નિશાન સ્વરૂપે ફરકાવ્યો ભગવો ઝંડો

ઈ.સ. ૯૬૯-૭૦ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા હતા. એ અરસામાં મોટા મંદિરમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનું નામ લેવું પણ ઘણું કઠિન હતું. તો પછી ત્યાં રહીને બાપાશ્રીનો મહિમા ગાવો અને બાપાશ્રીએ સમજાવેલા સિદ્ધાંતોનો જેમ છે તેમ પ્રચાર તો થાય જ કેમ ?

ગુરુવર્ય પ.પૂ. બાપજીનું રૂંવાડે રૂંવાડું બાપાશ્રીની અસ્મિતાથી ભરપૂર છલકતું હતું. તેથી તેઓ જોગમાં આવનારને મહિમામાં ડુબાડ્યા વગર કેવી રીતે રહી શકે ?

શ્રીજીમહારાજની સર્વોપરી સનાતન અજોડ ઉપાસના અને બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મલેકસાબાન સ્ટેડિયમની પાળ ઉપર સભા શરૂ કરી હતી.

મોટા મંદિરેથી ચાલતા ગુરુવર્ય પ.પૂ. બાપજી સભા કરવા સ્ટેડિયમની પાળ ઉપર પધારે, ઉપર આભનું છત્તર અને નીચે ધરતીની જાજમ હતી.

દર રવિવારે સવારે સાત વાગ્યે સ્ટેડિયમની પાળે, ઘણાં ઘટાદાર વૃક્ષોની નીચે સભા ભરાતી.

ત્યાં વળી બેસવા માટે ક્યાં સોફા ને ક્યાં ખુરશી ? એક ઝાડ ઉપર સરનામાના નિશાન રૂપે ભગવું કપડું ઝંડા સ્વરૂપે ફરકાવતા.

આસન માટે કંતાનનો કોથળો ગુરુવર્ય પ.પૂ. બાપજી પાથરતા. એ વખતે ઠાકોરજીની મૂર્તિ લઈ શકાય એવી પણ વ્યવસ્થા ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે નહોતી.

તેથી એક સ્વચ્છ ભગવું કપડું પાથરી કીર્તનની ચોપડીમાં રહેલી ઘનશ્યામ મહારાજની મૂર્તિવાળું પાનું ખોલી ઝાડના ટેકે પધરાવતા.

ઘરના એક-બે હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીની સમક્ષ બેઠા હોય એટલે સભાનો પ્રારંભ થઈ જાય. નવા મુમુક્ષુઓ ભગવો ઝંડો શોધી, સભામાં પોતાનું સ્થાન લેતા જાય.

એક તરફ નીચે સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના મુખેથી સર્વોપરી ઉપાસના અને આજ્ઞા-નિયમ-ધર્મની વાતો મુક્ત કંઠે વહેતી હોય તો બીજી તરફ ઉપર ભગવો ઝંડો આ વાતોના પ્રતીક રૂપે ઉન્નત-ઉન્મત્ત રીતે લહેરાતો હોય. જાણે શ્રીહરિના સિદ્ધાંતોને ઉજાગર કરવારૂપ વિજયધ્વજ લહેરાતો ના હોય !

ગુરુવર્ય પ.પૂ. બાપજી ન જુએ શિયાળો, ઉનાળો કે ચોમાસુ. બસ, એમને તો એક જ તલસાટ તરવરતો : “કેમ વધુ ને વધુ જીવો આ સાચા જ્ઞાનની દૃઢતા કરી, શ્રીજીમહારાજના સ્વરૂપને ઓળખી મૂળભૂત સિદ્ધાંતોની અનુભૂતિ કરે, મૂર્તિસુખના ભોગી થાય.”

સભાને અંતે શેર (૫૦૦ ગ્રામ) જામફળની પ્રસાદી મહારાજને ધરાવી હરિભક્તોને પ્રસાદ આપી રાજી કરે.

મલેકસાબાન સ્ટેડિયમ પર થતી સભા દ્વારા નવા નવા મુમુક્ષુઓ જોડાતા ગયા અને જૂજ હરિભક્તોનો સમાજ તૈયાર થયો.

આ સભાનો આસ્વાદ લેનાર ઘણા મુમુક્ષુઓ આજે પણ એને વાગોળતા કહેતા હોય છે : “એ સમયે બાપજીનો રજમો, જોમ ને જુસ્સો કેવળ શ્રીહરિના મહિમાગાનમાં અલમસ્ત બની રણકતો. અમને તો કંઈ ગમ ન પડે પણ એમની છટા ને અદા અમને એમના તરફ ખેંચતી. એમનો મહારાજ આપવાનો અલંચ તરવરાટ અમને મહારાજવત્‌ કરી દેતો. જાણે આ સ્વામી સાથે અમારો પૂર્વનો કંઈ નાતો ન હોય એમ અમને એમના સ્નેહમાં બાંધતો. તેમ છતાં એ અમને ક્યારેય એમનામાં ના બંધાવા દેતા. એ દિવસો... એ સમય... એ ક્ષણ... હજુ આજેય એવી ને એવી અકબંધ છે.”