પોતાનાં માતાપિતાને દિવ્યગતિ પમાડી, તેમની ઉત્તરક્રિયા છપૈયામાં પતાવી રામપ્રતાપભાઈ અને ઘરના સૌ જનો સાથે ઘનશ્યામ હવે અયોધ્યા રહેવા આવ્યા.
પણ હવે ઘનશ્યામે પોતાના સંકલ્પને જલદી સાકાર સ્વરૂપ આપવાનો નિર્ધાર કર્યો. પોતે વિચાર્યું કે, અમો ફક્ત આ છપૈયાવાસી અને અયોધ્યાવાસીને જ સુખિયા કરવા નથી આવ્યા. પરંતુ અમારે તો પશુ-પક્ષી, ઝાડ-પાન, નદી-તળાવ, વન-પર્વત અને અનેક મુમુક્ષુઓમાં અમારી સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવી છે. અને એ રીતે જીવને અમારા સર્વોપરી, એક અને અદ્વિતિય એવા અક્ષરધામની પ્રાપ્તિ કરાવવી છે. એટલું જ નહિ પણ વૃદ્ધિ પામતા કળિયુગમાં ચારેબાજુ જ્યારે આસુરી માયાએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે ત્યારે અમારે એકાંતિક ધર્મની સ્થાપના કરી મુમુક્ષુજનોને અસુરો થકી મુક્ત કરવા છે.
અને આ કાર્ય ઘેર બેસી રહ્યે કેમ થઈ શકે ? તે માટે ઘર છોડવું પડશે. અને એ વિચારે મહાપ્રભુને હવે કોઈ એવા સમયની તક શોધતા કરી દીધા હતા. એમાં એક દિવસ ઘનશ્યામને તક મળી પણ ગઈ. સવારે અયોધ્યામાં મંદિરે દર્શન કરી ઘનશ્યામ જ્યારે પાછા ફરતા હતા ત્યાં વચ્ચે ઉપવનમાં કેટલાક આસુરી મલ્લોએ ઘનશ્યામને ઘેરી લીધા. ઘનશ્યામ તો સ્વયં ભગવાન હતા. તેમને કોણ શું કરી શકે ? ઘનશ્યામે તો એક એક મલ્લને પકડી જેમ દડો આકાશમાં ઉછાળે એમ ઉછાળીને ફેંક્યા-પછાડ્યા કે જેથી મલ્લોનાં તો હાડકાં ભાંગી ગયાં.
ઘનશ્યામ તો આ લીલા પતાવી ચૂપચાપ ઘેર આવી ગયા. પણ પાછળથી બધા મલ્લોનાં સગાંસંબંધીઓએ આવી રામપ્રતાપભાઈને ઘનશ્યામના આ ચરિત્ર માટે ફરિયાદ કરી. જેથી મોટા ભાઈ ઘનશ્યામ પર ખૂબ ગુસ્સે થયા અને ઠપકો આપ્યો કે, “ઘનશ્યામ, હવે માતાપિતા ધામમાં ગયાં છે ને જો ગામમાંથી ફરિયાદો આવશે તો એ હું નહિ ચલાવી લઉં... માટે બરાબર સુધરી જાવ.”
અને બસ એક જ વાક્યમાં ઘનશ્યામે માર્મિક જવાબ આપી ગંભીરતા ગ્રહણ કરી લીધી. “મોટા ભાઈ, હવે પછી મારી એક પણ ફરિયાદ નહિ આવે.” અને રાત્રે વાળુ કરી સૂઈ ગયા. કોઈને પોતાના તાત્કાલિક ગૃહત્યાગ કરવાના દૃઢ સંકલ્પનો સહેજ પણ અણસાર સરખોય આવવા ન દીધો.
અને સંવત ૧૮૪૯ના અષાઢ સુદ ૧૦ની વહેલી સવારે ૪ વાગ્યે ઊઠી ધીમે રહી પોતાની સાથે લેવાનો સામાન લઈ બધાને સૂતા મૂકી સરયૂ નદીમાં ન્હાવાના બહાને ચાલી નીકળ્યા. તે વખતે ઘનશ્યામે કટિના ભાગ ઉપર મુંજની મેખલા અને કૌપીન ધારણ કર્યાં હતાં. ઉપર એક આચ્છાદન વસ્ત્ર ધારણ કર્યું હતું. ખભા ઉપર એક મૃગચર્મ લીધું હતું. બાળમુકુંદનો બટવો, તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરી હતી. સત્શાસ્ત્રોના સારરૂપી એક ગુટકો અને જલગરણાં સહિત કમંડલ હસ્તમાં ધારણ કર્યાં હતાં. ડાબે સ્કંધે જનોઈ અને વિશાળ ભાલમાં ચંદ્ર-તિલક શોભી રહ્યાં હતાં. એવા બાળબ્રહ્મચારી વેશે ઝરમર... ઝરમર વરસતા વરસાદમાં સરયૂ નદીને કિનારે આવીને પોતે બિરાજ્યા. નદીમાં બંને કાંઠે પૂર આવેલું જેથી કોઈ નાવની રાહ જોઈ રહ્યા હતા. એમાં આસુરી મતિવાળા એક કૌશિક નામના રાક્ષસને જાણ થતાં ઘનશ્યામનો નાશ કરવા પાછળ આવી ઘનશ્યામને ધક્કો મારી સરયૂના વહેતા નીરમાં ફંગોળી દીધા. ઘનશ્યામ પ્રભુ તો પાણીમાં તણાવા લાગ્યા. અસુર તો રાજી થતો થતો પોતાના મિત્રોને આનંદના સમાચાર આપવા દોડ્યો. પણ એ અસુરને ક્યાં ખબર હતી કે આ તો અનેક ડૂબતાને બચાવવા આવ્યા છે તે પોતે કેમ ડૂબે ?
આ બાજુ... સવારમાં મોટા ભાઈ અને પ્રેમમૂર્તિ સુવાસિનીભાભી ઊઠ્યાં. જોયું તો ઘનશ્યામ ન મળે. જાણ્યું કે કદાચ વહેલા ન્હાવા ગયા હશે. તેથી બહુ ચિંતા ન કરી. પણ બપોર થયો. રામપ્રતાપભાઈ ખેતરેથી ઘેર આવ્યા તોય ઘનશ્યામ હજુ આવ્યા નહોતા. ભાભીએ બધા મિત્રોને પૂછ્યું. આજુબાજુના બધા સગાંસંબંધીને ઘેર તપાસ કરી. પણ વ્યર્થ ! ઘનશ્યામ... ઘનશ્યામ... કરતાં ભાભી તો આક્રંદ કરવા લાગ્યાં. રાત સુધી સરયૂને કિનારે, જાંબુવનમાં, આજુબાજુના ગામોમાં બધે તપાસ કરી પણ ઘનશ્યામ ન જ મળ્યા.
નિર્દોષ નાના ઇચ્છારામભાઈ, મોટા રામપ્રતાપભાઈ, બાળસખા વેણી, માધવ, પ્રાગ, મામા, માસી તથા અન્ય ગ્રામજનો બધાં ઘનશ્યામના વિયોગથી અતિશે વિલાપ કરી રહ્યાં હતાં. અને સૌથી વધુ તો ભાભી સુવાસિનીબાઈને દુ:ખ હતું. તેમને ઘનશ્યામમાં અપાર હેત હતું. જેથી “અરેરે... મારા ઘનશ્યામનું શું થયું હશે... ? વનમાં એમને હિંસક પ્રાણીઓએ કંઈ કરી તો નહિ નાખ્યું હોય ને ? અરેરે... આ મોજડીઓ અને કપડાં તો તેમનાં મૂકીને ગયા છે. ટાઢ, તડકો તેમનાથી કેમ સહન થશે ? એમને જંગલમાં જમાડશે કોણ ? એમના કોમળ ચરણમાં કાંટા વાગશે તો કોણ કાઢશે ? હે નાથ ! ભાભી... ભાભી... કરી ગરમ ગરમ રોટલી કરાવીને જમનારા તમને વનમાં ફળ-ફૂલથી કેમ ચાલશે ? હે ઘનશ્યામ ! તમે તો સર્વના નિયંતા છો. અનેક ભક્તોના આધાર છો એટલે અમ જેવા તમને અનેક મળશે. પણ... પણ... હે મારા લાડકવાયા ઘનશ્યામ ! અમારાથી તમારો વિયોગ કેમ સહન થશે ? હે નાથ ! અમારા વાંક-ગુનાને માફ કરો અને દયા કરી પાછા પધારો... પાછા પધારો...”
આમ, સુવાસિનીભાભી હૈયાફાટ રુદન કરી પ્રભુને પ્રાર્થી રહ્યાં હતા. પણ... ધણીનો કોઈ ધણી છે ? એમનો સંકલ્પ અફર હતો. એક-બે, ચાર કે પાંચ-પચીસના વિયોગમાં હજારો-લાખો અને કરોડોનો સંયોગ હતો. થોડાનાં દુ:ખમાં ઝાઝાનું સુખ હતું. એટલે ભયહારી ભગવાને મહાભિનિષ્ક્રમણ કર્યું અને વનની વાટ પકડી.
અને હવે ઘનશ્યામમાંથી પ્રભુ વનમાં ફરતા જોગી બન્યા. મસ્તકે જટા ધારણ કરી હતી. એકવડિયું દિવ્ય તન હતું. પોતાના આશ્રિતજનોને તપની રીત શીખવવા માટે ખરેખરું આકરું તપ આદર્યું હતું.