સંવત ૧૯૪૮ની સાલમાં જેઠ મહિનામાં સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ અમદાવાદમાં મંદવાડ ગ્રહણ કર્યો. તેથી સંતો સેવા કરે, જમવાનું લાવે ને આગ્રહ કરે પણ થોડું જમે ને પાછા નેત્ર મીંચી જાય ને કહે, “આપણે તો ભગવાન રાખે તેમ રહેવું ને દેખાડે તે જોવું. જેવું મૂર્તિમાં સુખ છે તેવુ ક્યાંય નથી. તે સુખ પાસે આ લોકની તમામ વસ્તુ કચરા સમાન છે.” ‘વ્હાલા એ રસના ચાખણહાર કે છાશ તે નવ પીવે રે લોલ’ એમ કહી ઊંડા ઊતરી જાય.
આમ દિવસે દિવસે મંદવાડ વધારે દેખાડવા લાગ્યા. વળી તે વખતે કચ્છમાંથી સમાચાર આવ્યા જે વૃષપુરમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. આ સમાચાર મળતાં સ્વામીશ્રી ખૂબ ઉદાસ થઈ ગયા.
સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રી અને જીવનપ્રાણ બાપાશ્રીને એકબીજાના આવા માંદગીના સમાચાર મળે તો પાણી પણ પીવા ન રહે તેવું હેત હતું. બાપાશ્રીના મંદવાડના સમાચાર મળતાં સ્વામીશ્રીએ એકદમ કચ્છમાં જવા ઇચ્છા વ્યક્ત કરી પણ સેવકોએ “મંદવાડને લીધે નહિ જઈ શકાય” તેમ જણાવ્યું. તેથી પોતાના શિષ્ય ઈશ્વરચરણદાસજી પાસે ભૂજના મહંત સદ્. અક્ષરજીવનદાસજી સ્વામી ઉપર એક કાગળ લખાવ્યો જે, “વૃષપુરમાં જીવનપ્રાણ બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે તેવા ખબર અમને અહીં મળ્યા છે તેથી ઉચાટ થાય છે. તેવા પુરુષ મળવા ખૂબ દુર્લભ છે. સહેજે મળે તેવા નથી. શ્રીજીમહારાજે તેમને આપણા સુખ સારુ રખાવ્યા છે. માટે એમની સંભાળ રખાવશો. તેથી તેમનો ખાટલો ઘેર હોય તો મંદિરે લેવરાવી બે સાધુને સેવામાં મોકલજો.”
બીજો એક પત્ર વૃષપુર બાપાશ્રી ઉપર લખાવ્યો કે, “તમે મંદવાડ ગ્રહણ કર્યો છે તે જાણી અમને ઘણી ચિંતા થાય છે. તમારી સેવા માટે ભૂજથી બે સાધુ આવશે ને ખાટલો મંદિરમાં લેવરાવી સંતોને સેવા કરવા દેજો.”
સ્વામી અક્ષરજીવનદાસજીએ બે સાધુ બાપાશ્રીની સેવામાં મોકલ્યા ને ખાટલો પણ મંદિરમાં લેવરાવ્યો. પણ બાપાશ્રી તો મૂર્તિમાં ઊંડા ઊતરી ગયા ને સમાધિ જેવી સ્થિતિ થઈ ગઈ. તેથી સંતો મૂંઝાયા કે આપણે સેવા કરવા આવ્યા ને બાપાશ્રી તો ઊંડા ઊતરી ગયા, તેથી સેવા પણ કેવી રીતે કરવી ? એમ ધીરજ રાખી રાહ જોતાં દસ દસ દિવસ વીતી ગયા. તેથી સૌની ધીરજ ખૂટી ને સૌએ વિચાર્યું જે આપણને ખબર નહિ પડે ને આમ ને આમ બોલ્યા વિના ધામમાં જતા રહેશે તો આપણે કાંઈ પ્રાર્થના નહિ કરી શકીએ તેમજ આશીર્વાદ પણ નહિ લેવાય ! માટે જગાડવાનો કાંઈક ઉપાય કરીએ. તેમ વિચારી ખૂબ મોટેથી ધૂન બોલવા લાગ્યા તથા હલાવી બેઠા કરવા લાગ્યા.
થોડી વારમાં કૃપા કરી બાપાશ્રીએ નેત્ર ખોલ્યાં ત્યારે સૌએ પ્રાર્થના કરી જે, “આપ આમ ને આમ ધામમાં જતા રહો તો આશીર્વાદ-પ્રાર્થના વગેરે રહી જાય તેથી આપને જગાડ્યા.” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “અમે કાંઈ એવા પરતંત્ર નથી, સ્વતંત્ર છીએ. અમારે જવાનું થશે ત્યારે સર્વેના મનોરથ પૂરા કરીને જઈશું. માટે હવે અમને કોઈ જગાડશો નહીં. આવા સમાચાર ભૂજ મોકલ્યા ત્યારે સ્વામીએ કહેવડાવ્યું જે, “એ તો સ્વતંત્ર છે તેથી હવે કોઈ જગાડવાનું કરશો નહીં.” પણ સૌની ધીરજ ક્યાં સુધી રહે ! આમ વિચાર કરતાં બીજા સત્તર દિવસ થયા. તેથી ભૂજ અક્ષરજીવનદાસજી સ્વામીને સમાચાર મોકલ્યા, “હવે તો સૌની શ્રદ્ધા પણ ખૂટી છે ને જમાડવાની ના છે. વળી આ સમાધિનો કાંઈ અવધિ પણ નથી માટે કૃપા કરી આપ પધારો તો સારું.”
આ સમાચારથી સ્વામીનું હૃદય ભરાઈ આવ્યું. ને સંત-હરિભક્તોને બાપાશ્રીનાં દર્શન માટે જવું છે તેમ કહી રાત્રિએ ચાલ્યા તે વૃષપુર ઉતાવળા આવી સૌ દર્શન કરી ખાટલાના ફરતા બેઠા. પછી સ્વામીશ્રીએ ઘણી પ્રાર્થના કરી છતાં જાગ્યા નહીં. પછી આખી રાત બેસી રહ્યા ને સવારે ચાર વાગે બાપાશ્રી ઓચિંતાના ઊઠ્યા. પછી બાપાશ્રી બહુ જ ઉતાવળા મહારાજને પ્રદક્ષિણાઓ ફરવા મંડ્યા. કોઈએ હાથ ઝાલવા કહ્યું તોપણ ના પાડી. તેથી સ્વામીશ્રી તથા સર્વે ભક્તો સાથે પ્રદક્ષિણા ફરવા લાગ્યા. પછી પચીસ-ત્રીસ પ્રદક્ષિણાઓ ફરીને પચીસ-ત્રીસ દંડવત કર્યા ને ઘણી વાર પગે લાગ્યા. ને સિંહાસન પાસે બેઠા તેથી સંતો-હરિભક્તો પણ બેઠા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારો દાખડો નિષ્ફળ ગયો.” આ વચન સાંભળી સ્વામી અક્ષરજીવનદાસજીએ પૂછયું જે, “બાપા ! શું દાખડો નિષ્ફળ ગયો ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારે અક્ષરધામમાં જવા માટે શ્રીજીમહારાજ સાથે સત્તાવીસ દિવસની ચોવટ ચાલી પણ હા-ના, હા-ના કરતાં બહુ પ્રાર્થના કરી ત્યારે છેલ્લી વારે અમને લઈ જવાની મહારાજે હા પાડી.” પરંતુ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ કહ્યું જે, “હે મહારાજ ! તેમના દ્વારે તો અનંત જીવોના ઉદ્ધાર કરવાનો આપનો સંકલ્પ છે તેથી તેમના વતી મને લઈ જાઓ ને એમને રાખો તો સારું.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “ઠીક, એમ કરીશું.” પછી જીવનપ્રાણ બાપાશ્રીએ સૌને કહ્યું કે, “નાહી, પૂજા કરી, ઠાકોરજીને થાળ કરી મહારાજને જમાડો.” પછી સંતોએ થાળ કર્યા ને બાપાશ્રીએે સૌને રાજી કરવા થોડું જમાડ્યું.