમિત્ત ઊભું કરીને આ બ્રહ્માંડને વિષે પોતાના અનાદિમુક્ત રૂપે દર્શનદાન આપવા અધીરા બન્યા હતા. અને એમ કરતા કરતા સમય આવી ગયો એ સહજાનંદરૂપી સૂર્યના ઉદય થવાનો.
કચ્છ દેશના ભૂજ શહેરથી ૧૭-૧૮ કિ.મી. દૂર મુન્દ્રા રોડ ઉપર બળદિયા ગામ આવેલું છે જેને લોકો વૃષપુર નામથી પણ ઓળખતા. આ ગામમાં કણબી પટેલોનો મુખ્ય સત્સંગ. શ્રીજીમહારાજ પણ અનેક વખત પોતાના કચ્છ વિચરણ દરમ્યાન આ ગામમાં પધારતા અને ગામની સમીપમાં આવેલા કૃષ્ણ સરોવર નામના તળાવમાં સ્નાન કરી તળાવના કાંઠે બિરાજતા. વળી, ક્યારેક સભા ભરી, ગ્રામજનોને કથાવાર્તાનું સુખ પણ આપતા.
આ ગામમાં વેકરીયા પટેલ જ્ઞાતિના નાથાભાઈ નામના ભક્ત રહેતા હતા. તેમને ગંગદાસ, રૂડાભાઈ અને તેજાભાઈ એમ ત્રણ પુત્રો હતા. તેમાં રૂડાભાઈને પ્રેમજીભાઈ તથા પાંચાભાઈ એમ બે પુત્રો હતા. જેમાં પાંચાભાઈ તથા તેમનાં ધર્મપત્ની દેવબા શ્રીજીમહારાજની અનન્ય ભક્તિ કરતાં. તેમનો વ્યવહાર ઘણો દુર્બળ હતો, છતાં મહાપ્રભુની નિષ્ઠા ખૂબ સબળ હતી. જેથી વ્યવહારનાં દુઃખોને મહાપ્રભુની પ્રસાદી સમજી સહન કર્યાં કરતાં. પરંતુ ચાર દીકરીઓ જન્મ્યા પછી પણ પુત્રપ્રાપ્તિ ન થતાં એમને એક ગૃહસ્થાશ્રમી તરીકે સહેજે એ વાતનો રંજ રહેતો.
આ પતિવ્રતા બાઈ દેવબા નિત્ય બ્રાહ્મમુહૂર્તમાં વહેલાં ઊઠી પ્રસાદીના કૃષ્ણ સરોવરમાં સ્નાન કરવા જતાં. ત્યાં મહારાજની સ્મૃતિએ સહિત સ્નાન કરતા. તો વળી, ક્યારેક પ્રસાદીના પથ્થર પર બેસી, ધ્યાન-માળા પણ કરતાં. આ ઉપરાંત, ચાંદ્રાયણ વ્રત, ધારણાંપારણાં, એકટાણાં આદિ તપથી પણ મહાપ્રભુને રીઝવતાં.
સંવત ૧૯૦૦ના પોષ સુદિ ત્રીજને ગુરુવારે મુક્ત સમાં દેવબા અન્ય સ્ત્રીઓ સાથે નિત્ય ક્રમ મુજબ કાળી તલાવડી (કૃષ્ણ સરોવર)એ સ્નાન કરવા પધાર્યાં. વહેલા વહેલા મહાપ્રભુની અખંડ સ્મૃતિ સહિત સ્નાનાદિક ક્રિયા પતાવી દેવબા ધ્યાન કરવા બેઠાં. ધ્યાન કરવા બેઠાં કે તુરત જ તેજ... તેજ... તેજ... અપરંપાર એવા તેજના બંબ ઊઠ્યા, ચોમેર પ્રકાશ વ્યાપી ગયો, મીઠી અનેરી સુગંધ પ્રસરી ગઈ. આ બધું થતાં દેવબા ચમક્યાં. જ્યાં એમણે આંખ ખોલી ત્યાં તો દિવ્ય તેજના સમૂહમાં પોતાના પ્રિયતમ એવા અતિ રૂપાળા, કિશોર અવસ્થામાં અભયવર આપતા, ઘનશ્યામ પ્રભુને જોયા.
તેજ તેજ તો ઝળહળે, ચારે દિશા માંહી;
મધ્યે પ્રભુજી દર્શન દે છે, ઘનશ્યામ હરિ સુખદાઈ.
(ચલતી)
દર્શને આનંદ ઊપજ્યો, ને બોલ્યા છે હરખાઈ;
ગદ્ગદ કંઠે વિનય વચને, સ્તુતિ કરે છે બાઈ.
વાહ પ્રભુજી કૃતાર્થ બની હું, ભાગ્ય ભલેરાં જાગ્યાં;
દિવ્યાનંદ પામીને એ તો, પાય પ્રભુને લાગ્યાં.
માગો બાઈ વરદાન તમે, હું કહું છું આજ;
ઇચ્છિત મનોરથ પૂરો કરીશ, થશે તમારાં કાજ.
હરિને રૂપાળા જોઈને, ભક્ત કહે હે ઘનશ્યામ;
તમ જેવા પુત્ર ખપે મુજને, આપો હે સુખધામ.
ત્યારે કહે શ્રીહરિ, અમ જેવા તો અમ એક;
બીજા તો છે મુક્ત મારા, કહાવે સેવક અનેક.
સંકલ્પ તમારો પૂરો કરીશ, લડાવીશ તમને લાડ;
મુક્ત દ્વારે એ દર્શન દેશે, નહિ આવે કોઈ આડ.
અબ પ્રગટ થશે તે માટે ધારજો અબજી નામ;
સુખિયા તમોને કરશે એ તો, પૂરશે સૌની હામ.
અદૃશ્ય થઈ ગયા મહાપ્રભુજી, બાઈને દઈ વરદાન;
પ્રેમીભક્તને વશ થઈ, મહેર કરી મહેરબાન.
“અહોહો ! આ શું ! મહારાજ...મહારાજ...!! આપ આવા રૂપાળા છો ! આટલું બધું તેજ...અહોહો...મારા નાથ ! મારી ઉપર આપે અઢળક કૃપા કરી...!!!” એમ બોલતાં બોલતાં દેવબા ઊભાં થઈ, મહાપ્રભુનાં ચરણમાં પડ્યાં. મહાપ્રભુએ રાજી થઈ કહ્યું, “દેવબા ! અમે તમારી પતિવ્રતાની ભક્તિ અને અનન્ય નિષ્ઠા જોઈ ખૂબ પ્રસન્ન થયા છીએ. માટે અમારી પાસે કંઈક વર માંગો. અમે તમારો ઇચ્છિત મનોરથ જરૂર પૂરો કરીશું.” એમ કહી મહાપ્રભુએ દેવબાને ઊભાં કર્યાં.
મહાપ્રભુનાં આવાં અલૌકિક દર્શન થતાં હસ્ત જોડી ઘેલા બનેલાં દેવબા ગદ્ગદ બની ગયાં. શું બોલવું ? શું માંગવું ? એવો કાંઈ વિચાર તેઓને સૂઝતો નથી. તેમ છતાં મહારાજની જ ઇચ્છાથી દેવબા બોલ્યાં, “મહારાજ ! દયાળુ ! મારી પર તમે અપાર કૃપા કરી, મને કૃતાર્થ કરી છે. તો હે નાથ ! હે સ્વામિન્ ! તમે જો વર આપવા માગતા હોય તો મને તમારા જેવો જ રૂપ, ગુણ અને ઐશ્વર્યયુક્ત એક પુત્ર આપો. મહારાજ ! મારા પ્રાણઆધાર ! મને આપના જેવો જ એક પુત્ર આપો.” આમ કહેતાં દેવબાની આંખમાંથી હર્ષાશ્રુની ધારાઓ વહી રહી.
દેવબાની પ્રાર્થના સાંભળી મહાપ્રભુ મંદ મંદ હસ્યા અને બોલ્યા જે, “હે દેવબા ! અમારા જેવા તો અમે એક જ છીએ પણ તમે અમારા જેવો જ પુત્ર માગ્યો છે તો જાવ, અમારા જેવા જ અમારા અનાદિમુક્ત તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશે. જેઓ અમારી સર્વોપરી ઉપાસના પ્રવર્તાવશે, તથા અનંતને અનાદિમુક્તની સ્થિતિ કરાવી તેનું પ્રવર્તન કરશે અને વચનામૃતનાં અમારાં ગૂઢ રહસ્યોને જેમ છે તેમ ખુલ્લાં કરશે, અનંતનો ઉદ્ધાર કરશે અને અમારા સંકલ્પથી જ વિચરશે. જેથી અમારા જેમ એ પણ સૌના મનોરથ પૂરા કરશે.” આટલું વરદાન આપી મહાપ્રભુ તુરત જ અદૃશ્ય થઈ ગયા.
મહાપ્રભુના આપેલા વરદાનથી દેવબાના હરખનો કોઈ પાર નથી. દેહભાવ ભુલાઈ ગયો છે અને પ્રેમવિભોર બન્યાં છે. આવા આનંદમાં ગરકાવ થયાં થકા કાળી તલાવડીથી ઘર તરફ જવા નીકળ્યાં છે. અને ત્યાં તો આખાયે રસ્તે બંને બાજુ દિવ્યમુક્તોની હાર થયેલી જણાઈ. સૌ મુક્તોનાં તેજોમય દર્શન થતાં હતાં અને વળી એમ બોલતા હતા જે, “હે દેવબા ! તમારે ત્યાં શ્રીજીમહારાજ જેવા જ અનાદિમુક્ત પ્રગટ થશે !” આમ સૌ મુક્તોના આનંદોચ્ચારને ઝીલતાં ઝીલતાં દેવબા ઘેર પહોંચ્યાં. ઘરે પહોંચતાંની સાથે જ પોતાના પતિ એવા પાંચાભાઈને બનેલી બધી વાત કરી. મહાપ્રભુના આવા અલૌકિક ચરિત્રનું શ્રવણ કરી પાંચાભાઈને પણ ઘણો આનંદ થયો. આમ પતિ-પત્ની બંને અને ચારેય દીકરીઓ મહાપ્રભુએ આપેલા વરદાનથી ખૂબ આનંદમાં દિવસો પસાર કરી રહ્યાં છે ત્યારે એ શુભ મંગલદિન આવી ગયો.... મહાપ્રભુના આપેલા વરદાનને પૂર્ણ થવાનો.
(ચલતી)
કાર્તિક સુદ એકાદશીનો, શુભ દિન મંગળકારી;
ધર્માત્માઓ, મુક્તાત્માઓ, પ્રગટ્યા છે સુખકારી...૧
કોણ કોણ પ્રગટ્યા આ દિને, અને બીજી શું છે યાદી;
તેનો વિચાર કરતાં સહેજે, આનંદ આવશે ભારી...૨
આજ દિવસે પીપલાણામાં, રૂડો થયો છે વિધિ;
રામાનંદ સ્વામી પાસેથી, હરિએ દીક્ષા લીધી...૩
જેતપુરમાં આજ દિવસે, પટ્ટાભિષેક કીધો;
ધર્મધુરા તો ગુરુએ સોંપી, લ્હાવ અલૌકિક લીધો...૪
પ્રથમ પ્રગટ્યા ધર્મદેવ તે, જે છે શ્રીજીના પિતા;
બાપાશ્રી પણ આજે પ્રગટ્યા આપણ સૌના પિતા...૫
(દોહા)
પ્રગટની પ્રાપ્તિ વિના, જીવનો ન થાય મોક્ષ;
પ્રગટ હરિ ખેલ ખેલી ગયા, હવે થઈ ગયા પરોક્ષ...૧
હાય હાય હવે હરિ ક્યારે મળે, અને કોણ ઝાલે હાથ;
મનુષ્ય જન્મ મોડો મળ્યો, ને રહી ગયા અનાથ...૨
પંક્તિ પાછળ રહી ગયેલા, અને થઈ ગયેલા નિરાશ;
બાપાશ્રી તો પ્રગટ થયા, સહુની પૂરવા આશ...૩
(ચલતી)
સંવત ઓગણીસ એકની સાલ, ને રૂડો કાર્તિક માસ,
એકાદશી ને સોમવાર રાત્રે, નવ વાગ્યા છે ખાસ;
બાપાશ્રી તો પ્રગટ થયા છે, રૂડાં દર્શન દેવાં,
માતાપિતા ને સખા સેવક, સૌની સાર જ લેવા.
સંવત ૧૯૦૧ના કારતક સુદ એકાદશીને સોમવારે (તા.૨૦-૧૧-૧૮૪૪) રાત્રિના ૯ વાગ્યાના સમયે દેવબા થકી મહાપ્રભુએ આપેલા આશીર્વાદ મુજબ અનાદિમુક્તનું પ્રાગટ્ય થયું. અને એ જ સમયે માતા દેવબાને અતિ શ્વેત અને શીતળ એવો તેજનો સમૂહ દેખાયો અને તે તેજમાં દિવ્ય દ્વિભુજ અને મૂર્તિમાન એવા ઘનશ્યામ પ્રભુનાં દર્શન થયાં. જ્યાં દેવબા બે હાથ જોડી મહાપ્રભુને સ્તુતિ કરવાનું કરે છે ત્યાં તો શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. દેવબાએ બાળસ્વરૂપ મુક્તરાજને પોતાની ગોદમાં કિલકિલાટ કરતા જોયા. જેમ સૂર્ય પ્રગટ થવાથી ચોમેર ઉજાસ પથરાઈ જાય તેમ, આ મુક્તરાજના પ્રગટ થતાંની સાથે જ ઘરનું અને ગામનું વાતાવરણ દિવ્ય બની ગયું. સગાં-સંબંધી અને સૌ ગામજનોને આ સમાચાર ન જાણ્યા હોય તોય બસ અકારણ જ અંતરમાં અનહદ શાંતિ અને સુખનો અનુભવ થવા લાગ્યો. વળી પાંચાભાઈના મકાન ઉપર અંતરીક્ષમાંથી અનંત મુક્તોએ ચંદન અને પુષ્પની વૃષ્ટિ કરી. આ બધું અલૌકિક દૃશ્ય જોતાં શ્રીજીમહારાજે આપેલું વરદાન સાકાર થયું હોય એમ માતાપિતાને લાગ્યું તેથી તેમના આનંદનો પાર ન હતો. આમ, શ્રીહરિના સંકલ્પ અનુસાર શ્રીજી સંકલ્પમૂર્તિ મુક્તરાજ (બાપાશ્રી)નું પ્રાગટ્ય થયું.