પુષ્પ ૧
ઈ.સ. ૧૯૭૦ની આસપાસ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ખાખરિયાનાં ગામોમાં વિચરણમાં જવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ શ્રીજીમહારાજની આજ્ઞાનુસાર જોડ વગર તો ક્યાંય બહાર જવાય નહીં.
જોડમાં સાધુ નહીં. તેથી પ્રશ્ન થયો કે જવું કેવી રીતે ? તેથી મંદિરમાં વડીલ સંત પાસેથી વિચરણમાં જવા ઉછીના સાધુ લીધા.
વિચરણમાં જવા જોડ નહોતી તો ગાડી તો હોય જ ક્યાંથી ? તેથી બસમાં જવું પડે. બસમાં સ્ત્રીઓ પણ હોય તેથી તે એક વાહન ગણાય.
આથી ગુરુવર્ય પ.પૂ. બાપજી બસમાં બેસતા ત્યારે ઉપવાસ કરતા. તેમ છતાં કોઈ સ્ત્રીઓને સીધો સ્પર્શ ન થઈ જાય કે સાથે લીધેલ સામાનનાં ભગવાં પોટલાંને કોઈ સ્ત્રીઓ અડી ન જાય તેનો ખટકો રાખતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી એકલા બધા સામાનનાં પોટલાં લઈને ચાલતા.
ખાખરિયાના વિચરણ દરમ્યાન એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી જોષીપુરા હરિભક્તોને રાત્રે સભામાં કથાવાર્તાનો લાભ આપવા પધાર્યા હતા.
જોષીપુરા પહોંચ્યા પછી ખુરશીમાં સિંહાસન કરી ઠાકોરજીની મૂર્તિ પધરાવી અને જોડમાં રહેલા સંતને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “સ્વામી, તમે થોડી વાર કીર્તન ગાવ એટલામાં હું બધી વ્યવસ્થા કરી દઉં.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી સભાની તથા ઉતારાની બધી વ્યવસ્થા કરી, દંડવત કરી આસને કથા કરવા માટે બિરાજી ગયા. કીર્તન ગવડાવવાનાં ચાલુ હતાં.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને એમ કે હમણાં કીર્તન પૂરું કરે પછી કથા ચાલુ કરીશું. પરંતુ એક પછી બીજું, બીજા પછી ત્રીજું એમ કીર્તનો ગાવાનાં ચાલુ જ રાખ્યાં.
છેવટે થાકીને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “સ્વામી, હવે કીર્તન રાખો અને કથા કરીએ.”
એક વાર કહ્યું, બે વાર કહ્યું તેમ છતાં કીર્તન ગાવાનાં ચાલુ જ રાખ્યાં.
છેવટે હરિભક્તોએ સામેથી કહ્યું કે, “સ્વામી, કીર્તન રાખો; હવે આ સ્વામી કથા કરે.”
કીર્તન ગાવાનું તો બંધ કર્યું પણ આક્રોશમાં મોટે મોટેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીને બોલવા લાગ્યા કે, “તમને હું સારાં કીર્તન ગાઉં છું એટલે મારી ઉપર ઈર્ષ્યા આવે છે. બધા હરિભક્તોને કીર્તન સાંભળવા ગમે છે તે તમને ખમાતું નથી અને પાછા તમે હરિભક્તોને ચડાવો છો. એમની આગળ સારા થાવ છો.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી કંઈ બોલ્યા નહીં. એટલે જોડવાળા સાધુને ફાવતું જડ્યું.
તેમણે પાછું બોલવાનું ચાલુ રાખ્યું : “તમને મારી ગાનકળા સારી દેખાતી જ નથી. શું વાંધો છે હું કીર્તન ગાઉં એમાં ? પણ તમને વાંધો છે કે તમારા કરતાં બધાની આગળ હું સારો દેખાઉં. હવે બહુ થયું...”
આમ તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીની મર્યાદા ન રાખતાં ન બોલવાના શબ્દોની ઝડી વરસાવી.
ગુરુવર્ય પ.પૂ. બાપજીનું હૃદય આ શબ્દો સાંભળતાં ચિરાઈ ગયું. તેમને પોતાના અપમાનનું દુઃખ નહોતું. પરંતુ હરિભક્તોને સ્વામીજીને વિષે સંકલ્પ થાય, અભાવ આવે અને શ્રીજીમહારાજની આ ભગવી ચૂંદડી લજવાશે તેનું દુઃખ હતું.
તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વિનમ્રભાવે કહ્યું, “સારું સ્વામી, તમે બહુ સરસ કીર્તન ગાવ છો. ચાલો ગવડાવો, આપણે ગાઈએ.” એમ કરી કીર્તન ગાવાનાં ચાલુ કરાવ્યાં.
રાત્રે અગિયાર વાગ્યા સુધી કીર્તન ગવડાવ્યાં પણ સભા તો ન જ કરવા દીધી. ખરેખર સભા કરવા ગયા હતા તે થઈ નહીં.
હરિભક્તોને બળ અપાયું નહિ તેનું ભારોભાર દુઃખ ગુરુવર્ય પ.પૂ. બાપજીને અને હરિભક્તોને પણ થયું હતું. તેમ છતાં કાંઈ કહેવાય નહીં. બધી જ પરિસ્થિતિ મૂંગા મોંએ સહી લીધી.
બીજા દિવસે સવારે બીજા ગામમાં જવા નીકળવાનું હોવાથી પ્રાતઃક્રિયાથી પરવારી ગામના સ્ટેશને જવા નીકળ્યા ત્યારે બધા હરિભક્તોનાં નેત્રો અશ્રુથી ભરાઈ ગયાં હતાં.
સવારના સમયે રસ્તામાં સ્ત્રીઓની અવરજવર હતી. વળી સ્ટેશને પહોંચવાનું મોડું થયું હોવાથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમને કહ્યું, “સ્વામી, ઉતાવળા ચાલો. નહિ તો જો બસ ચૂકી જઈશું તો છેક કાલે સવારે બીજી બસ આવશે.”
પણ સ્વામી જાણે કહે તેનાથી અવળું જ ચાલવું છે એવું નક્કી કરીને આવ્યા ન હોય તેમ તેઓ ઉતાવળા ચાલવાને બદલે હઠીને ઊભા રહી ગયા : “તમારે જવું હોય તો જાવ, પણ હવે હું એક ડગલું પણ આગળ નહિ ચાલું. હું પણ જોઉં છું તમે એકલા કેમ જાવ છો...”
જોડે આવેલા પ્રવીણભાઈ સાગરદાનભાઈ સ્વામિનારાયણે તેમને ખૂબ સમજાવ્યા ત્યારે તેઓ ચાલવા તૈયાર થયા.
પોતાનો દેહ કદાચ સાજો-માંદો થાય તો સહી લેવાય, વેઠીને પણ સત્સંગ વિચરણમાં ફરાય પરંતુ જોડે રહેલા સંત આવી અવનવી લીલા કરે તેમ છતાં ધીરજ રાખી સત્સંગ વિચરણનો આગ્રહ રાખવો એ મનના ભીડાની કષ્ટદાયક યાત્રામાં ધીરજ રાખી ચાલવા જેવું છે. આવું તો એક દિવસ નહિ, રોજના વિચરણમાં બનતું.
પુષ્પ ૨
એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી ઉછીના સાધુ લઈ કલોલ તાલુકાના વામજ ગામે વિચરણ માટે જવા નીકળ્યા હતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્ત્રી-ધનના સંપૂર્ણ ત્યાગી તેથી તેઓ તેમની મર્યાદામાં રહેવા રસ્તામાં, બસમાં તથા વિચરણના ગામમાં પણ અષ્ટ પ્રકારે સ્ત્રીના ત્યાગ માટે આગ્રહ રાખતા.
પરંતુ જોડમાં રહેલા સંતને આ કોઈ મર્યાદા અડે જ નહીં. સ્ત્રીઓ સાથે બોલે, પૈસા પણ રાખે. તેમ છતાં તેમને જોડમાં લઈને વિચરણમાં ફરવાનું, તેમના હાથનું જમવાનું નહિ અને સામાન પણ પોતે ઊંચકવાનો.
વામજ જતા હતા ત્યારે જોડમાં રહેલા સંત પાસે પૈસા હતા. તેઓ સ્ત્રી સાથે બોલતા પણ હતા. જ્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે પૈસાય નહોતા કે સ્ત્રીઓ સાથે બોલતા પણ નહીં.
તેથી બસમાં ઘણા તેમની મશ્કરી કરતા હતા. કોઈક અપમાન કરતા બોલતા પણ ખરા કે, “આવા ધરમ પાળવા હોય તો મંદિરમાં બેસી રહો; બહાર શા માટે નીકળો છો ? ના જોઈ હોય તો મોટી નિયમ-ધર્મની પૂંછડી.” એવા અનેક અપશબ્દો બોલતા હતા.
ગામમાં પહોંચી સભા કરી. સભા પત્યા પછી તે સાધુ નિયમ નેવે મૂકી હરિભક્તો પાસે પૈસા પણ માગતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી વામજ સભા કરી પાછા પધાર્યા ત્યાં સુધીમાં તો માનસિક ત્રાસ પામી ગયા હતા.
કેવી રીતે તેમને સમજાવવા તે જ ખબર પડતી નહોતી. નિયમ-ધર્મના લોપ થતા જોઈ અંતર કકળી ઊઠતું હતું. તેમ છતાં જો કાંઈ કહેવા જાય તો તરત ચાલી નીસરે. તેમને તો એકલા જતા રહેવામાં કોઈ ચિંતા નહોતી.
પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીને જોડ જતી રહે તો એકલો થઈ જઉં અને શ્રીજીમહારાજની આજ્ઞા લોપાશે, ઉપવાસ પડશે તેનું ભારોભાર દુઃખ હતું. તેથી કાંઈ બોલ્યા વગર બધું સહે જતા.
ઈ.સ. ૧૯૬૭થી ૧૯૮૦ સુધીનો તલવારની ધાર પર ચાલવા કરતાં પણ આકરો સમય હતો. જોકે એ દિવ્યપુરુષ સમર્થ હોવા છતાં સહન જ કરતા.
જોડે વિચરણમાં આવનાર ગુરુવર્ય પ.પૂ. બાપજીના હેતવાળા હરિભક્તો બધું જોતા અને એમની અનુપમ સાધુતાને વંદી રહેતા ને કહેતા : “સ્વામી તો સોળવલ્લી સાધુતાવાળા છે. એમની સાધુતા મનના અપાર ભીડાની પરાકાષ્ઠાને પણ સાવ ક્ષુલ્લક જ ગણતી.”