ઘનશ્યામની ૩ વર્ષની ઉંમર થઈ. ધર્મદેવે નક્કી કર્યું કે, ઘનશ્યામના હવે બાળકેશ ઉતરાવવા એટલે કે ચૌલસંસ્કાર વિધિ કરવો. અને આનંદ, ઉત્સાહથી સગાંસંબંધીઓને કાગળો લખી નક્કી કરેલા દિવસે ભેગાં કર્યાં. ઘનશ્યામ ઉપર સૌને પ્રેમ હતો એટલે નહિ આવનારાં પણ આજે આવ્યાં હતાં. સૌ સવારથી જ મંગળ ગીતો ગાતાં હતાં.
ભક્તિમાતા, ધર્મદેવ તથા બધાં સંબંધીઓ ઘનશ્યામને લઈ વિધિ કરવા નારાયણ સરોવર ઉપર આવ્યાં. ભક્તિમાતા ઘનશ્યામ પ્રભુને ખોળામાં લઈ કેશ ઉતરાવવા બેઠાં. ઝમઈ નામના હજામે કાતર લઈ પ્રભુનું કેશકર્તન કર્યું અને મસ્તક પલાળી, અસ્ત્રો લઈ ફેરવવા માંડ્યો. પણ એ જ વખતે હજામના હાથમાંથી ઘનશ્યામ પ્રભુ અદૃશ્ય થઈ ગયા. ઝમઈ તો હાથમાં અસ્ત્રો લઈ બેસી જ રહ્યો, મૂંઝાઈ ગયો. ચારેબાજુ જોવા લાગ્યો. અરે ! ઘનશ્યામ ક્યાં ગયા ? કેમ દેખાતા નથી ?
ભક્તિમાતાને પણ નવાઈ લાગી કે ઝમઈ ઘનશ્યામની હજામત કરતો બંધ કેમ થઈ ગયો ? કારણ કે ભક્તિમાતાને ઘનશ્યામ ખોળામાં બેઠેલા દેખાતા હતા એટલે એમણે તો વઢવા માંડ્યું, “અલ્યા ઝમઈ ! મોડું થાય છે અને તું આમ હજામત કરતો બંધ કેમ થઈ ગયો ? જલદી કર. ઉતાવળ રાખ. આમ હાથમાં અસ્ત્રો લઈ બોઘાની જેમ બેસી શું રહ્યો છે ?”
આમાં બિચારો ઝમઈ શું કરે ? તેણે કહ્યું, “બા, હું તો ઘનશ્યામને શોધું છું. હું અસ્ત્રો ફેરવતો હતો ત્યારે તમારા ખોળામાં બેઠેલા ઘનશ્યામ ક્યાં ગયા એ ખબર જ ન પડી ! મને તો દેખાતા જ નથી. કોણ જાણે ક્યાં અદૃશ્ય થઈ ગયા !”
ભક્તિમાતા તથા ઊભેલાં સૌ સમજી ગયાં કે પ્રભુએ અદભુત લીલા શરૂ કરી છે. ભક્તિમાતાએ કહ્યું, “હે પ્યારા દીકરા ! મારા લાડકવાયા પુત્ર ! આ અડધી હજામત કરાવી છે એટલે તમે કેવા લાગો છો ? તમને આ નથી શોભતું. તમારી લીલા હવે બંધ કરો. બિચારા ઝમઈને હજામત પતાવી લેવા દો.”
બાળ ઘનશ્યામે કાલી કાલી ભાષામાં કહ્યું, “પણ દીદી ! આ અસ્ત્રો મને બહુ વાગે છે. મારા વાળ ખેંચાય છે. હું આવાં અસ્ત્રે હજામત નહિ કરવા દઉં.”
ઝમઈને પોતાની ભૂલ ઓળખાણી. તેણે તુરત અસ્ત્રો બદલી નાખ્યો અને ભક્તિમાતાને કહ્યું, “બા ! હવે ઘનશ્યામને કહો કે હજામત કરવા દે. હું ધ્યાન રાખીશ; નહિ વાગવા દઉં. મને ખબર નહિ કે તમારા પુત્ર સ્વયં ભગવાન હશે !” આટલું કહેતાં જ ઘનશ્યામ પાછા ભક્તિમાતાના ખોળામાં આવીને બેસી ગયા એવાં ઝમઈને દર્શન થયાં. પોતાના પર કૃપા માની ધીમે રહી મહિમાથી પ્રભુની હજામત પૂરી કરી.
ઝમઈ પર કેટલી કૃપા ! હજામત તો એણે જીવનમાં કેટલાયની કરી હશે, પણ આ તો અનંતકોટિ બ્રહ્માંડના નાથ ઘનશ્યામ પ્રભુની સેવા કરવાની એને તક મળી.
સૌ સ્નેહીજનો વાજતે ગાજતે બાળ ઘનશ્યામને તેડી મંગળ ગીતો ગાતાં ગાતાં ધર્મદેવને ઘેર પહોંચ્યા. પોતાને ઘેર આવેલા મહેમાનોની સરભરામાં ધર્મદેવ અને ભક્તિમાતા પરોવાયાં હતાં. એમાં બાળસખા વેણી, માધવ, પ્રાગ, રઘુનંદન વગેરે ઘનશ્યામને તેડી નારાયણ સરોવર ઉપર આવેલા આંબાવાડિયામાં રમવા માટે લઈ ગયા.
દુર્જન અને સજ્જન, સારાં અને નરસાં, દૈવી અને આસુરી આ બંને પ્રકારનાં તત્ત્વો હંમેશાં હોય જ. જ્યાં ધર્મ છે ત્યાં અધર્મ આવવાનો પ્રયત્ન કરે જ. એવું કંઈક બની ગયું. ઘનશ્યામ મહારાજનો વેરી એવો દુષ્ટ, પાપી અને મહાઅસુર, મલિન વૃત્તિવાળો કાલિદત્ત ઘણા દિવસથી ઘનશ્યામને મારવાની તક શોધી રહ્યો હતો. આજે આ આંબાવાડિયામાં ઘનશ્યામ અને તેમના મિત્રો એકલા જ હતા. કાલિદત્તના આનંદનો આજે પાર ન હતો. એકદમ પોતાની મેલી મુરાદને પૂરી કરવાને માટે ઘનશ્યામ પાસે આવી તેમનો હસ્ત પકડ્યો. પણ પકડતાંની સાથે જ જાણે મહાભયંકર અગ્નિથી દાઝ્યો હોય તેવું તેને લાગ્યું. કાલિદત્ત વધુ ખિજાયો. એણે પોતાની આસુરી માયા ફેલાવી. ચારેબાજુ ભયંકર વાવાઝોડું શરૂ થયું. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો. વીજળીના કડાકા અને ભયંકર ગડગડાટ વાતાવરણને ભેંકાર બનાવી રહ્યા હતા. સૌ બાળસખાઓ રોતા-કકળતા ડરીને નાઠા અને આંબાના ઝાડની ઓથમાં બેસી ગયા. ઘનશ્યામ એકલા પડ્યા એટલે અસુરને મઝા પડી. ઘનશ્યામ પાસે આવી તેણે પોતાનું વિકરાળ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અને જે વૃક્ષ નીચે પ્રભુ બેઠા હતા તે વૃક્ષ ઉપર ચડી પોતાના વજનથી કડડડ... કરતું વૃક્ષને પાડ્યું હેઠું.
કહ્યું છે ને કે, “વિનાશકાળે વિપરીત બુદ્ધિ.” બિચારા અસુરને ક્યાં ખબર હતી કે સર્વના નાડીપ્રાણ જેના હાથમાં છે તેને મારવાનો હું વ્યર્થ પ્રયાસ કરી રહ્યો છું.
કાલિદત્તે તો માન્યું કે આ ઝાડના પડવાથી મારો શત્રુ નાશ પામી જશે. પણ જોયું તો ઘનશ્યામ ઝાડની બખોલ વચ્ચે હસતાં હસતાં બેઠા હતા. દુષ્ટ રાક્ષસના ગુસ્સાનો હવે પાર ન રહ્યો. તેથી પોતાના ભયંકર એવા બંને હાથ લાંબા કરી ઘનશ્યામને પકડવાનો જ્યાં પ્રયત્ન કર્યો ત્યાં ઘનશ્યામે એવી કરડી નજર કરી કે, અસુર પવનના ઝંઝાવાતમાં ફંગોળાયો, અથડાયો, કુટાયો અને જોરથી પછડાયો, મોંમાંથી લોહીની ધાર છૂટી, અને બે જ મિનિટમાં મરણને શરણ થયો.
તોફાન શાંત થયું. સખાઓ બહાર આવ્યા ને ચિંતાતુર બની ઘનશ્યામની શોધમાં નીકળ્યા, “ઘનશ્યામ ! હે ઘનશ્યામ ! વ્હાલા ભૈયા ! તમે ક્યાં છો ? અરરર ! અમે ભક્તિમાતાને શું જવાબ આપીશું ?” એમ બધા જોર જોરથી રડવા લાગ્યા.
આ બાજુ ભક્તિમાતા બધા મહેમાનોની સરભરામાંથી નવરાં થયાં ત્યારે ઘનશ્યામ સાંભર્યા. ઘરમાં જોયું, શેરીમાં જોયું પણ ક્યાંય ઘનશ્યામ ન દેખાયા. એટલે એકદમ ફાળ પડી. ભક્તિમાતા તો ધીરજ ગુમાવી બેઠાં. મારા લાલને કોઈ શોધી લાવો. અરેરે... એના વગર મારું શું થશે ?” એમ કહી હૈયાફાટ રુદન કરવા લાગ્યાં. ધર્મપિતા, મામા, મોટા ભાઈ બધા ચિંતાતુર બની શોધમાં નીકળ્યા. શોધતાં શોધતાં સૌ આંબાવાડિયામાં આવ્યા. ત્યાં એક ઝાડની બખોલમાં બાળ ઘનશ્યામ પ્રભુ આનંદ-કિલ્લોલ કરતા હતા.
જ્યારે બાજુમાં જ દુષ્ટ અસુર કાલિદત્તની આંખો ફાટી ગઈ હતી, મોં પહોળું થઈ ગયું હતું, મહા વિકરાળ બંને દાંત તૂટી ગયા હતા, મોંમાંથી લોહીની ધાર વહી રહી હતી એવા વિકરાળ સ્વરૂપમાં મરેલી હાલતમાં પડેલો જોયો.
સૌ આ દૃશ્ય જોઈ આનંદિત થયા અને ઘનશ્યામના ગુણગાન ગાવા માંડ્યા. ખરેખર, આ બધાં અલૌકિક પરાક્રમ ભગવાન વિના બીજું કોણ કરી શકે ? નક્કી સાક્ષાત્ ભગવાન આપણને સુખ આપવા આપણે ત્યાં પ્રગટ થયા છે. એમ, પ્રગટનું ભજન કરતાં કરતાં સૌ ઘર તરફ વળ્યા. આનંદમાં બધા નાચતાં કૂદતાં બોલતા હતા :
“સુખકારી તમે સુખકારી, પ્રગટ્યા છો હરિ દુ:ખહારી,
સ્વયં પોતે મોરારી, છો અવતારના અવતારી,
બહુ રક્ષા કીધી ભારી, ઘનશ્યામ તમે ભયહારી.”