અપૂર્વ ખુમારીથી શોભતું એ દિવ્ય સ્વરૂપ

અપૂર્વ ખુમારીથી શોભતું દિવ્ય સ્વરૂપ

‘બાર સાંધતાં તેર તૂટે’ એવી પરિસ્થિતિમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અનેક મુશ્કેલીઓની વચ્ચે ઘનશ્યામનગર મંદિરની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરી.

ઘનશ્યામનગર મંદિરે મૂર્તિપ્રતિષ્ઠા થયા પછી ગુરુવર્ય પ.પૂ. બાપજી ક્યારેક ત્યાં રહેતા હતા. તો બહુધા મોટા મંદિરે એમના આસને જ રહેતા હતા. કેમ કે શહેરના હરિભક્તોનો સમાજ એમના સમાગમના અંગવાળો હતો. તેથી તેઓ ત્યાં રહેતા.

દર અઠવાડિયે અથવા સભા પ્રસંગે, પધરામણી, મહાપૂજા પ્રસંગે અવારનવાર ઘનશ્યામનગર મંદિરે તેઓ આવતા રહેતા. એ વખતે વાહનોની મુશ્કેલી એટલે તેઓને પગપાળા ચાલીને આવવું પડતું. પૈસાને અડતા નહિ, રાખતા નહિ કે રખાવતા પણ નહીં.

તેથી રિક્ષામાં આવવું પણ મુશ્કેલ બનતું. જો કોઈ હરિભક્ત રિક્ષામાં સાથે હોય તો રિક્ષા ભાડે કરી આપતા. એવી રીતે એમની ઘનશ્યામનગર મંદિરમાં આવન-જાવન ચાલુ રહેતી.

ધીરે ધીરે હરિભક્તોનો સમાજ ખૂબ વધી ગયો ને બળિયો પણ ખૂબ થઈ ગયો, જે અન્ય વિઘ્નસંતોષીઓથી સહ્યું ન ગયું. તેથી આ બધું રોકવાના પ્રયત્નો ચાલ્યા ને એમાંય તેઓની કાનભંભેરણી તો ચાલુ જ હતી.

અંતે એવો સમય આવ્યો કે ગુરુવર્ય પ.પૂ. બાપજીને બળજબરીથી ત્યાગાશ્રમ છોડાવવાનો, ધોળા પહેરાવવાનો પ્રયત્ન થવાનો છે - આવી હિલચાલની ગંધ હરિભક્તોને આવી ગઈ.

એટલે તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું, “સ્વામી, તમારે હવે મોટા મંદિરે રહેવું હિતાવહ નથી. હવે આપણું પોતાનું સ્થાન છે. પછી શા માટે અહીં રહેવું ? અમારી પ્રાર્થના સ્વીકારો સ્વામી...”

“અરે, સ્વયં મહારાજે ચૂંદડી આપી છે, માટે અનંતકોટિ બ્રહ્માંડોમાં આ સૂરજસરીખી ચૂંદડી ઉતારનાર કોઈ જન્મ્યો નથી ! માટે આપણે ડરવાનું શાને ! તમે ચિંતા ન કરશો... મહારાજની મરજી હશે તેમ જ થશે. એ કોઈથી કંઈ થાય તેમ નથી ! બધું જ મારા મહારાજથી થાય એમ છે.” આમ બાપજીએ સમયે અપૂર્વ ખુમારી જણાવી હરિભક્તોને નિશ્ચિત કર્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીને કોઈનો ડર નહોતો પણ ઉદ્વેગ ને કંકાસ વધુ થાય તેમ જણાતાં મહારાજ-બાપાના સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે એ દિવ્યપુરુષે મોટા મંદિરના આસનને તિલાંજલિ આપી. ત્યારપછી ઘનશ્યામનગર મંદિરે જ તેઓ રહેવા લાગ્યા ને એમના દાખડે સત્સંગની મહેક ચોમેર પ્રસરવા લાગી.

ઘનશ્યામનગર મંદિરે સવિશેષ રહેવાનું થતું હોવાથી શહેર વિસ્તારના હરિભક્તોને ઘનશ્યામનગર મંદિર દૂર પડતું હતું. માટે તે હરિભક્તોને સત્સંગના પોષણનું શું ? ને એ વખતે ચારેબાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજી પ્રત્યે વિરોધાત્મક વાતાવરણ હતું. આવા વાતાવરણમાં હરિભક્તો બળિયા કેમ રહી શકે ? તેઓ ક્યાં સુધી ઝઝૂમી શકે ? ને જો સમાગમ ન મળે તો દિવસે દિવસે સત્સંગમાં ઢીલાશ આવતી જાય.

શહેર વિસ્તારના હરિભક્તોની ચિંતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને રહેતી એટલે શહેર વિસ્તારમાં ક્યાંક જો સ્થળ મળે તો સભા કરવી એવું તેઓએ વિચારેલું. આ સમય દરમ્યાન લાંબેશ્વરની પોળમાં બે માળનું ભૂતિયું મકાન વેચવા માટે કાઢેલું. (મકાનની ઉપરના માળે અંદરના રૂમમાં કોઈ એક બાઈ ભૂત થયેલી જેનું નાળિયેર ને ચૂંદડી પણ અંદર ગોખલામાં રાખેલાં અને રોજ ત્યાં ફરજિયાત દીવો કરવો જ પડે અને જે વ્યક્તિ એ મકાનમાં રહેવા આવે તેને હેરાન-પરેશાન કરી મૂકે.) ગુરુવર્ય પ.પૂ. બાપજીને આ મકાન અંગે વાત મળી.

તેઓએ કહ્યું કે, “જો કિંમતમાં ફાયદો થતો હોય તો આપણે એ મકાન લઈએ.” અને જે મકાન કોઈ નહોતું ખરીદતું કે નહોતું કોઈ ભાડે રહેતું તે મકાન ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ‘ઘનશ્યામ સામયિક’ ઑફિસ માટે તેના ટ્રસ્ટ અન્વયે ખરીદી લીધું.

ગુરુવર્ય પ.પૂ. બાપજી એ મકાને પધાર્યા. જે ઓરડામાં ભૂતનો નિવાસ હતો તે ગોખલામાંથી નાળિયેર-ચૂંદડી લેવડાવી દીધાં. ગોખલામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય કરી. નાળિયેરને વર્તમાન ધરાવી ભૂતનો મોક્ષ કર્યો.

ત્યારબાદ મકાન મળતાં શહેરી ભક્તો માટે રોજ સભા થવા લાગી. ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ અઠવાડિયે એકાદશીએ ને પૂનમે લાભ આપતા. એમ શહેરના હરિભક્તોનો સત્સંગ પુષ્ટ થતો ગયો.

ગુરુવર્ય પ.પૂ. બાપજીની અજોડ સાધુતા અને નિયમ-ધર્મની દૃઢતાનાં દર્શન કરી દિન-પ્રતિદિન અનેક નવા મુમુક્ષુઓ સત્સંગમાં ખેંચાતા હતા. સત્સંગનો વ્યાપ વધતાં બાપાશ્રીના હેતવાળો સમાજ પણ વધતો જતો હતો.

સત્સંગનો આ વધતો વ્યાપ અમુક વિરોધીઓથી ન ખમાયો તેથી તેમણે કેટલીક વિરોધાત્મક પ્રવૃત્તિ શરૂ કરી. તેમ છતાં જેના કર્તા સ્વયં શ્રીજીમહારાજ હતા એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેની કોઈ અસર ન થઈ.

તેથી કેટલાક વિરોધીઓએ બાપુનગર વિસ્તારમાં રહેતી એક ગુંડાતત્ત્વ વ્યક્તિને કાનભંભેરણી કરી ચડાવ્યા અને કહ્યું કે, “ગમે તે થાય પણ એક અઠવાડિયામાં ઘનશ્યામનગર મંદિરનો કબજો તમે મેળવી આપો.”

વિરોધીઓના આગ્રહથી તેઓ પોતાના માણસો સાથે ઘનશ્યામનગર મંદિરે આવ્યા અને ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી જેમ તેમ બોલવા લાગ્યા.

મંદિરનો કબજો લેવા રોફ કરતાં તેણે ઉદ્ધતાઈથી તોછડાઈભર્યા શબ્દોથી ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અપમાન કરી નાખ્યું.

છેવટે તેણે દાટી અને ધમકી આપતાં કહ્યું, “આઠ દિવસમાં આ મંદિર ખાલી કરી નાખજો અને જો મંદિર ખાલી નહિ કરો તો કાં તો હું નહિ, કાં તો તમે નહીં.”

અન્ય સાધુ-સંતો જેવા જ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ગણી તેઓએ બાહુબળના રોફમાં ન આપવાની ધમકી આપી ત્યારે સાથે રહેલા હરિભક્તો અતિ ચિંતિત થઈ ગયા : “નક્કી આ ગુંડો અહીં તાયફા કરશે અને આપણા ગુરુની ફજેતી કરશે, અપમાન કરશે. મંદિરમાંથી તેમને કાઢી મૂકશે તો ?”

પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખારવિંદ પર સહેજ પણ ગભરાહટ કે ચિંતાની લકીર પણ ન ઊપસી.

તેઓ થોડી વાર ધીર-ગંભીર થઈ મૌન રહ્યા પછી તેમના મુખારવિંદમાંથી સહસા જ શબ્દો સરી ગયા, “તમે જે કહ્યું છે કે, કાં હું નહિ કાં તો તમે નહીં. તો જાવ તમારો સંકલ્પ મહારાજ પૂરો કરશે.”

આ ધમકી પછી હરિભક્તો સૌ ડરતા હતા. પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી તો આજુબાજુની સોસાયટીઓ તથા વિસ્તારોમાં નિર્ભયપણે રિક્ષામાં તથા ચાલતા વિચરણ કરતા હતા. મંદિરમાં માત્ર ત્રણ યુવકોને જ રાખ્યા હતા.

ત્યારે હેતવાળા હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિચરણમાં જવાની ના પાડતા અને કહેતા કે, “તમે મંદિરમાં જ રહો, ક્યાંય બહાર ન જશો; નહિ તો તમને કંઈક કરી નાખશે.”

પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી શ્રીજીમહારાજના કર્તાપણાની ખુમારીથી જવાબ આપતા કે, “અનંતકોટિ બ્રહ્માંડનાં નાડીપ્રાણ શ્રીજીમહારાજના હાથમાં છે. એ બિચારો શું કરી શકવાનો ? મહારાજ સદાય મારી ભેળા છે માટે મારો વાળ વાંકો કરનાર કોઈ જન્મ્યો નથી.”

મોટાપુરુષના મુખારવિંદમાંથી જે શબ્દો સરી પડેલા તે સાકાર થાય જ. થોડા દિવસ બાદ ધમકી આપનાર કોઈ કેસમાં ફસાયા અને તેને તડીપારની સજા થઈ. એટલું જ નહિ, તેઓ પોતાની ગાડી લઈ બહારગામ જતા હતા ત્યારે ગાડી ચલાવતાં સ્ટીયરિંગ પરથી બૅલેન્સ ગુમાવ્યું અને રોડ પરના ઝાડ સાથે ભયંકર રીતે ઍક્સિડન્ટ થતાં ત્યાં જ ખેલ ખતમ થઈ ગયો. તેમણે જે ધમકી આપી હતી ‘હું નહિ’ તે સંકલ્પ મહારાજે શબ્દશઃ સાકાર કર્યો.