મોટા જ મોટાને ઓળખે

સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીશ્રી એક વાર કચ્છમાં ભૂજ ખાતે પધાર્યા. તેમની સાથે મૂળીના સાધુ કૃષ્ણજીવનદાસજી, બાળકૃષ્ણદાસજી, ભક્તિપ્રિયદાસજી વગેરે હતા.

સ્વામીશ્રી ભૂજ પધાર્યા તેવા સમાચાર જાણી વૃષપુરથી બાપાશ્રી, માંડવીથી લક્ષ્મીરામભાઈ તથા દહીંસરા, નારાયણપુરા, રામપુર આદિ ઘણા ગામોના હરિભક્તો ભૂજ આવી પહોંચ્યા. સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી તો મહાસમર્થ અને પ્રતાપી હતા. કારણ કે તેમણે તો સમર્થ સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીને સેવેલા તેથી તેમાં શું કહેવાનું હોય ? અખંડ કથાવાર્તાના અખાડા ચાલતા. સભામંડપ આખોય સંતો-ભક્તોથી ઠસોઠસ ભરાયેલો રહેતો. અને મૂર્તિના સુખની નવીન નવીન ચમત્કારિક વાતો થતી. તથા સર્વોપરી ઉપાસના, સર્વોત્તમ મહિમાની વાતોનું ખૂબ સુખ મળતું; પણ બાપાશ્રી તો જાણે કાંઈ ન જાણતા હોય તેમ મૌન બેસી સાંભળતા.

જેમ ઝવેરી હોય તે હીરાને પારખી લે. મોટા જ મોટાને ઓળખી શકે, તેમ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી, અક્ષરજીવનદાસજી સ્વામી તથા લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ જેવા મોટા મોટા રાત્રે એકાંતે બેસી, શ્રીજીના રહસ્યજ્ઞાનની વાતો કરતા અને સાથે સાથે બાપાશ્રીની મોટપની પણ વાતો કરતા. તેથી સર્વત્ર સૌને ખૂબ આનંદ આનંદ જ વર્તતો. સ્વામીશ્રી સર્વેને ખાસ કહેતા જે, “શ્રીજીમહારાજ અને તેમના મુક્ત એ બે વડે જ કલ્યાણ છે. માટે આજ્ઞા-ઉપાસના દૃઢ રાખી તેમને રાજી કરી લેવા. એમના રાજીપા વિના ગમે એટલાં સાધન કરીએ પણ પૂરું ન થાય.”

વળી ક્યારેક તો સ્વામીશ્રી સ્પષ્ટતા કરતાં જણાવતા કે, “આ બાપાશ્રી છે તે શ્રી સ્વામિનારાયણ ભગવાન વતી અહીં દર્શન આપે છે. તેમનો એવો અપાર મહિમા છે. તેથી અમે પણ તેમનો જોગ-સમાગમ કરવા આવીએ છીએ. આવા સમર્થ છતાં એ કોઈને જણાવતા નથી. ઢાંકીને વર્તે છે. પરંતુ સૂર્ય ઊગે ત્યારે કોઈથી અજાણ્યું ન રહે. તેમ સારાય સત્સંગમાં સૌને પાછળથી ખ્યાલ આવશે. માટે અત્યારથી ખૂબ હેત રાખી તેમની સેવા કરી રાજી કરી લેજો.” એમ અપાર મહિમા કહી હરિભક્તો દ્વારા ચંદનપુષ્પથી બાપાશ્રીનું પૂજન કરાવતા. તેમ છતાં બાપાશ્રી તો કાંઈ બોલે કે વાત કરે જ નહીં. બસ, અખંડ મૂર્તિમાં જોડાઈને જ બિરાજ્યા હોય. તેથી સ્વામીશ્રી તેમની પાસે વાતો કરાવવા ક્યારેક સભામાં એવા એવા પ્રશ્નો પૂછે કે જેનો ઉત્તર આપવા માટે તો વાતો કરવી પડે. પરંતુ બાપાશ્રી તો બહુ જ ટૂંકમાં ઉત્તર આપી મૌન થઈ જતા.

તેથી સ્વામીશ્રીને તે ઇચ્છા રહ્યા કરે કે બાપાશ્રી કથાવાર્તાનો લાભ આપે તો સારું કે જેથી સંતો-ભક્તોને વિશેષ લાભ મળે અને સુખિયા થાય. છેલ્લે જ્યારે બાપાશ્રી ભૂજથી વૃષપુર જવા તૈયાર થયા ત્યારે સ્વામીશ્રી પાસે રજા માગી ને કહ્યું જે, “હવે આપ વૃષપુર ક્યારે પધારશો ? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “અમે વૃષપુર તો આવીશું પણ તમારે સંતો-ભક્તોને કથાવાર્તાનું સુખ આપવું પડશે. ત્યારે બાપાશ્રીએ કહ્યું, “ભલે, જેવી મહારાજની મરજી.” એમ કહી બાપાશ્રીએ જાણ્યું જે હવે તો વાતો કરવી જ પડશે. ત્યારથી બાપાશ્રીએ ધીરે ધીરે વાતો કરવાનું પ્રકરણ ચાલુ કર્યું.