પીપલાણાના નરસિંહ મહેતા કે જેમના ઘેર સદ્. રામાનંદ સ્વામીનો અને મહારાજનો પ્રથમ મેળાપ થયેલો. આ નરસિંહ મહેતાએ સંકલ્પ કર્યો કે મારે ગઢડા જવું અને મહારાજને તથા સંતોને સારામાં સારી સાકરના શીરાની રસોઈ જમાડવી; તો મહારાજ મારી પર ખૂબ રાજી થાય. એમ વિચારી, ખીસામાં થોડા રૂપિયા લઈ નીકળ્યા ગઢપુર આવવા. પણ સંકલ્પ કર્યો કે દર વખતે તો મહારાજ રસોઈ આપવા ગયો હોઉં ને એ રૂપિયા બીજી કોઈ સેવામાં વપરાવી નાખે છે. આવું તો બે-ત્રણ વખત થયું પણ આ વખતે તો બસ સંતોને રસોઈ જ આપવી. બીજે પૈસા ન વાપરવા. એમ વિચારો કરતાં કરતાં ગઢપુર પહોંચ્યા. મહારાજને દંડવત કર્યા, દર્શન કર્યા. મહારાજે ઉતારો કરાવ્યો અને જમાડ્યા.
રાત્રે નરસિંહ મહેતા મહારાજ પાસે અક્ષરઓરડીમાં આવ્યા અને કહ્યું, "મહારાજ ! કાલે અમારે સાકરનો શીરો કરી આપને તથા સંતોને રસોઈ જમાડવાની ઇચ્છા છે તો પતાવી દઈશું ને ?" ત્યાં તો મહારાજે કહ્યું, "નરસિંહ મહેતા ! આ વખતે તો અમે વિચારી રાખ્યું છે કે હમણાંથી ગઢડાના ગરીબને જમાડ્યા નથી માટે આપણે એમ કરીએ આ તમારા પૈસામાંથી કાલે ગઢડાના ગરીબ ભેગા કરી જમાડી દઈએ."
"અરે મહારાજ ! સંકલ્પ સંતોને ને આપને જમાડવાનો છે ને આપ ગરીબ જમાડવાનું કહો તે શું યોગ્ય લાગે છે ?" નરસિંહ મહેતા ઉદાસ થઈ ગયા હતા. પણ મહારાજે તો એક જ વાક્યમાં વાત પતાવતાં કહી દીધું, "જો નરસિંહ મહેતા, તમારે અમારી ઇચ્છા મુજબ ગરીબ જમાડવા તમારા રૂપિયા વાપરવા હોય તો ઠીક છે બાકી અમારે સંતોની રસોઈ લેવી નથી." એમ કહી મહારાજ તો અવળા પડખે ફરી ગયા. નરસિંહ મહેતા તો ત્યાંથી ઊઠ્યા. બહાર આવ્યા. શું કરવું તેની સમજ પડતી નહોતી. અરરર... મહારાજ વારે વારે આમ કેમ કરતાં હશે ? રસોઈના રૂપિયાથી કંઈ ગરીબ જમાડાય ? ખૂબ મૂંઝાયા, અંતે વિચાર આવ્યો. લાવ મુક્તાનંદ સ્વામી પાસે જઈ વાત કરું; મારી વાત તો બહુ સરળ છે. દરેક સમજી શકે તેમ છે. એટલે મુક્તાનંદ સ્વામી પાસે મહારાજને કહેવડાવું અને નરસિંહ મહેતા તો આવ્યા મુક્તાનંદ સ્વામી પાસે. દંડવત કરી બેઠા અને નિસાસો નાખી સ્વામીને માંડીને બધી વાત કરી અને હૈયું હળવું કર્યું.
સ્વામીએ ધીમે રહીને નરસિંહ મહેતાને પૂછ્યું, "તમારે રસોઈ આપવાનો હેતુ શો ?" "અરે... સ્વામી, મહારાજને રાજી કરવા જ તો !" "તો નરસિંહ મહેતા, જો મહારાજને જ રાજી કરવા હોય અને મહારાજ જો ગરીબ જમાડીને રાજી થતાં હોય તો તમને શો વાંધો ? અરે કદાચ રૂપિયાને કૂવામાં નાખી દેવડાવે અને રાજી થાય તો ? તમારે તો રાજી જ કરવા છે ને ? બસ, મહારાજને જઈ હાથ જોડી એટલું જ કહી દો કે મહારાજ મારે તો તમને રાજી કરવા છે. આ લ્યો રૂપિયા, પછી તમારે હવે જેમ કરવું હોય તેમ કરજો. ગરીબ જમાડો તોય ભલે અને નાખી દો તોય ભલે કે સળગાવી દો તોય ભલે. બસ મારી પર રાજી રહેજો."
આ સાંભળતાં જ નરસિંહ મહેતા તો ખુશ ખુશ થઈ ગયા : "સ્વામી, તમે મને બહુ સારી સલાહ આપી હોં..." અને દોડ્યા મહારાજ પાસે, "મહારાજ ! દયાળુ ! લ્યો આ રૂપિયા. આપને જે કરવું હોય તે કરજો. ગરીબ જમાડો તોય ભલે ને સંતો-ભક્તો જમાડો તોય ભલે પણ કૃપાનાથ ! મારી પર રાજી રહેજો." મહારાજે કહ્યું, "બસ નરસિંહ મહેતા, હવે અમે સંતોને જ જમાડીશું પણ અમારે તો તમારો ઠરાવ મૂકાવવો હતો."
ઠરાવ મુકાવવાનો કેવો આગ્રહ !
આપણેય આપણા કોઈ ઠરાવ ન રાખવા. સંતો આપણને જેમ કહે એમ કરવું. એમની આજ્ઞામાં સુખ માનવું તો મહારાજ રાજી થાય.