ભૂતોનો મોક્ષ

છપૈયા પાસે તીનવા નામનું ગામ હતું. છપૈયામાંથી નવાબની હેરાનગતિને લીધે ધર્મપિતા અને ભક્તિમાતા ઘરની ઘરવખરી ભરી આ તીનવા ગામે આવીને રહેલાં. ત્યાં તેમના સંબંધી પ્રથિત પાંડેના ઘેર જઈને રહ્યાં. પ્રથિત પાંડેનાં ધર્મપત્ની વચનાબાઈને આપણા ઘનશ્યામ પ્રભુ બહુ વહાલા હતા. તે ઘનશ્યામને જમાડવા, રમાડવા, હસાવવા એમ ખૂબ સેવા કરતાં. થોડા દિવસમાં તો ભક્તિમાતા અને વચનાબાઈ વચ્ચે પણ ખૂબ સ્નેહ બંધાયો.

ક્યારેક ભક્તિમાતા ગામના કૂવે પાણી ભરવા જતાં. વચનાબાઈએ ભક્તિમાતાને ચેતવેલા કે એ કૂવે ક્યારેય સાંજ પડ્યા પછી પાણી ભરવા ન જવું. કારણ કે તે કૂવામાં હજારો ભૂતોનું રહેઠાણ છે. છતાં ભક્તિમાતા એક દિવસ ભૂલથી સાંજે પાણી ભરવા ગયાં.

દોરડું બાંધીને ઘડો કૂવામાં ઉતાર્યો અને ભક્તિમાતા ઘડો ઉપર ખેંચે તે પહેલાં અંદર રહેલાં ભૂતોએ ઘડો પકડી લીધો. ભક્તિમાતાને એ જ વખતે વચનાબાઈએ આપેલી ચેતવણી યાદ આવી. તેઓ ડરી ગયાં અને હાથમાંથી દોરડું મૂકી દઈ ઉતાવળા ઘેર આવ્યાં.

આપણા ઘનશ્યામને આ વાતની ખબર પડી. પછી તો પૂછવું જ શું ? અધમ, પતિત, પાપી, નીચ, પાત્ર અને કુપાત્ર સૌનું જ્યારે કલ્યાણ કરવા જ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે ત્યારે કોણ તેમની કૃપાદૃષ્ટિથી બાકાત રહી જાય ?

સૂર્ય પ્રકાશે ત્યારે શું મોટા મહેલો ઉપર જ તેનો પ્રકાશ પડે ? ઝૂંપડાં ઉપર ન પડે ? એમ, આ સર્વોપરી સ્વયં ભગવાન પ્રગટ થયા છે તો ભૂતોને પણ તેનો લાભ મળવો જોઈએ ને ?

બીજે દિવસે આપણા ઘનશ્યામ તો પહોંચી ગયા કૂવા ઉપર અને ગામના લોકો ના... ના... કરતા રહ્યા અને ઘનશ્યામ તો પડ્યા કૂવામાં.

બહાર ઊભેલા સૌ ચિંતાતુર બની ગયા. જ્યારે માંહી કૂવામાં ઘનશ્યામ પ્રભુ પડ્યા કે તુરત તેમની દિવ્ય મૂર્તિમાંથી તેજ... તેજ... તેજ... નીકળવા લાગ્યું. સૂતેલાં ભૂતો જાગી ગયાં અને તેજમાં બળવા લાગ્યાં.

 આ ભૂતો પર કેટલી કૃપા કે એમને ઘનશ્યામ પ્રભુનાં દર્શન થયાં ?

ત્રાસ પામેલાં ભૂતોએ બે હાથ જોડી ઘનશ્યામ પ્રભુને પ્રાર્થના કરવા માંડી :

“હે ભગવાન ! અમને બચાવો. ઘણાં વર્ષો પહેલાં અમે દારૂ પીતાં, જુગાર રમતાં, માંસ ખાતાં, ચોરી કરતાં, જુઠ્ઠું બોલતાં... આવાં અનંત પાપોથી ભરેલાં હતાં. એ પાપને પરિણામે અમે સૌ આ ભૂતયોનિને પામ્યાં. અમે ખૂબ દુ:ખી છીએ. માટે હે દયાળુ ભગવાન ! અમારાં પાપને બાળી દઈ અમારો ઉદ્ધાર કરો.”         

આપણા ઘનશ્યામ પ્રભુ તો દયાળુ જ છે ! સાચા ભાવથી ગમે તે પ્રાર્થના કરે તો ઘનશ્યામ જરૂર સાંભળે છે. આ ભૂતોની પ્રાર્થના પણ સાંભળી. અને દયાસાગર ઘનશ્યામે ભૂતો ઉપર પાણીની અંજલી છાંટી તેમનાં પાપ બાળી નાખ્યાં. અને બહાર ટોળે મળેલા માણસોના દેખતાં સૌને ધામમાં મોક્લ્યાં.

જે જળમાં પોતે નાહ્યા, પોતાના ચરણ મૂક્યા તે જળ પણ જે પીએ તેનો મોક્ષ થાય જ ને !         

વાહ, પ્રભુ વાહ ! ઘનશ્યામ શું તમારી દયા !