સ્વમુખે કહેલા પ્રસંગો

પ્રસંગ - ૧

ત્‍યારે મહારાજ કહે, “અમે આવીશું ત્‍યારે તો બીજાં પણ મનુષ્‍ય ત્‍યાં આવશે, ને તે સર્વેને સાંઠા દેવા પડશે.” ત્‍યારે તે બોલ્‍યો જે, “જે મનુષ્‍ય આવે છે તેને સાંઠા દઈએ છીએ” ને તમને પણ આપશું. એમ કહીને તેણે એમ સંકલ્પ કર્યો જે રસ્તામાં કાંટા પડ્યા છે તે વાળીને માર્ગ સાફ કરું ને માંડવામાં શ્રીજીમહારાજ સારુ આસન પાથરું. એમ મનમાં ધારીને આગળ ગયો. પછી શ્રીજીમહારાજ ત્‍યાં પધાર્યા ને ગૉળ જોયો. તે જોઈને એમ બોલ્‍યા જે “આ ગૉળ કાળો કેમ થાય છે ને શેનું મેળવણ નાખો છો ?” ત્‍યારે તે ગળીઆરો એમ બોલ્‍યો જે, “છાસની પરાશ નાખીએ છીએ.” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું, ઉતારીને પાણી નાખજો પણ છાશની પરાશ નાખશો નહીં”. એમ કહીને તાવડો ઉતરાવીને પાણી નખાવ્યું ને પોતે હલાવ્યું ને ગૉળ ધોળો થયો ને પછી શ્રીજીમહારાજ માંડવામાં આસન ઉપર બિરાજ્યા. ને ત્‍યાં બેસીને શેરડી જમ્યા અને ત્‍યાં બીજાં પણ મનુષ્‍ય આવ્યાં તે પણ શેરડી જમ્‍યા. પછી શ્રીજીમહારાજ પોતાને ઉતારે પધાર્યા. ને તે ગળીઆરે શ્રીજીમહારાજને ઉતારે આવીને એમ કહ્યું જે, “હું ઘણાં વર્ષથી ગૉળ કરું છું. ને ગૉળ કરવાને વિષે કસબી છું. પણ પાણી નાખે ગૉળ ધોળો ન થાય પણ તમે તો સર્વોપરી ભગવાન છો તે પાણી નાખીને ધોળો કર્યો.” એમ કહીને નિયમ ધારીને સત્‍સંગી થયો.

પ્રસંગ - ૨

ગઢપુરમાં અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ વિરાજમાન હતા અને ગીતાના પંદરમા - પુરુષોત્તમ અધ્‍યાયની ટીકા કરાવતા હતા. સદ્. શ્રી ગોપાળાનંદ સ્‍વામી, મુક્તાનંદ સ્‍વામી, બ્રહ્માનંદ સ્‍વામી, નિત્‍યાનંદ સ્‍વામી તથા શુકમુનિ વગેરે સર્વે ભિન્ન ભિન્ન ટીકાનાં પાનાં લઈને બેઠા હતા. એ વખતે શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “આપણે શ્રીકૃષ્‍ણને પુરુષોત્તમપણે પ્રતિપાદન કરીએ છીએ. પણ એ તો મૂળપુરુષ છે ને પુરુષોત્તમ તો અમે છીએ.” એમ મોટા મોટા સંતો આગળ શ્રીજીમહારાજે ઘણી ઘણી વાતો કરી હતી.

અને વળી શ્રીજીમહારાજની આગળ મોટા મોટા સાધુની સભા બેઠી હતી. ત્‍યારે મુક્તાનંદ સ્વામી, નિત્‍યાનંદ સ્‍વામી વગેરે. ભગવાનના અવતારમાં અંશ, કલા પૂર્ણ એમ ન્‍યૂનાધિક એ પ્રકરણની વાત કરતા હતા. તે સાંભળીને રામદાસજીભાઈ બોલ્‍યા કે, “પાશેર-અર્ધોશેર, પોણોશેર-શેર એમ તમે ભગવાનના અવતારને જોખો છો.” ત્‍યારે નિત્‍યાનંદ સ્‍વામી બોલ્‍યા કે, “તોપણ તેઓ માનતા નહોતા.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “એ તો આગળ માનશે, હમણાં નહિ માને.”

અને શ્રીજીમહારાજે શ્રીનગરમાં નરનારાયણ પધરાવીને પોતે સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરીને ત્‍યાં મોટા મોટા સાધુ પ્રત્‍યે શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “કોઈ ભરમાશો નહીં. આ તો અમે ઘણા જીવોના સમાસને અર્થે પધરાવ્યા છે. પણ બદ્રિકાશ્રમમાં એ અમારું ધ્‍યાન કરે છે.” વળી ત્‍યાં કોઈક જને નરનારાયણની મૂર્ત‍િને સભામાં શ્રીજીમહારાજના હાથમાં પ્રસાદી કરવા આપી. ત્‍યારે શ્રીજીમહારાજ હાથમાં મૂર્ત‍િ લઈને ઊભા થઈને, હાથ ઊંચો કરીને હાથમાં રહેલી મૂર્તિને બતાવતાં પોતાની છાતીએ હાથ અડાડીને એમ બોલ્‍યા જે, “આ મૂર્ત‍િનું આ નરનારાયણની મૂર્ત‍િ બદ્રિકાશ્રમમાં ધ્‍યાન કરે છે.” એ સાંભળીને મોટા મોટા સંતો અને કેટલાક હરિભક્તો શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો યથાર્થ સર્વોપરી મહિમા સમજ્યા.

પ્રસંગ – ૩

ગામ મેથાણના પૂંજાભાઈ જ્યારે ધ્રાંગધ્રા રાજમાં જતા ત્‍યારે રાજા એને પૂછતા કે, “તમે સ્વામિનારાયણમાં શું પ્રતાપ દીઠો જે તમે તેમને ભગવાન કહો છો ?” ત્‍યારે પૂંજાભાઈ તે વખતે જેવો આવડે તેવો ઉત્તર દેતા. પણ મનમાં એમ થાય કે આ પ્રશ્ન શ્રીજીમહારાજને હું ગઢડે જઈને પૂછીશ અને પછી રાજાને કહીશ.

પછી પૂંજાભાઈ ગઢડે શ્રીજીમહારાજનાં દર્શને આવ્‍યા ત્‍યારે મહારાજને આ સર્વે વાત કહી. ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું કે, “તમારામાં જેટલો પ્રતાપ છે તે તમે જાણતા નથી તો પછી અમારો પ્રતાપ તો તમે શું જાણો ? તમારામાં એટલું તો સામર્થ્‍ય છે કે તમે જીવોને ઠેઠ અક્ષરધામમાં મોકલો છો. ને જે જીવ તમારાં દર્શન કરે કે તમારો ગુણ લે કે તમારા ગોળાનું પાણી પીએ તે સર્વેનું આત્‍યંતિક કલ્‍યાણ થાય છે એવું તમારામાં સામર્થ્‍ય છે અને અમારો પ્રતાપ તો અલૌકિક છે.” એમ પોતાનું સર્વોપરીપણું અને પુરુષોત્તમપણું જણાવ્યું.

પ્રસંગ – ૪

ગામ ‍પીપલાણામાં શ્રીજીમહારાજને પ્રથમ રામાનંદ સ્વામી મળ્‍યા. પછી કોઈ એક દિવસ સભામાં રામાનંદ સ્‍વામી ઢોલિયા ઉપર બેઠા હતા ને શ્રીજીમહારાજ તથા સાધુ-હરિજન આગળ બેઠા હતા તે વખતે એક મુસલમાન જમાદાર આવીને વંદના કરીને સભામાં બેઠો. તેને ભગવદ્વાર્તા કરવાની રામાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને આજ્ઞા કરી. ત્‍યારે તેને શ્રીજીમહારાજે ઘણી વાર સુધી વાર્તા કરી એટલે તેને સમાધિ થઈ અને તે અક્ષરધામમાં ગયો તે એ તેજોમય ધામ ને તેમાં તેજોમય સિંહાસન ને તે ઉપર અતિ તેજોમય મૂર્ત‍િ શ્રીજીમહારાજને જોયા, તથા ચારેબાજુ અનેક કોટિ તેજોમય મુક્તને જોયા ને આગળ હાથ જોડીને ઊભેલા રામાનંદ સ્વામીને જોયા. એ સર્વેને જોઈને તે અતિ રાજી થયો. પછી સમાધિમાંથી ઊઠીને શ્રીજીમહારાજને વારંવાર વંદના કરીને પછી રામાનંદ સ્વામી પ્રત્‍યે હાથ જોડીને બોલ્યો જે, “હે મહારાજ, ધામ મેં તો યહી ભગવાન હૈ ઓર તુમ તો હાથ જોડકર ઇનકે આગે ખડે હો. ઔર યહાં તો ઊંચે આસન પર બૈઠે હો, ઐસા અન્‍યાય ક્યોં હૈ ?”

ત્‍યારે રામાનંદ સ્‍વામી બોલ્‍યા કે, “ભગવાન તો યે હી હૈ, લેકિન હમકો ગુરુ માનતે હૈ તો ઇન કી આજ્ઞા સે મૈં બૈઠા હૂં. જૈસે રામચંદ્રજી ભગવાન થે, વશિષ્ઠ ઋષિ થે પરંતુ રામચંદ્રજી ઉનકો ગુરુ માનતે થે તો જબ વશિષ્ઠ આતે તબ રામચંદ્રજી નીચે બૈઠતે થે ઔર ગાદી પર વશિષ્ઠ કો બૈઠાતે થે. વૈસે હમ બૈઠે હૈં.” ત્‍યારે તે બોલ્‍યો કે, “તબ તો ઠીક હૈ.”

પ્રસંગ - ૫

કોઈક સમયને વિષે શ્રીજીમહારાજ ગામ તેરે સુથાર માવજીભાઈને ઘેર વિરાજમાન હતા. એ વખતે પ્રેમાનંદ સ્વામી અને નાના સુખાનંદ સ્વામી એ બે જણા ગુજરાતથી શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્‍યા ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું, “કોની આજ્ઞાથી આવ્યા છો ? અમે કાગળ લખ્‍યો હતો તે અમારાં દર્શને આવ્‍યા ?” ત્‍યારે કહ્યું, “ના મહારાજ.” તો કહ્યું, “રામદાસભાઈએ કાગળ લખી આપ્‍યો છે જે અહીં આવ્યા ?” ત્‍યારે સ્વામીએ કહ્યું, “ના મહારાજ.” ત્‍યારે મહારાજે કહ્યું, “ત્‍યારે કોની આજ્ઞાથી આવ્‍યા છો ?”

ત્‍યારે સ્વામી બોલ્‍યા, “કોઈની આજ્ઞા લઈને નથી આવ્યા. અમારા જ મનમાં થયું કે બહુ દિવસથી શ્રીજીમહારાજનાં દર્શન કર્યાં નથી તે જાણે દર્શન કરી આવીએ.” શ્રીજીમહારાજે કહ્યું, “ડુંગરજી ઊઠ, ઓરડામાં લઈને આ બંનેનાં માથાં કાપી નાખ.” પછી ડુંગરજી લઈ ગયા ને હબે તબે કરવા માંડ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા, “ડુંગરજી કેમ વાર લગાડે છે ? માથાં કેમ કાપતો નથી ?” પછી ડુંગરજી કહ્યું, “શું કરું મહારાજ, એ માથાં સમાં ધરતા નથી.” શ્રીજીમહારાજ બોલ્‍યા, “માથાં સમાં ન રાખતા હોય તો કાઢી મૂક, કાઢી મૂક.” એટલે ડુંગરજીએ એ બંનેને ઓરડામાંથી કાઢી મૂક્યા તે ગુજરાતમાં આવીને પાછું વાળીને જોયું. એમ પ્રેમાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામી શ્રીજીમહારાજની આજ્ઞા વિના આવ્‍યા તેથી તેમને દર્શનનું સુખ ન આપ્‍યું.

પ્રસંગ –  ૬

એક સમયે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને ચોકમાં દાદાખાચરની ગાયો વગેરે પશુઓ શ્રીજીમહારાજ સામે જોઈને ઊભાં હતાં. ને ઉકાખાચર કાખમાં ટોપલો લઈને છાણનાં પોચકાં તથા કાંકરા વીણતાં વીણતાં  ‘કાનુડા રે’ એ કીર્તન બોલતા હતા. પછી મહારાજે તેને પૂછ્યું કે, “ઉકાખાચર, તમે ક્યારેય મેલિકારે જતા ?” ત્‍યારે ઉકાએ કહ્યું, “હા, ઘણી વાર જતા.” પછી શ્રીજીમહારાજે પૂછ્યું, “ક્યારેય વાર આંબેલ ?” ત્‍યારે ઉકાએ કહ્યું, “ઘણીયે વાર આંબેલ.” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું, “પાછળથી વહાર આવી પહોંચે ત્‍યારે શું કરતા ?” ત્‍યારે ઉકાખાચરે કહ્યું, “ઘોડી પાછી ફેરાં હાથમાં બરછી લાં તારી મા સે” એમ અર્ધી ગાળ બોલ્‍યા, એટલામાં ગાયોના ટોળામાંથી આખલાએ આવીને શીંગડું માર્યું. એટલે ઉકાખાચર પડી ગયા તે ભેગા પ્રાણ પણ નીકળી ગયા. પછી શ્રીજીમહારાજે તેમના ઉપર ઘણું પાણી રેડાવ્યું ને તેમને સચેતન કર્યા. પછી શ્રીજીમહારાજે પૂછ્યું, “કેમ છે ઉકાખાચર ?” ત્યારે કહ્યું, “સારું છે મહારાજ.” ત્‍યારે મહારાજે કહ્યું, “એ કેમ થયું?” ત્‍યારે ઉકાએ કહ્યું, “આજ્ઞા વિરુદ્ધ બોલ્‍યો એટલે એમ થઈ ગયું.”

પ્રસંગ – ૭

કોઈક સમયે શ્રીજીમહારાજ ભુજમાં સુંદરજીભાઈને ઘેર વિરાજમાન હતા. ને ત્‍યાં લાધીબાઈ આવીને શ્રીજીમહારાજને પગે લાગીને બોલ્‍યાં કે, “હરજીવન પરણે છે તે મારે તેની જાનમાં જવું પડશે.” શ્રીજીમહારાજે કહ્યું, “તમારે સાંખ્‍યયોગી બાઈને શા માટે જવું પડે ?”

લાધીબાઈએ કહ્યું, “મારી મા મરી ગયાં છે, ને અમારા ઘરમાંથી બીજું કોઈ માણસ જાય એવું નથી.” છતાં શ્રીજીમહારાજે જવાની ના પાડી તોપણ તે ગયાં.

તે ત્યાંથી પાછા આવતાં માર્ગમાં ગાડામાંથી પડી ગયાં અને બહુ વાગ્‍યું. ઘેર લાવ્યા પછી શ્રીજીમહારાજ તેમને જોવા સારુ આવ્‍યા. તેમના દાંત બંધ થઈ ગયા હતા. તે જોઈ શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “બકરીનું દૂધ મગાવો.” પછી દૂધ આવ્‍યું એટલે શ્રીજીમહારાજે રાબ કરીને તાવીતેથી દાંત પોલા કરીને પાઈ અને બોલ્‍યા કે, “સાંજે પણ અમે બકરીના દૂધની રાબ પાઈશું.” એમ કહી સુંદરજીભાઈને ઘેર પધાર્યા. ને સાંજે એવી રીતે રાબ કરીને પાઈ ત્‍યારે આંખ ઉઘાડીને શ્રીજીમહારાજને જોયા. ને શ્રીજીમહારાજે ત્રણ દિવસ સુધી બકરીના દૂધની રાબ કરીને પાઈ ત્‍યારે તે સાજાં થયાં એમ શ્રીજીમહારાજની આજ્ઞા લોપી તો દુ:ખ થયું.

પ્રસંગ – ૮

લોજપુરમાં શ્રીજીમહારાજ સદાવ્રત આપતા હતા. તે સદાવ્રતમાં જે કોઈ ભિક્ષુજન આવે તેને જમાડવા સારુ પોતે તંગિયો પહેરીને અને ખભે કાવડ મૂકીને એક દિવસ શ્રીજીમહારાજ ભિક્ષા માગવા જતા અને એક દિવસ મુક્તાનંદ સ્‍વામી ભિક્ષા માગવા જતા. એમ શ્રીજીમહારાજ અને મુક્તાનંદ સ્‍વામી વારાફરતી ભિક્ષા માગતા અને વારાફરતી રોટલા કરીને તીર્થવાસીને જમાડતા. ને કોઈક હરિજન પાકું સીધું લાવે તો તેના રોટલા કરીને, તેને મોગરીથી ભાંગીને તેમાં ઘી-ગૉળ ભેળવીને તીર્થવાસીને જમાડી દેતા. પછી પોતાના સર્વે સાધુને જમાડીને, પોતે જમીને, ચોકોપાણી કરીને કથા કરવા બેસે તે દિવસના બે વાગતા સુધી કથા કરે. પછી વળી પોતાના સ્‍નાનાદિ દૈહિક ક્રિયા કરીને સાંજના સમયે કોઈ સદાવ્રત લેવા આવ્યા હોય તેને જમાડીને કથાવાર્તા કરવા માંડે તે રાત્રિના બાર વાગતા સુધી કરે અને પછી સૂઈ જાય.

વળી રાત્રિના બે વાગે ઊઠે અને સર્વેને ઉઠાડીને ધ્‍યાનમાં બેસાડે ને પોતે સોટી લઈને ફરે. જેઓ નિદ્રાને લીધે ડોલાં ખાય તેમને તડાક લઈને સોટી મારે અને ધ્‍યાન કરાવે. ને ચાર વાગે એટલે નાહી-ધોઈને પૂજા કરીને તૈયાર થઈને ભિક્ષા માગી લાવે અને રોટલા કરીને તીર્થવાસીને જમાડે, ને પછે પહેલાં કહ્યું તેમ ભજનમાં બેસારે એમ નિત્‍યે કરતા હતા. ને જે ભેળા રહે તેમને થાક તો ઊતરે જ નહિ અને નિદ્રા પણ પૂરી થાય જ નહીં.

આ જોઈને મુક્તાનંદ સ્‍વામીના મનમાં પણ એમ થાય કે આમના ભેગું કેમ નભાશે ? પોતાને તીવ્ર સ્વભાવ હતો તોપણ તે સર્વેને મૂકીને સર્વે ભેળા હળીમળીને રહ્યા.

પ્રસંગ - ૯

બોચાસણ ગામના કાશીદાસે શ્રીજીમહારાજને પૂછ્યું કે, “મારે હમણાં દીકરો ને દીકરી પરણાવવાનાં છે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “હમણાં રહેવા દો, પછી વિવાહ કરજો. ત્‍યારે તે કાશીદાસે કહ્યું, “પુત્રી તો વિવાહને યોગ્‍ય થઈ છે, તે જો ન પરણાવીએ તો લોકમાં લાજ જાય, અને દીકરાનો સસરો ઉતાવળ કરે છે.” એમ કહીને શ્રીજીમહારાજે ના પાડી તોપણ બંનેના વિવાહ કર્યા. પછી થોડાક જ દિવસમાં તે બંને રાંડ્યાં. એમ શ્રીજીમહારાજની આજ્ઞાનું ઉલ્‍લંઘન કરવાથી વ્યવહારમાં દુ:ખ થયું.

અને વડતાલમાં સુરતના ગોવિંદ શેઠે શ્રીજીમહારાજને કહ્યું કે, “મહારાજ ! કૃપા કરો તો સુખિયા થઈએ.” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું, “અમે કૃપા કરીશું તો દીકરો મરી જશે, સ્ત્રીનો નાશ થશે અને દ્રવ્ય નાશ પામી જશે. એમ સંસારસંબંધી સુખ નાશ પામી જશે.” ત્‍યારે શેઠ બોલ્‍યા કે, “તમારી કૃપા તમારી પાસે રાખો, મારે એ કૃપા જોઈતી નથી.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “અમે આપીને પાછી લેતા નથી.” ત્‍યારે તે બોલ્‍યા જે, “અમારે જોઈતી જ નથી.” પછી શ્રીજીમહારાજ રાજી થઈને એમ બોલ્‍યા કે, “જાઓ તમને વરસ દહાડે બસો રૂપિયા મળશે.”

અને ગઢપુરમાં એક વખત રાજબાઈએ શ્રીજીમહારાજને પૂછ્યું કે, “મહારાજ ! તમો ભક્તો ઉપર રાજી થાઓ છો ત્‍યારે કોઈને હાર આપો છો, કોઈને થાળ આપો છો ને કોઈને વસ્‍ત્ર આપો છો. પણ તમે જ્યારે અંતરથી ખરેખરા રાજી થાઓ છો ત્‍યારે તે ભક્તને શું આપો છો ?”

ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા, “અમે ખરેખરા અંતરથી રાજી થઈએ ત્‍યારે તે ભક્તને અમારા વિના ક્યાંય બંધાવા દઈએ નહિ અને એ ભક્તને જો પુત્રમાં હેત હોય તો તેનો નાશ કરી નાખીએ; ને જો દ્રવ્યમાં પ્રીતિ હોય તો દ્રવ્યનો નાશ કરી નાખીએ; ને જો એને દેહમાં આસક્તિ હોય તો તેમાં એવો રોગ પ્રેરીએ કે એ ભક્તને કોઈ સાંસારિક પદાર્થમાં પ્રીતિ રહે નહીં. ત્‍યાં દ્રષ્‍ટાંત જે હાડકું હોય તેને છ મહિના પૃથ્‍વીમાં દાટ્યું હોય અને તેને પછી બહાર કાઢીએ તો તેને કોઈ કીડી, મકોડો, માખી કોઈ ચઢે નહીં. તેમ તેને સંસારમાંથી લૂખો કરી મૂકીએ. પછી કેવળ અમારા સામું જ જુએ. ને કોઈને સંસારિક પદાર્થ આપીએ છીએ તે તો સત્‍સંગના સમાસને માટે જ આપીએ છીએ. પણ આપવું એ ‍‍‍પ્રિય નથી.”‍

પ્રસંગ – ૧૦

ક્યારેક શ્રીજીમહારાજ સંઘ સહિત ગઢપુરથી વડતાલ પધારતા હતા ને માર્ગમાં સંઘમાંથી કૂતરાએ નીકળીને સસલાને ઝાલ્‍યો. તે સંઘના માણસોએ સસલાને મૂકાવવા સારુ હડે હડે કર્યું એટલે કૂતરો તો સસલાને છોડીને દૂર થયો, પણ સસલું તો ડચકાં ખાવા લાગ્‍યું. એટલામાં શ્રીજીમહારાજે આવીને વર્તમાન ધરાવ્યાં ને ઉપરથી મુખમાં પાણી રેડ્યું અને તે શ્રીજીમહારાજનાં દર્શન કરીને સદ્ગતિ પામ્યું. એટલે કાઠી બોલ્‍યા કે, “મહારાજ, આ તો બહુ કૃપાવંત કહેવાય; કેમ કે ભીષ્‍મ પિતામહની પેઠે અંત સમયે તમારાં દર્શન કરતાં કરતાં તેણે દેહ મેલ્‍યો.”

અને શ્રીજીમહારાજ સંઘ અને કાઠી સવારો સાથે વડતાલ જતા હતા ત્‍યાં માર્ગમાં મૃગનું ટોળું ડાબું ઊતર્યું. તે જોઈને કાઠી બોલ્‍યા કે, “આ મૃગલાં ડાબાં ઊતર્યાં તે ઠીક નહીં.” પછી તેને જમણું ઉતારવા સારુ શ્રીજીમહારાજે ઘોડી દોડાવી; એથી મૃગનું ટોળું આડુંઅવડું થઈ ગયું એટલે શ્રીજીમહારાજે કાલિયાર મૃગની પાછળ ઘોડી દોડાવી. મૃગ દોડી દોડીને થાકી ગયો અને પોતાની મેળે જ ઊભો રહ્યો. પછી શ્રીજીમહારાજ તેની સામે ઊભા રહ્યા અને કાઠી બધા ચારેબાજુ ઊભા રહ્યા. પછી શ્રીજીમહારાજ પાણીના કોગળા કરીને તેના મસ્‍તક ઉપર પાણી રેડે તેને તે મૃગ ચાટતો જાય. ને શ્રીજીમહારાજ પોતાના ચરણા‍ર‍‍‍‍વિંદથી તેનાં શિંગડાંને સ્પર્શ કરતા તોપણ તે નીચું માથું કરીને ઊભો રહ્યો. આ જોઈ કાઠી બોલ્‍યા કે, “હે મહારાજ ! આ તો કોઈ મોટો યોગી છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યો કે, “આ જીવશે ત્‍યાં સુધી આપણને સંભારશે અને એનું કલ્‍યાણ થશે.”

આગળ ચાલતાં શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “આપણે બપોરા કરવા છે. તે માટે કોઈક સારું વૃક્ષ હોય તો તેની નીચે બપોરા કરીએ.” એમ કહીને બોલ્‍યા કે, “પેલાં બે આંબાનાં વૃક્ષ છે તે નીચે જોઈ આવો કે ઊતરાય એવું છે કે નહીં ?” પછી માણસો જોઈ આવ્યા, પણ કો’ક માણસ તે હેઠે દિશા ફર્યો હતો એટલે બીજે આંબે ઊતર્યા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “પેલો કૂતરો સસલાનો મિત્ર હતો તે આ સમે એનું મૃત્‍યુ કર્યું તે કલ્‍યાણ થયું છે અને આ કોઈ આંબાનો શત્રુ હતો તેણે તેના કલ્‍યાણમાં વિઘ્ન કર્યું, નહિ તો આપણે એની નીચે બેસત અને એનું કલ્‍યાણ થાત.”

પ્રસંગ – ૧૧

શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “આ જીવને માથે કરોડ પાપની કોટડિયો છે. એમાંથી એક કોટડી લઈને ભગવાને અર્ધી કોટડીનો દેહ કર્યો છે અને અર્ધી કોટડીનાં સગાંસંબંધી, વિષય, દ્રવ્યાદિ અનેક પદાર્થ કર્યાં છે, તે પાપમાં પાપ મળી જાય છે અને એ પાપ જીવને નડે છે, ને પરમેશ્વરને ભજવા દેતાં નથી.” અને ક્યારેક શ્રીજીમહારાજને દીનાનાથ ભટ્ટે કહ્યું કે, “મારે બે દીકરીઓ પરણાવવી છે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “બે દીકરીઓ પરણાવતાં કેટલા રૂપિયા ખરચ થાય ?” ત્‍યારે ભટ્ટે કહ્યું કે, “ઉત્તમ વિવાહ કરીએ તો આઠસો રૂપિયા થાય. ને જો મધ્‍યમ વિવાહ કરીએ તો છસો રૂપિયા થાય અને જો કનિષ્‍ઠ વિવાહ કરીએ તો ચારસો રૂપિયા થાય.” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું, “આ તો મહાદુ:ખ; ગરીબ બ્રાહ્મણ હોય તે આટલા રૂપિયા ક્યાંથી લાવે ? આમ હોય તો અમે તો બાઈડી-છોકરાંને ઘરમાં પૂરીને તેને કાંટા વીંટીને સળગાવીને નાસી જઈએ. ત્‍યારે બ્રહ્માનંદ સ્‍વામીએ કહ્યું, “એવી દાનત હોય તેને બાયડી-છોકરાં ક્યાંથી હોય ?”

અને શ્રીજીમહારાજને સર્વે કાઠીઓએ કહ્યું કે, “સાંખ્‍ય, યોગ એ અધ્‍યાત્‍મ જ્ઞાનમાં અમે કાંઈ સમજતા નથી.” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું કે, “તમારે તમારી સાખી પ્રમાણે રહેવું જે :

હું ને મારો ઠાકોર, બીજું જગત કાણું,

ઠાકોર બેઠા પારણે ને હું રહ્યો દોરી તાણું.”

એમ તમને મળી જે મૂર્ત‍િ તેને ઝાલી રાખો. એટલે સર્વે સમજી રહ્યા.

અને એક વખત અકસ્‍માત ચકલી ઊડી. એથી શ્રીજીમહારાજ બેઠા હતા તે ભડક્યા. ત્‍યારે સોમલાખાચર બોલ્‍યા જે, “અરે ચકલી મારા પ્રભુને બિવરાવ્યા !”

અને વળી એક વખત શ્રીજીમહારાજે કંઈક મનુષ્‍યચેષ્‍ટા કરી. ત્‍યારે બ્રહ્માનંદ સ્‍વામી બોલ્‍યા કે, “જે મનુષ્‍ય ન હોય તે મનુષ્‍ય થવા જાય ત્‍યારે ઉઘાડું પડી જાય.

પ્રસંગ – ૧૨

ગામ ખોલડિયાદમાં એક રજપૂત છરી ઘસીને એમ બોલતો કે, “આ છરી વડે સ્વામિનારાયણનાં નાક-કાન કાપવાં છે.” તે એ ગામમાં એક સમયે શ્રીજીમહારાજ પધાર્યા અને તળાવની પાળે બેઠા હતા એ વખતે ત્‍યાં બેઠેલા હરિજને શ્રીજીમહારાજને એ રજપૂતની વાત કહી. એ વખતે એ રજપૂત પણ ત્‍યાં આવ્‍યો. તેને શ્રીજીમહારાજે કહ્યું કે, “જેણે ભૂંડાં કર્મ કર્યાં હોય તેનાં નાક કાન કપાય તે અમે એવું શું ભૂંડું કર્મ કર્યું છે કે તમે નાક-કાન કાપવાનું કહો છો ?” ત્‍યારે રજપૂતે કહ્યું કે, “તમે ભગવાન કહેવાઓ છો તે અમારાથી કેમ જોયું જાય ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “હવેથી તમને નહિ દેખાય.” એ સમયમાં જ એને ન દેખાણું અને તે આંધળો થયો તે મરણ પર્યંત આંધળો રહ્યો.

અને વળી શ્રીજીમહારાજે રામજીભાઈને સ્વપ્‍નમાં દર્શન દઈને એમ કહ્યું કે, “તમે દસ હજાર રૂપિયા જે વાણિયા પાસે માગો છો તે વાણિયો વીસ દિવસમાં દેવાળું કાઢશે માટે તમારા રૂપિયા વેળાસર લઈ લેજો.” એમ કહ્યું તે સાંભળીને રામજીભાઈએ પોતાના રૂપિયા લઈ લીધા. પછી તે વાણિયાએ દેવાળુ કાઢયું.

અને કાશીદાસને એક વખત કોઈક ગુના માટે રાજાએ બેડીઓ પહેરાવીને બંધીખાને નાખ્‍યા. પછી તે બેરડી સહિત સિપાઈને સાથે લઈને ન્‍હાવા ગયા. ને કાશીદાસે જળમાં ડૂબકી મારી ને શ્રીજીમહારાજનાં દર્શન થયાં. શ્રીજીમહારાજે બેડીઓ ભાગીને તેમને દસ ગાઉ દૂર કાઢ્યા. પછી કાશીદાસ ત્‍યાંથી ગઢડે દર્શને ગયા ને ત્‍યાં શ્રીજીમહારાજનાં દર્શન કર્યાં. પછી શ્રીજીમહારાજે કાશીદાસને એમ કહ્યું કે, “તમે ઘેર જાઓ, સરકાર હવે તમને કાંઈ નહિ કરે.” પછી કાશીદાસ ઘેર આવ્યા, પણ સરકારે કાંઈ કહ્યું નહીં.

પ્રસંગ – ૧૩

ગઢડામાં શ્રીજીમહારાજને અક્ષરઓરડીમાં ઉનાળામાં બહુ તાપ લાગે; તે માટે નળિયાં ઉપર કડબના પૂળા નાખીને છાંયો કરતા, એ માટે સર્વે હરિભક્તે મળીને વિચાર કર્યો કે મહારાજને રહેવા માટે બંગલો કરાવવો. એ નિમિત્તે શ્રીજીમહારાજથી છાની લખણી કરાવી, તેના હજારેક રૂપિયા થયા. તેની શ્રીજીમહારાજને ખબર પડી એટલે મહારાજે કહ્યું, “અમે હવે નહિ રહીએ.” તે માંડ માંડ મનાવીને રાખ્‍યા. શા માટે જે શ્રીજીમહારાજે આ રીતે ભક્તને શીખવ્યું કે સારાં પદાર્થ બંધનકારી છે પણ પોતે તો સદા નિર્લેપ જ છે.

અને કોઈક સમયે ગઢડામાં શ્રીજીમહારાજ વિરાજમાન હતા. ને પોતાની આગળ સોમલાખાચર, અલૈયાખાચર, સુરાખાચર વગેરે હરિભક્ત બેઠા હતા. ત્‍યાં માહો માંહે  પ્રસંગ નીકળ્‍યો કે, ‘વાહન કયું સારું ?’ ત્‍યારે સૌએ પોતપોતાની રુચિ પ્રમાણે રથ, પાલખી, મેના, હાથી વગેરે કહ્યા. પછી કાઠી બોલ્‍યા કે, “આજે જેવો રોઝો ઘોડો છે એવું તો પૃથ્‍વી ઉપર વાહન જ નથી.”

ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “એવો રોઝો ઘોડો છે ?” ત્‍યારે કહ્યું, “હા મહારાજ.” ત્‍યારે મહારાજ બોલ્‍યા જે, “ચાલો સર્વે ઘેલે નાહવા જઈએ.” એમ કહીને રોઝો ઘોડો મગાવ્‍યો. પછી તેના ઉપર સોનેરી સાજ માંડીને લાવ્યા. શ્રીજીમહારાજ તેના ઉપર સવાર થયા અને સર્વે સંઘ સહિત નાહવા પધાર્યા. ત્‍યાં નાહીને પછી જીવાખાચરના દરબારમાં પધાર્યા અને અશ્વેથી ઊતરીને ઘોડાની સરક પ્રાગજી દવેના હાથમાં આપીને ‘શ્રીકૃષ્‍ણાર્પણ’ એમ મહારાજ બોલ્‍યા. ત્‍યારે કાઠીએ કહ્યું, “મહારાજ ! આ બ્રાહ્મણ બાંધશે ક્યાં ? ને ખવડાવશે શું ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા, “એને ફાવે તેમ કરે. પણ આપણે સારાં પદાર્થ ન જોઈએ. સારાં એટલાં બંધનકારી છે.” એમ પોતે તો નિર્બંધ છે પણ પોતાના ભક્તને શિક્ષા માટે આ ચરિત્ર છે એમ જાણવું.

પ્રસંગ – ૧૪

ગઢડામાં શ્રીજીમહારાજે લાડુબાને અને જીવુબાને કહ્યું કે, “આપણા સાધુ કાંઈ જમતા નથી માટે કોઈક સારી રસોઈ કરાવીએ.” એમ કહી શ્રીજીમહારાજે બિરંજની રસોઈ કરાવી તેમાં તેજાના નખાવવા માટે નાન કોઠારી બજારમાં જાય અને આવે. તે જોઈને બ્રહ્માનંદ સ્‍વામી બોલ્‍યા કે, “આ શું આઘાપાછા થાઓ છો ?” ત્‍યારે કોઠારીએ કહ્યું; “સાંજે તમારી વાત છે.” ત્‍યારે બ્રહ્માનંદ સ્‍વામી બોલ્‍યા કે, “જા, કહેજે, તારા ધણીને કે જે થાય તે કરી નાખે.”

પછી શ્રીજીમહારાજે મોટાં બાઈને પૂછ્યું કે, “તમારાં અતિશે વ્હાલાં સગાં આવે ત્‍યારે કઈ રીતે જમાડો ?” ત્‍યારે તે બોલ્‍યાં કે, “ખાટલા ઢાળીએ અને તે ઉપર ચાર જણને બેસાડીએ. વચમાં ભોજનપાત્ર મૂકીએ ને એ ચારે જણા એક પાત્રમાંથી જમે; એમ જમાડીએ.” પછી મહારાજ બોલ્‍યા કે, “આપણે તો સાધુ એ જ વ્હાલા સગાં છે. માટે એવી રીતે જમાડીએ.” પછી ચોકમાં ખાટલા ઢળાવ્યા અને અકેક ખાટલે ચાર ચાર સાધુને બેસાડ્યા. વચ્ચે ભોજનનો થાળ મૂક્યો. ને બિરંજ વગેરે ભોજન શ્રીજીમહારાજ સારી પેઠે પીરસતા જાય અને પાણી પાતા જાય અને એમ બોલતા જાય કે, “સંતો, પાણી થોડું પીજો.” એમ કહીને વારંવાર પંક્ત‍િમાં ફરીને સંતોને અતિશે તૃપ્ત કર્યા.

ત્‍યારે બ્રહ્માનંદ સ્‍વામીએ કોઈને પૂછ્યું કે, “માંહી શું ખૂટ્યું છે ?” ત્‍યારે તેણે કહ્યું, “પૂરી થઈ રહી છે.” એટલે બ્રહ્માનંદ સ્‍વામી બોલ્‍યા કે, “એક જ ગળ્‍યું શું ભાવે ? પૂરી હોય તો જમાય.” પછી શ્રીજીમહારાજ માંહી પૂરી લેવા ગયા પણ પૂરી તો થઈ રહી હતી, એટલે બિરંજ લાવીને પીરસ્‍યો. ત્‍યારે બ્રહ્માનંદ સ્‍વામીએ કહ્યું, “એકલું ગળ્‍યું શું ભાવે ?” ત્‍યારે શ્રીજીમહારાજે ભાત પીરસ્‍યો ને તે ઉપર સાકર ને દૂધ પીરસ્‍યાં, ને પછી સંતને ચળું કરાવ્યું ને પછી શ્રીજીમહારાજે સોપારી, એલચી વગેરે મૂઠીઓ ભરી ભરીને મુખવાસ આપ્યા. એ વખતે શેષજી દર્શને આવ્યા હતા. ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું કે, “શેષજી દર્શને આવ્યા છે, તે કોઈ બીશો નહીં.” તે શેષજી ઢોલિયા નીચે ફરતા હતા. પછી મહારાજે ગરબી કરીને સંત પાસે કીર્તન ગવરાવ્યાં.

પ્રસંગ – ૧૫

દીનાનાથ ભટ્ટને નિર્વ‍િકલ્‍પાનંદે અવગુણ ઘાલીને વિમુખ કર્યા. પછી એમની પુત્રીને ભૂત વળગ્યું તે અનેક ઉપાય કર્યા પણ નીકળ્‍યું નહીં. પછી એ શ્રીજીમહારાજ પાસે આવ્યા એટલે તરત જ તે ભૂત તેમાંથી નીકળી ગયું. પછી ભટ્ટને શ્રીજીમહારાજે પાળા-કાઠી સહિત પોતાની અખંડ મૂર્ત‍િ બતાવી તે સર્વે કાળ અને સર્વે ક્રિયામાં દેખાતી, એમ બહુ દિવસ દેખાડીને તેમને પોતાનો નિશ્ચય કરાવ્યો.

અને તે દીનાનાથ ભટ્ટને શ્રીજીમહારાજે કહ્યું કે, “તમને કેટલા શ્લોક કંઠે છે ?” ત્‍યારે તે ભટ્ટે કહ્યું, “અઢાર હજાર.” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું, “તમારા કલ્‍યાણને માટે કેટલા શ્લોક માન્‍યા છે ?” ત્‍યારે ભટ્ટે કહ્યું જે, “એ વાતની તપાસ કરી નથી.” પછી શ્રીજીમહરાજે કહ્યું, “તપાસ કરો.” પણ એમને કાંઈ સુઝયું નહિ એટલે શ્રીજીમહારાજે કહ્યું કે, “ઉત્તમ શ્લોક લીલયા તે ઉત્તમ શ્લોક એવા જે અમે તે અમને રાખો એટલે ઓળખો તો તમારું કલ્‍યાણ થાય.” ત્‍યારે એમને સમજાયું જે ભગવાનને જેવા છે તેવા ઓળખવાથી કલ્‍યાણ થાય. ને જે મેં ૧૮ હજાર શ્લોક મોઢે કર્યા તેથી તો ભારે મરવાનું થયું અને કલ્‍યાણ તો ઉત્તમ શ્લોક જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને જેવા છે તેવા જાણવા ને ઓળખવા તેણે કરીને જ છે. આ સ્વામિનારાયણ ભગવાન મારા કલ્‍યાણના કરનારા છે એમ તેમને નિશ્ચય થયો.

ગામ ભાદ્રાના ડોસાભાઈ દિવસે ખેતીનું કામ કરીને થાકીને રાત્રિએ શ્રીજીમહારાજ પાસે આવીને બેઠા અને ડોલાં ખાવા લાગ્‍યા. એ જોઈને શ્રીજીમહારાજે તેમને કહ્યું કે, “તને ઊંઘ બહુ આવે છે ?” ત્‍યારે ડોસાભાઈ બોલ્‍યા કે, “થાક લાગ્‍યો છે એટલે ડોલાં આવે છે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “જે પહેલાં સૂતા હશે તેને તારો થાક અને તારી ઊંઘ જશે અને તને તે નહિ નડે.” એમ તેમને જીવનપર્યન્ત રહ્યું.

પ્રસંગ – ૧૬

ક્યારેક શ્રીજીમહારાજ ગઢપુરમાં દશેરા પૂજવા પધાર્યા હતા. તે સમે સર્વે સવારોએ ઘોડાં દોડાવ્યાં ત્‍યારે જીવાખાચરે પોતાની ઘોડીને શ્રીજીમહારાજની ઘોડીથી આગળ કાઢવા માંડી અને ઘોડી કાન-સુરિવાર આગળ થઈ એટલે સચ્ચિદાનંદ સ્‍વામી સમાધિ કરીને પહોંચ્‍યા તે જીવાખાચરને ઘોડીએથી પાડી નાખ્‍યા.

અને શ્રીજીમહારાજ ગોપીનાથજીના મંદિરનો અને પરથારનો પાયો એકસાથે સામટો ખોદાવતા હતા. તે જોઈને જીવાખાચરના મનમાં એમ થયું કે, ‘ઓહોહો આવડું મોટું મંદિર થશે અને દાદાની લોકમાં બહુ જ પ્રસિ‍દ્ધિ થશે.  એમ જાણી મંદિરનું કારખાનું બંધ કરાવવા સારુ સાબદા થઈને આવ્યા અને શ્રીજીમહારાજને કહ્યું કે, “મહારાજ, મારે કામ આવ્યું છે તે ભાવનગર જવું પડે એમ છે.” ત્‍યારે શ્રીજીમહારાજે પૂછયું, “શા સારુ જાઓ છો ? રહો ને !” ત્‍યારે જીવાખાચરે કહ્યું, “ચાલે એમ નથી.” એમ કહીને એ તો ચા‍લ્‍યા. એટલે સચ્ચિદાનંદ સ્‍વામી સમાધિ કરીને પહોંચ્‍યા અને માર્ગમાં પથરાની ધાર ઉપર જીવાખાચરને ઘોડેથી પાડ્યા અને તેમને બહુ જ વાગ્‍યું એટલે ખાટલામાં નાખીને ઘેર લાવ્‍યા.

ત્‍યારે ત્‍યાં જઈ શ્રીજીમહારાજ બોલ્‍યા, “જીવાખાચર, તમે તો ભારે સવાર છો ને પડી ગયા તે ઘોડીએ કાંઈ તોફાન કર્યું કે શું ?” ત્‍યારે જીવાખાચર બોલ્‍યા, “ના મહારાજ ! ઘોડીએ તો કાંઈ તોફાન કર્યું નથી પણ જાણે મને ઘોડીએથી હડસેલી પાડ્યો હોય ને શું એમ જણાયું.” પછી શ્રીજીમહારાજ તેને જોઈને દરબારમાં પધાર્યા.

પછી સાંજે સભામાં શ્રીજીમહારાજ બાંધે ભારે કહેવા લાગ્યા કે, “જેને ને તેને મારે છે ને પછાડે છે તે એવી તમને કોણે આજ્ઞા આપી છે ?” એમ સારી પેઠે ખીજ્યા. પછી સર્વે સંતના મનમાં એમ થયું કે, “શ્રીજીમહારાજ વાંક વિના કોને ખીજે છે ?” ત્‍યારે સચ્ચિદાનંદ સ્‍વામી બોલ્‍યા કે, “કોઈ બીશોમા. એ તો મારો વાંક છે તે મને કહે છે.”

અને શ્રીજીમહારાજ ગોપીનાથજીનું મંદિર કરાવતા હતા ત્‍યારે વરસાદે તાણ્‍યું. એટલે શ્રીજીમહારાજના બળદને ખડની તાણ પડવા લાગી. એટલે સચ્ચિદાનંદ સ્‍વામી સમાધિ કરીને પહોંચ્‍યા અને ઇન્‍દ્રને પાટું મારીને કહ્યું, “કેમ સૂઈ રહ્યો છે ? શ્રીજીમહારાજના બળદ ઘાસ વિના દુ:ખી થાય છે ને વરસાદ કેમ વરસાવતો નથી ?” એટલે ઇન્‍દ્રે વરસાદ વરસાવ્યો. પછી સભામાં શ્રીજીમહારાજ બહુ ખીજ્યા ને બોલ્‍યા કે, “જેને તેને પાટું મારે છે ને ધમપછાડ કરે છે તે એવડો તમને કોણે અધિકાર આપ્‍યો છે ?” એટલે સચ્ચિદાનંદ સ્‍વામી બોલી ઊઠ્યા કે, “ભાઈ કોઈ બીશો નહીં. એ તો મારો વાંક છે તે મહારાજ મને વઢે છે.”

પ્રસંગ – ૧૭

એક વખત લોયામાં શ્રીજીમહારાજ પાસે સાયલાના પારેખ માણેકચંદ અને લીંબડીના તલકશા એ બે એવો મનસૂબો કરીને આવ્યા કે જો આપણને સ્વામિનારાયણ સૂતરફેણી આપે તો એ ભગવાન ખરા. પછી શ્રીજીમહારાજ અંતર્યામીપણે એમનો સંકલ્‍પ જાણી ગયા. તે વખતે કોઈક હરિજને ખંભાતથી સૂતરફેણીની માટલી લાવીને શ્રીજીમહારાજ આગળ મૂકી. પછી શ્રીજીમહારાજે એ બેને આપી. પછી એ બે બોલ્‍યા કે, “હે મહારાજ, આ સર્વે સાધુની વૃત્તિ તો તમારા વિષે જોડાઈ ગઈ છે; પણ બીજા સર્વે જનની વૃત્તિ સદાય ક્યાં રહેતી હશે ?” પછી શ્રીજીમહારાજે કહ્યું કે “સર્વે પુરુષના મનની વૃત્તિ સદાય સ્ત્રીના ગુહ્યાંગમાં રહે છે અને સર્વે સ્ત્રીઓના મનની વૃત્તિ પુરુષના ગુહ્યાંગમાં સદા રહે છે. તે પાપે કરીને એ બેને પરસ્‍પર સંસૃતિ થાય છે.”

મહાનુભાવાનંદ સ્‍વામીએ વ‍સ્‍તા કણબીને એમ કહ્યું કે, “તારા ભાઈ સાધુ થયા અને તું એકલો રહ્યો તે તને મનમાં ઓછું આવે છે ?” ત્‍યારે વસ્તા કણબીએ કહ્યું, “મારે જથો હતો તે એકલો થઈ રહ્યો તે ઓછું તો લાગે જ ને ?” ત્‍યારે સ્વામીએ કહ્યું, “તારે ઘેર ત્રણ પુત્ર થશે.” એટલે વસ્‍તાખાચરને ત્રણ પુત્ર થયા પછી સ્વામીએ કહ્યું, “હવે પુત્ર નહિ થાય.”

પ્રસંગ – ૧૮

એક સમયે શ્રી મુક્તાનંદ સ્‍વામી તથા શ્રી બ્રહ્માનંદ સ્‍વામી કારેલાગામની ભાગોળે આવ્યા. તે ગામનો વૈરાગી અવિદ્યાવાળો હતો. તે બંને સ્વામીને પોતાની જગામાં લઈ જઈને તેમને બાંધીને છરો લઈ નાક-કાન કાપવા તૈયાર થયો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, “આપણાં નાક-કાન કાપશે તો લોકમાં આપણને શું કહેશે ?” ત્‍યારે મુક્તાનંદ સ્‍વામી એમ બોલ્‍યા કે, “પૂર્વે ભૂંડાં કામ કરીને નાક-કાન કપાવ્‍યાં હશે, ને આ તો ભગવાનને અર્થે તો છે ? ને લોક સૂઝે તેમ બોલે પણ ભગવાન તો જાણે છે ને !”

આમ વાત કરે છે તે વખતે તે ગામના એક જન ત્‍યાં આવ્યા. ને સ્વામીને જોઈને તેને દયા આવી અને તે વંડી ટપીને અંદર પડ્યા ને તે બે સંતોને છોડીને વૈરાગીને ધક્કો મારી કોરે કાઢીને તેમને છોડાવ્યા. આ વૈરાગી ભૂંડો છે તે પાછળ જઈને સંતોને મારશે એમ જાણીને તે જન સંતોને બે ગાઉ સુધી મૂકી ગયો. પછી જ્યારે એ જને દેહ મૂક્યો ત્‍યારે મુક્તાનંદ સ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામી તેને તેડવા આવ્યા ને તેને એ બેનાં દર્શન થયાં. ત્‍યારે તે બોલ્‍યા કે, “મેં જેમને છોડાવ્યા હતા તે બે સંતો મને તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું” એમ કહીને દેહ મૂક્યો.

પ્રસંગ – ૧૯

એક સમયે ગામ મેથાણના મહાશંકર પંચોલી લોયામાં શ્રીજીમહારાજને સાંભળીને પોતાના પુત્ર રાજારામને પગે લગાડવા માટે ૧૦ રૂપિયા લઈને આવ્યા. તેનો એમ ઠરાવ કર્યો જે, પાંચ રૂપિયા શ્રીજીમહારાજને પગે મૂકવા અને પાંચના સંન્‍યાસી જમાડવા. એમ ધારીને ત્‍યાં આવ્યા. શ્રીજીમહારાજ તો ત્‍યાંથી ચાલી નીકળ્‍યા તે એક ગાઉ જઈને પાછા ત્‍યાં આવીને છાના રહ્યા. તે વાતની ગામલોકને ખબર નહોતી. એટલે મહાશંકર પંચોલીએ પૂછ્યું ત્‍યારે લોકોએ કહ્યું કે, “શ્રીજીમહારાજ અહીં નથી.”

પછી એ તો જે ઘરમાં શ્રીજીમહારાજ છાના રહ્યા હતા તેની કરોકર ઘર હતું તે ઘરમાં પંચોલી રાત રહ્યા અને આખી રાત્રિ એમ ચિંતા કરતા રહ્યા કે શ્રીજીમહરાજનાં દર્શન ન થયાં ! તેને સાંભળીને સવારે શ્રીજીમહારાજે સુરાખાચર આદિક ભક્તને કહ્યું જે, “એ ઘરમાં કોણ ઉતર્યા છે ?” ત્‍યારે સુરાખાચરે ક્હ્યું કે, “એ તો મેથાણના બ્રાહ્મણ છે.” એટલે શ્રીજીમહારાજે કહ્યું, “એમને બોલાવો જે એ દર્શન કરે.” પછી એમને બોલાવ્યા એટલે આવીને દર્શન કરીને એમણે પાંચ રૂપિયા શ્રીજીમહારાજને પગે મૂક્યા. ત્‍યારે શ્રીજીમહારાજે અંતર્યામીપણે એમને એમ કહ્યું કે, “પેલા પાંચ પણ મૂકો.” એટલે તે પાંચ રૂપિયા પણ એમણે મૂકી દીધા.

પ્રસંગ – ૨૦

એક સમયે શ્રીજીમહારાજ વડતાલમાં રામપ્રતાપભાઈના બંગલામાં વિરાજમાન હતા અને સમૈયામાં શ્રીજીમહારાજે દામોદર ભક્તને એમ ક્હયું કે, “જેના થાળ હોય થાળ હોય તેને પૂજા કરવા આવવા દેવા.” એટલે દામોદર બંગલાના દાદરા પાસે ઊભા રહી જેનો થાળ હોય તેમને જવા દે, બીજા કોઈને જવા દે નહીં.

એ વખતે ગામ મેઉના ભાવસાર ભૂખણદાસના દીકરા મંછરામ અને તુલસીદાસ શ્રીજીમહારાજની પૂજા કરવા સારુ ચંદન-પુષ્‍પ; વસ્‍ત્ર-આભૂષણ ઇત્‍યાદિ સામગ્રી લઈને જેરામ બ્રહ્મચારીને ભેળા લઈને આવ્યા. પણ દામોદરે તેમને રોક્યા અને કહ્યું કે, “જેનો થાળ હોય તેને જ પૂજા કરવા જવાની આજ્ઞા છે.” ત્‍યારે જેરામ બ્રહ્મચારીએ કહ્યું કે, “આમની તો રસોઈ પણ છે અને થાળ પણ છે.” તોપણ દામોદર ભક્તે ન જવા દીધા. એમ ખેંચતાણ કરતા બંને જણા બાથ બાથ આવી ગયા અને જેરામ બ્રહ્મચારી દામોદરને નીચે પાડીને ઉપર ચડી બેઠા. એ સર્વે વૃત્તાંત શ્રીજીમહારાજ ઊભા ઊભા જોતા હતા. પછી તે બ્રહ્મચારી ઊઠીને એમ બોલ્‍યા કે, “શ્રીજીમહારાજ તો રૂપિયા રૂપિયાનો થાળ કરાવે છે તેનેય પૂજા કરવા દે છે અને તમે આ હરિભક્તે બસો રૂપિયાની રસોઈ આપી તેમાં પણ શું પૂજા કરાવે એમ કહો છો !” એમ બોલીને ચાલી નીકળ્‍યા. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “જેરામ બ્રહ્મચારી ! આવો આવો પૂજા કરાવો.” ત્‍યારે તે હરિભક્તે મહારાજની પૂજા કરી.

પછી બીજે દિવસે નિત્‍યાનંદ સ્‍વામીના આસનમાં શ્રીજીમહારાજે જેરામ બ્રહ્મચારીને બોલાવીને કહ્યું કે, “તમારે પાડોશ કોનો હતો ? કારણ કે બ્રાહ્મણમાં આટલો ક્રોધ હોય નહીં. માટે કોળીનો કે મુસલમાનનો પાડોશ હશે.” એટલે બ્રહ્મચારી લાલચોળ થઈને રિસાઈ ગયા. તે જોઈને શ્રીજીમહારાજે દામોદરને કહ્યું કે, “જેરામ બ્રહ્મચારી આકરા છે તે કૂવે પડીને મરશે તેની બ્રહ્મહત્‍યા તમને લાગશે.”

ત્‍યારે દામોદર આકુળવ્યાકુળ થઈને બ્રહ્મચારીને ખોળવા ગયા પણ ક્યાંય ન મળ્‍યા. પછી સાંજના વખતે કોઈએ એમ કહ્યું કે બ્રહ્મચારી ધર્મશાળાના ભંડાકિયામાં સૂતા છે. ત્‍યારે દામોદર ત્‍યાં જઈને તેડી લાવ્‍યા; અને શ્રીજીમહારાજે એ બેને દંડવત કરાવીને મળાવ્યા.

પ્રસંગ – ૨૧

એક વખત શ્રીજીમહારાજે એવી વાર્તા કરી કે શ્રી અક્ષરધામના અધિપતિ સર્વોપરી શ્રી સ્‍વામિનારાયણ ભગવાન પૃથ્‍વીમાં પ્રગટ થાય છે ત્‍યારે તેનો જેટલો મહિમા જેને સમજાય છે તેને તેટલું સુખ પ્રાપ્‍ત થાય છે. જેમ માનસરોવર વિષે કમળના નાળમાં ચંદ્રકાંત મણિ થાય છે તેનો જેને જેટલો માલ સમજાણો તેને તેટલું ફળ મળે તેમ. ને તે કેવી રીતે તો માનસરોવરનો હંસ અને એક બીજા સરોવરનો હંસ તે બે ભેગા થાય ત્‍યારે પરસ્પર પોતપોતાને તળાવે આવવાની તાણ કરે. પછી માનસરોવરનો હંસ પોતાના ભાઈબંધ સારુ ચંદ્રકાંત મણિની ભેટ લઈને ત્‍યાં ગયો. તે માર્ગમાં રાત્રિએ દૂધીને કોચીને તેમાં મણિ મૂકીને તે વૃક્ષ ઉપર સૂઈ ગયો. પછી સવારે તે મણિને ભૂલી જઈને તે ચાલી નીકળ્‍યો. પછી તે દૂધી કોઈ કઠિયારાએ લઈ લીધી અને લાકડાંનો ભારો લઈને ગામમાં ગયો. ગામમાં ભારો વેચીને તેના નાણાં લઈને પછી ઘેર ગયો. પછી તે કઠિયારે શાક સારુ નઈયું સુધાર્યું એટલે તેમાંથી તે ચંદ્રકાંત મણિ નીકળ્‍યો. તેને તે કઠિયારાએ એ મણિ અર્ધા શેર મસાલા માટે વાણિયાને આપ્યો ને મસાલો લીધા પછી વાણિયાએ કોઈક શહેરમાં જઈને એ મણિ બતાવ્યો એટલે તેને કોઈકે પાંચ રૂપિયા આપીને લીધો. પછી તેણે કોઈ પારખુને બતાવ્‍યો એટલે તે પારખુએ પાંચસો રૂપિયે રાખ્‍યો. પછી તેણે તેથી મોટા શહેરમાં જઈને બતાવ્યો ત્‍યારે તેને કોઈ એક ઝવેરીએ પાંચ હજાર રૂપિયા આપી રાખ્‍યો. પછી ઝવેરીએ મોટા શહેરમાં જઈને બતાવ્યો ત્‍યારે તેણે કોઈક પરીક્ષા કરનારે લાખ રૂપિયે રાખ્‍યો પછી તેણે કોઈક મોટા શહેરમાં બતાવ્યો એટલે કોઈ ભારે પરીક્ષા કરનારે એ મણિના માલિકને કહ્યું કે, “અમારી સોનામહોરની સાઠ કોટડીઓ ભરેલી છે તેમાંથી દિવસ ઊગે ત્‍યારથી આથમે ત્‍યાં સુધીમાં તમારાથી લેવાય એટલું લઈ જાઓ અને તેનું મૂલ્‍ય પૂનમને દિવસે તમને બતાવીશ.”

પછી પૂનમની રાતે ચંદ્ર માથે આવ્યો ત્‍યારે સોનાની થાળીમાં પાણી ભરીને માંહી મણિ મૂક્યો અને તે થાળી અગાસીના મધ્‍યે મૂકી. ત્‍યારે ચંદ્રમામાંથી કિરણો નીકળીને પેલા મણિમાંથી કિરણો નીકળવા માંડી. પછી તે બંનેની કિરણો એકઠી થઈ એટલે સુવર્ણથી આખો ચોક ભરાઈ ગયો. આટલું સોનું પૂનમે પૂનમે ત્‍યાંથી નીકળે એવી કિંમતનો આ મણિ છે.

તેમ પુરુષોત્તમનારાયણને જેવા સમજે તેવી અને તેટલી તેને પ્રાપ્‍ત‍િ થાય છે.

પ્રસંગ – ૨૨

બુરાનપુરના સંઘને ઝાડીમાં લૂંટ્યો. ત્‍યાં અનેક સવારો સહિત જઈને શ્રીજીમહારાજે તેમની રક્ષા કરીને ચોર પાસેથી બધાં જ પદાર્થો ભક્તોને પાછા અપાવ્યાં. તે વખતે એક બાઈએ વેઢ જાળામાં નાંખી દીધો હતો. તે જડ્યો નહીં. પછી એ સંઘ વડતાલે આવ્યો અને શ્રીજીમહારાજનાં દર્શન કર્યાં. ને પછી એ સંઘના માણસોએ શ્રીજીમહારાજની પૂજા કરી ત્‍યારે પેલી વેઢવાળી બાઈ રોવા લાગી એટલે શ્રીજીમહારાજે પૂછ્યું કે, “શા સારું રુએ છે ?” ત્‍યારે બીજા ભક્તે કહ્યું કે, “તમને પહેરાવવા એણે વેઢ કરાવ્યો હતો તે માર્ગમાં ખોવાઈ ગયો એટલા માટે એ રુએ છે.” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું કે, “એ વેઢ તો અમે લાવ્યા છીએ. તે જુઓ આ રહ્યો.” એમ કહીને તેને તે પાછો આપ્યો અને તેણે શ્રીજીમહારાજને પહેરાવ્યો.

શ્રીજીમહારાજ ગઢડામાં દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડામાં બિરાજમાન હતા અને આગળ દાદાખાચર, સોમલોખાચર, સુરોખાચર આદિ ભક્તો બેઠા હતા. એ વખતે વગડેથી એક ભક્ત આવ્યો અને બોલ્‍યો કે, “મોલ સુકાય છે. તે વરસાદ કરો તો નીપજે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “નરસી મહેતે મલાર રાગ ગાયો હતો ત્‍યારે વરસાદ થયો હતો માટે બ્રહ્માનંદ સ્‍વામીને બોલાવો જે એ મલ્હાર રાગ ગાય તો વરસાદ થાય.”

પછી બ્રહ્માનંદ સ્‍વામીને બોલાવ્‍યા તે આવ્યા, અને સાથે પ્રેમાનંદ સ્‍વામી પણ આવ્યા. તેમણે વાજિંત્ર વગાડીને મલ્હાર રાગ ગાયો. પ્રથમ પદ ગાયું એટલે આકાશમાં વાદળાં થયાં અને બીજું પદ ગાતાની સાથે તો ગાજવીજ શરૂ થઈ ગઈ અને ત્રીજે પદે બહુ વરસાદ વરસ્યો. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા કે, “આ બ્રહ્માનંદ સ્‍વામી બહુ જ સમર્થ છે. જુઓને એમણે વરસાદ વરસાવ્યો !” એમ વરસાદના કર્તા તો સ્વામિનારાયણ ભગવાન છે પણ રાગ ગવડાવીને યશ બીજાને આપ્યો.

પ્રસંગ – ૨૩

ગઢડામાં એક વખતે શ્રીજીમહારાજે દાદાખાચરને કહ્યું કે, “તમારો ગરાસ તમારી બે બેનોને લખી આપો.” એટલે દાદાખાચરે લાધા ઠક્કરને તેડાવીને ગરાસ જીવુબાને અને લાડુબાને લખી આપ્‍યો અને પોતે તેમાં સહી કરી આપી.

પછી શ્રીજીમહારાજે દાદાખાચરને કહ્યું, “હવે તમે કેવી રીતે નિર્વાહ કરશો ?” દાદાખાચરે એમ કહ્યું જે, “ભાવનગર જઈને ચાકરીનો લેખ કરાવીશ ને એ મને વર્ષના સો રૂપિયા આપશે. તેમાંથી અમે બે જણ ગુજરાન કરીશું.” એમ કહીને સાબદા થઈને ચાલ્‍યા ત્‍યારે શ્રીજીમહારાજે બે બાઈઓને કહ્યું કે, “તમારો ગરાસ સાચવવા માણસ તો જોઈશે જ. માટે દાદાખાચરને લેખ કરાવીને રાખો.”

એટલે એકસો રૂપિયા વર્ષે આપવાના કરીને રાખ્‍યા અને બાર મહિના સુધી એ ગરાસની ઊપજ એ બે બાઈઓએ ખાધી. પછી બીજે વર્ષે શ્રીજીમહારાજે એ બાઈઓને કહ્યું કે, “તમારે સાંખ્‍યયોગી બાઈઓને ગરાસનો ટંટો શા માટે

જોઈએ ? તમે દાદાખાચરને ગરાસ પાછો આપી દો.” ત્‍યારે તે બાઈઓએ કહ્યું કે, “બહુ સારું મહારાજ.” એમ રાજી થઈને ગરાસ પાછો આપ્‍યો.

પ્રસંગ – ૨૪

એક સમયે મુક્તાનંદ સ્‍વામીએ તથા જ્ઞાનાનંદ સ્‍વામીએ એમ વિચાર કર્યો કે ઘણા દિવસથી શ્રીજીમહારાજનાં દર્શન થયા નથી. ‍તે ચાલો દર્શન કરી આવીએ એમ જાણીને એ બે જણા શ્રીજીમહારાજની આજ્ઞા વિના જેતલપુરથી નીકળીને દુર્ગપુર શ્રીજીમહારાજનાં દર્શને આવ્‍યા અને ઘેલા નદીને સામે કિનારે દેરીઓમાં રાત રહ્યા. પ્રાત: કાળે વહેલા પૂજા કરીને ઝોળી માગવાને મિષે કરીને શ્રીજીમહારાજનાં દર્શન થાય તે માટે દરબારમાં ‘નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો’ એમ શબ્દ ઉચ્ચારણ કરીને ચાલ્‍યા આવ્યા. તે સમયે શ્રીજીમહારાજ છાના રહેતા તોપણ છેટેથી દર્શન થયા. ને દરબારમાંથી તેમને માટે રોટલા આપ્યા તે લઈને ચાલી નીકળ્‍યા. પછી તેમણે સોમલાખાચર પાસે શ્રીજીમહારાજને કહેવરાવ્યું કે, “મુક્તાનંદ સ્‍વામી તથા જ્ઞાનાનંદ સ્‍વામી અહીં તમારાં દર્શને આવ્‍યા છે. તેમને તમે દર્શન આપશો ?” ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું “હા, આપીશું.” પછી તે બંનેને બોલાવ્યા. તે આવીને શ્રીજીમહારાજનાં દર્શન કરીને પાસે બેઠા.

પછી શ્રીજીમહારાજે મનુષ્‍યચેષ્‍ટા કરવા માંડી અને બોલ્‍યા કે, “મુક્તાનંદ સ્‍વામી, તમારું તો કલ્‍યાણ થશે, પણ મારું નહિ થાય. તમે તો સ્વામી છતાં ત્‍યાગ વૈરાગે યુક્ત જેવા હતા, તેવા ને તેવા જ છો ને હું તો આ દરબારમાં લુબ્ધ થઈ ગયો છું, એટલે મારું કલ્‍યાણ નહિ થાય.” ત્‍યારે મુક્તાનંદ સ્‍વામી બોલ્‍યા, “મહારાજ ! તમે તો સાક્ષાત્ સર્વોપરી, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમનારાયણ છો, અને સદા નિર્લેપ છો, ને સદા દિવ્ય મૂર્ત‍િ છો. તે અમને શા સારુ મોહ પમાડો છો ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા, “અરેરે સ્વામી, હું પુરુષોત્તમનારાયણ શાનો ? કેમ કે મારું તો ઠેકાણું રહ્યું નહીં.” એમ કહીને રોવા લાગ્યા એટલે મુક્તાનંદ સ્‍વામી અને જ્ઞાનાનંદ સ્‍વામી પણ રોવા લાગ્યા. પછી શ્રીજીમહારાજે તેમને જવાની રજા આપી એટલે તેઓ બંને ગયા. પછી મુક્તાનંદ સ્‍વામી એમ બોલ્‍યા કે, “આપણે શ્રીજીમહારાજની આજ્ઞા વિના દર્શને આવ્યા એટલે શ્રીજીમહારાજે દર્શનનું સુખ ન આપ્યું.”

પ્રસંગ – ૨૫

ગઢડામાં ગંગાજળિયા કૂવા પાસે રામપ્રતાપભાઈનો ઉતારો હતો. ત્‍યાં ઉત્તરાયણને દિવસે એક બ્રાહ્મણ આવ્યો અને શંકરાન્‍ત પર્વણી એમ કહીને ઊભો. એટલે દીદી (સુવાસિનીબાઈ) બોલ્‍યાં કે, “ભાઈ અમે તો પરદેશી છીએ તે શું આપીએ ?” તેને શ્રીજીમહારાજે અક્ષરઓરડીમાં સાંભળ્યું એટલે શ્રીજીમહારાજ દાદાખાચર પાસે જઈને બોલ્‍યા કે, “બધા જ રૂપિયા લાવો.” દાદાખાચરે શ્રીજીમહારાજને રૂપિયા આપ્યા. પછી શ્રીજીમહારાજે દાદાખાચર પાસે જ એ રૂપિયા ઉપડાવ્યા અને દીદીને કહ્યું, “લો આ રૂપિયા અને બ્રાહ્મણને આપો.” પણ દાદાખાચરના મનમાં એમ ન થયું કે દાન-પુણ્‍યને માટે તો સો રૂપિયા હોય. આટલા બધા શું કરશે ? એવા નિ:સંશય ભક્તને ભગવાન આધીન થઈ જાય છે.

શ્રીજીમહારાજ ગઢડામાં જીવાખાચરના દરબારમાં વિરાજમાન હતા. તે સમયે માગણના બે છોકરા શ્રીજીમહારાજ પ્રત્‍યે બોલ્‍યા કે, “બાપા, અમે ભૂખે મરીએ છીએ તે અમને કંઈ ખાવાનું આપો. આ કાળવર્ષમાં અમને ગામમાંથી કંઈ ખાવાનું મળ્‍યું નથી.” એટલે શ્રીજીમહારાજે બાજરાના ચાર જાડા રોટલા મગાવી તેમને આપ્યા. એ જોઈ છોકરા બોલ્‍યા કે, “આ ચાર રોટલા તો ઘણા મોટા છે. તે અમે બે જણ બે રોટલે ધરાઈ જઈશું અને બાકી બે રોટલા પછીથી ખાવા થશે. તમે તો અમને ન્યાલ કરી નાખ્‍યા.” એમ કહીને ઘણી વાર શ્રીજીમહારાજ સામે જોઈ રહ્યા અને પછી તે ગયા. એટલે શ્રીજીમહારાજે કહ્યું કે, “આ છોકરાને અમે રોટલા આપ્‍યા એથી અમારી ઉપર એમને ઘણું હેત થયું છે. માટે એ બે છોકરાનું કલ્‍યાણ થશે.”