પ્રથમ મિલન

સદગુરુ રામાનંદ સ્વામીનો પત્ર મળતાં નીલકંઠ વર્ણીને ધીરજ આવી. સૌ સંતો વર્ણી પાસે અષ્ટાંગ યોગ શીખતા. વર્ણી હવે દિવસો ગણતા કે ક્યારે રામાનંદ સ્વામી આવે ને ક્યારે મેળાપ થાય. એમ કરતા વૈશાખ મહિનો ઊતરી ગયો એટલે ફરી પાછા વર્ણીએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, “સ્વામી, હવે તો ક્યાં સુધી ધીરજ રાખવી ? રામાનંદ સ્વામીનો વાયદો તો પૂરો થયો.”

મુક્તાનંદ સ્વામીય હવે તો ધીરજ આપી આપી થાક્યા હતા : પણ છતાંય બે-ચાર દિવસમાં જ આવવા જોઈએ... જરૂર આવશે.” એમ કરી દિવસો પસાર કર્યે રાખતા હતા.

એમાં એ પળ આવી ગઈ કે જે પળ માટે બંને પક્ષે તાલાવેલી હતી. જેઠ વદીના દિવસો હતા. રામાનંદ સ્વામી ભુજથી પીપલાણા નરસિંહ મહેતાને ત્યાં આવ્યા કે તુરત કુરજી દવેને મુક્તાનંદ સ્વામી ઉપર ચિઠ્ઠી લખી લોજ મોકલ્યા કે, “અમો પીપલાણા આવ્યા છીએ. આપ નીલકંઠ વર્ણીને તથા બીજા સંતોને લઈ સુખેથી દર્શને આવો.”

સમાચાર મળતાં સૌના આનંદનો પાર ન રહ્યો. મુક્તાનંદ સ્વામી, નીલકંઠ વર્ણી અને સૌ સંતો પીપલાણા જવા નીકળ્યા. સૌને સ્વામીનાં દર્શનની ઉતાવળ હતી. એમાં નીલકંઠ વર્ણી શરીરે દુર્બળ ને અશક્ત હોવાથી થાકી જતા. જેથી સૌની પાછળ રહી જતા. તેથી એક સંતે કહ્યું કે, “આમ ધીમે ધીમે ચાલશો તો પીપલાણા ક્યારે પહોંચશો ? તમારે લીધે બીજા પણ ઉતાવળ કરી શકતા નથી. જો આપ રજા આપો તો અમે બધા સંતો તમને તેડી લઈએ.”

અને આ સાંભળતા જ જેમ કમાનમાંથી તીર છૂટે તેમ નીલકંઠે તો વાયુવેગે માંડ્યું ચાલવા. અન્ય સંતો પાછળ રહી ગયા. આગળ જતાં ઓઝલ નદી આવી. જેમાં વરસાદ થયો હોવાથી બે કાંઠે પૂર આવેલું.

બીજુ બાજુ નીલકંઠનેય રામાનંદ સ્વામી પ્રત્યેના અપ્રતિમ પ્રેમનું ઘોડાપૂર જ આવ્યું હતું ને ! નીલકંઠને પાણીના બંધન ક્યાં નડે એવા હતા ? તે તો પૂરના પ્રવાહમાંય પાણી ઉપર ચાલીને સામે કાંઠે પહોંચી ગયા. જ્યારે બીજા સંતો તો તરાપામાં બેસીને આવ્યા. સામે કાંઠે જઈ સંતો નાહી-ધોઈ પૂજાપાઠ કરી એકસાથે નરસિંહ મહેતાને ઘેર જ્યાં રામાનંદ સ્વામી બિરાજતા હતા ત્યાં પહોંચ્યા.

અને ગુરુ-શિષ્યનું, મુક્ત અને મુક્તપતિનું એક અનોખું મિલન સર્જાયું. ઘણા સમયની આતુરતાનો અંત આવ્યો હતો. મહાપ્રભુ નીલકંઠ વર્ણી તો સેવકભાવે રામાનંદ સ્વામીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા મંડી જ પડ્યા. પણ રામાનંદ સ્વામી પ્રભુની પ્રભુતાને પિછાણતા હોવાથી લઘુતા તરફ કેમ જવા દે એટલે જ તેમણે દંડવત કરતા નીલકંઠને ઊભા થઈને ઝાલી લીધા અને હર્ષથી ભેટી પડ્યા. બંને ગદગદ થઈ ગયા. પરિણામે હર્ષનાં આંસુ નેત્રોમાંથી વહી રહ્યા હતાં.

આ હતો સંવત ૧૮૫૬નો જેઠ વદી બારસનો ગુરુ-શિષ્યના મિલનનો પ્રથમ દિવસ.

સ્વામીએ નીલકંઠને તેમનું બધું વૃત્તાંત પૂછ્યું. જેનો નીલકંઠે ખૂબ ગંભીરતાથી ઉત્તર આપ્યો.