(ચલતી)
સ્વામિનારાયણ ભગવાને, મહેર અતિશે કીધી;
ભરતખંડમાં પ્રગટ થઈને, સાર જીવોની લીધી.
ગોપાળાનંદ આદિ મુક્તો, ધામ થકી તો લાવ્યા;
મનુષ્ય જેવું જીવન જિવાડી, કાર્ય ભલાં કરાવ્યાં.
અદ્ભુત પરચા ખૂબ બતાવી, સત્સંગ રૂડો સ્થાપી;
નિશ્ચય રૂડો દૃઢ કરાવી, અજ્ઞાનની જડ કાપી.
સર્વોપરી સ્વયં શ્રીજી, અવતારના અવતારી;
સમાધિમાં દેખે સર્વે, સહજાનંદ ભયહારી.
મતપંથી સર્વેને ખેંચ્યા, અલૌકિક પ્રતાપે;
જ્ઞાન ધ્યાનની જ્યોત જગાવે, મહિમા ચહુદિશ વ્યાપે.
ઓગણપચાસ વર્ષની ઉપર, બે માસ દિવસ એક;
દર્શન દીધાં શ્રી ઘનશ્યામે, કાર્ય કર્યાં અનેક.
ટૂંક સમયમાં કાર્ય કરી સહુ, ધામે જઈ બિરાજ્યા;
છતાં સદાય પ્રગટપણે રહી, ભક્તો પર નિવાજ્યા.
દોહા
વિચાર કીધો શ્રી ઘનશ્યામે, સત્સંગની ખિલવણી કરવા;
કંઈક નિમિત્ત ઉત્પન્ન કરીને, સત્સંગમાં વિચરવા.
સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નોમને રોજ રાત્રે નવ વાગ્યે સર્વોપરી , સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ બ્રહ્માંડને વિષે મનુષ્યને મનુષ્ય જેવાં દર્શનદાન આપ્યાં. પૂર્વે થઈ ગયેલા અનંત અવતારો તથા અવતારોના ભક્તોને પોતાના સ્વરૂપની સર્વોપરી ઉપાસના સમજાવી, પોતાના સર્વોપરી અક્ષરધામની પ્રાપ્તિ કરાવવા તથા અનંત ઋષિમુનિઓ અને જન્માંતરોથી તપશ્ચર્યા કરતા ભક્તોને પોતાની તપશ્ચર્યાનું ફળ પ્રદાન કરવા ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડને વિષે અવિરત વિચરણ કર્યું.
ભગવાન શ્રી સ્વામિનારાયણે તથા તેમના મુક્તોએ અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે મોટા મોટા સમૈયા, ઉત્સવો, યજ્ઞો કર્યા પરંતુ નવા આદરવાળા જીવો સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને જેમ છે તેમ સર્વોપરી ઓળખી શક્યા નહીં. જેથી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડને વિષે સૌને સુખિયા કરવાના પોતાના ભવ્ય સંકલ્પને ટૂંકાવી દીધો હોય ને શું ? તેમ ગઢપુરની ભૂમિ ઉપર સંવત ૧૮૮૫માં અંતિમ મંદવાડ ગ્રહણ કર્યો. દેશોદેશમાં થતું અવિરત વિચરણ સાવ અટકાવી દીધું. પરિણામ સ્વરૂપે સમગ્ર સત્સંગ સમાજમાં આનંદનો દુષ્કાળ વ્યાપી ગયો. ભગવાન સ્વામિનારાયણની આ અલૌકિક લીલાથી ચિંતિત થયેલા સેંકડો સંતો તથા હજારો હરિભક્તો દુઃખી વદને, ગઢપુર પોતાના પ્રાણેશ્વર એવા શ્રીહરિનાં દર્શન કરવા આવવા લાગ્યા.
એમાં એક સમયે કચ્છના પ્રેમી હરિભક્તો જેવા કે ભૂજનાં મુક્તરાજ સૂરજબા, રાયધણજી, હીરજીભાઈ, સુંદરજીભાઈ સુથાર, ગંગારામ મલ્લ તથા વૃષપુરના રત્ના ભગત વગેરે ભક્તો પણ મહાપ્રભુનાં મંદવાડના સમાચાર સાંભળી ગઢપુર પધાર્યાં. મહાપ્રભુની મંદવાડ લીલાનાં દર્શનથી, સૌ હરિભક્તોનાં નેત્રમાંથી પ્રેમભર્યાં આંસુઓની ધારા વહેવા લાગી. મહાપ્રભુનાં દર્શન, સેવા, સમાગમનો લાભ લેવા સૌ ભક્તો પાંચ-સાત દિવસ ત્યાં રહ્યા. પરંતુ જ્યારે કચ્છના આ પ્રેમીભક્તોને કચ્છ પરત ફરવાનું થયું ત્યારે સૌ અક્ષરઓરડીમાં મહાપ્રભુ પાસે ગયા અને ગદ્ગદ કંઠે મહાપ્રભુને પ્રાર્થના કરી,“હે મહારાજ ! આપે સંવત ૧૮૬૧થી ૧૮૬૮ સુધી એમ સાત-સાત વર્ષ કચ્છમાં ખૂબ વિચરણ કર્યું છે. અમને સૌને આપે ખૂબ સુખ આપ્યાં છે. પણ હે નાથ ! અમારો એવો કયો વાંકગુનો છે કે આપે ત્યારપછી છેલ્લાં અઢાર-અઢાર વર્ષથી અમારી સંભાળ નથી લીધી ? હે દયાળુ ! કચ્છના સર્વે ભક્તો આપનાં દર્શન-સમાગમ અર્થે ખૂબ આતુર છે; માટે હે દયાળુ ! આપ કચ્છમાં ફરી પધારો અને અમને સૌને સુખિયા કરો. વ્હાલા, સુખિયા કરો.” એમ ખૂબ ભાવભરી વિનંતી-પ્રાર્થના કરી.
ત્યારે મહાપ્રભુ બોલ્યા જે, “હે કચ્છના પ્રેમીભક્તો ! તમો સૌ અમને ખૂબ વ્હાલા છો. તમે અમને સેવા-સમાગમથી ખૂબ રાજી કર્યા છે પણ અમે આ ફેરે મંદવાડ ગ્રહણ કર્યો છે. હવે જલ્દી જલ્દી અમે આ અમારો દેખાતો મનુષ્યભાવ અદૃશ્ય કરીશું. માટે હવે અમારાથી કચ્છમાં અવાશે નહીં.”
મહાપ્રભુનાં આવાં દુઃખદ વચનો સાંભળતાં જ કચ્છના સર્વે પ્રેમીભક્તો અતિ ઉદાસ થઈ કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે ‘અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો’ એવા મહાપ્રભુ કરુણા કરીને બોલ્યા જે, “હે વ્હાલા ભક્તો ! અમે તો કચ્છમાં નહિ આવીએ પરંતુ અમારા જેવા જ અમારા સંકલ્પસ્વરૂપ અનાદિમુક્ત કચ્છમાં પ્રગટ થશે અને તમને સૌને લાડ લડાવી સુખિયા કરશે તથા તમારા મનોરથ પૂર્ણ કરશે.”
મહાપ્રભુના આ દિવ્ય આશીર્વાદ સાંભળતાં જ અતિ ઉતાવળા થઈ વૃષપુર (બળદિયા) ગામના કણબી એવા રત્ના ભગતે પૂછ્યું, “હેં...હેં...મહારાજ ! આ તમારા જેવા જ તમારા અનાદિમુક્ત કયા ગામમાં પ્રગટ થશે ?” ત્યારે ‘અતિ દયાળુ’ મહાપ્રભુએ આશીર્વાદ આપ્યા કે, “જા, તારા જ ગામમાં પ્રગટ થશે. બસ ?”
આમ, સૌને હિંમત, બળ અને આશીર્વાદ આપી કચ્છના આ પ્રેમીભક્તોને મહારાજે ગઢપુરથી વિદાય આપી અને પોતે સંવત ૧૮૮૬ના જેઠ સુદ દશમના રોજ માત્ર ૪૯ વર્ષ ૨ માસ ને ૧ દિવસના ટૂંકા સમય માટે દર્શન આપી પોતાનો મનુષ્યોને દેખાતો મનુષ્યભાવ અદૃશ્ય કર્યો. ભગવાન સ્વામિનારાયણના આ અનાદિમુક્ત પ્રગટ થવાના દિવ્ય આશીર્વાદ એટલે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનું પ્રાગટ્ય.