પુષ્પ ૧
એક વખત કેટલાક વિઘ્નસંતોષીઓએ એક હરિભક્તને બાપાશ્રી અને તેમના શ્રીજીસંમત સિદ્ધાંતોને લઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી પરત્વે કાનભંભેરણી કરી ખૂબ ચઢાવ્યા.
તેથી તે હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજી સમક્ષ આવી બાપાશ્રી વિષે જેમ તેમ એલફેલ બોલવા માંડ્યા. પોતાના વિષે કોઈ ગમે તે બોલે તો ચલાવી લે પણ બાપાશ્રી માટે કોઈ એક શબ્દ બોલે તો તેઓ ચલવી ન લે.
માટે અસ્મિતાસભર આ દિવ્યપુરુષ સિંહગર્જના કરતા બોલ્યા, “અલ્યા એય, ચૂપ થા. બાપા માટે એક પણ શબ્દ એલફેલ બોલતો નહીં. તું બાપાનાં રૂંવાડાં જેવોય નથી તે તેમના વિષે બોલે છે ? બાંડી ઘો જેવો તું અને મણિધરનું (મારા વ્હાલા બાપાનું) માપ કાઢે છે ? બાપા માટે કંઈ બોલ્યો તો તારા સોથા ઊડી જશે.” એમ કહી તે હરિભક્તને ચૂપ કરી દીધા.
આવા તો અનેકાનેક વિઘ્નસંતોષી ભગવાધારી અને અજ્ઞાની મનુષ્યો હતા કે જેઓ બાપા માટે તેમની આગળ એક શબ્દ પણ ઉચ્ચારી શકતા નહિ બલ્કે દૂર રહેતા.
પુષ્પ ૨
સંવત ૧૯૭૫ (ઈ.સ. ૧૯૧૯)માં સત્સંગ મહાસભાની સ્થાપના થયા બાદ ચોમેર બાપાશ્રીએ સમજાવેલ ભગવાન સ્વામિનારાયણના મૂળજ્ઞાન-સિદ્ધાંતના બહિષ્કારનો બળવો પુરજોશથી ફાટી નીકળ્યો હતો.
બાપાશ્રીના હેતવાળા સમાજ માટે સંપ્રદાયમાં હડધૂતાત્મક તેમજ વિરોધાત્મક વાતાવરણ શમવાને બદલે દિન-પ્રતિદિન વધુ વધતું જતું હતું.
એવા સમયમાં બાપાશ્રીના સિદ્ધાંતોનો પ્રચાર કરવો અશક્ય હતો. તેમ છતાં એવા કપરા સમયમાં પણ રોમ રોમ પ્રત્યે બાપાશ્રીની અસ્મિતાથી અહોનિશ ભીના રહેતા એ દિવ્યપુરુષે એ સિદ્ધાંતોને છડેચોક મોટા મંદિરમાં રહી વિસ્તાર્યા.
છતાં ત્યાંના વિઘ્નસંતોષીઓ કાયમ એક તજવીજમાં રહી કહેતા, “મંદિરમાં બાપાશ્રીના જ્ઞાનનો થોડોઘણો કચરો રહી ગયો છે તેને હવે કાઢી નાખવો છે.”
અંતે તેના પરિણામે એક સમય એવો આવ્યો કે બાપાશ્રીના સિદ્ધાંતોને મુકાવવા આકરી શરતોનાં બંધન ઊભાં કરવામાં આવ્યાં.
ત્યારે શરતો મૂકનારા પણ જાણતા હતા કે, “આ બાપાશ્રીના સિદ્ધાંતોની સાંગોપાંગ હૂબહૂ મૂર્તિ છે તે કદાપિ શરતો માન્ય નહિ જ રાખે.”
જેમ સિંહને સો લાંઘણ થાય, ભૂખ્યો ઊભો ઊભો સુકાઈ જાય પણ કદી ખડ ન ખાય. તેમ આ દિવ્યપુરુષે બાપાશ્રીના સિદ્ધાંતો શિર સાટે રાખવા ના તો પીછેહઠ કરી, ના તો કોઈ જ રીતે સમાધાન કર્યું ને વિઘ્નસંતોષીઓને સ્પષ્ટ પરખાવ્યું, “આ ધડ ઉપરથી માથું ઉતારી શકશો, પરંતુ બાપાશ્રીને અને એમના સિદ્ધાંતોને નહિ મુકાવી શકો કે નહિ રોકી શકો.”
ત્યારે સંપ્રદાયમાં સૌ કોઈને એ દિવ્યપુરુષમાં અબજીબાપાશ્રી સારુ મૂંડાવ્યાની અમૂલખ અસ્મિતાના સાક્ષાત્ સ્વરૂપનો અહેસાસ થયો.
પુષ્પ ૩
જેને સાંભળતાં હૃદય દ્રવી ઊઠે એવાં કપરાં કષ્ટો અને દુર્ભેદ પડકારોને ઝીલતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ઘનશ્યામનગર મંદિરનું બાંધકામ પૂર્ણ કરાવ્યું તેમ છતાં તેમના હૈયે આનંદ હતો શ્રીજીમહારાજના સંકલ્પ સમું શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિર તૈયાર કરવાનો.
મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થતાં, પ્રતિષ્ઠા માટે મોટા મંદિરમાંથી પધારવાની સંમતિ મળી.
તેમ છતાં કેટલાકે વિરોધ કર્યો કે, “આ બાપાવાળા સાધુ છે અને બાપાના હેતવાળાનું મંદિર છે અને ત્યાં રહસ્યાર્થવાળાં વચનામૃત અને બાપાની વાતો વંચાશે માટે પ્રતિષ્ઠા કરવા ન જવું.”
તેથી મોટા મંદિર દ્વારા શરતો મુકાઈ કે, “જો મંદિરમાં બાપાશ્રીની મૂર્તિ ન પધરાવો અને વચનામૃત તથા બાપાશ્રીની વાતો ન વાંચો તો મૂર્તિપ્રતિષ્ઠા કરીએ.”
સિંહપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તુરત જ ખુમારીપૂર્વક જવાબ આપ્યો કે, “બાપાનો મહિમા તો અમારા રોમેરોમમાં છે અને ગવાશે જ. બાપાશ્રીએ સમજાવેલા સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે જ ‘બાપા’ અમને લાવ્યા છે. અમારા લોહીની એક એક બુંદમાં ‘બાપા’ છે; અમારા હૃદયના એક એક ધબકારમાં ‘બાપા’ છે; અમારા શ્વાસોશ્વાસમાં ‘બાપા... બાપા... બાપા’ જ છે. આ બાપાશ્રી સારુ તો મૂંડાવ્યું છે. માટે બાપાની મૂર્તિ પણ પધરાવાશે અને વચનામૃત - બાપાશ્રીની વાતો પણ વંચાશે. એટલું જ નહિ, અહીંથી જ દિગંતમાં બાપાશ્રીનો મહિમા ગવાશે. શ્રીજીમહારાજ, જીવનપ્રાણ બાપાશ્રી અને એમના મુક્તો સિવાય બીજું કોઈ આ મંદિરમાં નહિ જ પધરાવાય.”
ધાર્યું બધું શ્રીજીમહારાજનું જ થાય છે. વિરોધોના વંટોળો ફૂંકાતા રહ્યા. બોલનારા દ્વેષીઓ બોલતા રહી ગયા અને શ્રીજીમહારાજના સંકલ્પે સંવત ૨૦૩૦ ચૈત્ર વદ છઠ્ઠ (તા. ૧૨-૪-૧૯૭૪)ના મંગલકારી દિને મૂર્તિપ્રતિષ્ઠા વિધિ થયો.
સંપ્રદાયના સૌપ્રથમ શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરમાં ઘનશ્યામ મહારાજ મુક્તમંડળે સહિત બિરાજ્યા. અજોડ સર્વોપરી ઉપાસનાના પાતાળમાં પાયા ખોડાઈ ગયા.
શ્રીજીમહારાજનો સૌપ્રથમ અમદાવાદમાં પોતાના મંદિરમાં પોતાનું જ સ્વરૂપ પધરાવવાનો અપૂર્ણ સંકલ્પ ૧૫૨ વર્ષ પછી પૂર્ણ થતાં આ મહામંગલકારી દિન સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો.