એક વખત ભક્તિમાતા બાળ ઘનશ્યામને પોતાના ખોળામાં રાખી ઓસરીમાં બેસી સ્તનપાન કરાવતાં હતાં. ઘનશ્યામનું મુખ તો સદાય હસતું જ રહેતું. આમ પોતે હસતાં અને હસાવતાં ખોળામાં રમી રહ્યા હતા. એવામાં બાજુમાંથી એકદમ એક ચકલી ઊડી. અને એમાં તો નાનકડા ઘનશ્યામ જાણે ભડક્યા. આ જોઈ ભક્તિમાતા ચકલીને વઢવા લાગ્યાં કે, “અરે ચકલી ! તેં મારા ઘનશ્યામને બિવડાવ્યા ? હવે જો હું તને ઘરમાં નહિ પેસવા દઉં. ખમ્મા મારા બાપલા ! ડરશો નહિ હોં. એ ચકલીની હવે હું ખબર લઈ નાખીશ.” એમ કહી ઘનશ્યામના વાંકડિયા કાળા કેશ ઉપર હાથ ફેરવવા લાગ્યાં.
ત્યાં તો ભક્તિમાતાના આશ્ચર્ય વચ્ચે બે માસના ઘનશ્યામ પ્રભુ બોલ્યા, “હે માતા ! આપ ભૂલો છો, અમે એવા બીકણ નથી કે નાની એવી ચકલીથી ડરી જઈએ !” ત્યારે ભક્તિમાતા બોલ્યાં કે, “હે વીરા ! મારા લાલ ! તમો કોણ છો તે ન બીઓ ? ”
ત્યારે કાલી કાલી ભાષામાં ઘનશ્યામ પ્રભુએ પોતાની માતાને વિસ્મય પમાડતા થકા કહ્યું કે, “અમે તો સર્વ અવતારના અવતારી, સર્વોપરી, સાક્ષાત્ ભગવાન છીએ. સૌના કારણ અને નિયંતા છીએ. આપનું બોલવું કે ચકલીનું ઊડવું એ પણ અમારી ઇચ્છાથી થાય છે. માટે અમારામાં બાળકભાવ ન પરઠશો. જુઓ, અમે કેવા તેજોમય છીએ !” એમ કહી પ્રભુએ પોતાની માતાને તેજ તેજના અંબારમાં દિવ્ય દર્શન કરાવ્યાં. અને થોડી જ વારમાં પોતાની બધી સામર્થી ઢાંકી દઈ વળી પાછા માતાના ખોળામાં પૂર્વવત્ રમવા લાગ્યા. ધર્મપિતા, ભક્તિમાતા આવાં ઘણાં ચરિત્રો જોતાં, આનંદ પામતાં અને ભગવાનપણાનો નિશ્ચય કરતાં. છતાં પ્રભુની ઇચ્છાથી પાછા ક્યારેક વીસરી પણ જતાં.
એક વખત ઘનશ્યામ પૂનમની અજવાળી રાતે પારણિયાંમાં પોઢ્યા હતા. ચાંદનીનું શીતળ, શાંત અને શ્વેત અજવાળું બધે પ્રકાશી રહ્યું હતું. ઘરમાં માતાપિતા, ભાઈ બધાં ભર ઊંઘમાં હતાં.
એવામાં મધ્યરાત્રિએ પ્રભુ જાગી ગયા. ભીંતમાં આવેલી ઊંચી જાળીમાંથી ચાંદાનો પ્રકાશ ઘનશ્યામના મુખ પર પડતો હતો. તેથી ઘનશ્યામને આજે ચાંદા સાથે રમવાનું મન થયું. ચાંદા પર કેવી કૃપા કે આવા સર્વોપરી ભગવાન તેને પોતાની સાથે રમાડવાનો સંકલ્પ કરે ! અને ઘનશ્યામે પારણિયાંમાં સૂતાં સૂતાં હસ્તકમળ લાંબો કરી ચાંદાને પકડી, ખેંચી પોતાની પાસે બોલાવી લીધો. આજે ચાંદાને આનંદનો પાર નહોતો. તેથી નાના બાળક જેવો થઈ તે પ્રભુની સાથે રમવા લાગ્યો. ઘનશ્યામના કોમળ ચરણના બંને અંગૂઠાઓને મુખમાં લઈ ચૂસવા લાગ્યો.
આમ તો જેમ સૂર્યના પ્રકાશમાં નાનકડા ટમટમિયાની કોઈ ગણતરી ન હોય, પણ અંધકારમાં તે ટમટમિયું ઘણું લાગે. તેમ અત્યારે જ્યારે સ્વયં તેજોમય મૂર્તિ ઘનશ્યામ પ્રભુ પોતાના તેજને ઢાંકીને પોઢ્યા હતા, ત્યારે આ ટમટમિયા સમાન ચાંદાનું તેજ આખા ઘરમાં પ્રકાશી રહ્યું હતું.
સખાભાવે રમતાં આ બંનેના અવાજને સાંભળી ભક્તિમાતા એકાએક જાગી ગયાં. ઘરમાં પ્રકાશ જોયો અને બાળ ઘનશ્યામને તે પ્રકાશમાં બીજા અજાણ્યા બાળક સાથે રમતા જોયા. આ જોઈ પોતે ગભરાઈ ગયાં. આ કોણ હશે ? કેમ આવ્યો હશે ? એવા અવનવા વિચારો કરવા લાગ્યાં.
ઘનશ્યામ બોલ્યા, “આપ ગભરાશો નહીં. આ ચાંદાને મેં મારી સાથે રમવા બોલાવ્યો છે. જુઓ, એ કેટલો રાજી થઈ ગયો છે !”
ભક્તિમાતા તો આ સાંભળી રાજી રાજી થઈ ગયાં અને ચાંદો ભક્તિમાતાના ચરણનો સ્પર્શ કરી આકાશમાં ચાલ્યો ગયો.
આપણા ઘનશ્યામ મહારાજ કેવડા મોટા છે ! આપણને એમણે એમના કર્યા એ આપણી પર એમની કેટલી મોટી દયા !