ચૈત્ર સુદ નવમી ને સોમવારનો એ ધન્ય દિવસ.
રાત્રિના દસ વાગ્યાની શુભ ઘડી.
સંવત 1837ની સાલ.
સરયૂ નદીને તટે રૂડું અયોધ્યા ગામ.
તેની નજીકના જ નાના એવા છપૈયા ગામે નાનકડા ઘનશ્યામ પ્રગટ થયા.
ધર્મપિતા-ભક્તિમાતાના આનંદનો પાર નથી. ગામના લોકો પણ ખૂબ આનંદમાં હતા.
ઘેર ઘેર દીપમાળા ઝળહળવા લાગી.
મંગળ વાજાં વાગવા માંડ્યાં.
આકાશમાં દર્શને આવેલા અનંત મુક્તોએ ચંદન અને પુષ્પની વૃષ્ટિ શરૂ કરી.
શીતળ અને મંદ સુગંધિત વાયુ લહેરાવા લાગ્યો.
મયૂર અને કોયલના ટહુકાર શરૂ થયા.
છપૈયાની સન્નોરીઓ આનંદવિભોર થઈ મંગળ કીર્તનો ગાવા લાગી.
ચારેકોર જયજયકાર થઈ ગયો.
વાતાવરણ બધું દિવ્ય થઈ ગયું.
ધર્મપિતાને ઘેર ભક્તોની ભીડ જામી.
સૌ નાચતાં અને કૂદતાં ગાવા માંડ્યાં :
“ધર્મ ઘેર આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી;
જય બોલો ઘનશ્યામ કી, હાથી ઘોડા પાલખી,
હાથી ઘોડા પાલખી, પ્રગટ થયા ભગવાનજી.”
નાનાં નાનાં બાળકોને તો જાણે પોતાનું જીવન મળી ગયું હોય એવો આનંદ હતો. સાધનસંપન્ન એવા ધર્મદેવે સાધુ, સંતો, ભૂદેવોને ઘરેણાં, વસ્ત્રો તથા ગાયોનાં દાન આપવા માંડ્યાં.
અને હા, બીજી બાજુ ઘનશ્યામ પ્રભુના પ્રગટ થતાંની સાથે જ ચારેબાજુ તેજ... તેજ... તેજ... શીતળ અને શાંત, મૃદુ અને મધુર તેજ છવાઈ ગયું.
“તેજ તેજ તો ઝળહળે, ચારે દિશામાંહી,
મધ્યે પ્રભુજી દર્શન દે છે, ઘનશ્યામ હરિ સુખદાયી.”
જેમ પ્રકાશમાન સૂર્યની ઓળખ આપવી નથી પડતી, તેમ આ સર્વોપરી ભગવાન ભક્તિપુત્ર બનીને પ્રગટ થયા છે તેની ઓળખાણ આપવાની જરૂર ન પડી. પ્રાગટ્યની સાથે જ સૌને ભગવાનપણાની પ્રતીતિ થઈ.
બાળ ઘનશ્યામનું મુખ એટલું તો સુંદર અને કામણગારું કે ન રમાડવા હોય તોય રમાડવા જ પડે. ન તેડવા હોય તોય તેડવા જ પડે. ન હસવું હોય તોય હસવું જ પડે. કારણ કે એ તો સૌને હસાવવા આવ્યા છે ને ? જ્યારે જુઓ ત્યારે બસ રાજી, રાજી ને રાજી જ હોય. બાળ ઘનશ્યામને રડતાં તો આવડતું જ નહિ અને એટલે જ જે કોઈ ઘનશ્યામને તેડતું તેને હાથમાંથી મૂકવાનું મન જ ન થતું અને એમાં તો ઘરનાં કામ વિસરાઈ જતાં, ખાવાનું ભુલાઈ જતું.
બાળ ઘનશ્યામને રમાડવા માટે રોજ ધર્મપિતાને ઘેર લોકોની ઠઠ જામતી. કોઈ ઘનશ્યામ માટે રમકડાં લાવે, કોઈ રથ લાવે, કોઈ ઘોડા લાવે, કોઈ હાથી લાવે, તો કોઈ વળી મહારાજ માટે ચૂસણી લાવે. આમ, રમકડાંના ઢગલા થઈ જાય :
ધર્મપિતાએ રત્નજડિત સોનાનું પારણિયું બાંધી બાળ ઘનશ્યામને ઝુલાવવા માંડ્યા. સૌ કોઈ ઝુલાવતા જાય અને મસ્ત બની કીર્તન ગાતા જાય :
“સોનાનાં બોર ઝૂલે ધર્મકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર,
હીરા માણેક બહુ જડિયાં પારણિયે, કાજુ શોભે છે રૂડી મોતીડાંની કોર..”
આમ, સૌ ભેળાં મળી ઘનશ્યામને પારણિયે ઝુલાવતા જાય અને હાલરડાં ગાતાં જાય :
“ખમ્મા રે ખમ્મા, ખમ્મા રે ખમ્મા, પ્યારા આજ તમોને ખમ્મા (2)
ભક્તિનાં બાળ, તમે પ્રગટ્યા દયાળ, તમને કરું હું પ્યાર,
ઘનશ્યામ, આજ તમોને ખમ્મા...”
અને આ કોઈ સામાન્ય બાળક નહોતા. આ તો અનંતકોટિ બ્રહ્માંડના નાથ, રાજાધિરાજ, સર્વોપરી ભગવાન હતા. એટલે સૌની નજર તેમને રાજી કરવા તરફ હતી. તેથી કેટલાક તો વળી બાળ ઘનશ્યામને છડી પોકારી રાજી કરતા :
“જેના વાંકડિયા કેશ, નેત્રોમાં મેંશ,
હોય હસતા હંમેશ, શોભે બાલુડે વેશ,
ગોરા ગોરા ગાલ, હસ્તમાં રૂમાલ,
ચરણોમાં ચિહ્ ન, ઘણાં છે તિલ,
હસતું છે મુખ, આપે છે સુખ.
એવા રાજામહારાજાધિરાજ, અક્ષરધામના અધિપતિ,
બાળ ઘનશ્યામ પ્રભુને ઘણી ખમ્મા... ઘણી ખમ્મા...”
એટલે જ સદ્ ગુરુવર્ય શ્રી પ્રેમાનંદ સ્વામીએ પ્રભુના આ દિવ્ય પ્રાગટ્યને કીર્તનમાં કેવું સુંદર રીતે વણી લીધું છે !
પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે.
કૌશલ દેશમાં ધર્યો અવતાર રે, નોમ અજવાળી રૂડો ચૈતર માસ રે.
તેડાવો સંતોને પુછાવો નામ રે, નામ ધર્યું રૂડું શ્રી ઘનશ્યામ રે.
મુખડું શોભે અતિ બાલુડે વેષ રે, સુંદર ભૂરા માથે નાના કેશ રે.
હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે, માતાને મન વહેલા મોટા થાય રે.
રડતાં રમાડતાં પારણિયે પોઢાડે રે, રેશમી દોરી લઈ હીંચકાવે રે.
પોઢો પોઢો પ્રભુ જગના આધાર રે, પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાય રે.