કૃપાવંત રતો બશિયો

નીલકંઠ નિર્ધાર કરેલા અનેક જીવોના ઉધ્ધારના કાર્યને પાર પાડતાં પાડતાં આગળ વધી રહ્યા હતા. એક ગામમાં એક ભાવસાર કુટુંબ રહેતું. તેમાં એક ખૂબ ભગવદી ડોસીમા રહેતા. તેણે નક્કી કર્યું હતું કે પ્રગટ ભગવાનને શોધવાથી તે જરૂર મળે છે. તેથી તેમણે તેમના દીકરા ભગવાનદાસને સાથે ભાતું આપી શોધવા મોકલ્યો હતો. અંગે અનેરો ઉમંગ હતો. પ્રભુ જરૂર મળશે જ એવો અતૂટ વિશ્વાસ હતો.

એ જ સમયે ભક્તવત્સલ ભગવાન નીલકંઠ વર્ણીએ ચાલ્યા જતા ભગવાનદાસને સામેથી બોલાવી ચરણમાંથી કાંટો કાઢવાના બહાને સોળે ચિહ્નનાં દર્શન કરાવ્યાં. ભગવાનદાસને એની માએ આપેલી નિશાની યાદ આવી. અને નીલકંઠમાં ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. ખૂબ આગ્રહ કરી નીલકંઠને પોતાને ઘેર લાવી પધરાવ્યા. નીલકંઠે તેમને બીજે જન્મે સત્સંગમાં જન્મ ધરાવવાના આશીર્વાદ આપી આગળ વાટ પકડી.

આગળ જતાં એક ભયાનક વન આવ્યું. તેમાં અંધારામાં રસ્તામાં સૂતેલી એક વ્યક્તિ પર નીલકંઠના ચરણ પડ્યા. અને એ તો ગર્જના કરતો ત્રાડ પાડી બેઠો થયો. “કોણ છો તમે ?” કહેતાં જ એ તો ઘૂરકતો ઊભો થયો.         

નીલકંઠને ખબર પડી કે આ તો ભયંકર રાક્ષસ હતો. અને જ્યાં આ રાક્ષસે નીલકંઠ સામે દૃષ્ટિ માંડી ત્યાં તો એ વીંધાઈ ગયો, નમી પડ્યો. એના બંને હાથ જોડાઈ ગયા. પ્રાર્થનાના શબ્દો નીકળી પડ્યા, “પ્રભુ મારું કલ્યાણ કરો, હું મોક્ષનો ભૂખ્યો છું.”

અંતર્યામી નીલકંઠે જાણતા હોવા છતાં અજાણ્યા થઈ આવું થવાનું કારણ પૂછ્યું. અને રાક્ષસે પણ નિર્દોષભાવે કહેવા માંડ્યું,

“હે પ્રભુ ! હું તેલંગ દેશનો એક ધર્મિષ્ઠ રાજા હતો. મારા રાજ્યમાં જયદેવ તથા મુકુંદદેવ બે સિદ્ધિવાળા વિદ્વાન બ્રાહ્મણો રહેતા. એ બંનેના વ્યવહારિક ઝઘડાનો ન્યાય કરવા જતાં મને મુકુંદદેવે શ્રાપ આપ્યો કે, ‘તું નવ મહિનામાં રાક્ષસ થઈ જઈશ.’ જ્યારે બીજા જયદેવે વરદાન આપ્યું કે, ‘તું ભલે રાક્ષસ થા પણ તને સાક્ષાત્ ભગવાન મળશે અને તે તારું કલ્યાણ કરશે.’ અને ત્યારથી હું શ્રાપથી રિબાતો અહીં રાક્ષસ થઈ પડ્યો છું. આજે આપ મારા માટે જ પધાર્યા છો. એટલે જ મને તમારા ચરણનો સ્પર્શ થયો છે. માટે મારો ઉદ્ધાર કરો.”

નિષ્કપટભાવે રાક્ષસે પોતાની બધી વાત કરી દીધી એમ જાણી નીલકંઠે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “જા, તારો દેહ પડશે એટલે તું હવે કાઠિયાવાડમાં અમારા સત્સંગીને ઘેર જન્મ ધરીશ. અમારી સેવા-ભક્તિ કરીશ અને પછી તારો છેલ્લો જન્મ કરી અમે અક્ષરધામમાં લઈ જઈશું.”

અને એ આશીર્વાદ મુજબ એ જ રાક્ષસ એ પાપમયી યોનિને છોડી સોરઠના જેતપુર ગામમાં રતા બશિયા નામે થયા.         

મહાપ્રભુ નીલકંઠ વર્ણીએ ત્યાંથી ચાલતા આગળ કન્યાકુમારી તરફ થઈ ત્રિવેન્દ્રમ થઈ, પંપાસર અને પંઢરપુર થઈ ગુજરાત તરફ પ્રયાણ કર્યું.