અમને તો એક સ્વામિનારાયણનો જ મહિમા કહેવાનો હવાલો આપ્યો છે

પુષ્પ ૧

સ્વામિનારાયણ સંપ્રદાયના મોટેરા સંતો જ્યારે પોતાના સંતો-હરિભક્તોની સભામાં મહારાજના મહિમાની વાતો કરતા હોય ત્યારે તેઓ એમ કહેતા હોય છે :

“સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી એક એવા ભવ્ય અને નૂતન ક્રાંતિકારી દિવ્ય સત્પુરુષ છે કે જેઓએ પોતાના જીવનમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણનો જ સર્વોપરી મહિમા જેમ છે તેમ છડેચોક ગાયો છે.

આજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયેલા અનેક સત્પુરુષોએ સત્સંગની રીતિનીતિને લીધે તથા નવા આદરવાળો સમાજ હોવાને લીધે એકમાત્ર શ્રીજીમહારાજનો જ યથાર્થ સર્વોપરી મહિમા જેમ છે તેમ ગાયો હોય અને બીજા કોઈ પરોક્ષ અવતારોનો મહિમા ન જ ગાયો હોય તેવું બન્યું નથી.

પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી એવા અજોડ દિવ્ય સત્પુરુષ છે કે જેઓના દ્વારા શ્રીજીમહારાજ વર્તમાનકાળે પોતાના સર્વોપરીપણાનું જેમ છે તેમ યથાર્થ અને વાસ્તવિકતાભર્યું પ્રવર્તન કરી રહ્યા છે. તેઓએ જીવનમાં કદી પણ પોતાના મુખે એક સ્વામિનારાયણ ભગવાન સિવાય અન્ય પરોક્ષના અવતારોનો મહિમા ગાયો નથી કે વાત પણ કરી નથી.

તેઓએ એકમાત્ર શ્રીજીમહારાજનો જ સર્વોપરી મહિમા ચાર મુખે ગાઈને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાનો પ્રચંડ જુવાળ જગાવ્યો છે. તેને નિહાળતાં એક વાતની સહેજે અનુભૂતિ થાય કે જાણે તેઓ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનનો જ મહિમા ગાવાનો ઠેઠથી હવાલો લઈને આવ્યા છે.”

એક દિવસ બપોરના સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે એક હરિભક્ત આવ્યા. તેઓ અન્ય ઘણાંબધાં સ્થાનોમાં શ્રીજીમહારાજના સ્વરૂપને યથાર્થ ઓળખવા માટે ફર્યા હતા પણ તેમને સંતોષ થયો ન હતો જેથી તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવ્યા.

તેમણે આવીને ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો, “બાપજી ! મેં સાંભળ્યું છે કે આપ શ્રીજીમહારાજના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ કરાવો છો. તો મને શ્રીજીમહારાજના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ કરાવો અને તે અંગે મને કેટલાક પ્રશ્નો છે તેનું નિવારણ કરી આપો.”

ગુરુવર્ય પ.પૂ. બાપજી તરત બોલ્યા : “અમને તો શ્રીજીમહારાજે એમનો જ મહિમા ગાવા ને દૃઢ કરાવવા મોકલ્યા છે. એમનો મહિમા ગાઈ નિષ્ઠા કરાવવી એ જ અમારો ધંધો છે. લાવો તમારા પ્રશ્નો... આપણે એનું સમાધાન કરીએ.”

ત્યારે એક એક જીવને મહારાજના સ્વરૂપની નિષ્ઠા કરાવવા અવિરત અથાક દાખડો કરતા રહ્યા છે તે આમ સામેથી મુમુક્ષુ શ્રીજીમહારાજના સ્વરૂપને ઓળખવા આવ્યા હોય તો છાના કેમ રહે ?

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમની ભૂખ-ગરજ જોઈ અને બપોરે આરામ કરવાનું મૂકી દીધું.

બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એમ એકધારા ચાર કલાક તેમની જોડે બેસી વચનામૃતના આધારે જ મહારાજના અભિપ્રાય મુજબ અન્વય-વ્યતિરેકનું જ્ઞાન સમજાવવા માંડ્યું.

પુષ્પ ૨

એક દિવસ કોઈ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને નિષ્ઠાની જ વાત આવે છે. નિયમની-વર્તમાનની, મનુષ્યજન્મની કંઈ પણ વાત કરતા હોય પરંતુ નિષ્ઠા-ઉપાસનાની વાત તો આવે, આવે અને આવે જ. જ્યારે અમે અન્ય બીજે વક્તાઓની કથા સાંભળીએ તો તેમાં પરોક્ષનાં શાસ્ત્રોમાંથી જ વાતો થતી હોય છે. તો તેનું કારણ શું ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી જે શ્રીજીમહારાજની નિષ્ઠા-ખુમારીથી ખમીરવંતું સ્વરૂપ છે તે ખીલ્યા વગર રહી શકે ખરા ?

તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજી ખુમારીપૂર્વક બોલ્યા કે, “બીજા વક્તાઓ જે વાત કરતા હોય તે કરે, પણ અમને તો મહાપ્રભુએ એક સ્વામિનારાયણનો જ મહિમા કહેવાનો હવાલો આપ્યો છે. અમે શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાની વાતો કરવાનો પરવાનો લઈને આવ્યા છીએ.

સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ પ્રવર્તાવવાની સેવા મહારાજે અમને સોંપી છે. અમારા જીવનમાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની જ નિષ્ઠા છે. ‘નિષ્ઠા એક નાથની બીજું નવ જોઈએ’ - તો પછી બીજી વાત અમે કેમ કરીએ ?

એક મૂળો ખાધો હોય તોપણ ઓડકાર મૂળાના જ આવે તો અમારા રૂંવાડે રૂંવાડે મહારાજની સર્વોપરી નિષ્ઠા-સિદ્ધાંતો વણાઈ ગયાં છે તો અમારી વાતમાં મહારાજ સિવાય અન્ય અવતારની વાત આવે જ ક્યાંથી ?”