એ તો સૌથી મોટા છે

નીલકંઠ વર્ણીને હવે લોજમાં આવ્યે સાત સાત માસ વીતી ગયા હતા. છતાંય જેનાં દર્શન માટે તેઓ નિશદિન ઝંખના કરતા હતા તે રામાનંદ સ્વામીના આગમનના કોઈ સમાચાર મળતા ન હતા. જેમ ચકોર પક્ષી ચંદ્રની રાહ જુએ એમ નીલકંઠ વર્ણી રોજ ગુરુનાં દર્શન માટે આતુર બની રાહ જોતા.

એક દિવસ તો નીલકંઠ મૂંઝાયા. તેમણે મુક્તાનંદ સ્વામીને જઈ વાત કરી, “હે મુક્તાનંદ સ્વામી ! આપ જો મને રજા આપો તો હું કચ્છમાં જઈ રામાનંદ સ્વામીનાં દર્શન કરી આવું. હવે મારાથી સ્વામીનો વિયોગ સહન થતો નથી.” મુક્તાનંદ સ્વામીએ કહ્યું, “વર્ણી ! સ્વામી વૈશાખ સુદ સુધીમાં આવવા જોઈએ. એમ કરીએ; આપણે ભુજનગરમાં વિરાજતા સ્વામીને તાત્કાલિક કાગળ લખીને મોકલીએ. પણ કચ્છ જવામાં ઘણાં વિઘ્નો છે. ખારા સમુદ્રની ખાડી ઓળંગીને જવું સહેલું નથી.”

એમ વિચારી બધા સંતો વતી એક પત્ર મુક્તાનંદ સ્વામીએ લખ્યો. આ રહ્યો તેનો સાર-

“સ્વસ્તિ શ્રી ભુજનગર મધ્યે, દીનબંધુ, પતિતપાવન, મહાપવિત્ર અને પ્રૌઢપ્રતાપી, શરણ કરવા તુલ્ય, કૃપાનિધિ, કરુણાના ધામ, સૌ ભક્તોના પ્રતિપાળ હે ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામી,

કૌશલ દેશથી એક વર્ણીન્દ્ર મુનિ અહીં લોજ આપણા આશ્રમમાં પધાર્યા છે. જેટલી દેહમાં નાડીઓ છે તે બધી સ્પષ્ટ ઉઘાડી દેખાય છે. ત્યાગ અને વૈરાગ્યની સાક્ષાત્ મૂર્તિ જ જોઈ લ્યો એવા ભાસે છે. અખંડ બ્રહ્મસ્થિતિમાં વર્તે છે. માન, મત્સર કે ક્રોધ રંચમાત્ર નથી. બે-ત્રણ દિવસે ક્યારેક રસ રહિતનું અન્ન લે છે. તો ક્યારેક ફળફૂલથી ચલાવી લે છે. તો વળી ક્યારેક મરચાં ને મીંઢીઆવળનું પાન કરે છે. ટૂંકમાં દેહધારી જે ન કરી શકે તે અલૌકિક ક્રિયાઓ કરે છે. એમના તપની આગળ અમારું તપ-તેજ તો જાણે સૂર્ય આગળ દીવો કેવો લાગે તેમ ઢંકાઈ જાય છે. સર્વે શાસ્ત્રોનો સાર જાણે છે. છતાં નિર્માની થઈને શિષ્યભાવે પ્રશ્નો પૂછે છે. નારીની ગંધ પણ જેને ગમતી નથી એવા મહાનૈષ્ઠિક ઊર્ધ્વરેતા બ્રહ્મચારી છે. અષ્ટાંગ યોગ સિધ્ધ કર્યા છે. સાધુતાના તમામ ગુણ તેમનામાં સાકાર સ્વરૂપે જોવા મળે છે. આપનાં દર્શન માટે સાત સાત મહિનાથી અમે રોકી રાખ્યા છે. હવે આપ આજ્ઞા કરો તો ત્યાં મોકલું. માટે આપ જલદી ઉત્તર આપજો.”

બીજો એક પત્ર નીલકંઠ વર્ણીએ લખ્યો. જેમાં નીલકંઠે લખ્યું કે, “હે ગુરુદેવ ! આપનાં દર્શન માટે હું તલસી રહ્યો છું. આપ જલદી પધારો અથવા ત્યાં આવવાની આજ્ઞા આપો.”

આ બંને પત્રો લઈ મુક્તાનંદ સ્વામીએ મયારામ ભટ્ટને તત્કાળ મોકલ્યા.

ભુજ ગંગારામ મલ્લને ત્યાં ગુરુવર્ય રામાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા. ત્યાં મયારામ ભટ્ટે જઈને બંને કાગળ સ્વામીના હસ્તમાં મૂક્યા. સ્વામીએ પહેલાં મુક્તાનંદ સ્વામીનો કાગળ ખોલી વાંચ્યો ને બધી વિગત જાણી.

સ્વામી સભા વચ્ચે આનંદમાં આવી ચિત્કારી ઊઠ્યા, “આવી ગયા... આવી ગયા... હે ભક્તજનો ! જેની અમો વર્ષોથી રાહ જોતા હતા એ રાજાધિરાજ આવી ગયા ! હવે અમારી બધી ચિંતા ટળી. જેને માટે થઈ અમે આ દાખડો કરતા હતા, તે સત્સંગના ધણી લોજમાં આવી ગયા છે. અમે આજ સુધી જે કહેતા હતા કે, ‘હું તો માત્ર ડુગડુગી વગાડનારો છું. ખરો ખેલ ભજવનાર તો પાછળ આવશે.’ એ ખેલ ભજવનારા સ્વયં સર્વોપરી ભગવાન આવી ગયા છે.”

આ આનંદના સમાચાર સાંભળી એક ભક્તે કહ્યું, “શું એ બ્રહ્મચારી પર્વતભાઈ જેવા છે ?”

સ્વામીએ કહ્યું, “એથીય મોટા.”

“શું સુખાનંદ સ્વામી જેવા મોટા ?”

“અરે, એથીય મોટા.”

“શું મુક્તાનંદ સ્વામી જેવા મોટા છે ?” “એથીય મોટા.” “શું આપના જેવા મોટા ?”

“અરે... અમે તો શું પણ અનંત રામકૃષ્ણાદિક અવતારો અને અમારા જેવા અનંત મુક્તો તેમની અહોનિશ સ્તુતિ કરે છે.”

આમ, ભુજની સભામાં રામાનંદ સ્વામીએ નીલકંઠનો ખૂબ મહિમા કહ્યો.

હવે જ્યાં રામાનંદ સ્વામીએ બીજો નીલકંઠનો પત્ર હાથમાં લઈ ઉઘાડવા માંડ્યો ત્યાં તો એમાંથી પ્રકાશનો પુંજ છૂટ્યો. સૌ સભાજનો તો જોઈ જ રહ્યા. “અહોહો... જેના હસ્તાક્ષરમાં અને પત્રમાં આટલું તેજ ભર્યું છે. એ મૂર્તિમાં કેટલું તેજ હશે ? એ નીલકંઠ કેવા પ્રતાપી હશે ?”

સદ્. રામાનંદ સ્વામીએ પત્રનો વળતો જવાબ આપવા માંડ્યો. મુક્તાનંદ સ્વામીના પત્રમાં લખ્યું કે, “વર્ણી સદાય રાજી રહે તેમ કરજો. તેમને સાચવજો.” જ્યારે બીજા નીલકંઠ ઉપર લખેલા પત્રમાં લખ્યું કે, “હે વર્ણી ! હવે અમારી આશા છે કે બહુ તીખું તપ ન કરશો. દેહને સાચવજો. તમારે ઘણા મોટાં મોટાં કામ કરવાના છે. અનેક નર-નારીના મોક્ષ કરવાના છે માટે દેહનું જતન કરજો. બધા સંતોને અષ્ટાંગ યોગ શીખવજો. મુક્તાનંદ સ્વામી કહે તેમ કરજો અને અમો વૈશાખ મહિનામાં જરૂર આવીશું. તમે અહીં ન આવશો.”

આમ, બંને પત્રો લખી મયારામ ભટ્ટ સાથે લોજપુર રવાના કર્યા.

ખરેખર ! મોટા જ મોટાને ઓળખી શકે. રામાનંદ સ્વામીએ મહારાજને ઓળખી લીધા હતા. ઓળખે જ ને ! આ તો અગાઉથી એકબીજાનું કરેલું આયોજન હતું !