જ્યારથી ઘનશ્યામને યજ્ઞોપવીત ધારણ કરાવ્યું ત્યારથી કોણ જાણે કેમ પણ ઘનશ્યામ કંઈક ઊંડા ઊંડા વિચારોમાં કેટલીય વાર ગરકાવ થઈ જતા.
છપૈયાના પાદરમાં એક પીપળાનું ઝાડ કે જ્યાં મિત્રો સાથે ઘનશ્યામ રમવા જતા. તેની ઊંચી ડાળ પર ચડી કેટલીય વાર ઘનશ્યામ પશ્ચિમ દિશા તરફ અનિમેષ નજરે જોતા બેસી રહેતા. ‘એ બાજુ શું જુઓ છો ?’ તેમ કોઈ પૂછે તો તેને પોતાનો આખરી નિર્ણય માર્મિક ભાષામાં કહી પણ દેતા. “મિત્રો અહીંથી હજારો ગાઉ દૂર ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ કે જ્યાંના મુમુક્ષુઓ મને પોકારી રહ્યા છે. જ્યાં મારે સદાય રહેવાનું છે ત્યાં તેમનાં દર્શન કરું છું. એ મને તલસે છે અને હું એમને તલસું છું.”
આમ, પ્રભુ સાચેસાચું કહી દેતા. પણ... પણ... કોને એવો સ્વપ્નેય ખ્યાલ હોય કે બાળમિત્ર બનીને સુખ આપતા ઘનશ્યામ એક દિવસ નિર્દય બનીને જતા રહી આ સુખને છીનવી લેવાના છે. અને પોતાના પ્રયાણમાં પ્રગતિ થાય તેવા સંજોગો પ્રભુ ઊભા કરવા લાગ્યા.
અગિયાર વર્ષની ઉંમર થઈ એવામાં ભક્તિમાતાને ખૂબ તાવ આવવા લાગ્યો. દિવસે દિવસે વૃદ્ધાવસ્થાને લીધે શરીર નબળું પડતું જતું હતું. અને... એક દિવસ ભક્તિદેવીને જાણે ધામમાં જવાનો અણસાર આવી ગયો હોય તેમ પોતાના ત્રણેય પુત્રો અને સુવાસિનીબાઈને પાસે બોલાવી કહેવા માંડ્યાં :
“હે રામપ્રતાપભાઈ, હવે હું વધુ રહી શકીશ એવું લાગતું નથી. તમે અને સુવાસિની આ ઘનશ્યામને અને ઇચ્છારામને સાચવજો. ઘનશ્યામ સાક્ષાત્ ભગવાન છે. તેમની દિવ્યભાવથી સેવા કરજો. તેમને રાજી રાખજો.” એમ બોલતાં બોલતાં ઘનશ્યામ પ્રભુએ તેજોમય દર્શન આપી પોતાની દિવ્ય મૂર્તિના અવિચળ સુખમાં ભક્તિદેવીને સંલગ્ન કરી દીધાં.
સૌ સગાંસંબંધીઓએ મળી ભક્તિદેવીનો સંસ્કારવિધિ કર્યો.
અને હજુ જ્યાં ભક્તિદેવીના વિયોગનું દુ:ખ બધાને થાળે નહોતું પડ્યું ત્યાં તો છ મહિનાના જ અંતરે ધર્મદેવે લીલા ચાલુ કરી. તેઓ પણ ખૂબ લેવાઈ ગયા હતાં. ઘનશ્યામને પાસે બેસાડી તેમના સ્વરૂપનું જ્ઞાન સાંભળતા અને દૃઢ કરતા હતા. એક દિવસ ઘરનાં બધાંને બોલાવી ઘનશ્યામ તથા ઇચ્છારામની ભલામણ કરી, સંપીને સૌને રહેવાની આજ્ઞા કરી. અને... અને... અનંતને સુખિયા કરવા આવેલા સુખપતિ ઘનશ્યામ પ્રભુએ ધર્મદેવની ચિત્તવૃત્તિનો સંકેલો કરાવી પોતાના દિવ્ય સ્વરૂપમાં લીન કરી દીધા અને અલૌકિક-અનુપમ સુખમાં જોડી દીધા.
સૌના શોકનો પાર ન હતો છતાંય ભારે હૈયે બધી વિધિ પતાવ્યા સિવાય છૂટકોય ન હતો. તેથી વિધિપૂર્વક અંતિમક્રિયા પતાવી સૌને યથાયોગ્ય દાન આપ્યાં.
આમ, ઘનશ્યામ પ્રભુએ પોતાના અવતરણ કાર્યનો આરંભ કરવા જાણે રસ્તો ચોખ્ખો કરી દીધો.