વાર્તા ૧૬૮

વૈશાખ સુદ ૧૨ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૩૩મું વચનામૃત વંચાતું હતું, તેમાં મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણ પ્રકારના આશ્રયની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂઢપણું, પ્રીતિ ને સમજણ તેમાં મૂઢપણું ક્યારે કહેવાય; તો જ્યારે પોતાના વ્યવહારની ખબર પણ રહે નહિ ત્યારે મૂઢપણું ખરું કહેવાય. એમ કહીને પછી અમદાવાદના સોમા ભક્તને કહ્યું જે, તમારે મૂઢપણું છે ? ત્યારે તે કહે જે, હા બાપા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને પગાર કેટલો મળે છે તેની ખબર છે કે નહિ ? ત્યારે તે કહે જે, એ તો ખબર છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પોતાના વ્યવહારની ને દેહની બીજા ખબર રાખે, અને કુંડાળના કલા ભક્તની પેઠે ઉગમણા-આથમણાની ખબર પણ રહે નહિ ત્યારે ખરું મૂઢપણું જાણવું. મહારાજમાં ને મુક્તમાં પ્રીતિ થાય ને બીજે ક્યાંય પ્રીતિ ન રહે તે પ્રીતિનું લક્ષણ છે; તે પ્રીતિનો તો કાંઈક પત્તો લાગે ખરો, પણ મૂઢપણાનો પત્તો લાગે તેમ નથી. એ તો જ્યારે ભોજા ભક્ત જેવું થાય જે કોઈક મરી જાય તેની પણ ખબર રહે નહિ, અને પાટડીના નાગજીભાઈ કાકરવાડીએ નાહવા ગયા હતા, તે ક્યાંય બીજે રસ્તે ચઢી ગયા, તે ઝીણાભાઈને કૂવે જઈને બળદેશ્વર મહાદેવ આગળ પૂછ્યું જે, કાકરવાડીએ ક્યાં થઈને જવાશે ? પછી હરિજનો ત્યાં પહોંચાડી ગયા. તે જેને ઉગમણા-આથમણાની ખબર નહિ એવા છે, એવું થાય ત્યારે મૂઢપણું કહેવાય. અમારે અહીં કલ્યાણ ભક્ત હતા, તે અમદાવાદથી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પધાર્યા તેમને કહે જે, આ સ્વામિનારાયણ છે, પણ એવી ખબર નહિ જે આચાર્ય મહારાજ છે, આ મૂઢપણું કહેવાય. તેથી તો પ્રીતિનું અંગ કરવું તે સુગમ છે. પછી વાત કરી જે, આજ આ મુક્ત સખાભાવે વર્તે છે તો તમે બોલવા-ચાલવામાં, બેસવા-ઊઠવામાં, પ્રશ્ન-ઉત્તરમાં સુખ લો છો, એવું સુખ જો સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામી તથા સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના જેવી આકરી પ્રકૃતિ રાખી હોય તો ના આવે અને પ્રશ્ન પૂછવો પણ કઠણ થઈ પડે. આજ તો તમને સુખ આપવા સારુ સખાભાવે વર્તીએ છીએ. આ સભા બેઠી છે તે સ્થળ પણ પવિત્ર છે, તે જ્યારે અમે અદૃશ્ય થઈશું તે પછી પણ આ સ્થાનમાં દર્શન કરશે તેને આ સભા સાંભરી આવશે, ને ઘાટ-સંકલ્પ ટળી જાશે, ને ધ્યાન કરશે તેને મૂર્તિનું સુખ આવશે ને કામ, ક્રોધ, માન આદિ સર્વે અદૃશ્ય થઈ જશે, અને જ્યાં જુએ ત્યાં મૂર્તિ દેખાશે, એવો આ સ્થાનનો મહિમા છે. માટે આવા મોટાને પ્રસન્ન કરવા, અને અમારો સિદ્ધાંત શો છે તે જાણીને તે પ્રમાણે વર્તવું. મોટા મોટા વનમાં રહેતા તે કૂતરું ભસે તે પણ સંભળાય નહિ એટલા તો છેટે રહેતા, અને વૃક્ષને છાંયે પણ બેસતા નહીં. અને માખ-મચ્છર કરડે તે પણ સંભાળતા નહિ અને ભિક્ષા માગવા જાય તે ક્યારેક અન્ન મળે ને ક્યારેક ન મળે ને વસ્ત્ર પણ મળે નહિ એવી રીતે રહેતા; તેવો ખટકો રાખવો. આ વચનામૃત છે, તે ચિંતામણિ ને કલ્પતરુ જેવા છે તે જે વાતનો પ્રસંગ નીકળે છે તે જ વાત તેમાં આવે છે. આપણે પંચવિષયના અભાવની વાત કરતા હતા તે જ વાત આવી છે. શ્રીજીમહારાજનો રાજીપો જે પંચવિષયનો અભાવ કરે ને પુરુષપ્રયત્ન કરે તે ઉપર જ થાય છે અને પછી કૃપા કરે છે. માટે પંચવિષયનો અભાવ કર્યા વિના છૂટકો નથી; તે તો સો જન્મે કે હજાર જન્મે કે લાખ જન્મે પણ એનો અભાવ કર્યા વિના છૂટકો નથી. જો નહિ ટાળો તો ઓચિંતાની કેદ આવી પડશે ને નવ મહિના સુધી પાચ, પરુ, વિષ્ટા, મળ, મૂત્રમાં ઊંધે માથે રહેવું પડશે ને બારી કે વાયરો કાંઈ મળે નહિ એવું દુઃખ આવી પડશે. આજ ભગવાં લૂગડાં મૂકી દઈને ધોળાં પહેરવાં પડે તો આબરૂ આડી આવે, ને મરીને જન્મ ધરવો પડે તેમાં આબરૂ આડી ન આવે, તે સમજણ કેવી ઊંધી કહેવાય ? મોટાનો જોગ કરીને જો આજ્ઞા ન પાળે ને માયાના કાર્યમાં લેવાય તો મોટાને ખતરાવ્યા કહેવાય, કેમ કે બીજા સૌ અવગુણ લે જે મોટાનો જોગ કરે છે પણ એમ વર્તતા નથી એમ બીજા પાસે અવગુણ લેવરાવે તેનું પાપ લાગે. માટે બે વાનાંનો તો પ્રસંગ જ થવા દેવો નહીં. નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃત પ્રમાણે વર્તવું પણ તેમાં લેશમાત્ર ફેર પડવા દેવો નહીં. શ્રીજીમહારાજે ધાતુપાત્ર પણ રાખવાની ના પાડી છે, અને પોતાને નવરાવવા પણ કાષ્ઠના પાત્ર જે કઠારી, કટોરા તે આપ્યા છે ને સાધુને જમવા કાષ્ઠપાત્ર આપ્યાં છે. તેમાં ફેર ન પાડવો ને માયાના પેચમાં ક્યાંય આવવું નહીં. ચોખ્ખાચણક કુંદન જેવા થઈ રહેવું તો જ મહારાજ ને અમે રાજી થઈને સાથે ને સાથે રહીશું. માયા સન્મુખ તો થાવું જ નહિ, એને તો પૂંઠ દેવી પણ તેના સામું જોવું નહીં. શ્રીજીની પ્રસાદી પણ ચરણરજની કે પથ્થર-કાષ્ઠની લેવી, પણ ખાવા-પીવાની પ્રસાદીની ઇચ્છા રાખવી નહીં. ખાવાની, પ્રસાદીની ઇચ્છા રહે તે માયાનો મોહ છે તેથી ચરણરજની પ્રસાદી શ્રેષ્ઠ છે, માટે તે પ્રસાદી લેવી. ખાવાની, પ્રસાદી મહિમાએ સહિત તો લેવી પણ રસાસક્તિએ કરીને ન લેવી. જેમ પ્રકૃતિપુરુષના કાર્યમાંથી ને તેના વૈભવમાંથી લૂખા થાવું, તેમજ બ્રહ્મકોટિના ને અક્ષરકોટિના ઐશ્વર્યમાંથી ને એમના સુખમાંથી પણ લૂખા થાવું અને છેવટે શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તેમાં પણ સુખ ન માનવું. એક શ્રીજીમહારાજની મૂર્તિમાં જ સુખ માનવું ને હેત કરવું તો શ્રીજી ને મોટા રાજી થઈને કૃપા કરે અને પોતાના તુલ્યપણાને પમાડે. ।। ૧૬૮ ।।