નીલકંઠમાંથી બનેલા સહજાનંદ સ્વામી હવે તો રામાનંદ સ્વામીની સાથે જ વિચરણમાં ફરતા. જ્યાં જ્યાં જાય ત્યાં સહજાનંદ સ્વામીનો અલૌકિક પ્રતાપ હવે તો છુપાવ્યો છુપાતો નહોતો. જેમ સૂર્ય પ્રગટ થાય એટલે એની ઓળખાણ પડાવવી ન પડે તેમ આ સહજાનંદ સૂર્ય પ્રગટ થયા હતા. તેમની ઓળખાણ પડાવવી નહોતી પડતી. એમનાં દર્શને-સ્પર્શે સૌને શાંતિનો અનુભવ થતો. હવે તો રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની ખૂબ કાળજી રાખતા. તેમને આકરા વ્રત-ઉપવાસ કરવામાં રોકતા. એટલું જ નહિ પણ જોડે જમવા બેસાડી ઘી-દૂધ આદિ પૌષ્ટિક ખોરાક જમાડતા. રોજ ભક્તોના ભાવથી નવી નવી રસોઈઓ લઈ સહજાનંદ સ્વામીને ખૂબ તાણ કરી કરીને પીરસતા. રામાનંદ સ્વામીએ હવે આખી પૂર્વભૂમિકા તૈયાર કરી દીધી હતી. તેથી પોતે આ લોકમાંથી પરવારવા માગતા હતા. હવે એટલે જ તેઓ પોતાની ધર્મધુરા સોંપવાનું મુખ્ય કાર્ય જલદી પતાવવા ઉત્સુક હતા. અને તેથી જ રામાનંદ સ્વામીએ એક દિવસ મુક્તાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતોને અને રામદાસભાઈ, માંચાખાચર, પર્વતભાઈ, મયારામભાઈ ભટ્ટ, ગોરધનભાઈ, હીરજીભાઈ સુથાર આદિ મોટા મોટા હરિભક્તોને બોલાવ્યા. અને પોતાની ધર્મધુરા કોઈ યોગ્ય વ્યક્તિને સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી. એ માટે સૌ પાસે રામાનંદ સ્વામીએ અભિપ્રાય માગ્યા. ત્યારે દરેકનો એક જ સૂર નીકળ્યો, “સ્વામી, ધર્મપુત્ર એવા સહજાનંદ સ્વામી જ આ ધુરાને સંભાળવાને યોગ્ય અને સમર્થ છે. માટે એમને જ સોંપો તો ઘણું સારું.” રામાનંદ સ્વામીએ પણ પોતાની અંતરની ઇચ્છા એ જ દર્શાવી. સૌએ મળી સંવત ૧૮૫૮ની પ્રબોધિની એકાદશીનો દિવસ આ શુભ કાર્ય માટે નક્કી કર્યો. દેશોદેશથી રામાનંદ સ્વામીના શિષ્યગણને આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા. ખૂબ ધામધૂમથી આ ઉત્સવ ઊજવવો એવું સ્વામીએ નક્કી કર્યું હતું. મોટો વિશાળ સભામંડપ બંધાવ્યો. આખા જેતપુર શહેરને વિવિધ રંગબેરંગી ફૂલો અને આસોપાલવના તોરણથી શરગારવામાં આવ્યું હતું. શહેરના ધોરી માર્ગો કેળના સ્તંભો અને પતાકાથી શણગાર્યા હતા. અને નક્કી કરેલો મંગળકારી કારતક સુદ ૧૧નો દિવસ આવી ગયો. સવારમાં રામાનંદ સ્વામી સાથે મોટા મોટા સંતો અને સહજાનંદ સ્વામી ભાદર નદીમાં સ્નાન કરી આવ્યા. સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની પૂજા કરી. પછી વાજતે ગાજતે મંડપમાં જવા માટે સહજાનંદ સ્વામીનું ફૂલેકું નીકળવાનું હતું. ઢોલ-શરણાઈઓ આદિ વાગી રહ્યા હતા. સિપાઈઓ બંદૂકના ગેબી અવાજ કરી રહ્યા હતા. સંતો આનંદ-ઉલ્લાસથી કીર્તનો ગાતા હતા. બે ઘોડાની બગીમાં રામાનંદ સ્વામી ને સહજાનંદ સ્વામી બિરાજમાન થયા હતા. આમ, આખોય સમૂહ સભામંડપમાં આવી પહોંચ્યો. મંડપના મધ્યમાં તૈયાર કરેલા યજ્ઞકુંડ પર બેસી, રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીએ આહુતિઓ આપી અને ગગનભેદી જયનાદો અને મંત્રોચ્ચારની વચ્ચે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીનો હસ્ત પકડી પોતાની ગાદી પર બેસાર્યા. ચારેબાજુથી ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ના નારાથી સૌ સંત-ભક્ત સમુદાયે રામાનંદ સ્વામીના અલૌકિક કાર્યને વધાવી લીધું હતું. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીના વિશાળ ભાલમાં ચંદનની અર્ચા કરી, કુમકુમનો ચાંદલો કર્યો, ગુલાબનો હાર કંઠમાં પહેરાવ્યો. અંતરીક્ષમાં અનંત મુક્તો પોતાના પ્રિયતમના પટ્ટાભિષેકનો આનંદોત્સવ માણી રહ્યા હતા. અને મહાપ્રભુ ઉપર આનંદના પ્રતીક રૂપે પુષ્પવૃષ્ટિ કરતા હતા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી. એક પછી એક મોટાથી નાના તમામ સંતોએ તેમના ક્રમમાં સહજાનંદ સ્વામીની પૂજા કરી, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. ત્યારબાદ સહજાનંદ સ્વામીએ સેવકભાવ શીખવવા પોતે ગાદી પરથી ઊઠીને રામાનંદ સ્વામીની અને મુક્તાનંદ સ્વામી આદિ સૌ મોટા મોટા સંતોની પૂજા કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. સૌ નાના સંતોને પણ પગે લાગી ગુરુની આગળ શીખ લેવા બેઠા. એક અલૌકિક પ્રથા મુજબ ગુરુ રામાનંદ સ્વામીએ શ્રીહરિને કહેવા માંડ્યું : “હે નારાયણ મુનિ ! શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના ધર્મ પાળજો અને પળાવજો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું આ ભૂમિ પર પ્રવર્તન કરજો. મોટાં મંદિરો બનાવી માંહી આપના દિવ્ય સ્વરૂપ પધરાવી જીવના મોક્ષ માટે સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરજો. સદગ્રંથોની રચના કરાવી બહુકાળ સુધી સંપ્રદાયની પુષ્ટિ થતી રહે તેમ કરજો. હે સહજાનંદ સ્વામી ! તમે બહુ સમર્થ છો. ભૂંડાં દેશ, કાળ, ક્રિયા ને સંગ તમને સ્પર્શ કરી શકે તેમ નથી. વળી નારીનો સ્પર્શ કે સંબંધ તમને ક્યારેય બંધનકર્તા નથી. માટે પ્રેમે કરીને કોઈ ભારે ભારે વસ્ત્ર-આભૂષણ તમને અર્પણ કરે તો તેને આપ અંગીકાર કરજો અને કુપાત્ર હોય તેનો ત્યાગ કરજો.” આમ, સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીના ઉપદેશામૃતને એકચિત્તે સાંભળી રહ્યા. ત્યારપછી રામાનંદ સ્વામીએ પોતાના સ્વહસ્તે સહજાનંદ સ્વામીને સુંદર જરિયાની વાઘા, માથે સોનેરી પાઘ અને અંગોઅંગમાં હીરા, માણેક, મોતીના હાર ધરાવ્યા, વીંટી, વેઢ, કડાં અને કુંડળ પહેરાવ્યાં. પછી પોતે સહજાનંદ સ્વામીની પ્રેમે કરી આરતી ઉતારી. હવે રામાનંદ સ્વામીએ પોતાના સર્વે સંતો અને હરિભક્તોને ઉદ્દેશીને વાત કરવા માંડી જે, “હે વ્હાલા સંતો અને દેશ દેશથી આવેલા હે ભક્તજનો ! બહુ ચિત્ત દઈને સાંભળજો. આ સહજાનંદ સ્વામી બહુ સમર્થ, સર્વોપરી ભગવાન છે. પોતે સર્વ અવતારના અવતારી છે. ક્ષર-અક્ષરથી પર અને તેથી ન્યારા છે. અનંત ઈશ્વરકોટી, બ્રહ્મકોટિ અને અક્ષરકોટિને પોતાની એક અન્વય શક્તિએ કરીને ધરી રહ્યા છે. એ સૌના અને વ્યતિરેકપણે સર્વે મુક્તોના કારણ, દાતા, નિયંતા અને સ્વામી છે. મારા જેવા અનંત સેવકો તેમની અહોનિશ સેવા-પ્રાર્થના કરે છે. માટે એમનો જેટલો સમજાય એટલો મહિમા સમજી લેજો. એમની આજ્ઞામાં વર્તજો. એ જેમ કહે તેમ રાજી કરવાના પ્રયત્નો કરજો. અને ભલા થઈને તેમને વિષે ક્યારેય માયાનો કોઈ ભાવ પરઠશો મા.” આમ, સદ્. રામાનંદ સ્વામીએ સૌને ખૂબ ખૂબ ઉપદેશની વાતો કરી. જ્યારે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને કંઈક વરદાન માગવાનું કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ બે વરદાન માગ્યાં : “હે સ્વામી, કોઈ ભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તેને બદલે અમને એ દુ:ખ રૂંવાડે રૂંવાડે ભલે થાય પણ અમારા ભક્તને દુ:ખ ન થાય અને ભક્તનાં પ્રારબ્ધમાં જો રામપાતર આવવાનું હોય તો તે મને આવો પણ ભક્ત સદાય અન્ન-વસ્ત્રે સુખી રહો.” કેટલી બધી પોતાના ભક્તો સાથે આત્મીયતા ! કેટલી દયાળુતા ! આ સાંભળી સૌનાં હ્દય આનંદથી પુલકિત થઈ ગયાં. અને... “સોને કી છડી, રૂપે કી મશાલ, જરિયાની જામા, કાને કુંડળ, માથે મુગટ, મોતીયન કી માળા, એવા રાજામહારાજાધિરાજ; અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજને ઘણી ખમ્મા.... ઘણી ખમ્મા....” આવા નારાઓ વાતાવરણમાં ચોમેર ગુંજી ઊઠ્યા. અને આ પ્રસંગ પતાવીને તુરત થોડા જ દિવસોમાં એટલે સંવત ૧૮૫૮ના માગસર સુદ ૧૩ને દિવસે ફણેણી મુકામે સદ્. રામાનંદ સ્વામીએ પોતાનું અવતરણ કાર્ય સંકેલી લીધું.