એક વખત આપણા બાળ ઘનશ્યામ પ્રભુને ખૂબ ભૂખ લાગી. તેથી સુવાસિનીભાભીને જલદી જમવા આપવાનું કહ્યું. ભાભીએ કહ્યું, “ઘનશ્યામભાઈ ! આ રોટલી કરું છું, તે થઈ જાય એટલે ગરમ ગરમ રોટલી જમવા બેસી જાઓ.” આમ કહી સુવાસિનીભાભી રોટલીનો લોટ બાંધવા બેઠાં. એ સમયે પોતે આંગળીમાં પહેરેલી અંગૂઠી કાઢીને બાજુ પર મૂકી.
અને આપણા ઘનશ્યામે એક અલૌકિક લીલા શરૂ કરી. પોતે ભાભીને ખબર ન પડે તેમ ધીમે રહીને અંગૂઠી લઈ લીધી અને ઘરમાંથી છાનામાના છટકી જઈ પહોંચી ગયા ઉમરાવ હલવાઈની દુકાને.
દુકાને જઈને કંદોઈને અંગૂઠી બતાવીને કહ્યું, “બોલો હલવાઈ ! આની મીઠાઈ કેટલી આપશો ? હું ધરાઈને જમું એટલી મીઠાઈ આપવી હોય તો અંગૂઠી આપી દઉં.”
હલવાઈ એ કીમતી અંગૂઠી જોઈને લલચાઈ ગયો. ઘનશ્યામને પોતાની દુકાનમાં બેસાડ્યા અને દુકાનમાંથી મીઠાઈ કાઢીને એક થાળીમાં આપવા માંડી. એને એમ કે આ નાનું બાળક જમી જમીને શું જમવાનું છે ? પણ આ બાળક ન હતા, બાળપ્રભુ હતા.
પ્રભુ તો જમવા જ માંડ્યા. જમતા જાય, ઉદર ઉપર હાથ ફેરવતા જાય અને વારંવાર જળ ધરાવતા જાય. અને કંદોઈને કહેતા જાય, “લાવો, હજુ લાવો, હજુ તો અમે ખૂબ ભૂખ્યા છીએ. આપણી શરત છે કે હું ધરાઈ જાઉં ત્યાં સુધી તમારે આપવાનું.”
કંદોઈએ આપવા તો માંડ્યું, પણ ચિંતામાં પડ્યો કે, આ કેટલું જમશે ? મારી આખી દુકાન ખાલી કરી નાખી, હવે શું થશે ? પોતાના ભાઈની દુકાનમાંથી પણ મીઠાઈનો માલ લાવી આપ્યો છતાં ઘનશ્યામ તો ધરાય જ નહીં.
ક્યાંથી ધરાય ? પોતાની ભેળા રહેલા અનંત મુક્તોને પોતાની સાથે જમાડતા હોય ત્યાં અનંતનું પૂરું કેમ થાય ? ન જ થાય ને ? ન જ ધરાયને !
અંતે કંદોઈ થાક્યો. એની પાસે પ્રાર્થના સિવાય બીજું કાંઈ રહ્યું ન હતું. અને દીન થઈ ઘનશ્યામ પ્રભુને હાથ જોડીને કહ્યું, “હે ઘનશ્યામ ! આપ તો સાક્ષાત્ ભગવાન છો, દયા કરો. હવે મારી આબરૂ ન લો. મને આપેલા વચનથી ચલિત ન કરો. આપ કૃપા કરો અને ઘેર પધારો.”
ત્યાં તો ઘનશ્યામે ધરાઈ ગયાનો ઓડકાર ખાધો અને હસતાં હસતાં કંદોઈની દુકાનનો ઓટલો ઊતરી ગયા અને જલદી જલદી ઘેર પહોંચ્યા. આ બાજુ ઘેર ભક્તિમાતા, સુવાસિનીભાભી, રામપ્રતાપભાઈ તથા ધર્મપિતા અંગૂઠીની શોધાશોધ કરી રહ્યાં હતાં. ક્યાંય જડતી નહોતી. એટલામાં ઘનશ્યામ પ્રભુ ઘેર આવ્યા. માતાપિતાએ કહ્યું, “હે ઘનશ્યામ ! તમે અંગૂઠી લીધી હોય તો આપી દો. શા માટે શોધાવો છો ?” ઘનશ્યામ પ્રભુ તો અજાણ્યા થઈ ગયા. જાણે પોતાને કાંઈ ખબર જ ન હોય તેમ બધાંની સાથે સાથે શોધાવવા માંડ્યા.
પણ ઇચ્છારામભાઈએ ધીમે રહીને ધર્મપિતાને કહી દીધું, “આ ઘનશ્યામભાઈએ જ અંગૂઠી લીધી છે. મેં તેમને લેતા જોયા છે. પણ માનતા નથી.”
રામપ્રતાપભાઈ તથા ધર્મપિતા ઘનશ્યામ પ્રભુ પર ખૂબ અકળાઈ ગયા. ત્યારે ઘનશ્યામ પ્રભુએ કહ્યું, “ચાલો મારી સાથે.” અને ગામમાં આવેલી હલવાઈની દુકાને તેઓ આવી પહોંચ્યા અને ઘનશ્યામ તો રડવા જેવા થઈ જઈ હલવાઈને કહેવા લાગ્યા :
“મારી અંગૂઠી પાછી આપો, મને વઢે છે મારો બાપો.”
ત્યારે આ કંદોઈ તો આભો જ બની ગયો અને કહેવા લાગ્યો કે, “મારો આટલો બધો મીઠાઈનો માલ ખાઈ ગયા અને પાછા અંગૂઠી લેવા આવ્યા છો ? શરમ નથી આવતી ?”
હસતાં હસતાં ઘનશ્યામ બોલ્યા, “જો તમારો મીઠાઈનો માલ મેં બગાડ્યો હોય તો ના આપશો પણ પહેલાં દુકાનમાં તપાસ તો કરો.”
આમ કહેતાં જ આખીયે દુકાન જેમ હતી તેમની તેમ માલસભર થઈ ગઈ.
હલવાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયો. તેને ઘનશ્યામમાં ભગવાનપણાનો નિશ્ચય વધુ દ્રઢ થયો. તેણે બધી વાત ધર્મદેવને કરી અને તેમની માફી માગી અને અંગૂઠી પાછી આપી.
કેવું અદ્દભુત ચરિત્ર ! જમે, પણ ઓછું થવા દે નહિ એનું નામ જ ભગવાન. એવા સાક્ષાત્ ભગવાન ઘનશ્યામ પ્રભુ આપણને મળ્યા તે આપણા પર કેવી કૃપા !