ન કહેવાય ન સહેવાય

એક વખત બાળપ્રભુ ઘનશ્યામ પોતાના સખાઓને લઈ છપૈયાની નજીક આવેલા નરેચા ગામ પાસેના જાંબુડાના વૃક્ષ પરનાં જાંબુ ખાવા માટે ગયા. ઘનશ્યામને જાંબુ બહુ ભાવતાં એટલે ઘનશ્યામ તો સહુ પહેલાં દોડતાં જાંબુડાના વૃક્ષ પાસે પહોંચી ગયા ને પાછળ આવતા બીજા મિત્રોને બૂમ પાડી કે, “મિત્રો, જેને જાંબુ બહુ ભાવતાં હોય ને બહુ ખાવાં હોય તે દોડો.” એમ કહી જાંબુડાની ડાળને ખૂબ જોરથી હલાવવા માંડી એટલે નીચે જાંબુફળનો ઢગલો થવા લાગ્યો.

મિત્રોના આંનદનો પાર ન હતો. એમાં વળી જાણે ઘનશ્યામ તો જાંબુડાના માલિક ન હોય તેમ કહેતા હતા, “હે મિત્રો, તમારાથી જેટલાં જમાય એટલા નિરાંતે શાંતિથી જમો અને તમતમારે વિના સંકોચે ફાંટ્યો ભરી ભરીને ઘેર લઈ જજો.” પછી તો પૂછવું જ શું ? સૌ હોંશે હોંશે જાંબુડા ખાવા અને ઝોળીઓ ભરવા મંડ્યા.

એવામાં તેના રખેવાળને ખબર પડી એટલે તે તો લાકડી લઈને બૂમો પાડતો ત્યાં આવી પહોંચ્યો. બીજા મિત્રો તો રખેવાળને થાપ આપીને ભાગી ગયા. પણ સૌના નેતા સમાન ઘનશ્યામ પ્રભુને રખેવાળે પકડ્યા.

પણ ઘનશ્યામ પ્રભુ ક્યાં કોઈથી પકડાય એવા હતા. એમણે તો જેવા પોતાના હસ્ત લાંબા કરી રખેવાળ તરફ કર્યા ત્યાં તો તે ચકરી ખાઈને જમીન પર ફંગોળાઈ ગયો. ખભામાંથી એક હાથ ઊતરી ગયો અને મૂર્છાવશ થઈ ગયો.

ઘનશ્યામની સાથે સૌ મિત્રો ગામમાં અને પોતપોતાના ઘરમાં છાનામાના પેસી ગયા. બીજી બાજુ રખેવાળ મૂર્છામાંથી ભાનમાં આવ્યો. અને કષ્ટ સહન કરતો ઝોળીમાં હાથ નાખી ધર્મદેવને ઘેર આવ્યો. વ્યાકુળ મને ધર્મદેવને એણે ફરિયાદ કરી કે, “હે ધર્મદેવ ! આ તમારા પુત્રને તમે ઘરમાં પૂરી રાખો તો ઘણું સારું. આજે મારા ખેતરમાં બધા મિત્રો સાથે પેસી જઈ ઘણાં જાંબુ ખાધાં અને બગાડ્યાં છે. એટલું જ નહિ પરંતુ તમારા તોફાની ઘનશ્યામે મારો આ એક હાથ પણ ભાંગી નાખ્યો છે”

રામપ્રતાપભાઈ અને ધર્મપિતાએ તો આવું સાંભળી આ રામચરણ કોટવાળનો ઊધડો જ લઈ નાખ્યો.

“અલ્યા મૂરખ, આ છોકરાએ તારાં જાંબુ ખાધાં હશે તે તો મનાય. પણ તું કહે છે કે મારો હાથ ભાંગી નાખ્યો તે તને આવી ખોટી ખોટી ફરિયાદ કરતાં શરમ નથી આવતી ? તું મોટો ૩૫ વર્ષનો પંજાબી જેવો કદાવર આદમી અને તારો હાથ મારા બાળ ઘનશ્યામે ભાંગી નાખ્યો એવી તારી વાત શી માન્યામાં આવે ? તું આવી વાત કોઈને કરતો નહિ; નહિ તો તારી આબરૂ જશે.”

બિચારો રામચરણ તો બરાબરનો મૂંઝાયો. કારણ કોઈને મનાય એવું ન હતું. તેથી ન તો કહેવાય એવું હતું. પણ દુખાવો ખૂબ હતો તેથી સહ્યું સહેવાય એવું ન હતું. અને પરિણામે કીધા વગર રહેવાય એવું નહોતું. પણ દુ:ખની વાત હતી કે કોઈને મનાય એવું ન હતું.

પણ... ભગવાન તો ગરીબનિવાજ છે, ભક્તવત્સલ છે, દિલના દરિયાવ છે. અનેકનાં દુ:ખો ટાળવા માટે પધાર્યા હતા તે કોઈને દુ:ખી કરે ખરા ? ઘરમાં છુપાઈને બધું સાંભળતા ઘનશ્યામ ઘરમાંથી એકદમ બહાર આવ્યા અને રામચરણને કહ્યું, “શું થયું ? લાવ બતાવ તારો હાથ !” એમ કહી જેવો સ્પર્શ કર્યો તેવો હાથ પાછો યથાવત્ થઈ ગયો. રખેવાળ તો મનમાં ઘનશ્યામને વિષે ભગવાનપણાનો નિશ્ચય કરી આ અદભૂત ચરિત્રની સ્મૃતિ કરતો કરતો ઘર તરફ વળ્યો.

પોતાનાં ચરિત્રોને આવી રીતે ગમે તેમ કરી કોઈ યાદ રાખે તોય તેને દેહાંત સમયે પોતાના દિવ્ય ધામની પ્રાપ્તિ કરાવવા માટે જ ભગવાન આવા મનુષ્ય ચરિત્ર કરતા હતા.