નારદ ઐસી સાચે સંતન કી રીતિ

પુષ્પ ૧

વર્તમાનકાળે નંદસંતોના જેવી નિષ્કામ ધર્મની રીતિનાં ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં દર્શન કરતાં સમગ્ર સંપ્રદાયના મોટા માંધાતા અને સંતો પણ અહોભાવ સાથે બોલે છે કે, “વાસણામાં નંદસંતોની સાચી પરંપરા તો ખરી જ, પણ નંદસંતોનાં પ્રત્યક્ષ દર્શન આ સદ્‌. દેવનંદનદાસજી સ્વામીમાં થાય છે. તેમની સાધુતા અને નિયમ-ધર્મની દૃઢતા અજોડ છે.”

નિકટમાં રહેનારાનું પ્રમાણપત્ર સર્વદા સત્ય અને યથાર્થ જ હોય. એ ન્યાયે ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંતજીવનના પ્રારંભથી નિકટમાં રહેનારા સંતો-હરિભક્તો તેમના નિષ્કામ ધર્મની દૃઢતા જોઈ દંગ રહી જતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીના સૌથી જૂના અને સૌથી નિકટ હરિભક્ત એટલે પ.ભ. સાગરદાનભાઈ સ્વામિનારાયણ. તેઓ જ્યારે નિષ્કામ ધર્મની વાત નીકળે ત્યારે પોતાના મુખે અચૂક કેટલાક પ્રસંગ કહે જ.

ઈ.સ. ૧૯૭૦માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો-હરિભક્તો સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. એ સમયે વાહનની પ્રતિકૂળતા હોવાથી કેટલાંક સ્થળોએ ચાલતા જ જવું પડતું. એક વખત મંદિરમાં ઠાકોરજીનાં દર્શન-કથાવાર્તા કરી બીજા ગામમાં જવા મોડું થતું હોવાથી ઉતાવળે નીકળ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે પોતાની પૂજા, ધોતિયાં ને પત્તરની ઝોળી ઉપરાંત જોડમાં રહેલા સંતનો પણ બધો જ સામાન તેમણે ઉપાડ્યો હતો.

હરિભક્તોએ સામાન ઊંચકવા માગ્યો તોપણ કહ્યું કે, “તમે રસ્તામાં કોઈ સ્ત્રીઓને અડી જાવ તો ગાતડિયાં, પૂજા, પત્તર બધું અભડાય.” કેવી સૂક્ષ્મ દૃષ્ટિ !

ગામના સાંકડા રસ્તામાં આગળ હરિભક્તો અને પાછળ ગુરુવર્ય પ.પૂ. બાપજી નીચી દૃષ્ટિએ પ્રભુસ્મરણ સાથે માળા કરતા ચાલતા હતા.

એક વખત હરિભક્તો થોડે આગળ નીકળી ગયા. જ્યારે ખૂબ વજનને કારણે તેઓ ધીરે ચાલતા હતા. આથી હરિભક્તો ને તેમની વચ્ચે અંતર વધી ગયું. ત્યાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ઊંચી દૃષ્ટિ કરીને જોયું તો હરિભક્તો અને તેમની વચ્ચે પનિહારી બાઈઓ પાણી ભરીને આવતી દેખાઈ.

હવે તેઓથી બૂમ પણ કેમ મરાય ? આજુબાજુમાં બીજો કોઈ રસ્તો કે પાછા વળાય તેવી કોઈ પરિસ્થિતિ નહોતી. તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી દોડીને બાજુના ઘરની દીવાલ તરફ મોં રાખી લપાઈ ગયા.

થોડી વારે હરિભક્તોએ પાછું વળીને જોયું તો ગુરુવર્ય પ.પૂ. બાપજી દીવાલ તરફ મોં રાખીને ઊભા હતા. તેથી તેઓ દોડતા તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે, “શું થયું ? ઠેસ વાગી કે કાંઈ જીવજંતુ આવ્યું ? કેમ આમ અહીં ઊભા છો ?”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ધર્મામૃતની સ્મૃતિ કરાવતાં તરત કહ્યું કે, “શ્રીજીમહારાજે સાચા ત્યાગી સાધુને ધર્મામૃતમાં આજ્ઞા કરી છે કે, ‘ત્યાગી સાધુએ માર્ગમાં ચાલવું ત્યારે સ્ત્રી થકી પાંચ હાથ છેટે ચાલવું. સમૈયામાં ઘણાક જનના સમૂહમાં ભેગા થયા હોય ત્યારે સ્ત્રી થકી એટલે છેટે ન ચલાય તેનો બાધ નહિ, ત્યારે સ્ત્રીના સ્પર્શ થકી પોતાના અંગની જ રક્ષા કરવી.’

‘ત્યાગી સાધુની રીતિ’ ગમે તેવા દેશકાળ હોય તોય ફરવી ન જોઈએ. શ્રીજીમહારાજની અલ્પ આજ્ઞા પણ ન લોપાય તો અત્યારે તો શક્ય હતું તો શા માટે લોપવી જોઈએ ? માટે અમે સ્ત્રીઓથી પાંચ હાથ છેટે રહેવા અહીં લપાઈ ગયા હતા.”

“સ્વામી, મેં તો ધર્મામૃતની વાતો સાંભળી છે પણ એનું ચરિતાર્થ સ્વરૂપ તો આજે જ જોયું. સ્વામી, તમે તો મુક્તાનંદ સ્વામીના પદ મુજબ ‘નારદ ઐસી સાચે સંતન કી રીતિ’ દેખાડી મને તમારો કરી લીધો... સ્વામી... તમે તો મને તમારો કરી લીધો.”

સાગરદાનભાઈ આમ બોલતાં બોલતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને બે હાથ જોડી વંદી રહ્યા.

પુષ્પ ૨

આ જ પંચતીર્થી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો કર્યો હતો.

માગશર માસની અતિશય કડકડતી ઠંડીમાં સાથે સેવામાં રહેલા સાગરદાનભાઈએ ગરમ કોટની ઉપર કામળો ઓઢેલો છતાં શરીર ઠંડીથી કંપતું હતું. રાત્રે ગરમ ધાબળા તથા ગોદડાં ઓઢાડી ઠાકોરજીને પોઢાડ્યા.

જેમ જેમ રાત્રિ જામતી ગઈ તેમ તેમ ઠંડી માઝા મૂકીને અતિશય વધતી જતી હતી.

વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજી જાગ્યા ત્યારે ગાત્રો થીજી જાય તેવો અતિશય ઠંડો પવન વાતો હતો. પાણીનો સ્પર્શ કરવાની ઇચ્છા ન થાય તો એવી ઠંડીમાં સ્નાન કેવી રીતે કરાય ?

તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્નાન કરવા પધારતા હતા ત્યારે મંદિરમાં રહેલા પૂજારીએ કહ્યું, “સ્વામી, આવી ઠંડીમાં ઠંડા પાણીએ સ્નાન ન કરો. લો, હું તમને ગરમ પાણી લાવી આપું.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત જ કહ્યું, “સાધુએ માંદગી વિના ગરમ પાણીથી સ્નાન ન કરાય. અમારું શરીર નરવું (સાજું) છે માટે ગરમ પાણી ન લેવાય. મહારાજની આજ્ઞા નથી.”

આટલું બોલતાં તેઓએ મંદિરના ખુલ્લા ચોકમાં આવેલ નળ નીચે બેસી સ્નાન કરવાનું ચાલુ કરી દીધું. આખી રાતનું નળમાં બરફ જેવું ઠરી ગયેલું પાણી તેમના શરીર પર પડતાં લોહીના ટશિયા બાઝી ગયા. આખા શરીરનું લોહી થીજી ગયું.

જોડે સેવામાં રહેલા સાગરદાનભાઈથી આ જોયું નહોતું જતું. તેથી તેમણે ઘણી વિનવણી કરી : “સ્વામી, આ પાણી શરીરનાં ગાત્રો થિજાડી દે તેવું છે, માટે સ્વામી ના ન્હાશો...”

છતાં એ દિવ્યપુરુષે ઠંડા પાણીએ જ સ્નાન કર્યું. કોઈની તો નહિ પણ પોતાના અવરભાવની પણ મોબત ન રાખી.

ગામના હરિભક્તો તથા પૂજારી તો સાચા સંતની રીતે વર્તવાનો તેમનો આગ્રહ જોઈ અચંબિત થઈ ગયા.

તે સૌના મુખે એક જ વાત હતી : “અમે આવા નિયમ-ધર્મની અડગ ટેક રાખનાર નંદસંતોની વાતો વાંચી ને સાંભળી હતી. પણ એમનાં ક્યારેય પ્રત્યક્ષ દર્શન નહોતાં કર્યાં. પણ એવા નંદસંતનાં દર્શન આ સ્વામીમાં અમને આજે થયાં. એમની અચળ અડગ આજ્ઞાપાલનની નિષ્ઠાને ધન્ય છે...”

આજે વર્ષો પછી પણ જ્યારે ૯૦ વર્ષીય સાગરદાનભાઈ આ પ્રસંગ કોઈ હરિભક્તની સમક્ષ વર્ણવતા હોય છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે ને એમના હાથ અવસ્થાના ભાવોને અવગણી મસ્ત બની હવામાં લહેરાતા હોય છે. એમના મુખમાં વારંવાર એક જ શબ્દ પડઘાતો હોય છે :

“મેં એ વખત પહેલી વાર આવા સાધુ જોયા હતા... હું તો સડક થઈ ગયો... હું તો સડક થઈ ગયો...”

વાત કરતાં કરતાં પાછા તેઓ સડકની જેમ સ્તબ્ધ બની રહે છે.