વચનામૃતમાં મહામંત્રનો મહિમા
આવા અદભુત મહામંત્રનો મહિમા સ્વયં શ્રીજીમહારાજે વચનામૃત ગ્રંથમાં પણ કહ્યો છે :
“ગમે તેવો પાપી જીવ હોય ને અંત સમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને, બ્રહ્મમહોલને વિષે નિવાસ કરે એવો ભગવાનનો પ્રતાપ મોટો છે માટે ભગવાનનું બળ રાખવું.”
ગઢડા પ્રથમ પ્રકરણનું ૫૬મું વચનામૃત
શ્રીજીમહારાજે જ અહીં પ્રશ્ન કર્યો છે જે, “ભગવાનનું ધ્યાન કરતા ભૂંડા ઘાટ થાય તો શું કરવું ?” ત્યારે પોતે જ ઉત્તર કર્યો છે જે,  “જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઊંચે સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીને ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ ભજન કરવું ને હે દીનબંધો ! હે દયાસિંધો ! એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેનાં નામ લઈને તેમની પ્રાર્થના કરવી.” લોયાનું છ્ઠ્ઠું વચનામૃત
“દુષ્ટ વાસના ટાળવાનો તો એ ઉપાય છે જે, જ્યારે વર્તમાનથી બાહેર સંકલ્પ થાય તથા કોઈ હરિજનના કે સંતના અભાવનો સંકલ્પ થાય ત્યારે ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ એમ વારંવાર પોકારીને નામ ઉચ્ચારણ કરવું.” જેતલપુરનું ૩જું વચનામૃત
“સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી ને એ મંત્રે કાળા નાગનું ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઊડી જાય છે, જીવ બ્રહ્મરૂપ થાય છે ને કાળ, કર્મ ને માયાનું બંધન છૂટી જાય છે એવો બહુ બળિયો એ મંત્ર છે માટે નિરંતર ભજન કરવું.” સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ-૧, વાર્તા ૧પ૪
“મૂંઝવણ આવે તો કેમ કરવું ? તો ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય.” સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ-૧, વાર્તા ૨૭૨
આવો, મુકતો આપણેય આ સર્વોપરી મહામંત્રનો અખંડ જપ કરવાની ટેવ પાડીએ કે જેથી :
૧. અંતરની મલિન વાસનાઓની પ્રલય થતો જાય.
ર. ઇન્દ્રિયો-અંતઃકરણ પાપથી રહિત શુદ્ધ અને પવિત્ર થાય.
૩. કોઈનાય અભાવ-અવગુણથી રહિત થઈ વર્તાય.
૪. ગમે તેવા સંકટ કે વિઘ્નો આવવાના હોય તો તેથી મહારાજ રક્ષા કરે.
પ. હૈયું નિર્મળ ને કોમળ બનતું જાય તો ભગવાનના ધ્યાન-ભજનનું અધિક અધિક સુખ આવે.
આવું પાપહરણ અને સુખદાયક નામ વધુ લેવાશે એમાં ફાયદા જ છે, નુકસાન તો નથી જ. કેવાં કેવાં અદભુત ચમત્કારો સર્જાય છે આ સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે !
હરબાઈ-વાલબાઈને વિમુખ
લોજમાંથી મહારાજે ગામોગામ પત્ર લખાવ્યા હતા. તેથી ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના હજારો હરિભક્તો પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરવા કાલવાણી આવ્યા.
એકાદશીને દિવસે સવારે નદીએ સ્નાન કરી આવી પૂજા કરી મહારાજ સભા ભરીને બેઠા. આજુબાજુ મોટેરા સાધુઓ માટે ગાદી-તકીયા નંખાવ્યાં. તેવામાં વાલબાઈ અને હરબાઈ આવી અને સીધી જ જઈને ગાદી-તકિયે ચડી બેઠી. આજુબાજુ તેનાં બાઈ-ભાઈ શિષ્યો પણ વીંટળાઈને બેસી ગયાં. વાલબાઈ કણબી હતી અને હરબાઈ કુંભાર હતી. બંને આત્માનંદ સ્વામીની શિષ્યાઓ હતી. બંને બહુ જ્ઞાની પરંતુ અભિમાની હતી. પણ રામાનંદ સ્વામીએ તેમને નિભાવી રાખેલી. મહારાજની સભામાં પુરુષો અને સાધુઓની વચ્ચે ગાદી-તકિયે આ બંને બાઈઓ ચડી બેઠી. તેથી સાધુઓ સૌ ઊઠીને ચાલી ગયા. આથી મહારાજે તેમને વિવેકપૂર્વક કહ્યું, "તમે આમ કેમ વર્તો છો ? ત્યાગી સ્ત્રીનો વેષ રાખીને પુરુષનો પ્રસંગ કેમ રાખો છો ? આમ સાધુને ઉપવાસ પડે તે રીતે ત્યાગી સાધુ હોય ત્યાં કેમ આવો છો ? માટે જો સત્સંગમાં રહેવું હોય તો સત્સંગની રીત પ્રમાણે રહો. પુરુષને ઉપદેશ કરો નહીં."
આ સાંભળી તે બંને છેડાઈ ગઈ. તેમણે કહ્યું, "અમે તો જીવનમુક્તા છીએ. અમને પુરુષના પ્રસંગથી કાંઈ થવાનું નથી. અમારી દૃષ્ટિમાં તો સ્ત્રી-પુરુષ એવો ભેદ જ નથી. સૌ હાડમાંસના પ્રાણી છે. અમે બાળપણથી બ્રહ્મચારિણી છીએ. યુવાનીમાં પણ અમને કામ વ્યાપ્યો નથી તો હવે ઘડપણમાં શું થવાનું છે ? વળી આત્માનંદ સ્વામીએ અને રામાનંદ સ્વામીએ અમને કોઈ દિવસ નથી વાર્યા, તો આજકાલના આવેલા તમે અમને કોણ કહેનાર ? માટે અમે તમારું માનશું નહિ અને ઝાઝું કહેશો તો અમે અમારા આ બધા શિષ્યોને લઈને ચાલી જઈશું અને જુદો પંથ ચલાવીશું."     
મહારાજે ઘણો ઉપદેશ દીધો. સ્ત્રી અને પુરુષના પ્રસંગથી કેવું અધઃપતન થાય છે તેનાં ઘણાં દૃષ્ટાંતો શાસ્ત્રોમાંથી આપ્યાં. પણ તેઓ માની નહીં. આથી મુક્તાનંદ સ્વામી અને મહારાજ શો નિર્ણય લેવો તે નક્કી કરવા એકાંતમાં બેઠા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, "મહારાજ ! આ હરબાઈ, વાલબાઈ અને ત્રીજો રઘુનાથદાસ એ ત્રણે બહુ અભિમાની છે. રામાનંદ સ્વામી પાસે પણ આ બંને બાઈઓ આવી જ રીતે છકમાં વર્તતી પણ રામાનંદ સ્વામી કચવાતે મને ચલાવી લેતા. હવે જો આમને ચલાવી લઈશું તો કેટલાય ભોળા મુમુક્ષુઓને ભરમાવી દેશે. મોક્ષના માર્ગમાંથી પાડી દેશે. માટે ફરી એક વાર સમજાવી જોઈએ. છતાંય ન માને તો તેને વિમુખ કરી નાખવી."
આથી મહારાજે સભામાં આવી ફરી એક વાર શાંતિથી સમજાવી પણ બંનેએ હઠ પકડી રાખી. ત્યાંથી ઊભી થઈ નહીં. છેવટે મહારાજે સભામાં હરબાઈ અને વાલબાઈને વિમુખ જાહેર કરી. આથી બંને રિસાઈને સભામાંથી ચાલી નીકળી. આ રીતે મહારાજે ત્યારથી સંપ્રદાયમાં ત્યાગી સાધુ અને સાંખ્યયોગી સ્ત્રીના બે આશ્રમ જુદા કર્યા અને સાંખ્યયોગી સ્ત્રીઓના નિયમો જુદા રચ્યા.