પુષ્પ ૧
ઈ.સ. ૨૦૦૨, મે માસમાં વડોદરા સ્થિત ભરતભાઈ પટેલના પિતાશ્રી ચતુરભાઈને હૃદયની ખૂબ જ મોટી બીમારી થઈ હતી.
તે સમયે તેમની ૭૫ વર્ષની ઉંમર હતી. તેઓ લગભગ એક મહિના સુધી આ બીમારી સહન કરતા રહ્યા.
પછી એક હાર્ટ સ્પેશ્યાલિસ્ટ (હૃદયના નિષ્ણાત) ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે હૃદયનો રિપૉર્ટ કઢાવવાનું સૂચવ્યું.
જેના પરથી ડૉક્ટરે નિદાન રજૂ કરતાં જણાવ્યું કે, “હૃદય પહોળું થઈ ગયું છે. આ કેસ ફેઇલ છે. બચવાની કોઈ શક્યતા નથી.”
ભરતભાઈ તો ચિંતામાં મુકાઈ ગયા. ત્યારપછીના એક અઠવાડિયા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી વિચરણ દરમ્યાન વડોદરા મંદિરે પધાર્યા ત્યારે ભરતભાઈએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેમના પિતાશ્રીની બીમારી અંગે વાત જણાવી.
એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત જ પૂછ્યું કે, “ચતુરભાઈને હજુ રાખવા છે કે ધામમાં લઈ જવા છે ?”
ભરતભાઈએ હાથ જોડીને પ્રાર્થના કરી કે, “બાપજી, આપ હમણાં રાખો તો સારું.”
આટલું સાંભળતાં જ અતિ દયાનિધિ સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદનું દાન કરતાં કહ્યું કે, “જાવ, તમારા પિતાશ્રીને મહારાજ રાખશે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય આશીર્વાદથી મહારાજે ચતુરભાઈને આ લોકમાં રાખ્યા.
તેમની આજે ૯૧ વર્ષની ઉંમર થવા છતાં ક્યારેય કોઈ જ પ્રકારની દવા લીધા વિના તેઓ તંદુરસ્ત રીતે જીવન જીવી રહ્યા છે. તેમને ૧૫ વર્ષના સમયમાં આજ દિન સુધી ક્યારેય હૃદયની જરીયે તકલીફ સુધ્ધાં થઈ નથી.
પુષ્પ ૨
સંસ્થાના સૌપ્રથમ ઘરધણીમુક્ત પ.ભ. કીર્તિભાઈ ભાવસાર ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી સાથે આત્મબુદ્ધિના નાતે જોડાયેલા હોવાથી મહારાજે તેમની ઘણી કસોટી કરી છે.
તેમને ચાર દીકરા હતા. તેમાંના પ્રથમ મુક્તરાજ સુરેશભાઈને ૧૮ વર્ષની યુવાન અવસ્થામાં જ મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધા. બીજા મુક્તરાજને પણ ૧૮ વર્ષ થતાં મહારાજે માંદગીનું નિમિત્ત ઊભું કરી ધામમાં લઈ લીધા.
ત્રીજા મુક્તરાજ ૧૬ વર્ષના થયા એટલે તેમને થયું કે મહારાજ કદાચ આને પણ ૧૮ વર્ષે ધામમાં લઈ લેશે તો ? આથી, તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં સાધુ થવા માટે અર્પણ કરી દીધા.
ચોથા મુક્તરાજ હરિકૃષ્ણની ૧૮ વર્ષની ઉંમર થતાં મહારાજે ફરી આકરી કસોટી લીધી.
હરિકૃષ્ણ ઈ.સ. ૨૦૦૪માં રક્ષાબંધનના આગલા દિવસે ફોર વ્હીલર ગાડી લઈ ભાવનગરથી અમદાવાદ આવતા હતા. રસ્તામાં ધોલેરા પાસે તેમનો ભયંકર અકસ્માત થતાં ત્યાં જ તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું. તેઓ બેભાન થઈ ગયા. તાત્કાલિક અમદાવાદની વાડીલાલ હૉસ્પિટલમાં દાખલ કર્યા.
મગજનું ઑપરેશન કરવામાં આવ્યું જે ૧૦ કલાક સુધી ચાલ્યું. તેઓ અઢી મહિના સુધી તો કોમામાં જ રહ્યા.
ઘરના તમામ સભ્યો ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. હરિકૃષ્ણને બચવાની કોઈ જ શક્યતા લાગતી નહોતી. પરિસ્થિતિ દિવસે દિવસે વણસતી જતી હતી.
આ સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અમેરિકા ખાતે વિદેશ વિચરણમાં હતા. ત્યાં તેઓને આ વાતની જાણ થઈ. તેથી પ.પૂ. સ્વામીશ્રીએ કીર્તિભાઈ સાથે ફોન પર વાત કરી.
હરિકૃષ્ણના કુશળ સમાચાર પૂછતાં તેમણે બધી વાત કરી.
તેથી પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “તમારી શું ઇચ્છા છે ? હરિકૃષ્ણને રાખવો છે કે ધામમાં લઈ જવો છે ?”
કીર્તિભાઈ ખૂબ સમજણવાળા અને નિષ્કામ ભક્ત હતા. તેથી કહ્યું, “દયાળુ, મહારાજની જેમ મરજી હોય તેમ કરો.”
તેમની સમજણની દૃઢતા જોઈ રાજી થઈ પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “બાપજી ! આપણે હરિકૃષ્ણને રાખવાનો છે. આપ દયા કરી આશીર્વાદ આપો. એમને એકનો એક દીકરો છે. એમની તો ઇચ્છા નથી પણ આપણે રાખવો છે.”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી આશીર્વાદ વરસાવતાં બોલી ઊઠ્યા, “અરે હરિકૃષ્ણ તો મહારાજનો છે; અમારો છે. હરિકૃષ્ણને કાંઈ થવાનું નથી. મહારાજ તેને જરૂર રાખશે જ.”
અને એ દિવ્યપુરુષના આશીર્વાદ ને કૃપાથી બીજા જ દિવસથી સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. ચોથે દિવસે તો તેઓ ભાનમાં આવી ગયા.
દસ દિવસ પૂર્ણ થયા ત્યારે ડૉક્ટરો અતિ આશ્ચર્ય અનુભવતાં એક જ શબ્દ ઉચ્ચારવા લાગ્યા, “Oh miracle !!! really miracle !!! (ચમત્કાર... ચમત્કાર) મારા ઘણાં વર્ષોના તબીબી જીવનમાં મેં આવો અકલ્પનીય ચમત્કાર જોયો જ નથી. વિજ્ઞાન આ વાતને સ્વીકારતી જ નથી. પણ મને આજે અદ્ભુત અનુભવ થયો.”
હરિકૃષ્ણનું આયુષ્ય પૂરું થઈ ગયેલું હોવા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ નવું આયુષ્ય આપીને તેના નૂતન જીવનનો પ્રકાશ પાથરી દીધો.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આપેલ “હરિકૃષ્ણને કાંઈ થવાનું નથી” તે વચનો સંપૂર્ણ સાકાર થયાં.
આજે હરિકૃષ્ણભાઈ સંસ્થાના આજીવન ઘરધણીમુક્ત તરીકે સંનિષ્ઠ સેવા કરી રાજીપો કમાઈ રહ્યા છે.
પુષ્પ ૩
પંચમહાલ જિલ્લાના રામાભાઈ માનાભાઈ બારિયા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી નહીં. અને એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ વિરોધી ને ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પણ સંપૂર્ણ અભાવ.
તેઓ મુંબઈ એરપૉર્ટ પર નોકરી કરતા. એક દિ’ અચાનક તેઓ બીમારીમાં સપડાયા.
તેથી મુંબઈની મોટામાં મોટી હૉસ્પિટલમાં તેઓને ઍડમિટ કરવામાં આવ્યા. પણ બીમારી એટલી ભયંકર હતી કે હૉસ્પિટલના મોટામાં મોટા નામાંકિત ડૉક્ટરોએ પણ આ કેસમાંથી પોતાના હાથ ઊંચા કરી દીધા.
રામાભાઈને ઑક્સિજન પર રાખ્યા હતા. તેઓના સંબંધીઓમાં એક આપણા સત્સંગી.
તેઓને આ રામાભાઈની હાલત જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી યાદ આવ્યા. ને તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને ફોન કરી, રામાભાઈની જીવનરક્ષા માટે દીનભાવે પ્રાર્થના કરી.
ત્યાં તો ‘સાગર જેવાં દિલડાં જેનાં...’ એવા એ દિવ્યપુરુષ બોલ્યા, “કશું જ નહિ થાય, ચિંતા ન કરશો. મહારાજ બધાં જ સારાં વાનાં કરી દેશે. તમે એટલામાં જોડે કોઈ સ્વામિનારાયણ મંદિર હોય તો ત્યાંથી મહારાજની પ્રસાદી અને કંઠી મેળવી લો. ને પછી રામાભાઈને મહારાજની અભયવર આપતી વરમાળા કહેતાં કંઠી પહેરાવી દેજો ને થોડી પ્રસાદી આપજો. અમે અહીં ઠાકોરજીને એમની રક્ષા માટે પ્રાર્થના કરીશું.”
ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આપેલ રક્ષાવચન મુજબ પેલા સત્સંગીભાઈ હૉસ્પિટલ નજીકના સ્વામિનારાયણ મંદિરમાં જઈ કંઠી ને પ્રસાદી લઈ જેવા તે હૉસ્પિટલમાં પ્રવેશ્યા ત્યાં તો રામાભાઈનો પચાસ ટકા રોગ આપોઆપ મટી ગયો.
પછી કંઠી પહેરાવી ને પ્રસાદી આપી ત્યાં પેલા ભાઈ બે-ત્રણ દિવસમાં સાવ સાજા-સારા થઈ ગયા.
પછી તો રામાભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન માટે વાસણા મંદિરે આવ્યા ને એ દિવ્યપુરુષના ચરણોમાં ઢળી પડ્યા ને અગાઉ થયેલા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અપરાધ અંગે ક્ષમા પણ યાચી.
પુષ્પ ૪
એક હરિભક્તને પોતાની સાત વીઘા જમીન વેચવી હતી.
આ માટે તેઓએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને નમ્રભાવે પ્રાર્થના કરતાં કહ્યું, “બાપજી... સેવકની સાત વીઘા જમીન છે. સાત વીઘાના અત્યારે પાંચ લાખ રૂપિયા આવે એમ છે, આપ રાજી હો તો વેચીએ કે પછી શું કરીએ ?”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “અત્યારે જમીન વેચવાની નથી. અમે તને જ્યારે જણાવીએ ત્યારે જ વેચજે. આ જમીનના ભાવ ખૂબ સારા આવશે.” હરિભક્તે બાપજીનાં વચને પોતાના સંકલ્પને માંડી વાળ્યો.
પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વર્ષો પછી જ્યારે વેચવાનું કહ્યું ત્યારે એક વીઘાના સાડા ચાર લાખનો ભાવ આવ્યો.
આવા તો એક નહિ, દરેક હરિભક્તના અનુભવનો પ્રસંગ હશે જ કે એમના મુખે અપાયેલાં આશીર્વાદ કે વચન મહારાજના સંકલ્પે જરૂર સાકાર થયાં જ હોય.