સંતદીક્ષા અને ગુરુની સેવામાં

ગુરુની રુચિમાં રહી ગુરુના રાજીપામાં જ રહેવા જાણે પોતે ટેવાયેલા હોય તે રીતે સ્વામીશ્રી (સદ્‌. મુનિ સ્વામી) ક્ષણે ક્ષણે પોતાના ગુરુની રુચિને સાચવે ? જાણે ગુરુની રુચિ એ જ પોતાનું જીવન અને રાજીપો, એ જ સાચી મૂડી.

સ્વામીશ્રી પોતે ગુરુ મોરલીમનોહરદાસજી સ્વામીની ભક્તિભાવથી એવી સેવા કરતા કે બીજું કોઈ એવી સેવા કરી જ ન શકે. ગરમ ગરમ ફૂલકા રોટલી બનાવે ને રોટલી જરા પણ દાઝવા ન દે અને જો દાઝે તો કોરેથી એટલી રોટલી કાઢી નાખે અને ગુરુને પીરસે. ગુરુને રાજી કરવાનો કેવો આગ્રહ !

ગુરુના ચરણ દાબે, ધોતિયાં ધોવે, સૂકવે, પૂજા પાથરે ને વળી કથા-કીર્તનમાં પણ પહેલાં અને આમ અનન્યભાવે સેવા કરી ગુરુને રાજી કરી લીધા.

પોતાના શિષ્યને સંસ્કૃત ભણાવી ઉત્તમ કથાકાર કરવાની ગુરુની મરજી જાણી પોતે સંસ્કૃત ભણ્યા અને ટૂંક સમયમાં ‘પુરાણી’ પદ પ્રાપ્ત કર્યું.

આમ, સ્વામીશ્રીએ અમદાવાદ મંદિરમાં રહી તેમજ ગુરુની સાથે ગામડે રહી ગુરુની પાસે સંસ્કૃત વિદ્યાભ્યાસ કર્યો ને સત્સંગી ભૂષણ, સત્સંગી જીવન, શિક્ષાપત્રી ભાષ્ય, રામાનુજ ભાષ્ય આદિ સંસ્કૃત ગ્રંથોની ગુરુની સાંનિધ્યમાં રહી કથા કરતા અને ગુરુના સેવા-સમાગમનો લાભ લેતા રહ્યા. અને હા, શ્રીજીમહારાજની વાણી ‘ગ્રંથરાજ વચનામૃત’ તો જાણે બધાં કંઠસ્થ જોઈ લ્યો. આમ, વર્ષો સુધી ગુરુની સેવામાં રહી ગુરુનો રાજીપો લેવાની સૌને લટક શિખવાડી.