ધર્મપિતાએ એક વખત પોતાના ખેતરમાં મકાઈ તથા ચીભડી ભેગાં વાવ્યાં હતાં. તેમાં ઘણું જ ઘાસ ઊગ્યું હતું. તે ઘાસ નીંદવા માટે રામપ્રતાપભાઈ કેટલાક માણસોને લઈ ખેતરે ગયા. સાથે આપણા ઘનશ્યામ પણ ગયા.
પ્રભુની પ્રભુતાઈને કોણ કળી શકે ? એમની લીલા કાંઈક અલૌકિક જ હોય. તેને સમજવી એ ઘણી કઠણ વાત છે.
ઘનશ્યામ પ્રભુ ઘાસ નીંદવાને બદલે મકાઈ અને ચીભડીને મૂળમાંથી કાઢી નાખતાં અને ઘાસ એમ ને એમ રહેવા દેતા. થોડી વાર તો આમ ચાલ્યું. પણ જ્યારે રામપ્રતાપભાઈએ આ જોયું એટલે તેઓ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, “હે ઘનશ્યામ ! તમે આ શું કરો છો ? આ મકાઇ અને ચીભડી કાઢી નાખતાં તમને શરમ નથી આવતી ? આ બીજા બધા શું કરે છે, તેં કાંઈ જોયું ? કે બસ ઊંધું ઘાલીને બગાડ કરવામાં જ સમજ્યા છો ?”
મોટા ભાઈના આવા શબ્દો સાંભળી નાનકડા ઘનશ્યામ ધીર-ગંભીરભાવે બોલ્યા, “મોટા ભાઈ, ચીભડી અને મકાઈ તો થોડી છે અને ઘાસ ઘણું છે. તેથી થોડું હોય તેને કાઢીએ તો થોડા જીવની હિંસા થાય ને ? એટલે હું આ ઘાસ રહેવા દઉં છું.”
કેટલી દયાળુતા ! તૃણ સરખા જીવને પણ દુભવવો એ હિંસા છે એવો એક આગવો સિદ્ધાંત હતો આપણા પ્યારા ઘનશ્યામ પ્રભુનો ! એટલે જ કહ્યું છે ને...
“દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત”
કેવળ દયાની મૂર્તિ આપણને આવા ગુણો કેળવવાનું શીખવે છે.
પણ મોટા ભાઈ તો ઘનશ્યામ પ્રભુના આવા શબ્દો સાંભળી એકદમ ઊઠીને મારવા માટે દોડ્યા. એટલે ઘનશ્યામ તો ત્યાંથી ઘર તરફ નાસી ગયા.
ઘનશ્યામ પ્રભુ તો ઘેર આવી છાનામાના ગૌશાળામાં ગાયો બાંધવાની ગમાણમાં જઈને કોઈને ખબર ન પડે એમ ઉપર ખડ નાખીને સૂઈ ગયા.
બપોર થયે મોટા ભાઈ ઘેર આવ્યા. ત્યારે ભક્તિમાતાને ખબર પડી કે ઘનશ્યામ તો રિસાઈને વહેલા ખેતરમાંથી નીકળી ગયા હતા. તેથી પોતે દિલગીર થઈ ગયાં. અને માતૃહ્દય દ્રવી ઊઠ્યું. ઉચ્ચ સ્વરે રુદન કરવાં લાગ્યાં. ભાભી સુવાસિનીબાઈ પણ ઉદાસ થઈ ગયાં. રામપ્રતાપભાઈને પણ પોતાના ગુસ્સા માટે દુ:ખ થયું. તેથી તત્કાળ ઘનશ્યામને શોધવા માટે નીકળ્યા.
જ્યાં જ્યાં રમવાનાં સ્થળ હતાં તે બધાં સ્થળો જોયાં. વેણી, માધવ અને પ્રાગ આદિ સખાઓને પણ પૂછ્યું. આખા છપૈયાપુરની ચારેબાજુ આંટો દીધો. નારાયણ સરોવરના કાંઠા પર શોધ્યા. ત્યાંથી નજીકનાં ગામોમાં પહોંચ્યા. ત્યાં પોતાનાં સગાંસંબંધીઓને સમાચાર પૂછ્યા. પણ ક્યાંય ઘનશ્યામની ભાળ ન મળી. તેથી ઉદાસ થઈ પાછા વળ્યા. છપૈયા આવતાં એક વડના વૃક્ષ નીચે હિંમત હારી ચૂકેલા રામપ્રતાપભાઈ બેસી ગયા. ઘનશ્યામના વિયોગથી છાતી ભરાઈ આવી અને ઊંચે સાદે રડી પડ્યા.
કેવી અદભૂત મનુષ્યલીલા ! પણ છતાંય દયાનો સાગર કાંઈ સૂકાઈ નહોતો ગયો ! કે ઓટ પણ નહોતી આવી ! આ તો મોટા ભાઈને પોતામાં આવેલો મનુષ્યભાવ ટળાવવા માટેનું દિવ્ય ચરિત્ર હતું.
મોટા ભાઈની ઉદાસીનતા ટળાવવા માટે પ્રભુના સંકલ્પથી આકાશવાણી થઈ :
“તમારા ઘનશ્યામ તો ઘરે જ છે. બીજે ન શોધશો. જલદી ઘરે જાઓ !” આવા આનંદના સમાચાર સાંભળી મોટા ભાઈ ઘર તરફ વળ્યા.
બીજી બાજુ ધર્મપિતા, ભક્તિમાતા, મામા વશરામ તરવાડી વગેરે સર્વે ઘનશ્યામને શોધી રહ્યાં હતાં પણ ક્યાંય પત્તો લાગતો નહોતો. ત્યારે હૈયાફાટ રૂદન કરતાં ભક્તિમાતાએ કહ્યું, “હે ઘનશ્યામ ! તમે ભગવાન છો, અંતર્યામી છો. માટે જ્યાં હોય ત્યાંથી જવાબ આપો. અમારા ગુનાને માફ કરો.”
ત્યાં જ સામેથી જવાબ મળ્યો, “હે દીદી ! હું તો આપણી ગાયો બાંધે છે તે ગમાણમાં સૂઈ ગયો છું.”
અને એ સાંભળતાં જ સહુએ દોટ મૂકી. સૂતેલા ઘનશ્યામ ઉપરથી ઘાસ કાઢી નાખી બહાર લાવી ભક્તિમાતાને સોંપ્યા.
માતાએ ઘનશ્યામને પ્રેમવિભોર થઈ તેડી લીધા. ઘનશ્યામ પ્રભુએ છેટેથી મોટા ભાઈને આવતા જોયા. એટલે પોતે દોડીને સામા ગયા. અને મોટા ભાઈનો હાથ પકડીને બોલ્યા, “મોટા ભાઈ ! તમે મને શોધવા ગયા હતા ને હું તો ઘરમાં જ હતો. ચાલો, આપણે બધા જમી લઈએ.”
કેટલી વિશાળ દ્ષ્ટિ ! રીસ ખરી પણ કાયમી નહીં. દુ:ખ ખરું પણ પ્રેમ મૂકીને નહીં. પોતાના ભક્તોને નિર્માનીપણું દૃઢ કરાવવા માટે પોતે કેવા સરળ થઈને વર્ત્યા !