પુષ્પ ૧
સંવત ૧૯૬૨માં સમૈયા પ્રસંગે વડતાલમાં જીવનપ્રાણ બાપાશ્રી કચ્છનો સંઘ લઈ પધાર્યા હતા. ત્યારે કાણોતરના બાપુભાઈએ આખી રાત પ્રદક્ષિણા ફરતાં, સંઘની ચોકી કરેલી તે સેવાથી રાજી થઈ બાપાશ્રીએ તેમને સંઘે સહિત કાણોતર પધારવા વચન આપેલું. પછી જ્યારે બાપુભાઈને દેહ મૂકવા જેવો અંતિમ મંદવાડ થઈ ગયો, ત્યારે તે હેતે સહિત બાપાશ્રી અને સદ્ગુરુઓને સંભારવા લાગ્યા. તે વખતે બાપાશ્રીએ આપેલા વચન પ્રમાણે, તેમને શ્રીજીમહારાજ અને બાપાશ્રીના સંઘે સહિત દર્શન થવા લાગ્યાં.
આ વખતે સદ્ગુરુશ્રી નળકંઠામાં ફરતા હતા. ત્યાં એમને પણ એવાં જ દર્શન થયાં. તેથી સભામાં પોતે કહ્યું કે, “મોટા મુક્તો બહુ દયાળુ હોય છે. પોતે જે વચન આપે તે દયા કરીને પૂર્ણ કરે છે. એ રીતે તેઓ સૌની સાર લે છે. ’’
દેવથળના ડાહ્યાભાઈ કે જે સદ્ગુરુશ્રીના અતિ કૃપાપાત્ર હતા. તેઓ ત્યાં હાજર હતા. તેમને સદ્ગુરુશ્રીએ ઉપરોક્ત વાતો કરી. પછી સદ્ગુરુશ્રીના કહ્યા મુજબ ડાહ્યાભાઈએ રૂબરૂ કાણોતર જઈ ખબર કાઢી તો વાત સાચી હતી. બાપુભાઈને અંત સમયે મહારાજ-બાપાશ્રીનાં સંઘે સહિત દર્શન થયાં હતાં.
તેથી ડાહ્યાભાઈ તો દિવ્યભાવે રાચવા લાગ્યા...!!
પુષ્પ ૨
વિ.સં. ૧૯૯૬માં મૂળીથી પુરાણી ધર્મકિશોરદાસજી, સ્વામી ભગવતસ્વરૂપદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તથા સંતદાસજી આદિ સંતો બાપાશ્રીનાં દર્શન-સમાગમ માટે કચ્છમાં ગયેલા.
એક દિવસ કાળી તલાવડીએ બાપાશ્રી સંતો સાથે નાહ્યા અને ઝાડના છાંયે બેસી, મૂર્તિસુખની વાતો કરી, ખૂબ સુખ આપ્યું. પછી મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા અને બોલ્યા જે, “આ વચન સત્ય માનજો. આજથી અમે તમારા જામીન છીએ. શાહુકારની હૂંડી હોય તે ફરે નહિ તેમ આ માનજો.” પછી બાપાશ્રીએ સદ્ગુરુશ્રીના મહિમાની વાત કરીને કહ્યું જે, “તમે દેશમાં જતી વખતે સૌપ્રથમ સદ્ગુરુ પાસે જજો.”
આ વચન પ્રમાણે સંતો સદ્ગુરુશ્રી પાસે ગયા અને દર્શન કરી સદ્ગુરુશ્રીને કહેવા લાગ્યા જે, “બાપાશ્રીએ અમોને તમારી પાસે મોકલ્યા છે અને કહ્યું છે કે સુખિયા કરજો.” ત્યારે સદ્ગુરુશ્રી બોલ્યા જે, “બાપાશ્રીએ તો ત્યાં જજો એટલું જ કહ્યું છે. પણ સુખિયા કરજો એવું ક્યાં કહ્યું છે ?”
ત્યારે સંતોએ જાણ્યું જે, “ સદ્ગુરુશ્રી તો દિવ્ય ભાવે બાપાશ્રીના ભેળા જ છે.”
પુષ્પ ૩
ગામ ભદ્રેશીના મોહનલાલ વણિક મૂળીમાં સદ્. શ્રી હરિનારાયણદાસજી સ્વામી પાસે આફ્રિકા કમાવવા જવા માટે રજા લેવા ગયા. સદ્ગુરુશ્રીએ ના પાડી અને કહ્યું, “મહારાજ દયાળુ છે. અહીં અનાજ આપશે, કાંઈ જવું નથી.” આ હરિભક્ત બીજા દિવસે કાંઈ કામકાજ અર્થે અમદાવાદ આવ્યા અને સદ્દગુરુશ્રીનાં દર્શન કરી પ્રાર્થના કરી જે, “આફ્રિકા જવું છે તો રજા આપો. આશીર્વાદ લેવા આવ્યો છું.” ત્યારે સદ્ગુરુશ્રીએ તેમને કહ્યું, “મોહનભાઈ ! ગઈ કાલે મૂળી મંદિરમાં સદ્. હરિનારાયણદાસજી સ્વામીએ તમને ના પાડી અને આજે અમે કઈ રીતે હા પાડીએ ?” “આ સાંભળી મોહનભાઈ તો સદ્ગુરુશ્રીના ચરણોમાં મસ્તક નમાવી, રાજી રહેવા પ્રાર્થના કરવા લાગ્યા.